अथ योगानुशासनम् ॥१.१॥ “હવે યોગ શિક્ષાનો પ્રારંભ કરીએ!”
શાસન એટલે અન્ય વ્યક્તિ આપને નિયમબદ્ધ કરે છે. અનુશાસન એટલે આપ સ્વયં નિયમ પાલન કરો છો. આપ આ ભેદ જોઈ શકો છો? હવે, યોગને શિક્ષા શા માટે કહે છે? અનુશાસનનું, યોગમાં શું મહત્વ છે?
તો જયારે આપને તરસ લાગે છે અને આપ પાણી પીવા ઈચ્છો છો, ત્યારે આપ શું એમ કહો છો કે” ઓહ! આ નિયમ છે. હવે મારે પાણી પીવું જ પડશે.” ના! જયારે આપને ભૂખ લાગે છે ત્યારે આપ ભોજન સહજપણે જ લઇ લો છો. આ માટે કોઈ નિયમની આવશ્યકતા નથી. અહીં કોઈ પ્રકારનાં શિસ્તની જરૂર નથી.
અનુશાસન ક્યારે અનિવાર્ય બને છે?
જે પ્રવૃત્તિ એવી આકર્ષક નથી કે તેનો પ્રારંભ સરળતાથી થઇ શકે, તે પ્રવૃત્તિ કરવા માટે અનુશાસન આવશ્યક બની રહે છે. જયારે આપ શાંત છો, ખુશ છો ત્યારે આપમેળે જ કેન્દ્રિત છો. અને આ સ્થિતિમાં રહેવા માટે કોઈ અનુશાસનની જરૂર નથી. પરંતુ મન જયારે અતિશય ચંચળ બનવા લાગે ત્યારે તેને સ્થિર અને શાંત કરવા માટે અનુશાસનની જરૂર રહે છે. અને અનુશાસનનું ફળ હંમેશા મધુર, આનંદપૂર્ણ હોય છે. એક મધુપ્રમેહ ધરાવનાર વ્યક્તિ ખાંડ નો ત્યાગ કરે છે તે અનુશાસન છે.
ત્રણ પ્રકારના આનંદ વર્ણવ્યા છે:
|
તામસિક પ્રકારના આનંદ માટે કોઈ જ અનુશાસનની જરૂર નથી. ખોટી દિશામાં રાખવામાં આવતું અનુશાસન, રાજસિક આનંદ પ્રેરે છે. પરંતુ સાત્વિક આનંદ માટે શરૂઆતથી જ અનુશાસનની જરૂર રહે છે. હા, એવું નથી કે આ અનુશાસન હંમેશા કઠિન જ હોય, પરંતુ કઠિન સંજોગોમાં પણ અનુશાસન જાળવી રાખવું તે અત્યંત આવશ્યક છે. એટલે જ મહર્ષિ પતંજલિ વર્તમાન ક્ષણમાં અનુશાસનનો પ્રારંભ કરવાનું કહે છે : अथ – હવે – જયારે કઈં સ્પષ્ટ નથી, આપનું હૃદય પણ વિચલિત છે, ત્યારે- આ જ સમય છે, જયારે સ્વયં પર અનુશાસન રાખવું પડશે.
આ નિયમો અન્ય કોઈએ આપણા પર નાખ્યા નથી. આ નિયમોનું પાલન કરવાનું આપણે પોતે નક્કી કર્યું છે. આપણે જ આપણા પર કેટલા બધા નિયમો લાગુ કર્યા છે, નહીં ? રોજ સવારે ઉઠીને દંતમંજન કરીએ છીએ, ફરી રાત્રે સૂતી વખતે પણ દંતમંજન કરીએ છીએ. આ અનુશાસન છે. આવું આપણે બાળપણથી કરીએ છીએ. પરંતુ જયારે આપ નાના હતા, ત્યારે માતા એ આ નિયમોનું પાલન કરાવ્યું હતું. પરંતુ એક વખત, જેવી આપનામાં એ સમજ આવી કે આ પોતાનાં ભલાં માટે છે, સ્વાસ્થ્ય માટે છે પછી નિયમિત દંતમંજન એ, આપની માતાનો નિયમ ન રહેતાં, આપનો પોતાનો સ્વતંત્ર નિર્ણય અને નિયમ બની ગયો છે. સ્વચ્છ રહેવું, વ્યાયામ કરવો, ધ્યાન કરવું, શાંત અને કરુણામય રહેવું : આ બધા જ નિયમો આપે અપનાવ્યા છે તે અનુશાસન છે.
યોગ એટલે સ્વયંના સ્ત્રોત સાથેનું સંયોજન! પોતાના કેન્દ્ર સાથે, સ્ત્રોત સાથે જોડાવું ક્યારે શક્ય બને? જયારે, સતત બોલ્યા કરતું મન અચાનક મૌન બને છે ત્યારે યોગ સંભવ બને છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)