ખાલી અને હળવા બનો

જો પ્રેમ જ નાં હોત તો વિશ્વ તકલીફ વગરનું હોત! વિશ્વની તમામ સમસ્યાઓ પ્રેમને કારણે થાય છે! જ્યાં પ્રેમ નથી, ત્યાં તમે ઈર્ષ્યા નથી કરી શકતા. ઈર્ષ્યા છે તો એનું કારણ પ્રેમ છે. તમારામાં લોભ આવે છે કારણ કે તમે વસ્તુઓને ખૂબ પ્રેમ કરો છો. ક્રોધ એટલા માટે આવે છે કે તમે પૂર્ણતાને ચાહો છો; તેથી જ તમે ભૂલ પર ગુસ્સો કરો છો. જયારે તમે તમારી જાતને ખૂબ પ્રેમ કરો છો અને ત્યારે જ તો તમારામાં અભિમાન અને ઘમંડ આવે છે.

પ્રેમની દરેક વિકૃતિ સમસ્યાઓ ઊભી કરે છે, છતાં પ્રેમ વિના જીવનનો કોઈ અર્થ નથી. ધારો કે તમે ખૂબ જ સફળ છો અને તમારી પાસે બધી જ સંપત્તિ છે પરંતુ તમારા જીવનમાંથી પ્રેમ ગાયબ છે. તો એ જીવન સાચા અર્થમાં અર્થપૂર્ણ રહેશે નહીં; તે ઉજ્જડ દેખાશે. તમે તેને ગમે તે બાજુથી જુઓ, આપણે જીવનમાં ફક્ત પ્રેમ જ ઇચ્છીએ છીએ; એક દિવ્ય પ્રેમ. જીવનનો હેતુ એ આદર્શ પ્રેમમાં ખીલવાનો છે.

તો તમે પ્રેમમાં તે સ્તર પર કેવી રીતે પહોંચશો જ્યાં તે વિકૃતિઓથી મુક્ત હોઈ અને તમે તમારી જાત સાથે સહજ હોવ?

તમારે એ જોવાનું છે કે જે તમને એ નિર્દોષ પ્રેમથી રોકી રહ્યો છે તે તમારો અહંકાર છે. અહંકાર શું છે? અહંકાર એ સ્વપ્ન જેવું છે. એક સ્વપ્ન ત્યાં સુધી અસ્તિત્વમાં છે જ્યાં સુધી તેનું અસ્તિત્વ ખતમ ન થાય. તમે સ્વપ્નને વાસ્તવિક કહી શકતા નથી, પરંતુ તમે તેને અવાસ્તવિક પણ કહી શકતા નથી કારણ કે તમને તેનો અનુભવ છે. અહંકાર માત્ર અસ્વાભાવિક છે. અહંકાર એ આકાર નથી; તે અંધકાર જેવો નિરાકાર છે. અંધકાર એ ફક્ત પ્રકાશનો અભાવ છે. અહંકાર જેવી કોઈ વસ્તુ નથી. તમે તેને પરિપક્વતાનો અભાવ અથવા શુદ્ધ જ્ઞાનનો અભાવ કહી શકો. જ્ઞાન તમારી આંતરિક સ્થિતિને અનુભવવામાં મદદ કરે છે, જે પ્રેમ છે. પ્રેમ એ કર્મ નથી; તે એક કર્મ થી પરે હોવાની સ્થિતિ છે. આપણે બધા પ્રેમથી બનેલા છીએ. જ્યારે મન વર્તમાન ક્ષણમાં હોય છે, ત્યારે આપણે પ્રેમમય હોઈએ છીએ. વર્તમાન ક્ષણમાં જીવવા માટે તમારા મનને થોડી તાલીમ આપો.

જો બધું જ ઈશ્વર છે અને બધું જ પ્રેમ છે, તો જીવન ક્યાં જઈ રહ્યું છે? જીવન પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. તમે પૂર્ણતા શોધો છો; તેથી જ તમને ભૂલ પર ગુસ્સો આવે છે. પૂર્ણતાના ત્રણ પ્રકાર છેઃ ક્રિયામાં પૂર્ણતા, વાણીમાં પૂર્ણતા અને લાગણીમાં પૂર્ણતા. ધારો કે કોઈ ભૂલ કરે છે અને એ ભૂલ જોઈને તમને ગુસ્સો આવે છે. તો પછી તમારામાં અને ભૂલ કરનાર વ્યક્તિમાં કઈ ખાસ ફરક નથી. વ્યક્તિની ક્રિયાઓની અપૂર્ણતાને કારણે તમારી લાગણીઓ અપૂર્ણ બની ગઈ છે. કોઈ પણ કામમાં ચોક્કસ ખામી હોય છે. પરંતુ જ્યારે લાગણી અપૂર્ણ બની જાય છે, તે લાંબા સમય સુધી ટકી રહે છે. અંદરની પૂર્ણતા ખોવાઈ જાય છે.

આધ્યાત્મિક પ્રક્રિયાઓ તમને નાની ઘટનાઓથી વિચલિતના થઈને સ્વ-કેન્દ્રિત રહેવામાં મદદ કરે છે. દરેક વ્યક્તિમાં દુનિયાના તમામ ગુણો હોય છે. જે ફક્ત સમજણના અભાવ અને તણાવ દ્વારા આવૃત હોય છે. જે પહેલાથી અસ્તિત્વમાં છે તે ગુણોને ઉજાગર કરવાની જરૂર છે. શ્વાસ લેવાની પ્રક્રિયાઓ અને ધ્યાન મનને શાંત કરવામાં ખૂબ અસરકારક છે. તમારા શ્વાસ વિશે કંઈક શીખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણો શ્વાસ આપણને ઘણી બધી વસ્તુઓ શીખવે છે જે આપણે ભૂલી ગયા છીએ. મનની દરેક લયને અનુરૂપ શ્વાસની એક વિશેષ લય હોય છે અને શ્વાસની દરેક લયને અનુરૂપ એક લાગણી હોય છે. તેથી, જ્યારે તમે તમારા મનને સીધા નિયંત્રિત કરી શકતા નથી, ત્યારે તમે તેને શ્વાસ દ્વારા વધુ સારી રીતે નિયંત્રિત કરી શકો છો.

આપણું મન ઘડા જેવું છે જે ઊંધું થઈ ગયું છે. જ્યારે આપણે જન્મ્યા હતા ત્યારે પેહલા સીધા ગરદનના ઘડા સાથે આવ્યા હતા. જીવનનો સંપૂર્ણ ઉદ્દેશ્ય એ છે કે જાગૃત થઈને ઘડાને ઊંધો ફેરવીને તેને ખાલી કરી દો. પરંતુ ઘડામાં ખૂબ જ ચીકણું કંઈક ભરેલું છે; તે ઊલટું ઊભું હોવા છતાં, તે ખાલી નથી. કોઈપણ પ્રાણીની ગરદન સીધી હોતી નથી. માત્ર માણસને માથું ખાલી કરવાની (કર્મનો બોજ ઉતારવાની) તક મળે છે. જીવનનો આખો હેતુ ખાલી અને હળવા થવાનો છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)