નવરાત્રિ! રા એટલે મુક્તિ અને ત્રિ એટલે ત્રિવિધ- ત્રણ પ્રકારનાં દુ:ખ! આધિભૌતિક- સાંસારિક, આધિદૈવિક- દૈવી અને આધ્યાત્મિક-આત્મિક દુ:ખ, આ ત્રણ પ્રકારનાં દુ:ખ રાત્રિ હરી લે છે. નિદ્રાવસ્થા દરમ્યાન કોઈ દુ:ખ સ્પર્શી શકતું નથી. નવ નો એક અર્થ થાય છે સંખ્યા અને બીજો અર્થ છે નૂતન! એક શિશુ નવ માસ પછી જેમ નવો જન્મ મેળવે છે, તેમ નવરાત્રિનો આ સમય અંતર્યાત્રાનો છે. શક્તિની આરાધના દ્વારા ત્રણ પ્રકારનાં દુ:ખોમાંથી મુક્તિ મેળવીને સર્જનાત્મક અને નૂતન બનવાનો સમય છે.
દેવી ભાગવતમાં એક સુંદર કથા છે. શુમ્ભ અને નિશુમ્ભ નામના બે અસુરો દેવી ઉપર મોહ પામે છે અને તેની સાથે વિવાહ કરવા ઈચ્છે છે. ત્યારે દેવી કહે છે કે તે માટે તેમણે યુદ્ધમાં દેવીને પરાજિત કરવાં પડશે. અસુરોને આ શરત ખુબ સરળ લાગે છે, અને તેમના સાથી ધૂમ્રલોચનને દેવી સામે યુદ્ધ કરવા મોકલે છે. દેવી ધૂમ્રલોચનનો વધ કરે છે, ત્યાર પછી ચંડ-મુંડ નામના બે અસુરો દેવીને પરાજિત કરવા યુદ્ધ કરે છે, દેવી તેમનો પણ સંહાર કરે છે, અને અંતે શુમ્ભ-નિશુમ્ભનો પણ દેવી સંહાર કરે છે. આ કથા પ્રતીકાત્મક છે. આપણાં પુરાણો પ્રતીકાત્મક છે. મનની ગહનતાથી માંડીને બ્રહ્માંડની ચેતના સુધીના રહસ્યોનું કથાત્મક નિરૂપણ પુરાણોમાં કરવામાં આવ્યું છે.
શુમ્ભ એટલે પોતાના પ્રતિ ઉઠતી શંકા, આત્મવિશ્વાસનો અભાવ અને નિશુમ્ભ એટલે અન્ય લોકો પ્રત્યે ઉઠતી શંકા! મનોજગતમાં આ બંને અસુર જ છે. જો તમારા મિત્રો કે તમારા ઉપરી તમારા પર બિલકુલ વિશ્વાસ ન કરે, તો તમને કેવું લાગે? અથવા તો કોઈ અગત્યના ઇન્ટરવ્યૂ વખતે તમારો પોતાનો આત્મવિશ્વાસ ડગી જાય, પોતાની ક્ષમતા પ્રત્યે શંકા ઉઠે ત્યારે કેવું લાગે છે? તો શંકા જીવનમાં દુ:ખ લાવે છે, સંચાલન શક્તિ, સર્જનાત્મકતા જેવા ગુણોને અવરોધે છે. અને દ્રષ્ટિકોણ ભ્રાંતિપૂર્ણ, ધૂમિલ બને છે. અને આ વખતે જો તમારી સંગતમાં ધૂમ્રલોચન જેવી વ્યક્તિ છે, ધૂમ્રલોચન અર્થાત જેની આંખો આગળ ધુમાડો છવાયેલો છે અને એટલે તેને સ્પષ્ટ દેખાતું નથી, તો તે તમારા ભ્રમને, ખોટા દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે.
