શું તમે અહંકારી છો?

શું તમે અહંકારી છો? તમને એવું લાગે છે કે તમારા અહમ-ઈગો ને તમારે નષ્ટ કરવો જોઈએ? હું કહીશ કે એવું બિલકુલ ન કરશો. ઈગોથી મુક્ત થવાની કે ઈગોને નષ્ટ કરવાની જરૂર નથી. અહમ રાખો, પણ તમારા ખિસ્સામાં રાખો. વારંવાર પ્રદર્શિત ન કરો. તમે અહંભાવથી છૂટવા કેમ ઈચ્છો છો? કારણ તમારો અહંકાર અન્યને તકલીફ આપે છે એના કરતાં વધુ તમને પોતાને તકલીફ આપે છે.

તો પહેલાં તો જાણીએ કે ઈગો એટલે શું? અહમ તમારી અંદરનું સૂક્ષ્મ પરમાણુ છે. એક તો પોતા વિષે સ્વયં નો અભિપ્રાય” હું આ છું.” અથવા  “હું આ નથી” તે ઈગો છે. અને એ જ રીતે  બીજા થી અલગ હોવાનો, જુદાપણાનો અનુભવ તે પણ ઈગો છે. પહેલા પ્રકારનો અહમ, “હું ઓફિસર છું ” અથવા તો “હું કર્નલ/મેજર છું.” હંમેશા જ તમે ઓફિસર કે કર્નલ/મેજર નાં લેબલ સાથે જીવશો તો તમારા પરિવાર સાથે આત્મીયભાવ ક્યારેય નહીં અનુભવી શકો. તમારા પરિવાર માટે તમે પુત્ર છો, પિતા છો, પતિ છો. તમે એક સાથે ઘણી બધી ભૂમિકાઓ નિભાવો છો. આ બધી જ ભૂમિકાઓ માં સંતુલન રાખવું ખુબ જરૂરી છે. અને પ્રત્યેક ભૂમિકાનું આગવું મહત્વ છે તે પણ સમજવું જરૂરી છે. તમે પોતાની જાતની એક સીમિત ઓળખ જ રાખો છો, એક જ લેબલથી પોતાને ઓળખાવો છો તો એ અહંકાર છે, જે તમને જીવનમાં ગેરમાર્ગે દોરતો રહે છે. તો અહમનું વિસ્તરણ કરો. “હું કઈંક છું”(સમબડી) ના સ્તર થી “હું કઈં જ નથી” (નોબડી) એ સ્તર પર પહોંચો અને ત્યાંથી “હું સર્વ કોઈ છું” (એવરીબડી) એ સ્તર સુધીની યાત્રા એ અહમનું વિસ્તરણ કરવાની પ્રક્રિયા છે.

પરંતુ આ પ્રક્રિયા તો તત્વજ્ઞાનનો સિદ્ધાંત લાગે છે, ખરું? ઓફિસ જઈને તમે એમ નહીં કહી શકો કે “હું કઈં જ નથી.” કે ઘરે આવીને તમે એમ નહીં કહી શકો કે “હું જ સર્વસ્વ છું”. એ જ રીતે તમે તમારા અહંને નષ્ટ પણ નહીં કરી શકો. કારણ, જો તમે તમારા અહમ ને નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરશો તો એ પ્રયત્ન જ વધુ મોટા અહંકારનું કારણ બની જશે. તમે અહંકાર કરશો એ બાબતનો કે ” હું નિરહંકારી છું”! તો અહીં હું કહીશ કે સહજતાનો અભ્યાસ રાખો. સહજતા એ અહંકારનું પ્રતિ-ઔષધ છે. તમે સહજ અને અહંકારી બંને એક સાથે નહીં રહી શકો. સહજ અવસ્થામાં તમારો અહમ વિસ્તરણ પામે છે. સહુ કોઈ તમને તમારા પોતાના લાગે છે. જયારે તમે અહમનું વિસ્તરણ કરો છો, ત્યારે તમે એક શિશુ જેવા બની જાઓ છો.

બીજા પ્રકારનો અહમ એટલે આત્મીયતાનો અભાવ! જયારે તમે મસ્તિષ્કથી, બુદ્ધિના સ્તરથી વિચાર કરો છો ત્યારે બીજી વ્યક્તિઓથી ભિન્ન હોવાનો અનુભવ સૌથી વધુ માત્રામાં થતો હોય છે. આત્મવિશ્વાસનો અભાવ પણ અહંકારને પ્રેરે છે. તમે તમારી ભૂલોનો સ્વીકાર કરતાં નથી અને તેને છુપાવવાનો પ્રયત્ન કરો છો. અહંકારથી પ્રેરાઈને તમે ઈચ્છો છો કે તમને કોઈ મૂર્ખ ન સમજે! અને મજાની વાત એ છે કે જેને મૂર્ખ નથી બનવું, અંતે એ જ વ્યક્તિ પોતાને મૂર્ખ સાબિત કરે છે! વાસ્તવમાં તો જો તમે સ્વીકારી લેશો કે તમે મૂર્ખ છો તો અધ્યાત્મના પથ ઉપર એ ડહાપણ ભર્યું પગલું છે. અહંકાર તમને હંમેશા એ અનુભવ આપશે કે તમે બહુ જ ચતુર છો, તમે વિશિષ્ટ છો.

