तप: स्वाध्यायेश्वरप्र्णिधानानि क्रियायोग:। વિપરીત પરિસ્થિતિઓમાં સમત્વ રાખવું તે તપ છે. “હું કોણ છું? જગતનું અસ્તિત્વ શા માટે છે? શું આ બધું શાશ્વત છે?” આ પ્રશ્નો પર ગહન વિચાર કરવો તે સ્વાધ્યાય છે. તપ તમને શુદ્ધ કરે છે.
સ્વાધ્યાયથી શું પ્રાપ્ત થાય છે?
સ્વાધ્યાયથી આપણી ભીતર રહેલાં ઈશ્વરીય તત્ત્વ સાથે સંધાન થાય છે. સ્વાધ્યાય માનસિક અને ભાવનાત્મક દોષોને દૂર કરે છે. અનિશ્ચિતતા, ભય અને વ્યગ્રતાને સંપૂર્ણપણે નિર્મૂળ કરે છે. અને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ આ પ્રક્રિયાને પૂર્ણ કરે છે. પ્રેમ વગર સ્વાધ્યાય ખૂબ શુષ્ક બની જાય છે. સમર્પણની લાગણી વગર સ્વાધ્યાયની પ્રક્રિયા આકર્ષક બનતી નથી. પ્રેમ અને ભક્તિ વગર અધ્યાત્મનો માર્ગ નીરસ બની જાય છે. ખાંડ વગરની મીઠાઈ જેવો બની જાય છે.

ક્રિયા યોગનું ત્રીજું પરિમાણ છે, ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રતિ, સર્વોપરી સત્તા પ્રતિ સમર્પણ! તમે કેટલુંક જાણો છો, કેટલુંક જાણતા નથી. જે જાણો છો તેનું અને જે નથી જાણતા તેનું સમર્પણ કરી દો. સમર્પણથી ઊંડો વિશ્રામ મળે છે. વાસ્તવમાં માત્ર સમર્પણથી જ ઊંડો વિશ્રામ મળે છે. ઈશ્વર પ્રત્યે પ્રેમ અને સમર્પણ ભાવ આપણી અંદર કઈ રીતે ખીલે? પહેલા તો ઈશ્વરને પોતાનાથી ભિન્ન- પૃથક જોવા પડે. સમર્પણ માટે બે ની જરૂર પડે છે. જયારે તમે એ અનુભૂતિ કરો કે, તે પરમાત્મા સર્વ ગુણ સંપન્ન છે, ગુણોનો ઈશ છે અને તમે કઈં જ નથી, અને આ હું કઈં જ નથીની ભાવના તમને ઈશ્વર સાથે જોડે છે. જે ઈશ્વર છે, તે જ હું પણ છું તે સમજવા લાગે છે. આ આખું બ્રહ્માંડ ઈશ્વરનું છે, તમારું શરીર ઈશ્વરનું છે, તમારું મન પણ, પોતાના સઘળા સંઘર્ષ અને પોતાની નિતાંત સુંદરતા સાથે ઈશ્વરનું જ છે. આ સમર્પણથી તમે તમારા સ્ત્રોત તરફ પાછા ફરો છો.
ઈશ્વર પ્રણિધાન, સમાધિની અવસ્થાનો અનુભવ આપે છે. ધૂપ, દીપ કે પુષ્પો ચડાવવા તે મહાન કૃત્ય નથી. તમારાં શરીરની એક એક કોષિકા, તમારાં જીવનની પ્રત્યેક ક્ષણ, તમારો એક એક શ્વાસ, સારો-ખરાબ એક એક વિચાર આ બધું ઈશ્વરને સમર્પણ કરો. તમારી વાસનાઓ, નકારાત્મકતાઓનું સમર્પણ કરો. તમારા સદગુણો અને સકારાત્મકતાનું પણ સમર્પણ કરો. નકારાત્મકતાનું સમર્પણ કરવાથી તમે મુક્ત થઇ જાઓ છો અને સકારાત્મક સદગુણોનું સમર્પણ કરવાથી પણ તમે મુક્ત થઇ જાઓ છો. એ સદગુણોને લઈને તમારી અંદર અહંકાર ઉત્પન્ન થતો નથી. નહીંતર તમારા સદગુણો તમને અભિમાની બનાવે છે.

