અરાજકતાની વચ્ચે આંતરિક શાંતિ કેવી રીતે પુનઃસ્થાપિત કરવી?

જીવન વિશેની સમજનો અને સ્પષ્ટતાનો અભાવ આપણી યુવા પેઢીને આત્યંતિક પસંદગી તરફ દોરીને લઈ જઈ રહી છે. યુવાઓ ઘણી ઊંચાઈઓ હાંસલ કરે છે અને ઘણી પડતી પણ અનુભવે છે. તેમને ત્વરિત નિરાકરણ, ત્વરિત પરિણામ જોઈતા હોય છે. તેમને એવું હોય છે કે બધું અત્યારે, આ ક્ષણે, જ થવું જોઈએ! જો યુવાઓ પોતાની આવશ્યકતા અને મહત્વકાંક્ષાને કેવી રીતે પહોંચી વળવું એ નહીં શીખે તો તેઓ ખોટી પસંદગીઓ કે જે અલ્પકાલીન રોમાંચની ખાતરી આપે છે તે માટે લલચાઈ જશે.

આજે યુવાઓ માનસિક બીમારીઓ, હતાશા અને આત્મહત્યાની વૃત્તિથી પહેલા ક્યારેય નહોતું જોવા મળ્યું એટલા પીડાઈ રહ્યા છે. જે સંખ્યામાં યુવા હિંસા અને અપરાધ આચરી રહ્યા છે તે ભયજનક છે અને જે પ્રમાણમાં તેઓ ધુમ્રપાન, મદ્યપાન અને નશીલી દવાઓના તાબે થઈ રહ્યા છે તેનો દર અત્યારે સૌથી ઊંચો છે.

યુવાઓને ઉત્સાહ વધતો રહે એવું જોઈતું હોય છે. આધ્યાત્મિકતા એવી ચાવી છે જે ઉત્સાહને જન્માવે છે, નિભાવે છે અને વધારે છે. આપણા યુવાઓએ એ જાણવું જરૂરી છે કે તેઓ જે માનવતા સાથે જન્મ્યા છે તેને ગુમાવ્યા વગર સર્જનાત્મક અને ઉત્પાદક થઈ શકે છે. તેઓએ એ પણ જાણવું જોઈએ કે તેમનામાં ઘણી ક્ષમતા અને તાકાત છે જેનાથી તેઓ જે ઈચ્છે તે ઉપલબ્ધ કરી શકે છે. તેઓ ભૌતિક સમૃધ્ધિ અને અનુકૂલનની એટલી પરાકાષ્ઠા અનુભવે છે કે જીવન ઉત્તેજનાથી સંતૃપ્ત થઈ ગયું છે. માત્ર ભૌતિક વસ્તુઓ કે આરામદાયક બાબતો વ્યક્તિને ખરેખર અનુકૂળતામાં નથી રાખતી. દરેક વ્યક્તિ sense of નિર્મળતા, સ્થિરતા,આંતરિક શાંતિ અને નિષ્કપટ પ્રેમ ઝંખે છે. આધ્યાત્મિકતા આ તમામ આપી શકે છે.

 

ભારતીય આધ્યાત્મિકતાના મુખ્ય અભિગમમાંનો એક છે સેવા. યુવાઓમાં તાકીદની જરૂરીયાતના સમયે સેવા કરવા માટે પૂરતી ઊર્જા હોય છે. જો વ્યક્તિ સેવાને જીવનનો એક માત્ર ઉદ્દેશ બનાવે છે તો તેનાથી તેના ભય દૂર થાય છે, મનમાં એકાગ્રતા આવે છે, કાર્ય હેતુલક્ષી બને છે અને દીર્ઘકાલીન આનંદ પ્રાપ્ત થાય છે.

