અસ્તિત્વના સાત સ્તર કયા?

વિચારો ક્યાંથી ઉદભવે છે? આપણે મહાન વિચારકોની પ્રશંસા કરીએ છીએ, પણ આ વિચાર છે શું? તેનું ઉદગમસ્થાન ક્યાં હોય છે? આપણી વિચાર પ્રણાલીને સુધારવી શક્ય છે? વધુ સર્જનાત્મક બનવા માટેના રસ્તાઓ કયા છે? સર્જનાત્મકતા દરેકને આકર્ષે છે. કોઈને હિંસાત્મક તો કોઈને સર્જનાત્મક વિચાર આવે છે. આવું શા માટે બને છે? રચનાત્મકતા ભોજન, વ્યાયામ કે અન્ય કોઈ પાસાં પર આધારિત હોય છે કે શું?

આજે વિશ્વમાં સર્જનાત્મકતાની પ્રક્રિયાને સમજવા માટે સંશોધનો ચાલી રહ્યાં છે. મહાન વિચારકો અને લેખકો એ “ક્રિએટિવ બ્લોક” નો અનુભવ કર્યો છે. જો આપ લેખક છો તો આપે અનુભવ્યું હશે કે આપ પેપર અને પેન સાથે કોઈ સુંદર સ્થળ પર છો, કોઈ પ્રેરણા માટે પ્રતીક્ષા કરો છો. પરંતુ એ સંભવ થતું નથી. સર્જનાત્મકતાનો સ્ત્રોત ક્યાં છે? વિચાર એ ઉર્જા અને મેધા દ્વારા રચાતું એક સ્પંદન છે.

તો આપણે આપણા મસ્તિષ્કને યોગ્ય તાલીમ આપવાની જરૂર છે. આપણા મનને કેળવવું જરૂરી છે. આપ આ વાંચી રહ્યા છો ત્યારે શું આપ સંપૂર્ણપણે માત્ર વાંચનની જ પ્રક્રિયા કરી રહ્યા છો? આપ આપના શત પ્રતિશત આપી રહ્યા છો? જેમ જેમ આપ વાંચી રહ્યા છો, આપના મસ્તિષ્કમાં “હું સહમત છું, હું સહમત નથી” તેવો સંવાદ ચાલી રહ્યો છે, ખરું? આપ આ અવલોકન કરો છો? જે આપણી માન્યતાઓ સાથે બંધ બેસતું નથી હોતું તેને આપણે સ્વીકારતાં નથી. જેના વિશે જાણીએ છીએ તેનો જ સ્વીકાર કરવો અને નથી જાણતાં તેનો અસ્વીકાર કરવો એ મનની વૃત્તિ છે અને આ વૃત્તિ જ સર્જનાત્મકતા માટે અવરોધરૂપ બને છે.

સર્જનાત્મકતાનું બીજું પરિમાણ છે, કલ્પનાશક્તિ. તમે જોશો કે દરેક સર્જનાત્મક વ્યક્તિ પાસે આગવી કલ્પના હોય છે. કલ્પના કરતી વખતે એ સત્ય છે કે આભાસી એવો પ્રશ્ન મનમાં ઊઠતો નથી. જે અવાસ્તવિક દેખાય છે, તેના વિશે વધુ કલ્પના કરવી એ પણ સર્જનાત્મકતાને ખિલવે છે. પહેલાં તો થોમસ આલ્વા એડિસન એ પ્રકાશનું સર્જન કરવાની માત્ર કલ્પના જ કરી હતી. એ જ રીતે ટેલિફોન અને પ્લેનની પણ કલ્પના જ કરવામાં આવી હતી. બધી જ આધુનિક શોધ, કલ્પના અને વાસ્તવિક્તાનું સંયોજન છે. જો માત્ર નક્કર વાસ્તવિકતાનો જ સ્વીકાર કરશો તો પણ તમે સર્જનાત્મક નહીં બની શકો અને માત્ર કલ્પનામાં રાચ્યા કરશો તો પણ તમે સર્જનાત્મક નહીં બની શકો. વાસ્તવિકતા અને કલ્પનાનું સુંદર મિશ્રણ, સર્જનાત્મકતાને જન્મ આપે છે. જીવન પણ આવું જ છે ને. બુદ્ધિ અને ભાવ, અંત:પ્રેરણા વચ્ચેનું સંતુલન એ જીવન છે. અંત:પ્રેરણાનો વિકાસ કરવો તે સર્જનાત્મકતાનું ત્રીજું પરિમાણ છે.

