વિકાસ કરવો જરુરી છે, પરંતુ ટૂંકી દ્રષ્ટિનો અભિગમ ઘણીવાર બહુ મોટા નુકસાનનું કારણ બની જાય છે. ટકાઉ પ્રગતિ એને કહેવાય કે જેમાં કોઈ પણ યોજનાની લાંબા ગાળાની સારી-નરસી અસરો ધ્યાનમાં લેવાય છે.
ટૂંકી દ્રષ્ટિથી કરવામાં આવતો વિકાસ વિનાશક બની રહે છે. દીર્ઘ દ્રષ્ટિ વગર કુદરતી સંસાધનોનો કરવામાં આવતો આડેધડ વહીવટ પર્યાવરણને નષ્ટ કરે છે કે જે જીવનનું મૂળ સ્રોત છે. વિકાસનો ઉદ્દેશ જીવનને આધાર આપવાનો અને ટકાવવાનો હોવો જોઈએ. વિશાળ દ્રષ્ટિકોણથી કરવામાં આવતી વિકાસ યોજનાઓ પર્યાવરણ,સમાજ અને સ્થાનિક સમુદાયોના માનસિક સ્વાસ્થ્ય અને તંદુરસ્તીમાં ભાગ ભજવે છે. ત્યારે વિકાસની પ્રક્રિયા પોતે પૃથ્વી અને તેના સંસાધનોને જાળવવા માટેના જાગૃત પ્રયાસો તરીકે નીવડે છે.આપણા ગ્રહનું સ્વાસ્થ્ય સૌથી અગત્યનું છે.
માનવ તરીકે પર્યાવરણ પ્રત્યે સજાગતા આપણામાં વણાયેલી હોય છે. પ્રાચીન કાળથી ભારતમાં પ્રકૃતિને હંમેશા પૂજવામાં આવી છે;પર્વતો,નદીઓ,સૂર્ય, ચંદ્ર,વૃક્ષોને પૂજવામાં આવતા રહ્યા છે. હકીકતમાં દુનિયાભરની પ્રાચીન સંસ્કૃતિઓ દ્વારા કુદરત માટે ગાઢ સન્માન વ્યક્ત કરાયું છે.તેમના માટે ઈશ્વર મંદિરો કે ગિરજાઘરમાં નહોતા, પરંતુ કુદરતમાં વ્યાપ્ત હતા. જ્યારે આપણે કુદરતથી વિમુખ થઈએ છીએ ત્યારે આપણે તેને પ્રદુષિત કરવા માંડીએ છીએ.આજે કુદરતને સન્માનવાની અને જાળવવાની પ્રાચીન પ્રથાને ફરી જાગૃત કરવાની તાતી જરૂર છે.
ઘણા એવું માને છે કે ટેક્નોલોજીના વિકાસમાં પર્યાવરણને નુકસાન એ અનિવાર્ય આડપેદાશ છે.પરંતુ એવું જ હોય એ જરૂરી નથી;ખરેખર તો જો પર્યાવરણનું રક્ષણ થાય તો જ સાચો ટકાઉ વિકાસ શક્ય બને છે.વિજ્ઞાન અને ટેકનોલોજીને પર્યાવરણના અહિતકર્તા ના માનવા જોઈએ.પરંતુ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિકાસ સાધતાં પર્યાવરણની સંવાદિતા જાળવવાના માર્ગ શોધવા જોઈએ.આ સદીનો આ સૌથી મોટો પડકાર છે.
કુદરતમાં માત્ર અવલોકન કરો; પંચમહાભૂત એક બીજાના વિરોધમાં છે. જળ અગ્નિનું શમન કરે છે અને અગ્નિ જળનું બાષ્પીભવન. કુદરતમાં અનેક જાતના જીવો છે-પક્ષીઓ, સરિસૃપ વર્ગ,સસ્તન પ્રાણીઓ; આ બધી વિવિધ જાતીઓ એક બીજા પ્રત્યે આક્રમક છે અને છતાં કુદરત તે તમામ વચ્ચે સમતુલન જાળવે છે.આપણે કુદરતમાંથી શીખવું જોઈએ;કુદરત કેવી રીતે કચરાનો નિકાલ કરી દે છે અને કંઈક વધારે ઉપયોગી ઉત્પન્ન કરે છે.આ જ રીતે, ટેકનોલોજી અને વિજ્ઞાન નુકસાનકારક નથી હોતા, પરંતુ ટેકનોલોજી અને વિજ્ઞાનની પ્રક્રિયાઓ જે કચરો ઉત્પન્ન કરે છે તે હોય છે.
