શબ્દોથી પરે જઈને ભીતર ડૂબવાની ઘટના

વિદ્વત્તા – જ્ઞાન- ડહાપણ ને શબ્દો થી સમજાવી શકાય નહી. એ તો મૂળભૂત સ્વાભાવ છે. ચેતનાની અવસ્થા છે. બધા જ શબ્દોનો સાર એટલે જ્ઞાન. શબ્દોની પરે જઈને જોવું એ બહુ જ અદભુત અનુભવ છે. જયારે તમે શબ્દોની સીમાને પાર કરી જાઓ છો, જીવનને શબ્દોથી પૃથક કરીને જુઓ છો, ત્યારે તમારાં જીવનમાં અસત્યને સ્થાન રહેતું નથી. આપણે શબ્દોને અર્થ સાથે સંયોજિત કરીએ છીએ અને તેનું વિરૂપણ પણ કરીએ છીએ. જો તમે શબ્દોનું પ્રયોજન ચાલાકી સાથે કરો છો, તો તે અસત્ય બની જાય છે. જો તમે શબ્દો સાથે રમત કરો છો તો તે મજાક બની જાય છે. જો તમે શબ્દો ઉપર આધાર રાખો છો તો તે તમારું અજ્ઞાન છે, અને તમે જયારે શબ્દોને અતિક્રમી જાઓ છો ત્યારે તે જ્ઞાન છે. જ્ઞાન હંમેશા શબ્દોની પરે રહેલું છે. કેટલાક સરળ શબ્દોનું અર્થઘટન સમયની સાથે સાથે તદ્દન બદલાઈ ગયું છે.

 

 

 

 

 

 

 

 

 

અંગ્રેજીમાં એક શબ્દ છે- બ્રેઈન વોશિંગ. તમારાં શરીરને શુદ્ધ રાખવું પડે છે તેમ તમારાં મસ્તિષ્કને પણ સફાઈની જરૂરત રહે છે. અશુદ્ધ મસ્તિષ્ક કે અપવિત્ર મન તમને ગમતું નથી. તો બ્રેઈન વોશિંગ એટલે શુદ્ધ મન, સ્પષ્ટ મસ્તિષ્ક. પણ આ શબ્દને અલગ જ રીતે પ્રયોજવામાં આવે છે. બ્રેઈન વોશિંગમાં ખોટું શું છે? એક શુદ્ધ, સ્પષ્ટ મન અને મસ્તિષ્ક! એ જ રીતે મોહ-ભંગ શબ્દ છે, તેને પણ નકારાત્મક રીતે ઉપયોજવામાં આવે છે. ડીસઈલ્યુઝનમેન્ટ – મોહભંગ- તો આમાં પણ નકારાત્મક કે દુઃખી થવા જેવું શું છે? વાસ્તવિકતા સામે આવવી એ સુંદર ઘટના છે. એ જ રીતે “પુરાણ” શબ્દનો અર્થ થાય છે, નગરમાં જે સૌથી નવું, આધુનિક છે તે” પરંતુ વર્તમાન સમયમાં પુરાણ એટલે ખુબ જૂનું એવો અર્થ લેવામાં આવે છે.

દયા શબ્દ એક સદગુણ તરીકે પ્રચલિત છે. પરંતુ દયા એ આત્મીયતાનો અભાવ સૂચવે છે. એક અંતર સૂચવે છે. તમારાં પોતાનાં પરિવારજન પ્રત્યે તમને દયાની ભાવના હોતી નથી. તમે ક્યારેય કોઈ માતા-પિતાને એવું કહેતાં સાંભળ્યાં છે કે અમે અમારાં બાળકો પ્રત્યે દયા રાખીએ છીએ! ના! દયા તેમના પ્રત્યે હોય છે, જેમને તમે પોતાના માનતા નથી. ક્રોધ, જજમેન્ટ અને સત્તાની લાગણીને તમે દયામાં પરિવર્તિત કરો છો. જયારે તમે કોઈ પાસે દયાની માંગણી કરો છો ત્યારે તમે સ્વાર્થી છો. તમે કાર્ય-કારણના પ્રાકૃતિક નિયમમાંથી છટકવા માંગો છો. દયાની માંગણી સૂચવે છે કે તમારામાં શૌર્ય અને હિંમતનો અભાવ છે. જયારે તમે સૃષ્ટિનાં સર્જનની પ્રક્રિયા અને સર્જનહારમાં શ્રદ્ધા રાખો છો ત્યારે તમે નિરંતર આનંદમાં રહો છો. લઘુ મન પોતાના સ્વભાવનું નિરૂપણ દિવ્ય મન- ગુરુ મન – બ્રહ્માંડીય ચેતના પર કરે છે. પરંતુ ઈશ્વર સઘળું જાણે છે અને સહુને પ્રેમ કરે છે. ત્યાં દયા ભાવનો કોઈ અવકાશ જ નથી. જ્યાં આત્મીયતા છે, ત્યાં દયા હોતી નથી.

