સુખ-સુવિધાનો મૂળભૂત આધાર પ્રતિબદ્ધતા

મહદંશે જીવનમાં તમે સુવિધા મેળવવા ઈચ્છો છો, ખરું ને? શા માટે તમને પૈસા જોઈએ છે? કમ્ફર્ટ-સુવિધા, સગવડતા માટે. તમારી કોઈ પણ આવશ્યકતા અંતે એક જ જગ્યા એ પૂર્ણ વિરામ પામે છે: તે છે સુવિધા! સુખ-સુવિધાનાં પણ અલગ અલગ સ્તર છે. પહેલું છે, ભૌતિક-દૈહિક. તમે ખુલ્લા મેદાનમાં લીલાં ઘાસ પર બેઠા છો, અને તમને લાગે છે કે એક ગાદલું મળી જાય તો કેવું સારું! આ શારીરિક સુવિધાની વાત છે. ત્યાર પછી આવે છે માનસિક સુવિધા. જે વધુ અગત્યની છે.

તમારું ઘર ખુબ સગવડો ધરાવે છે પણ જો તમારું મન શાંત નથી, તો તમે સારામાં સારા પલંગ અને ગાદલા પર પણ નિરાંતે ઊંઘી નહીં શકો. ત્રીજું છે, ભાવનાત્મક સુવિધા, સુખ. તમારી પાસે બધું જ છે, પણ તમારું કોઈ બહુ જ અંગત અને પ્રિય તમારાથી નારાજ છે, તમારી સાથે વાત નથી કરતુ અથવા તમને દુઃખી કરે છે તો તમે ભાવનાત્મક રીતે અશાંત થઇ જાઓ છો. બધી સુવિધા હોવા છતાં તમને ક્યાંય ચેન પડતું નથી. અને ત્યાર પછી છે આધ્યાત્મિક સુખ. આત્મન નિરંતર એક ગહન શાંતિ અને આનંદની અનુભૂતિ કરે છે તે છે આત્મિક સુખ.

આશ્ચર્યજનક રીતે, સુખ-સુવિધાનો મૂળભૂત આધાર પ્રતિબદ્ધતા છે. સૌ સરળ ઉદાહરણ જોઈએ તો એક દૂધવાળો કાર્યનિષ્ઠ છે, પોતાના કામ પ્રત્યે પ્રતિબદ્ધ છે તો તમને રોજ વહેલી સવારે આ સુવિધા પ્રાપ્ત થાય છે. એ જ રીતે, તમારી કાર્યનિષ્ઠા પણ અન્ય લોકો માટે સુવિધાજનક હોવી જોઈએ. ઘણી વખત તમને લાગે છે કે “ઓહ, મેં આ જવાબદારી ન લીધી હોત તો સારું હતું, આને લીધે તો મને બંધન લાગે છે!” તો જુઓ, દરેક જવાબદારી પ્રારંભમાં સરળ નહિ જ લાગે. જો તમે મેડિકલનો અભ્યાસ કરો છો, અને એ પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છો, તો વચ્ચે કઠિન સમય પણ આવવાનો. આવું દરેક ક્ષેત્રમાં છે. ધ્યેય જેટલું ઊંચું, પ્રતિબદ્ધતાની માત્રા પણ એટલી જ ઊંચી રાખવી પડે છે.

તમે જેટલી જવાબદારી લેતાં જાઓ છો, વધુને વધુ પ્રતિબદ્ધ બનો છો, તમારી કાર્યક્ષમતા એટલી જ વિકસે છે. કશું કઠિન કરવા માટે જ પ્રતિબદ્ધતાની જરૂર રહે છે. તમે એવું નથી કહેતાં કે “હું એક ગ્લાસ પાણી પીવા માટે પ્રતિબદ્ધ છું” એ તો તમે અમસ્તું પણ કરવાના છો જ. પણ કંઈ એવું કે જેમાં તમને લાગે છે કે હું માત્ર આટલું જ કરી શકીશ, અને ત્યારે તમે વચનબદ્ધ થાઓ છો, કંઈ કરવા કટિબદ્ધ થાઓ છો, અને તમારી ક્ષમતા વધે છે.

આજે યુવા વર્ગ આત્મનિષ્ઠ બને, તેમનામાં પ્રતિબદ્ધતાનો ગુણ ખીલે તે દિશામાં આપણે કામ કરતાં નથી. ગરીબીનું કારણ પણ આ જ છે. આત્મવિશ્વાસ અને પ્રતિબદ્ધતાના અભાવને લીધે યુવા; સરકાર, સમાજ, માતાપિતા કે અન્ય પર દોષારોપણ કરે છે. પોતાની જાતની જવાબદારી લેવા તેઓ તૈયાર નથી. આના કારણે તેઓ નબળા અને અવલંબિત બની જાય છે. અને આ વાતાવરણમાં તેઓ પ્રસન્ન રહી શકતા નથી.

તો, યુવાનો, જાગો! જવાબદારી સ્વીકારતાં ડરો નહિ! વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. અને સાથે સાથે મન વિશાળ અને ખુલ્લું રાખો. કોઈ જગ્યાએ અટવાઈ જઈને અટકી ન પડો. થોડી મિનિટનું ધ્યાન તમને ગહન વિશ્રામ આપશે. ધ્યાન, સંગીત, અન્ય કલાઓ તમને તમારી જવાબદારીઓને સરળતાથી નિભાવવામાં સહાય રૂપ થશે. સફળતા વિશે બહુ ચર્ચા થાય છે. વાસ્તવમાં, સફળતા એટલે એક વિભાવના, જેમાં તમે તમારી પોતાની ક્ષમતા જાણતા નથી. તમે ક્યારે કહો છો કે મને સફળતા મળી? જયારે તમે કોઈ સીમાને તોડો છો, તમારી પોતાની અપેક્ષા કરતાં કઈં વધુ કરો છો. પણ એ સીમા તમે પોતે જ નક્કી કરી છે કે હું આટલું જ કરી શકું. પોતે જ બાંધેલી સીમાની બહાર જઈને કશું કરો છો તેને તમે સફળતા કહો છો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)