ચંડ એટલે માત્ર મસ્તિષ્ક અને મુંડ એટલે ધડ! ચંડ એટલે માત્ર મસ્તક, અર્થાત માત્ર વિચારો, દલીલો અને ઉગ્રતા! મુંડ એટલે માત્ર શરીર અને મસ્તકનો અભાવ! જેની કોઈ જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા નથી, માત્ર કાર્ય જ કરી શકે! ચંડ અને મુંડ બંને અલગ અલગ છે અર્થાત વ્યક્તિના વિચારોમાં અને તેનાં કાર્યમાં સામંજસ્ય નથી. વ્યક્તિ જો માત્ર મસ્તિષ્કનો આધાર લઈને ચાલે તો તેનામાં વ્યવહારિકતાનો અભાવ હોય છે, તે માત્ર બીજાની આલોચના કરે છે પરંતુ કોઈ કાર્ય કરવા સમર્થ નથી. અને જો વ્યક્તિ જ્ઞાન વગર માત્ર કાર્ય કરે છે તો એ કાર્ય કોઈને ઉપયોગી થતું નથી અને મૉટે ભાગે હાનિ પહોચાડનારું હોય છે. જયારે ઉપવાસ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા વ્યક્તિમાં પ્રાણ શક્તિ રૂપી દેવીનું પ્રકટીકરણ થાય છે, ત્યારે શંકા, અસ્પષ્ટતા, ભ્રાંતિ, ભ્રમણા, નિંદા અને કુતર્ક તથા નકારાત્મક પ્રવૃત્તિઓ જેવા અસુરોનો વિનાશ થાય છે.
એ જ રીતે રક્તબીજ નામના અસુરનો પણ દેવી વિનાશ કરે છે. રક્તબીજ એક એવો અસુર છે કે તેનાં રક્તનાં એક ટીપા માંથી બીજા અનેક અસુરો જન્મે છે. રક્તબીજ ડીએનએનું પ્રતીક છે. વ્યક્તિનું ડીએનએ, એક સૂક્ષ્મ અંશ, તેના પૂર્વજો વિષે અને વંશજો વિષે બધી જ માહિતી આપે છે..જયારે પ્રાણ ઉર્જા રૂપી દેવી પ્રગટ થાય છે ત્યારે ડીએનએના સ્તર થી પણ નકારાત્મકતા નિર્મૂળ થઇ જાય છે.
તો મહિષાસુર કોણ છે? મહિષાસુર જડતા અને પ્રમાદનું પ્રતીક છે. વ્યક્તિમાં ગમે તેટલી વિશેષતા, કુશળતા કેમ ન હોય પણ જો જડતા અને આળસ વ્યક્તિ પર પ્રભાવી બને છે તો જીવન દુર્ગમ બને છે. જયારે પ્રાણશક્તિનું પ્રસ્ફુરણ થાય છે ત્યારે જડતા અને પ્રમાદ દૂર થાય છે. એટલે જ આ શક્તિને દુર્ગા કહેવાય છે. જેના આવિર્ભાવથી અશક્ય લાગતાં કાર્યો પણ સંભવ બને છે.
મધુ અને કૈટભ, જે વિષ્ણુના કાનના મેલ માંથી જન્મેલા અસુરો છે. મધુ એ રાગનું અને કૈટભ એ દ્વેષનું પ્રતીક છે. કાનથી કોઈ વ્યક્તિ વિષે કે સ્થળ વિષે વધુને વધુ સાંભળીએ કે “સુંદર છે, સુંદર છે” તો મોહ ઉત્પન્ન થાય છે. એજ રીતે કોઈના વિષે સાંભળીને જ દ્વેષ પણ ઉત્પન્ન થાય છે. અને રાગ-દ્વેષ મજબૂત બનતા જાય છે. કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે અત્યંત આકર્ષણ હોય કે અણગમો હોય, બંને સ્થિતિમાં ઘટનાઓ અને પરિસ્થિતિઓને સાચી રીતે સમજી શકવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. જેને કારણે યોગ્ય અભિવ્યક્તિ થઇ શક્તિ નથી અને એટલે સર્જનશીલતા, રચનાત્મકતા, મૌલિકતા જેવા ગુણો ખીલી શકતા નથી. પરંતુ શક્તિનો અવિર્ભાવ થતાં જ રાગ-દ્વેષ જડમૂળથી નાશ પામે છે.
તો દેવી નું પ્રાક્ટ્ય એટલે વ્યક્તિની ચેતનામાં પ્રાણ શક્તિનું સંચારણ, ઉર્ધ્વીકરણ! હળવો ખોરાક, પ્રાણાયામ, યોગ, ધ્યાન અને યજ્ઞ દ્વારા આપણી ચેતનામાં દેવી પ્રકટ થાય છે, અને મનોજગતના આ બધાજ અસુરોનો સર્વથા વિનાશ કરે છે. સહસ્ત્રદલ કમળની જેમ આપણી ચેતના ખીલી ઉઠે છે. નવરાત્રિ એટલે નૃત્ય, ભક્તિ અને ધ્યાન વડે આપણી અંદર દિવ્ય પ્રાણ ઉર્જાનું પ્રસ્ફુરણ કરવાનો ઉત્સવ, અંતર્યાત્રાનો અવસર!
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)