અન્ય એક શબ્દ છે- માફ કરવું, માફી આપવી. અહીં પણ અધૂરપ છે. શા માટે, જાણો છો? કારણ, જયારે તમે કહો છો કે હું માફ કરું છું ત્યારે તમે સામી વ્યક્તિને પહેલાં દોષી માનો છો, અને પછી તમે માફ કરવાનો પ્રયત્ન કરો છો. પરંતુ જયારે તમે આવું કરો છો, ત્યારે મનના એક ખૂણે તમે તેમને દોષી તો માનો જ છો અને તેથી જ તમારા ભાવમાં ક્યાંક કૈંક અશુદ્ધિ રહી જ જાય છે. જયારે તમે અન્યમાં દોષારોપણ જ નહિ કરો, તે વ્યક્તિ અત્યારે અજ્ઞાનથી આવૃત્ત છે તેમ સમજશો ત્યારે તમારી અંદર કરુણા પ્રગટશે. પરંતુ જેઓ કરુણા ભાવ સમજી નથી શકતાં તેમને માફી આપવા-માંગવાની ભાષામાં સમજાવવું પડે છે.

એ જ રીતે ઋજુતા. કેટલાંક લોકો કોમળ હોય છે પરંતુ વાસ્તવમાં તે ઋજુતા નહિ પણ ભીરુતા હોય છે. હિંમત અને જોશનો અભાવ તેમને કોમળ બનાવે છે. જયારે એક અન્ય પ્રકારની ઋજુતાનો ઉદય જ્ઞાન અને પરિપક્વતામાંથી થાય છે. જેઓ હિંમત અને જોશના અભાવને કારણે ઋજુ છે તેઓ પીડાનો અનુભવ કરતાં રહે છે. એ જ રીતે, શક્તિશાળી દેખાતાં લોકો પણ બે પ્રકારનાં હોય છે. દ્રઢતાનો અભાવ કે ભયની ભાવનાથી પ્રેરાઈને તેઓ જુસ્સાનો, જોશનો દેખાડો કરે છે. જયારે બીજા પ્રકારનાં લોકો પ્રેમાળ છે, અન્યની સંભાળ લેવા ઈચ્છે છે અને તેથી તેઓ શક્તિશાળી, ડાયનેમિક અભિગમ ધરાવે છે.

ઘણાં લોકો માને છે કે સહન કરવું તે એક સદગુણ છે. પણ સહનશીલતા એક નકારાત્મક શબ્દ છે. તમે સહન ક્યારે કરો છો? જયારે તમારું અણગમતું કઈં થાય ત્યારે તમે સહન કરો છો. સહન કરવું એટલે તીવ્રતાપૂર્વક નાપસંદ કરવું, જે ગમે ત્યારે તિરસ્કારમાં ફેરવાઈ શકે છે. સહનશીલતા એટલે અલગ હોવાની લાગણી, સીમિત ચેતના અને મનની લઘુતા. સહન કરવું એટલે અંદર જ્વાળામુખી ધરબીને રહેવું, સહન કરવું એટલે કશું પકડી રાખવું! તપસ્યા કે આત્મસંયમને ઘણી વખત કઠોરતા સાથે જોડવામાં આવે છે. પરંતુ તપસ્યા એટલે ઉત્સવનો વિરોધ નથી. અને ઝાકઝમાળ કે ભપકો એટલે ઉત્સવ નથી. જે ભીતરથી શ્રીમંત છે તે જ તપસ્યાનું આચરણ કરી શકે છે. જે અંદરથી ગરીબ છે તેને બહારના ભપકા અને આડંબરની જરૂર રહે છે. તપસ્યા વડે મિથ્યાભિમાન થી મુક્તિ મળે છે. પરંતુ તપસ્યાનું અભિમાન કરવું તે ફરીથી આડંબર તરફ વ્યક્તિને દોરી જાય છે.

તો શબ્દોથી અન્યને પ્રભાવિત કરવાના પ્રયત્ન ન કરો અને પોતાની જાતને અભિવ્યક્ત કરવાના પ્રયત્નો પણ ન કરો. જયારે તમે તમારા મૂળ સ્વભાવ સાથે જોડાયેલાં છો ત્યારે તમારે કોઈ અભિવ્યક્તિ કરવાની જરૂર રહેતી નથી, તમારો પ્રભાવ આપમેળે જ અન્ય પર પડે છે, જે યુગો સુધી રહે છે. તમારી જાતને પ્રશ્ન પૂછો: તમે શું છો? શું તમારો વ્યવહાર એ તમે છો? ના! આવું સમજવાની ભૂલ ન કરશો. વાદળ વરસીને દરિયો બને છે તે તો સહજ સહુ જોઈ શકે છે પરંતુ દરિયો ક્યારે વાદળ બને છે તે તો એક રહસ્યમય, ગોપનીય ઘટના છે. તમારો આંતરિક વિકાસ એ દરિયામાંથી વાદળ બનવા જેવી ઘટના છે. સહુ કોઈ તે સમજી નહિ શકે. શબ્દોથી પરે જઈને ભીતર ડૂબવાની ઘટના એ બુદ્ધત્વની શરૂઆત છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)