આ પૃથ્વી પર આપે વિતાવેલી પ્રત્યેક ક્ષણનો એક ચોક્કસ હેતુ છે. માત્ર ભોજન, નિદ્રા કે પરસ્પર વાર્તાલાપ માટે આપનું અસ્તિત્વ પૃથ્વી પર નથી, પરંતુ આપ અહીં એક મહાન કાર્ય માટે છો! આ એક સત્ય નિરંતર સ્મૃતિમાં રાખો. પડકારો ઝીલો,“જે આવવું હોય તે આવે,જે થવું હોય તે થાય, હું તો આજે માત્ર હાસ્ય જ રેલાવીશ અને ખુશ રહીશ!” આપણા વિકાસ માટે તેમ જ આપણા જીવનને સુદ્રઢ બનાવવા માટે નિશ્ચિત નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. આ નિયમો ને “યમ”(સામાજિક મૂલ્યો) અને “નિયમ”(વ્યક્તિગત મૂલ્યો) કહે છે. યોગ સાધનાનાં આ બંને પ્રારંભિક સોપાન છે.
યમ: સમાજ અને પર્યાવરણ સાથે સુમેળ સાધીને, શાંતિપૂર્વક રહેવા માટેના પાંચ આચરણ છે:
પ્રથમ : અહિંસા”
આ મુલ્ય થાકી આપ સમગ્ર સૃષ્ટિ સાથે સાયુજ્ય અનુભવો છો. આપ સ્વને પણ હાનિ પહોચાડતા નથી અને અન્યોને પણ હાનિ પહોચાડતા નથી. સૃષ્ટિ જાણે આપનો જ અંશ છે. તેને આપ કઈ રીતે હાનિ પહોચાડી શકો? અહિંસા યોગ સાધના છે, જેમાં સઘળું આપના અસ્તિત્વ સાથે જ સંલગ્ન છે.
દ્વિતીય: ”સત્ય”!
આપ ક્યારેય આપની જાત સાથે અસત્ય બોલતાં નથી. જો આપ પુષ્પહાર ગુંથી રહ્યાં છો, તો આપ એમ નથી કહેતાં કે ના, હું પુષ્પહાર ગુંથી રહ્યો નથી. આપના હાથમાં જો મીઠાઈ છે, તો આપ આપની જાતને એમ નથી કહેતાં કે ના, મારા હાથમાં મીઠાઈ નથી. તો સત્ય આપના માટે અત્યંત સાહજિક છે.
ત્રીજું: ”અસ્તેય “
જે વસ્તુ આપની પાસે આ ક્ષણ પર નથી તેના માટે ખેદ નથી તે છે અસ્તેય! તેમજ, જે નથી તેની ઈચ્છા પણ નથી “મારે તે વ્યક્તિ જેવો અવાજ હોય તો કેવું સારું! હું ઈચ્છું કે હું તે વ્યક્તિ જેવું ગાઈ શકુ! ,હું ઈચ્છું કે હું તે વ્યક્તિ જેવો યુવાન હોઉં તો સારું! હું ઈચ્છું કે હું તેનાં જેવું દોડી શકું તો સારું! હું ઈચ્છું કે હું તે વ્યક્તિ જેટલો બુદ્ધિશાળી હોઉં તો સારું. તો અન્ય સાથે સતત તુલના કર્યા કરવી તે અસ્તેય નથી.
ચોથું: “બ્રહ્મચર્ય”
શરીરના સ્વરૂપ અને બંધારણ પ્રત્યે ઉદાસીનતા એટલે બ્રહ્મચર્ય! ભૌતિક દેહને અતિક્રમીને મન જયારે અનંતતા પ્રત્યે સજાગ થાય ત્યારે બ્રહ્મચર્યનો ઉદય થાય છે. એ ”બ્રહ્મ” નો અર્થ છે વિશાળ! વિશાળતા ભણી પ્રયાણ એ જ બ્રહ્મચર્ય! ”હું નાનો છું, ”હું પુરુષ છું,” ”હું સ્ત્રી છું,” ”હું સારી વ્યક્તિ છું,” હું ખરાબ વ્યક્તિ છું, ”હું સાવ જ નક્કામો છું” આ સઘળું સ્વની વામણી ઓળખ છે.
પાંચમું: “અપરિગ્રહ”
લોકો આપને જે કંઈ પણ આપે છે તેનો અસ્વીકાર એટલે અપરિગ્રહ! શું આપ જાણો છો ? એક આશ્ચર્યની વાત છે કે-મહદઅંશે આપ પ્રશંસા કરતાં અપમાનનો શીઘ્રતાથી સ્વીકાર કરો છો! ખરું કે નહી? મોટે ભાગે લોકો આપનું અપમાન કરતાં નથી હોતાં! તેઓ તો માત્ર પોતાની આ વૃત્તિ બહાર કાઢતાં હોય છે. પરંતુ આપ તરત જ એ અપમાનનો સ્વીકાર કરી લો છો અને એટલું જ નહિ, આપની પાસે સલામત સાચવી પણ રાખો છો! જો કોઈ આપને કચરો આપે છે, ત્યારે વાસ્તવમાં તેઓ પોતાની પાસેથી કચરાને દુર કરવા ઇચ્છતાં હોય છે, આપને આપવા નહિ, પરંતુ આપ આ કચરો ભેગો કરી, લઇ લો છો અને તેનો સંગ્રહ પણ કરો છો! મહદઅંશે લોકો નકારાત્મકતાને પકડવા અને જાળવી રાખવા માટે તત્પર હોય છે.
