પ્રમાણ: મન હંમેશા પ્રમાણ-સાબિતી ઈચ્છે છે.
વિપર્યય: મન, વાસ્તવિકતા થી ભિન્ન- મિથ્યા જ્ઞાનની દ્રષ્ટિથી બાહ્ય જગતને જુએ છે.
વિકલ્પ: જેનું અસ્તિત્વ જ સંભવ નથી તેવી ખોટી કલ્પનાઓમાં મન રાચે છે, ભયભીત પણ બને છે.
નિદ્રા અને સ્મૃતિ:
|
तत्र स्थितौ यत्नोऽभ्यास: ॥१.१३॥
યોગની સ્થિતિમાં રહેવા માટેનો પ્રયત્ન, તે અભ્યાસ છે.
વર્તમાન ક્ષણમાં, યોગની અવસ્થામાં રહેવા તમે જે કઈં પ્રયત્ન કરો છો તે અભ્યાસ છે. સ્વયંને મનની પાંચ વૃત્તિઓમાં જતાં રોકીને, પુન: પુન: વર્તમાન ક્ષણમાં સ્થિર થવા માટે પ્રયત્નોની જરૂર રહે છે. નિરંતર – આ ક્ષણ- વર્તમાનમાં ઘટિત થઇ રહી ક્ષણમાં રહેવું અને ભૂતકાળની સ્મૃતિઓથી મુક્ત થવું – આ માટે સ્વપ્રયત્ન કરવો પડે છે અને આ પ્રયત્ન એ જ અભ્યાસ છે.
આ માટે કઈ રીતે પ્રારંભ કરી શકાય? તમે દ્રઢ નિશ્ચય કરો કે કોઈ પણ તર્ક નો આશ્રય તમે નહિ લો. આ અભ્યાસથી તમે મનની પ્રથમ વૃત્તિ- પ્રમાણ થી મુક્ત થઇ જશો. તમને કોઈ પણ પ્રકારની સાબિતી જોઈતી નથી, એવો નિર્ધાર કરો. જો મન ક્યારેય પ્રમાણ માંગે છે, તો તેની નોંધ લો. માત્ર નોંધ લો. અવલોકન કરો અને વિશ્રામ કરો. તમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન પણ જોઈતું નથી- સાચું જ્ઞાન, ખોટું જ્ઞાન બંનેમાંથી કઈં પણ તમને જોઈતું નથી. મહદઅંશે, મન જયારે ખોટાં જ્ઞાનમાં ફસાય છે ત્યારે તેને જ તે વધુ દ્રઢતાપૂર્વક સાચું માનવા લાગે છે. તો, મનને કોઈ પણ જ્ઞાનમાં પણ રસ નથી. દ્રશ્ય, ગંધ, સ્પર્શ, અનુભવ, ભાવનાઓ કે સમજ- મન એક પણ ક્રિયામાં પ્રવૃત્ત થતું નથી. બહારનું જગત જેમ છે તેમ જ રહેવા દો.
બહારના જગતની વધુ પડતી સંભાળ ન લો. ન તો કોઈનો ન્યાય કરો. સાચાં-ખોટાનો નિર્ણય ન કરો. સ્વયંને વિપર્યય અને વિકલ્પથી મુક્ત રાખો. મન કોઈ કલ્પનામાં કે તરંગમાં રાચી રહ્યું છે કે શું તે જુઓ. માત્ર નોંધ લેશો કે મન કલ્પના કરી રહ્યું છે, અને તરત જ તે વૃત્તિ નિર્મૂળ થવા લાગશે. જેમ સ્વપ્ન હતું તેમ તમે જે ક્ષણે જાણો છો તે ક્ષણે તમે સ્વપ્નાવસ્થામાંથી બહાર આવી જાઓ છો, તે જ રીતે, મન કલ્પના કરી રહ્યું છે, વિકલ્પ વૃત્તિમાં છે, તે પ્રતિ તમે સજગ થશો કે તરત જ મન તે વૃત્તિ છોડી દેશે. અને મુક્ત થઇ જશે. વર્તમાન ક્ષણ નૂતન, નવીન અને સંપૂર્ણ છે. તમે શુદ્ધ, મુક્ત અને સંપૂર્ણ છો અને વર્તમાનમાં છો તે જાણવું એ અભ્યાસ છે. અહીં તમારું મન કદાચ ભૂતકાળમાં જવા ઇચ્છશે. કોઈ પણ પ્રકારના રાગ-દ્વેષ વગર, તમે જયારે મનની પાંચ વૃત્તિઓમાં થતાં આવાગમન પ્રત્યે સજગ બનતા જાઓ છો તેમ તમે કેન્દ્રિત થાઓ છો, દ્રષ્ટા ભાવમાં સ્થિર થાઓ છો.
પુન: પુન: વર્તમાન ક્ષણમાં સ્થિર થવું તે અભ્યાસ છે. યોગની સ્થિતિમાં રહેવા માટેનો એક ઉપાય અભ્યાસ છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)