આપણે કચરાનો નિકાલ કરવાની પધ્ધતિઓ શોધવી જોઈએ અને એવી પ્રક્રિયાઓ વિકસાવવી જોઈએ કે જે પ્રદુષણ પેદા નથી કરતી, જેમ કે સૌર ઊર્જાનો ઉપયોગ.પારંપરિક ઓર્ગેનિક અને રસાયણમુક્ત ખેતી તરફ પાછા વળવાથી તંદુરસ્ત વિકાસ માટેની ભૂમિકા બનશે જે દીર્ઘ સમય સુધી ફાયદા આપશે.પરંપરા, ટેકનોલોજી,વાણિજ્ય અને સત્ય આ ચાર મુખ્ય પરિબળો છે જેમને અવારનવાર પુનઃજીવંત કરવા જોઈએ.જો તેમ કરવામાં ના આવે તો તેમને જે કારણે શરુ કરવામાં આવ્યા હતા તે પ્રયોજન જ નષ્ટ થઈ જાય છે.પૌરાણિક અને આધુનિક પધ્ધતિઓ વચ્ચે સુમેળ શોધાવો જોઈએ.રસાયણો અને ખાતરના ક્ષેત્રોમાં પ્રગતિ થઈ હોવા છતાં ગાયના મૂત્ર તથા છાણના ઉપયોગની પૌરાણિક વૈદિક ટેકનોલોજી ખેતી માટે હજી પણ ઉત્તમ પધ્ધતિઓમાંની એક છે. ઘણા અભ્યાસોએ દર્શાવ્યું છે કે નૈસર્ગિક ખેતીથી વધારે ઉપજ મળે છે.
જરૂરી નથી કે સૌથી આધુનિક ટેકનોલોજી હંમેશા આર્થિક રીતે સૌથી વધુ સક્ષમ અને કાબેલ હોય.આપણે ફાયદા તરફ ધ્યાન આપવું જોઈએ;કોઈ વસ્તુ નવી છે માત્ર એ કારણે એ સારી હોવી જરૂરી નથી અને કોઈ વસ્તુ જૂની છે માત્ર એ કારણે એનો નિકાલ ના કરી દેવો જોઈએ.
જે સમાજમાં ભારોભાર તનાવ અને હિંસા હોય ત્યાં ટકાઉ વિકાસ ના થઈ શકે.રોગમુક્ત શરીર,તનાવમુક્ત મન, હિંસામુક્ત સમાજ અને વિષમુક્ત વાતાવરણ એ ટકાઉ પ્રગતિ માટેના અતિઆવશ્યક તત્વો છે.જો આપણે સમાજના વિકાસની સાથે સાથે વધુ ને વધુ હોસ્પિટલો અને જેલો ખોલવી પડે તો એ સારા ભવિષ્યની નિશાની નથી. હોસ્પિટલમાં વધારે સંખ્યાનો સમાવેશ થઈ શકવો અને વધારે જેલોની સગવડ હોવી એ વિકાસની નિશાની નથી.
ટકાઉ વિકાસનો અર્થ એ પણ થાય છે કે તમામ પ્રકારના ગુનાઓમાંથી મુક્તિ.વાતાવરણને નુકસાન કરવું,વૃક્ષો કાપી કાઢવા, વિષમય કચરાના ઢગલા ખડકવા, જેનો પુનઃઉપયોગ નથી થઈ શકતો એવા પદાર્થો વાપરવા એ પણ ગુનો છે. વાતાવરણ એ આપણો પહેલો દેહ છે, પછી ભૌતિક શરીર આવે અને મન એ ત્રીજું આવરણ છે.તમારે આ ત્રણેયની સંભાળ લેવી જોઈએ.
હકીકતમાં માણસની લોભવૃત્તિ એ સૌથી મોટું પ્રદુષણકર્તા છે.લોભ માણસને અન્યો સાથે વહેંચતા રોકે છે. લોભ પર્યાવરણની જાળવણીમાં પણ અંતરાય નાંખે છે.માણસ એટલો લોભી છે કે એને તાત્કાલિક નફો મેળવવો છે અને તુરંત પરિણામ હાંસલ કરવા છે.આ લોભ માત્ર સ્થૂળ,ભૌતિક વાતાવરણને જ પ્રદૂષિત નથી કરતું પણ સૂક્ષ્મ વાતાવરણને પણ અભડાવે છે;તે સૂક્ષ્મ મનમાં નકારાત્મક લાગણીઓ જન્માવે છે.આ નકારાત્મક સ્પંદનો એકત્રિત થતાં સમાજમાં અજંપો પેદા કરે છે. ધિક્કાર, ગુસ્સો,ઈર્ષ્યાની નકારાત્મક લાગણીઓ દુનિયામાં તમામ વિનાશ અને દુખના મૂળભૂત કારણો છે-વિનાશ આર્થિક,રાજકીય કે સામાજિક હોઈ શકે છે.
પૃથ્વી,વૃક્ષો,નદીઓ,લોકો પવિત્ર છે એ રીતે વ્યવહાર કરવા તથા કુદરત અને લોકોમાં ઈશ્વર છે એવું જોવા લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ.એનાથી સંવેદનશીલતા પોષાશે; અને એક સંવેદનશીલ વ્યક્તિ કુદરત માટે પરવા કર્યા વગર રહી નથી શકતી. ખરેખર તો અસંવેદનશીલતા છે જે માણસનું વાતાવરણ પ્રત્યે ઉદાસ વર્તન કરાવે છે.જો કોઈ વ્યક્તિ સંવેદનશીલ છે તો તે પર્યાવરણનું જતન કરશે અને આમ પ્રદુષણનો નિકાલ કરશે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)