તમને લાગે છે કે તમે વિશિષ્ટ છો. તમે એ જ રીતે વ્યવહાર કરો છો. જયારે તમારા અવગુણો તમારી અંદર હીન ભાવના જન્માવે છે. તમે પોતાને અન્યથી નીચા-ઓછા સમજો છો. અને જયારે તમે આ હીન ભાવનાથી પીડાઈને ઈશ્વરથી દૂર થવા લાગો છો, પછી તમે ઈશ્વર સાથે કોઈ પણ રીતે સંધાનનો- ઐક્યનો અનુભવ કરી શકતાં નથી. તમારે જ ઈશ્વર સાથે સામીપ્ય અનુભવવાનું છે. દરેકની સાથે નિકટતાનો અનુભવ કરવો તે તમારા જ હાથમાં છે. અન્ય વ્યક્તિ તમારી સાથે નિકટતા ન અનુભવે તો કઈં નહીં, તમે તેમને પોતાના માનો. તમારા પોતાના મન, તમારી પોતાની જાત સિવાય બીજું કોઈ જ તમને એ ખાતરી નહીં આપી શકે કે તમે ઈશ્વરથી કેટલા સમીપ છો.

આ જ રીતે ગુરુ/શિક્ષકની પણ તમે નિકટ છો એમ માની ને જ ચાલો. કોઈ તુલના ન કરો. ગુરુ બીજાની સાથે વાત કરે છે, મારી સાથે નથી કરતા એટલે અન્ય વ્યક્તિઓ તેમની નજીક છે અને હું નથી તે માત્ર ભ્રાંતિ છે. ઈશ્વરનું સામીપ્ય અનુભવો, માનીને ચાલો કે તમે ઈશ્વરને ખૂબ પ્રિય છો અને આટલું કરવાથી તમે જે ચાહો છો તે થવા લાગશે. તમે જે બીજ વાવો છો તે ઉગે છે. જો તમે એમ માનશો કે હું બિન ઉપયોગી છું, બેકાર છું, હું બરાબર નથી તો તેની વૃદ્ધિ થવા લાગશે. મોટેભાગે ઘાસ અને અન્ય બિન ઉપયોગી વનસ્પતિને ઉગવા પાણીની પણ જરૂર હોતી નથી. ઉપયોગી, કિંમતી છોડનું જતન કરવું પડે છે. તમારા મન-ઉપવનમાં નકામા વિચારો, શંકાઓના બીજ પ્રતિદિન પડયા કરે છે, તમે તેને રોપતા નથી છતાં પણ નકારાત્મકતાના બીજ ઉગવા માંડે છે. સ્વાધ્યાયથી, ઈશ્વર પ્રણિધાનથી તમે નકારાત્મકતાના નકામા છોડને નિર્મૂળ કરી ફેંકી દઈ શકો છો, અને સકારાત્મકતાનું જતન કરી શકો છો.

તો, तप: स्वाध्यायेश्वरप्र्णिधानानि क्रियायोग:।- તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ ક્રિયા યોગ છે. પરંતુ આ બધું જ સાક્ષીભાવથી કરો, કર્તા ભાવથી નહીં. જાણે તમે કઈં જ કરી રહ્યા નથી, બધું થઇ રહ્યું છે અને તમે માત્ર સાક્ષી છો. મૌન સાક્ષી છો. તમારી અંદર એક ગહનતા છે, એક મૌન છે જે નિશ્ચલ છે, અપરિવર્તનશીલ છે. આ મૌન સ્થાનમાં બધી જ ક્રિયાઓ ઘટિત થયા કરે છે. પ્રત્યેક અણુ પોતાના ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે, બધા જ ગ્રહો પણ પોતાની કક્ષામાં ભ્રમણ કરે છે. અને છતાં આ બધું ગહન મૌનમાં થયા કરે છે.

ક્રિયા યોગનો ઉદ્દેશ્ય છે, દુઃખોને દૂર કરવાં અને સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવી! જીવનમાં સંવાદિતા અને સમત્વ જળવાય તે સમાધિ અવસ્થા છે. ક્રિયા યોગ, જીવનમાં આવતા સઘળાં દુઃખોનો જડમૂળથી નાશ કરે છે. અવિદ્યા(અજ્ઞાન), અસ્મિતા( પોતાની જ બુદ્ધિ અનુસાર ચાલવાની જીદ), રાગ (મોહ), દ્વેષ અને ભય આ પાંચ જ કોઈ પણ દુઃખનું કારણ છે. તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન વડે તમે આ પાંચમાથી કોઈ પણ ક્લેશની સાથે સારૂપ્ય અનુભવતા નથી, અને તમે તમારા સ્ત્રોત ભણી જવાની અંતર્યાત્રા શરુ કરો છો. એ સ્થાન કે જ્યાં મૌન, પ્રેમ અને દિવ્યતા છે, અને એ જ તમારો સ્ત્રોત છે!
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
