આત્મવિશ્વાસ વગર કોઈ કામ સફળ થતું નથી…

જીવન પદાર્થોથી ઘણું ઉપર છે. જીવનનો આધાર માત્ર પદાર્થ જ હોય તો સુખ સુવિધાની કોઈ જરૂર નથી. કેમ કે પદાર્થ કોઈ સગવડતા-અગવડતા, સુંદરતા-કુરૂપતા, પ્રેમ અને કરુણા, આનંદ-દુઃખ આવું કંઈ જ અનુભવવા સક્ષમ નથી. એક ખુરશી ક્યારેય દુઃખી કે સુખી થઇ શકે ખરી? પદાર્થ પાસે આ સૂક્ષ્મ શક્તિ નથી. અનુભવ કરવાની આ સૂક્ષ્મ ક્ષમતા એ અંત:કરણનો ગુણધર્મ છે. પણ જીવન માત્ર અંત:કરણ જ નથી, માત્ર આત્મન પણ નથી. જો એવું હોત તો અન્ન, વસ્ત્ર, આશ્રયની જરૂર જ ન રહે! જીવન પદાર્થો અને આત્મન આ બંનેનું મિશ્રણ છે.

અંત:કરણનો સ્વભાવ કેવો છે? તે મૂલ્યોની અનુભૂતિ અને અભિવ્યક્તિ કરી શકે છે. મૂલ્યો એટલે ભાવનાઓ અને લાગણીઓ, જે શબ્દો દ્વારા વ્યક્ત થઇ શકે તેમ નથી કે બુદ્ધિ દ્વારા સમજી શકાય તેમ નથી. જીવનનાં આધ્યાત્મિક પરિમાણને સમજીને, મૂલ્યોને જીવી જવાં એ આધ્યાત્મિક માર્ગનો હેતુ છે. શાંતિ, પ્રેમ, આનંદ, સૌંદર્ય, અસીમ જ્ઞાન અને મન તથા પદાર્થોને સમજવાની શક્તિ: આવા મૂલ્યો આધ્યાત્મિક માર્ગ પર ચાલવાથી અનુભૂત અને અભિવ્યક્ત થતાં રહે છે.

ચેતનાનો સ્વભાવ છે, વિશ્રાંતિ. તમે જે કંઈ કરો છો, તેનું એક જ ધ્યેય હોય છે, આનંદ અને વિશ્રામ. સામાન્ય રીતે, એવુ માનવામાં આવે છે કે વિશ્રામ માત્ર ભૌતિક પદાર્થોથી, સગવડોથી જ મળી શકે છે. ના, વિશ્રામ એ તો તમારી ચેતનાનો સ્વભાવ છે. અલબત્ત, થોડા અંશે એ પદાર્થ ઉપર આધારિત છે પરંતુ મહદંશે તમારા અભિગમ અને જીવન પ્રત્યેની સમજ જ ઊંડો વિશ્રામ આપે છે.

આત્મતત્ત્વનો મૂળ સ્વભાવ છે, બોધ! તમે સાંભળો છો, સમજો છો અને ગ્રહણ કરો છો. કોણ સમજી રહ્યું છે? કોણ ગ્રહણ કરી રહ્યું છે? એ તમારી ભીતરનું આત્મતત્ત્વ છે. જે જ્ઞાન ગ્રહણ કરી રહ્યું છે. અને આ જ્ઞાન દ્રષ્ટિ, ધ્વનિ, ગંધ, સ્વાદ કે સ્પર્શ થી જ નથી આવતુ, તે તમારી અંદરની પ્રજ્ઞાશક્તિ થી પણ આવે છે.

 

જ્ઞાન એ ચેતનાનો સ્વભાવ છે. ચેતનાના દરેક સ્તર પર જ્ઞાન ઉપસ્થિત હોય જ છે. ચેતનાનું તમે મૂલ્યાંકન કરી શકતા નથી. તે વર્તમાન અને અનંત છે. એ જ રીતે શાંતિ એ પણ ચેતનાનો સ્વભાવ છે. તમે શાંતિ સ્વરૂપ છો, સત્ય છો અને સ્વયં ઉર્જા છો. આત્મતત્ત્વ એ જ ઉર્જા છે અને આત્મતત્ત્વ એ જ જ્ઞાન, જ્ઞાતા છે. ચેતના પ્રેમ છે, તમે પ્રેમ સ્વરૂપ છો. આ સમજણ એ જ આધ્યાત્મિક જીવન છે. આધ્યાત્મિક પરિમાણ વડે જીવન સર્વાંગી સમૃદ્ધ બને છે. આધ્યાત્મિક પરિમાણ વગર જીવન છીછરું રહે છે, અને તમે દુઃખી, પરાવલંબી, નિરાશ અને વ્યથિત રહો છો.