આપણા યુવાઓને જે ભય અને હતાશા પાછા પાડે છે તે નાબુદ કરવા આધ્યાત્મિકતામાંનો સેવાનો અભિગમ
અપનાવવો જોઈએ. સેવાથી હંમેશા મોટા ફાયદા મળે છે. તે હતાશા સામે સૌથી અસરકારક ઉપાય છે. જે દિવસે તમને નિરાશાજનક, ત્રાસજનક અને વધારે ખરાબ લાગે ત્યારે પોતાના રુમમાંથી બહાર નીકળો અને લોકોને પૂછો, “હું તમારા માટે શું કરી શકું છું?”. તમે જે સેવા કરશો તે તમારામાં ક્રાંતિ સર્જશે. જ્યારે તમે અન્યોને સહાયરૂપ થવામાં વ્યસ્ત થાવ છો ત્યારે તમને સમજાશે કે ઈશ્વર તમારી બહુ સરસ રીતે સંભાળ લઈ રહ્યા છે અને નિરાશા પ્રેમ અને કૃતજ્ઞતામાં પરિવર્તિત થાય છે. એનાથી વિરુદ્ધ, જ્યારે તમે આવા પ્રશ્નો પૂછો છો કે “શા માટે હું?” અથવા “મારું શું થશે?”તો તમે હતાશા તરફ ધકેલાવ છો.

આજે આપણા યુવાઓમાં રુકાવટ એ સૌથી મોટી સમસ્યા છે. લોકો તેમના વિશે શું વિચારશે તે વિશે તેઓ બહુ ચિંતા કરે છે. એનાથી તેમની નિર્ણય શક્તિ પર ઘણી પ્રતિકૂળ અસર થાય છે. કયા કપડા પહેરવા, કયો મોબાઈલ ખરીદવો જેવા સાવ નાના નિર્ણયોથી લઈને કઈ કારકિર્દી પસંદ કરવી જેવા ખૂબ અગત્યના નિર્ણયોમાંથી મોટા ભાગના નિર્ણયો સમજદારી અને તાર્કિક પસંદગીના બદલે બીજા તેમને વિશે શું વિચારશે એના પર આધાર રાખીને લેવાય છે. પ્રાણાયામ અને ધ્યાન જેવી આધ્યાત્મિક પ્રક્રિયાઓ યુવાઓને આ રુકાવટ દૂર કરવામાં મદદ કરી શકે છે.

મનની વૃત્તિ નકારાત્મકને વળગી રહેવાની હોય છે. એમાંથી મુક્ત થવા યુવાઓએ પોતાની જવાબદારી લેવાની અને પોતાના મન પૂર્વગ્રહથી ભરપૂર નથી થઈ ગયા એની ખાતરી કરવાની જરૂર હોય છે. નકારાત્મક લાગણીઓ સાથે લડશો નહીં કે મિત્રતા પણ કેળવશો નહીં. યુક્તિ,શ્વાસ અને યોગ્ય દ્રષ્ટિકોણથી તમામ નકારાત્મકતા દૂર કરી શકાય છે.
યુવાઓએ જીવનમાં નિષ્ફળતાથી ગભરાવું ના જોઈએ. સ્વીકાર કરી લો:’ઠીક છે, હું નપાસ થવાનો છું. તેથી શું થઈ ગયું? મારે હજી પણ આ ચાલુ રાખવું છે. ‘તમે કોઈ રમત રમતા હોવ એવું આ છે, તમે જીતો કે હારો, તમે રમત રમો છો. એ જ રીતે નિષ્ફળતાથી ડરો નહીં. જો તમે નિષ્ફળ જાવ છો તો મનમાં ના લો, તમારા પ્રયત્નો ચાલુ રાખો.

જીવન બધી બાબતોનું મિશ્રણ છે: નિષ્ફળતા અને સફળતા- તે એકબીજાના પૂરક છે. જો તમે નિષ્ફળ થાવ છો તો તમને સફળતાની કિંમત સમજાય છે, એ આગળ ધપવા માટે એક સોપાન બની રહે છે. તમારે આગળ ધપવું જોઈએ. પોતાની જાતને પૂછો, હું ભૂતકાળમાંથી શું શીખ્યો, અને પછી ભવિષ્ય માટે મારી શું પરિકલ્પના છે? એનાથી તમે તમારા પ્રયાસો ચાલુ રાખી શકશો. એ માટે તમારામાં સમયસૂચકતા હોવી જરૂરી છે અને એને માટે તમારું તનાવમુક્ત થવું જરૂરી છે. ખેલાડી બનો અને નહીં કે કોઈનું પ્યાદું. તમારે ખેલાડી બનવું જ જોઈએ અને પોતાની જાતને સશકત બનાવવી જોઈએ. યાદ રાખો કે તમે જે બધું ઉપલબ્ધ કરી શકો છો અને કબજો મેળવી શકો છો તેના કરતાં જીવન ઘણું વિશેષ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)