અન્ય કોઈ પાસેથી કંઈ પણ ના લો! ના અપમાન કે ના પ્રશંસા! અલબત્ત, પ્રશંસા લેવાથી આપ સંતાપ પામતાં નથી, પરંતુ તે આપને ઉન્મત બનાવે છે, જયારે ખરેખર આપણને અસ્વસ્થ કરે છે, તે છે અપમાન અને અવહેલના! તો અન્ય લોકો આપના માટે જે નકારાત્મક અભિપ્રાય આપે છે તેનો સંપૂર્ણપણે અસ્વીકાર કરો! આ જ તો અપરિગ્રહ છે.
નિયમ: વ્યક્તિ ના આંતરિક વિકાસ માટે પાંચ નિયમો જરૂરી છે:
પ્રથમ: “શૌચ”
શૌચ એટલે સ્વચ્છતા! સ્નાન, સુઘડ વસ્ત્રો, અને સ્વસ્થ નિર્મળ શ્વાસ એ શૌચ છે.
બીજું: સંતોષ અને આનંદ
હંમેશા પ્રસન્ન રહો! પ્રસન્ન રહેવા પ્રત્યે આપ પોતે જો સજાગ નહિ બનો, તો સૃષ્ટિમાં અન્ય કોઈ નથી જે આપને પ્રસન્ન રાખશે! અને આપ સતત ફરિયાદ કર્યા કરશો!
એકવાર એક ખેડૂત ફરિયાદ કરતો હતો કે તેનાં ઝાડમાં સફરજનની સારી ઉપજ થતી નથી. પછી એક વર્ષે તેનાં ઝાડમાં સારા સફજન પાક્યા! વળી તે પુષ્કળ પ્રમાણમાં પણ થયા સામાન્ય રીતે ઉપજતિ નીપજ કરતાં ત્રણ ગણ પાક્યા! તો તેણે ફરિયાદ કરવાનું શરુ કર્યું કે, આટલાં સફરજનને ઉતારવા માટે તો કેટલું પુષ્કળ કામ કરવું પડે છે! કેટલાં બધાં તો બગડી જાય છે અને ભાવ પણ સારો ઉપજતો નથી! તો આ ફરિયાદોનો તો કોઇ અંત જ નથી. તેમ છતાં જીવન તો વહેતું જ રહે છે! નદી ની જેમ વહે છે જીવન! આપ આપનું શેષ જીવન ૩૦ વર્ષ, ૪૦ વર્ષ કે ૫૦ વર્ષ કઈ રીતે ગાળવા ઈચ્છો છો? હસતાં, હસતાં? કે પછી પોતાની જાતને દોષ દઇને કે આખી દુનિયાને દોષ દઈને? તો બીજો નિયમ છે-આનંદમાં રહો,સંતોષ થી રહો.
ત્રીજો નિયમ:”તપ”, ધેર્ય અથવા તપશ્ચર્યા
તપસ્યા એટલે એવું કંઈક જે થોડું અસુખ આપે, કઠીન લાગે તેમ છતાં આપ તેનો આનંદથી સ્વીકાર કરો! આ તો ૨૦ માઈલ કે ૨૦ કિલોમીટરની મેરેથોન દોડ પર જવા જેવી વાત છે. આપણને આમાં ભાગના લેવો હોય તો થોડું પણ ચાલવું બહુ કઠીન લાગે, પણ જેણે આમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે, તે કહેશે કે “ કંઈ પણ થાય, હું ૨૦ કિલોમીટર દોડીશ જ”! એ જ રીતે આપ મેરેથોન દોડમાં ચાલો છો અને આપની કાર બગડી છે ત્યારે ચાલો છો, બંને સંજોગોમાં આપ થાક તો સરખો જ અનુભવો છો, પરંતુ જયારે આપ મેરેથોનમાં હોવ તો આપ થાક સાથે,પરંતુ હાસ્ય સહ ઘરે પરત આવો છો: એક આનંદની અનુભૂતિ સાથે ” અરે! વાહ હું મેરેથોન દોડ્યો!” તો, આ તપ છે. સ્વેચ્છાએ સ્વીકારેલી તપસ્યા છે. છત્રી હોવા છતાં આપ વરસાદમાં પલળો છો, તે તપસ્યા છે, સ્વેછા એ સ્વીકારેલી કઠિનાઈ એ તપસ્યા છે.
ચોથો: સ્વ-અભ્યાસ-“સ્વાધ્યાય”
આપના મનનું નિરીક્ષણ કરો. તે કેવી રીતે વર્તી રહ્યું છે, તેને સારું લાગી રહ્યું છે કે ખરાબ લાગી રહ્યું છે, આ બધાનું માત્ર નિરીક્ષણ કરો! નિરીક્ષણ કરતાં રહેવાથી અપ્રસન્નતાનો ભાવ તરત જ આનંદમાં પરિવર્તિત થઇ જશે! તો પોતાનાં મનનું નિરીક્ષણ કરવું તે સ્વાધ્યાય છે.
પાંચમો નિયમ: “ઈશ્વર પ્રણિધાન”
ઈશ્વર માટે નો પ્રેમ, ઈશ્વરની શરણાગતિ. એ છે ઈશ્વર પ્રણીધાન! જયારે ઘટનાઓ, પરિસ્થિતિઓ આપના નિયંત્રણમાં નથી હોતી ત્યારે આપ કહો છો કે “ હે ઈશ્વર! માત્ર તારો જ આશ્રય છે! પ્રભુ, મારાં સઘળાં દુ:ખો તું દુર કરી દે! “તો આર્દ્રતા પૂર્વકનું સમર્પણ એ છે ઈશ્વર પ્રણીધાન!
આ દસ નિયમોનું પાલન એટલે એક સુંદર, પૂર્ણ અને દ્રઢ જીવનની પ્રાપ્તિ!
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)