તો જ્યારે સર્જનાત્મકતામાં અવરોધ આવે છે, ત્યારે આ અવરોધોને દૂર કરવાનો ઉપાય કયો? પોતાનાં અસ્તિત્વના સાત સ્તર વિશે અભ્યાસ કરવો તે આનો ઉપાય છે. આપણું અસ્તિત્વ સાત સ્તરથી બનેલું છે. શરીર અને શ્વાસ – આપણે શ્વાસ લઈએ છીએ, ખરું? પણ મોટે ભાગે આપણે આપણા શ્વાસ પ્રત્યે જ સજાગ હોતા નથી. જે આપણા જીવનનું સંચાલન કરે છે, તેના પ્રત્યે જ આપણુ ધ્યાન નથી. આપણા શ્વાસમાં જીવનનાં અનેક રહસ્યો છુપાયેલા છે.

ત્યાર પછી છે, મન: મન ધારણા, અવલોકન અને અભિવ્યક્તિથી બનેલું છે. અસ્તિત્વનું ચોથું સ્તર છે, બુદ્ધિ. જે નિર્ણય લે છે, હા કહે છે, ના કહે છે, સહમત થાય છે, વિરોધ કરે છે. આ બધું બુદ્ધિ વડે થાય છે. અસ્તિત્વનું પાંચમું સ્તર છે, ચિત્ત- સ્મૃતિ. ચિત્તનો સ્વભાવ છે કે તે હમેશા દુ:ખદ પ્રસંગોને વધુ તીવ્રતાથી યાદ રાખે છે. પ્રશંસા કરતા અપમાન વધુ તીવ્રતાથી યાદ રહે છે. ત્યાર પછી છે અહંકાર. વ્યક્તિ જેટલો વધુ જ્ઞાની છે, તેટલો તે અહંકારી બને છે. પોતાની નિર્દોષતા અને સ્મિત એ ખોઈ બેસે છે. મને વધુ ખબર પડે છે: આ વલણ જીવનને ઘણી સુંદર ઘટનાઓથી વંચિત રાખે છે. સહુ સાથે આત્મીયતા રાખવી અને સહજ રહેવું તે સુંદર જીવનની ચાવી છે.

અહંકાર એક સુંદર વ્યક્તિત્વને કુરૂપ કરે છે. આજે સુંદર વ્યક્તિત્વની સાચે જ અછત છે. પુસ્તકાલયમાં સારાં પુસ્તકો તો હોય પણ એક જીવંત વ્યક્તિ પોતાનાં સરસ વ્યક્તિત્વનાં સ્પંદન વડે જે વ્યક્ત કરી શકે તે પુસ્તકો કરી શકતાં નથી. અને અસ્તિત્વનું સાતમું સ્તર છે: આત્મન. જીવનમાં નિરંતર સઘળું બદલાતું રહે છે. જે સ્થિર છે, જેની સાપેક્ષે બધું બદલાય છે, એ છે આત્મન. આપણું આ કેન્દ્ર એ જ આત્મન છે.

અસ્તિત્વના આ સાત સ્તર વિશે જાણવાથી, થોડાં સજાગ બનવાથી જીવનમાં બહુ મોટું સકારાત્મક પરિવર્તન આવે છે. પ્રસન્નતા, હળવાશ અને જીવંતતાથી આપણે છલોછલ ભરાઈ જઈએ છીએ. અને આ સ્થિતિમાં એક તાજગીભરી સર્જનાત્મકતાનું આપણાં કણ કણમાં સ્ફુરણ થાય છે. નિયમિત ધ્યાન મનને નિષ્પન્દ બનાવે છે. નિષ્પન્દ મન ગહન વિશ્રામની અવસ્થાનું સર્જન કરે છે. અને આ અવસ્થામાં આપણે અત્યંત સર્જનશીલ હોઈએ છીએ.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)