જ્યારે પણ તમે આ દુનિયામાં કંઈક મોટું કામ કરવા પ્રયત્ન કરો છો, ભલે તે બીજા માટે હોય તો પણ, વિઘ્નો આવે છે. વિઘ્નો ખૂબ ટૂંકા સમય માટે જ હોઈ શકે છે,પરંતુ તે આવે જરૂર. કંઈક વિશિષ્ટ મેળવવા માટે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે માર્ગમાં આવતા વિઘ્નોને કેવી રીતે પાર કરવા?
મનને સકારાત્મક રાખવું અગત્યનું છે. થોડી રખીયા એકઠી થાય અને અગ્નિને ઢાંકી શકે છે. પરંતુ એક વાર તેને ઉડાડી દઈએ તો અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે અને પ્રકાશમય પણ. તમે એ અગ્નિ જેવા છો. તમારે તમારામાંનો ઉત્સાહ ટકાવી રાખવો પડે. તમારે ભૂતકાળમાં કેટલી સમસ્યાઓ આવી હતી તે યાદ કરો–કેવી રીતે તે બધી આવી અને પછી જતી રહી. એવો સમય પણ હતો જ્યારે તમને લાગતું કે તમે ટકી નહીં શકો,પરંતુ તમે ટકી ગયા હતા! ભરોસો રાખો કે આ સમય પણ નીકળી જશે અને તમારામાં સમસ્યાને પાર પડવા માટેની શક્તિ અને ક્ષમતા છે. તમારા પોતાના ભૂતકાળ તરફ જોતાં અને સમજણથી વિચારતા તમારામાં વિશ્વાસ જાગશે.
ધારો કે તમને શ્રધ્ધા નથી કે આ સમસ્યાઓ સમયસર ઉકેલાશે, તો સમર્પણ કરો, તેનાથી સહાય મળશે. સમર્પણ નબળાઈ નથી દર્શાવતું. હકીકતમાં જે લોકો ખરેખર મજબૂત છે તેઓ જ સમર્પણ કરી શકે છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો કે તે તમને પાર પડવામાં સહાય કરશે. આપણે ઘણી વાર ગુસ્સા અને હતાશામાં કહીએ છીએ કે ‘હું છોડી દઉં છું!’પરંતુ જો તમે ગુસ્સા કે હતાશા વગર અને પ્રાર્થનામય થઈને કહી શકો કે ‘હું આ સમસ્યાને છોડી રહ્યો છું, હું તે ઉકેલી શકું તેમ નથી, ઈશ્વર મને મદદ કરશે’ તો સમજી લો કે તમને હંમેશા સહાય મળશે. વિશ્વાસ રાખો કે તમારા કરતાં ઘણી મોટી શક્તિ તમારી સંભાળ લઈ રહી છે અને તમને મદદ કરવાની છે.
ધારો કે તમે ભગવાનમાં પણ માનતા નથી-“મેં ભગવાનને જોયા નથી. જેને જોયા નથી એમના પર કેવી રીતે વિશ્વાસ કરું?”તો પછી તમારું મન શાંત રાખવા માટે રસ્તા શોધો.એક રીત એ છે કે ચંદ્રને યાદ કરીને કેવી રીતે તેના કિરણો તમારા પર પડી રહ્યા છે તેવું વિચારો.થોડી વાર માટે ચંદ્રને જુઓ. મન ઉપર શાંતિ છવાઈ જશે. તમારે મનને શાંત અને વિસ્તૃત રાખવું જોઈએ જેથી ઉપાયો અને ઉકેલ સુઝે. તમે જોશે કે જો તમે મુશ્કેલીમાં છો તો મન તરત જ ગરમ થવા માંડે છે.પહેલા ગરમ થાય છે અને પછી ગુસ્સો અને હતાશા લાગે છે. ખાતરી કરો કે મનમાં ઠંડક(શાંતિ) છે,તથા પ્રકાશ છે પણ ગરમી નથી.
જો તમને મનને ઠંડુ અને ઉત્સાહી રાખવાનું અઘરું લાગતું હોય તો અન્ય રસ્તો એ છે કે તમે ખૂબ કુશળ છો એવું યાદ રાખો.તમે ઘણી બધી સમસ્યાઓ કુશળતાથી ઉકેલી છે તે યાદ કરો. જ્યારે મન કુશળતાથી કામ કરે છે ત્યારે સમસ્યાઓ સમસ્યા જેવી નથી લાગતી. અવલોકન કરો કે કેવી રીતે એક બાળક જ્યારે તેના પિતા તેનું સાંભળતા નથી ત્યારે કુશળતાથી તેમને સાંભળતા કરી દે છે અને પોતાનું ઈચ્છિત કરાવે છે.
માની લો કે કોઈ કુશળતા નથી.તો કોઈ શાંત સ્વભાવની વ્યક્તિને યાદ કરો, એવી વ્યક્તિ કે જેને જોતાં તમે ખુશ થાવ છો.જ્યારે આપણે દુખી અને ગુસ્સામાં હોય એવી અથવા આપણા જેવી જ ચિંતામાં હોય એવી વ્યક્તિને યાદ કરીએ છીએ ત્યારે આપણે એ પ્રકારના સ્પંદનો ઝીલીએ છીએ અને આપણી સમસ્યાઓ વિશે વધારે ચિંતિત થઈએ છીએ. માટે જ કહેવાય છે કે- ‘પ્રસન્ન વદનમ્ ધ્યાયેત,સર્વ વિઘ્નોપ શાંતયે’
શાંત અને ખુશમિજાજ લોકોને યાદ કરશો તો વિઘ્નો શમી જશે. તમે ખુશ થતા બાળકોને પણ યાદ કરી શકો છો.માટે જ દરેક પૂજામાં સર્વ પ્રથમ ભગવાન ગણેશજીનું આહ્વાન કરવામાં આવે છે. તે ખુશમિજાજ તરીકે જાણીતા છે. જો તમને તેમનામાં શ્રધ્ધા હોય તો તેમને યાદ કરો. નહીંતર તમે શાંત મનવાળા કોઈને પણ યાદ કરો.
જ્યારે નદીના માર્ગમાં પથ્થરો હોય છે ત્યારે નદી વહેવાનું બંધ કરીને ચિંતા કરવા નથી માંડતી. તે તેમના પરથી વહે છે. તે તેના માર્ગમાં આવતા ખડકો પરથી ખળખળ વહે છે ત્યારે વધારે સુંદર લાગે છે. જ્યારે બધું બરોબર હોય અને બધું તમારી અનુકૂળતા પ્રમાણે થતું હોય ત્યારે હસવું એમાં કોઈ વિશિષ્ટતા નથી. પરંતુ જો તમે તમારામાંનું શૌર્ય જાગૃત કરો અને કહો કે,”ગમે તે થાય પણ હું હસતો રહીશ”,તો તમે જોશો કે તમારી પોતાની અંદરથી પુષ્કળ ઊર્જા ઉદ્ભવે છે. અને સમસ્યાનું કોઈ મહત્વ રહેતું નથી; તે બસ આવે છે અને જતી રહે છે.
જીવનનો સમગ્રપણે સ્વીકાર કરો. કેટલાક સારા તો કેટલાક નરસા અનુભવો-એ બધા આવે અને પછી જતા રહે. એ વિશ્વાસ રાખીને આગળ ધપો કે, ‘મને બધા આશીર્વાદ મળતા રહે છે, મારા પર કૃપા વરસી રહી છે,જે શ્રેષ્ઠ છે તે જ મારી સાથે થશે.’
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)