સંબંધોમાં પ્રેમ ખૂબ જરૂરી છે અને નહીં કે આકર્ષણ! આકર્ષણ તો પહેલું પગથિયું છે. પહેલાં પગથિયાં પર ક્યાં સુધી ઊભાં રહેવાનું? આકર્ષણ છે ત્યાં ઉગ્રતા પણ છે અને પ્રેમ છે ત્યાં સમર્પણ છે. તો પહેલાં પગથિયાં પરથી આગળ વધવું પડશે અને જે પ્રાપ્ત થાય છે તે છે પ્રેમ! આશ્ચર્યની વાત છે કે ઘણાં લોકો કહે છે, “મને કંટાળો આવે છે એકધારા જીવનથી, બોર થવાય છે અને એટલે મારે કોઈ સંબંધ ની જરૂર છે.” વિચારો, જો તમને ખુદને તમારી સંગત કંટાળાજનક લાગે છે તો બીજાં તો તમારાથી કેટલાં બોર થશે?
તો કંટાળાની સ્થિતને નિવારવા માટે કોઈ સંબંધ ન બાંધો. થોડા દિવસ, નવા સંબંધમાં નાવીન્ય, રહસ્ય, રોમાંચ રહેશે. પરંતુ થોડાં જ સમયમાં તમે એકબીજાંને જાણવા લાગશો અને ફરીથી કંટાળાની સ્થિતિ ઊભી થશે. સંબંધ તમને બોજરૂપ લાગશે, કારણ એ સંબંધમાં કોઈ ગહેરાઈ નથી. તો પહેલાં તો તમારી અંદરની નિરસતાને, કંટાળાને દૂર કરો. તમારાં મનને સમજો. શાંત અને સ્થિર થઈ જાઓ.
રિલેશનશીપને સુંદરતા સાથે જાળવી રાખવા માટે, ગત સપ્તાહ દરમ્યાન જોયું તેમ, સૌથી અગત્યનું પહેલું પગલું છે પોતાની જાત સાથે તાદાત્મ્ય સાધવું!
એ જ રીતે આપણે જોયું કે આ ત્રણ ચાવીઓનો ઉપયોગ કરવાનો છે: પ્રથમ ચાવી: પ્રેમમાં વિશાળ દ્રષ્ટિકોણ રાખો, બીજી ચાવી: આપતાં રહો અને પાર્ટનરને પણ તમારા માટે કશું કરવાનો મોકો આપો, પરસ્પર આદાન-પ્રદાન રાખો અને ત્રીજી ચાવી: તમારા પાર્ટનરને સ્પેસ આપો, ખિલવાની મોકળાશ આપો.
અને હવે વાત કરીએ, સુંદર સંબંધ જળવાય તે માટેની માસ્ટર-કી શું છે? માસ્ટર-કી છે, રિલેશનશીપને જ જીવનનું મુખ્ય ધ્યેય ન સમજો. વ્યવહારની ભાષામાં કહીએ તો રિલેશનશીપ મુખ્ય ભોજન-મેઈન કોર્સ નથી, તેને માત્ર મીઠાઇ-ડેઝર્ટ ની જેમ સમજો. જો તમારાં જીવનમાં કોઈ ચોક્કસ ધ્યેય છે અને તેને પ્રાપ્ત કરવા માટે તમે સતત એ દિશામાં આગળ વધી રહ્યા છો તો રિલેશનશીપ સાથે સાથે જળવાઈ જશે. તેને સાચવવા માટે અલગથી પ્રયત્નો નહીં કરવા પડે. જો તમારું સમગ્ર ધ્યાન-ફોકસ માત્ર રિલેશનશીપ જાળવવા ઉપર જ છે તો, હું કહું છું કે એ રસ્તો યોગ્ય નથી. માત્ર રિલેશનશીપ ઉપર ધ્યાન રાખવાથી તો વાત ઉલટાની બગડી જાય છે. મેઇન કોર્સની જગ્યા એ તમે ડેઝર્ટ નહીં ખાઈ શકો. તો તમારાં જીવનમાં કોઈ સુંદર ધ્યેય રાખો અને બંને નું એક જ ધ્યેય હોય તો એ તો સર્વોત્તમ! તમે અને તમારા સાથી જો એક જ ધ્યેય રાખીને એ દિશામાં આગળ વધો છો, તો રિલેશનશીપ હમેશા સ્વસ્થ અને ઊર્જાવાન રહેશે જ, એમાં કોઈ જ શંકા નથી.
જો તમે સેવા માટે, અન્ય વ્યક્તિનાં ભલાં માટે, સમાજના ઉત્થાન માટે જો યોગદાન આપો છો તો તમારી અંદર એટલો બધો પ્રેમ પ્રકટ થશે, અને બંને પાર્ટનર જો સેવાનાં ધ્યેય તરફ આગળ વધશે તો રિલેશનશીપ તો આપમેળે જ નીખરી ઉઠશે કોઈ ખર્ચ વગર, અને સમાજનું પણ ભલું થશે. એક જ ધ્યેય, એક જ પથ રિલેશનશીપને નવી જ ઊંચાઈ આપશે. તમારાં વ્યક્તિત્વમાં એક ગહનતા અને વિશાળતા પ્રગટશે. પ્રેમ વ્યક્ત કરવા વધુ પડતું બોલવાની જરૂર નહીં રહે. તમારી ઉપસ્થિતિ, તમારું મૌન જ ખૂબ બધું કહી દેશે. તમારો ચાર્મ કૈંક અલગ જ હશે.
ભગવાન બુદ્ધને તેમનો પરમ શિષ્ય આનંદ એ જ કહે છે: બુદ્ધ, હું આપને છેલ્લાં ૪૦ વર્ષથી જોઈ રહ્યો છું, અને પ્રતિદિન આપ વધુ ને વધુ મોહક બનતા જાઓ છો. હું સમજી નથી શકતો, પ્રતિ ક્ષણ આપ નૂતન કઈ રીતે રહો છો! તો મોહકતા, નૂતનતા આપણી ચેતનાનો સ્વભાવ છે. આપણું મન કોઈ સ્થિર ખાબોચિયું નથી. એ તો ધસમસતી નદી જેવુ તાજગીપૂર્ણ છે. મનને વર્તમાનમાં જ રાખો, ભૂતકાળ ને યાદ કરીને દુ:ખી ન થાઓ અને ભવિષ્ય વિષે વિચારીને ચિંતાતુર ન થાઓ. અને જુઓ કે તમારું આકર્ષણ અગાધ છે.
પ્રેમ સમયની પરે છે. પ્રેમ આપણો સ્વભાવ છે. આપણો સ્ત્રોત છે. મૌન થઈ જાઓ અને જુઓ કે તમારી મોહકતા અમર્ત્ય છે. તમારો પ્રેમ અસીમ છે, કોઈ શરતોને અધીન નથી. તમારી ઉપસ્થિતિનાં કણ-કણમાં થી પ્રેમ છલકે છે. તમે સાક્ષાત પ્રેમ સ્વરૂપ છો. ચેતનાની આ અવસ્થા સેવા અને ધ્યાન થી સહજપણે પ્રાપ્ત થાય છે. રિલેશનશીપ મધુર બનાવવા તમારે કોઈ જ પ્રયત્નો કરવાની પછી જરૂર રહેતી નથી. કોઈ જ પ્રયત્નો વગર જીવન સરળ, મધુર, પ્રેમમય અને પ્રચુરતાપૂર્ણ બની ઉઠે છે. બસ, તમારી અંદરના બુદ્ધ પ્રત્યે સજગ બની જાઓ! એ સૌથી સરળ છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)