જયારે દરેકના જીવનમાં આધ્યાત્મિક મૂલ્ય ઉમેરાય છે, ત્યારે સમાજમાં પરસ્પર આત્મીયભાવ, જવાબદારી, કરુણા અને માનવજાત પ્રતિ સંભાળ જેવાં મૂલ્યોનું નિર્માણ થાય છે. જાતિ, ધર્મ, રંગ જેવી સીમાઓ પછી રહેતી નથી. માત્ર આધ્યાત્મિકતા દ્વારા જ યુદ્ધો નિવારી શકાય છે. અધ્યાત્મના પથ પર ચાલવુ એટલે જીવનથી ભાગી જવું તેવો અર્થ નથી. તમારી પાસે કંઈ જ કરવા જેવું નથી ત્યારે તમે આશ્રમ જતા રહો છો, તેમ નથી. એ જ રીતે, કઠિન પરિશ્રમથી ભાગવું તે પણ આધ્યાત્મિકતા નથી. બુદ્ધિપૂર્વકનું, અસરકારક કાર્ય અધ્યાત્મના પથ ઉપર ખૂબ જરૂરી છે. જયારે તમે કઠિન પરિશ્રમ કરો છો ત્યારે તમને થાય છે છે કે લોકો તમારા પ્રતિ કરુણા દર્શાવે, પણ વાસ્તવમાં જો તમે બુદ્ધિપૂર્વક કઠિન પરિશ્રમ કરો છો ત્યારે તમારે કોઈની કરુણાની જરૂર હોતી નથી, તમારી કદર થાય એ તમારા માટે પૂરતું હોય છે.

અધ્યાત્મ પથનું બીજું પાસું છે, શાંતિ. એ જાણવું કે શાંતિ તમારો સ્વભાવ છે. કોઈ પણ ક્ષણે, તમે કોઈ સ્થળે બેસીને જતું કરી શકો છો, તમે જાણો છો કે તમારી અંદર એક શુદ્ધ અવકાશ છે, જે વિશાળ અને ગહન છે. આ અવકાશ એ જ તમે છો. આ જાણવું એટલે આધ્યાત્મિકતાના પરિમાણને જાણવું! મારો સ્ત્રોત શાંતિ છે, હું શાંત છું અને મારે શાંતિમાં જ વિલીન થવાનું છે, મારા જીવનનું ધ્યેય માત્ર શાંતિ છે, આ સમજણથી તમારી શોધયાત્રા શરુ થાય છે. અધ્યાત્મનું અન્ય એક પાસું છે, પવિત્રતાનો ભાવ. જયારે તમારી સામે, જીવનમાં કંઈ પણ આવે છે તેના પ્રતિ તમને આદર છે, સન્માન છે અને એક આભારની લાગણી સાથે તમે, જીવનમાં જે કંઈ સામે આવે છે તેનું સ્વાગત કરો છો ત્યારે તમે નિરંતર એક પવિત્ર ભાવનો અનુભવ કરો છો. આ પવિત્ર ભાવ એક સજગતા પ્રેરે છે. ભય, ક્રોધ કે પવિત્રતાની ક્ષણોમાં પણ તમારું મન વર્તમાનમાં હોય છે.

મૌન તમને તરોતાજા બનાવે છે. એ તમારી અંદર ઊંડાણ, સ્થિરતા અને સર્જનાત્મકતા લાવે છે. સેવા તમને દરેક સાથે જોડે છે. સેવાથી જીવનમાં સંતોષ આવે છે. પણ જો મૌનનો અભાવ છે તો સેવા તમને થકવી દે છે. આધ્યાત્મિકતા વગર, સેવામાં તમે લાંબો સમય ટકી શકતા નથી. જેટલું ઊંડું મૌન, તેટલા વધુ તમે કાર્યશીલ બનો છો. જીવનમાં બંને જરૂરી છે. અધ્યાત્મના પથ પર ગુરુની શું જરૂર છે? જેમ તમે તમારાં વસ્ત્રો જાતે બનાવતા નથી, બીજું કોઈ વસ્ત્ર બનાવે છે અને તમે ધારણ કરો છો, તે જ રીતે આધ્યાત્મિક જ્ઞાન, યોગ, ધ્યાન, પ્રાણાયામનું જ્ઞાન ઋષિ મુનિઓની શોધ છે. તો અધ્યાત્મના પથ પર ગુરુની આવશ્યકતા રહે જ છે.

આત્મવિશ્વાસ રાખો. આત્મવિશ્વાસ શંકાઓને નિર્મૂળ કરે છે. જેવી તમારી શંકા વિલીન થાય છે, નકારાત્મકતા દૂર થાય છે, સકારાત્મકતા આપમેળે પ્રગટ થાય છે. આત્મવિશ્વાસ મેળવવા માટે, સંશય શું છે તે સમજવું જરૂરી છે. સંશય હંમેશા કંઈ સકારાત્મક બાબત પ્રત્યે જ ઉઠે છે. કોઈ વ્યક્તિ સારી છે, તેવું કોઈ કહે તો તમને સંશય ઉઠે છે, પરંતુ કોઈ વ્યક્તિ બરાબર નથી તેવું કોઈ કહે તો તેમાં તમે જલ્દી સંશય કરતા નથી. તમારી ક્ષમતામાં તમને વિશ્વાસ નથી હોતો પરંતુ કોઈ કાર્ય તમારાથી નહિ થાય, એ બાબતમાં તમને પૂરો વિશ્વાસ હોય છે. તો, અધ્યાત્મના પથ ઉપર પ્રજ્ઞા અને આંતરિક સ્વાતંત્ર્ય સાથે આગળ ચાલવાનું તમે શીખો છો. શંકા ન કરો, તેમ નહિ! સંશય કરો, થઈ શકે એટલો વધુ સંશય કરો. સંશયથી ઉપર ઉઠો અને જુઓ કે આગળ કેવી પ્રગતિ તમે કરી શકો છો!

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)