અહંકાર તમને અન્યને પ્રભાવિત કરવાની પ્રેરણા આપશે અને આ આખી પ્રક્રિયામાં તમે અંતે મૂર્ખ જ પુરવાર થશો. પરંતુ તમારામાં જો આત્મ વિશ્વાસ છે તો તમને બીજા કોઈને પ્રભાવિત કરવાની જરૂર નહીં રહે. તમે સહજ રહેશો અને સૌ સાથે આત્મીયતાનો અનુભવ કરશો. અહંકાર ઈચ્છે છે કે સૌ કોઈ મારી જ વાત માને. પરંતુ એક માતા પોતાનાં સંતાન ને કહે છે કે “હું કહું તેમ કર” અથવા તો એક શિક્ષક પોતાના વિદ્યાર્થીને કહે છે કે “હું કહું તેમ કર” તો તે અહંકાર નથી પરંતુ આત્મીયતા છે. તો કોઈ સંવાદ અહંકારના સ્તર પર થી થઇ રહ્યો છે કે આત્મીયતાના સ્તર પરથી એ જાણવા માટે વિવેક બુદ્ધિ હોવી આવશ્યક છે.

અહંકાર અને આત્મસન્માન વચ્ચે શું અંતર છે?

અહંકાર ને તુલના કરવા માટે બીજી વ્યક્તિની જરૂર પડે છે. જયારે આત્મસન્માન હોવા માટે અન્ય વ્યક્તિ સાથે તુલનાની જરૂર રહેતી નથી. જેમ કે કોઈ વ્યક્તિ ગણિતમાં નિષ્ણાત છે, અને એ પ્રત્યે તેઓ સભાન છે તો એ આત્મસન્માન છે, આત્મવિશ્વાસ છે. પરંતુ જો તેઓ કહે છે કે હું બીજા કરતાં વધુ જાણું છું કે હું તો સર્વશ્રેષ્ઠ છું તો તે અહંકાર છે. વાસ્તવમાં જ્યાં આત્મસન્માનની કમી હોય છે ત્યાં જ અહંકારનું અસ્તિત્વ હોય છે. જો તમે મહત્વાકાંક્ષી છો તો એનો એક અર્થ એ પણ થાય છે કે તમારામાં પોતાનાં ધ્યેય સુધી પહોંચવા માટે આવશ્યક આત્મવિશ્વાસનો અભાવ છે. તમારી દૈનિક ક્રિયાઓ ને લઈને તમે ક્યારેય મહત્વાકાંક્ષી નથી હોતા, જેમ કે ” મેં પાણીની બોટલ ફ્રીઝમાં થી સફળતાપૂર્વક બહાર કાઢી”  કારણ, તમને ખબર છે કે એ તમારા માટે સહજ છે, તમે કરી જ શકશો. એ જ સહજતાથી પ્રત્યેક કાર્ય માટે તમારી અંદર આત્મવિશ્વાસ હોય તો મહત્વાકાંક્ષાનું કોઈ સ્થાન રહેતું નથી. જો તમારામાં આત્મસન્માન છે તો બહારનાં પરિબળો તમારી સ્વસ્થતાને અસર કરી નહીં શકે. હાર-જીત તમારા માટે મહત્વપૂર્ણ નહીં બને. પ્રત્યેક ક્ષણ આનંદમય હશે, પ્રત્યેક ક્ષણ ઉત્સવ હશે.

હૃદય હંમેશા પુરાતન પ્રત્યે આકર્ષાય છે. જૂની મૈત્રી, પ્રીત પુરાણી આ હૃદય ની ભાષા છે. મન હંમેશા કઈં નૂતન ઈચ્છે છે. નવો સેલ ફોન, નવું લેપ ટોપ આ સઘળી મનની ઈચ્છાઓ છે. જયારે અહંકાર કઈંક અઘરું અને અનુપમ કરી બતાવવા ઈચ્છે છે. હોટ એર બલૂનમાં વિશ્વ-પરિભ્રમણ કરવું કે માઉન્ટ એવરેસ્ટ સર કરવો આ બધું અહંકારથી થાય છે. તો અહંકારને ખિસ્સામાં રાખો, જરૂર પડે ત્યારે ઉપયોગ કરો પરંતુ મસ્તિષ્કમાં તેને સ્થાન ન આપો.

મસ્તિષ્ક એ અહંકારનું સુરક્ષિત સ્થાન છે. હૃદય અહંકાર ને તૂટવા દે છે જયારે આત્મા અહંકારને ઓગાળે છે. આત્મા નિરંતર સાક્ષી છે. શરીર, મન, બુદ્ધિ કે અહંકાર ના સ્તર પર શું ઘટિત થઇ રહ્યું છે તેની સાથે આત્માને કોઈ જ સંબંધ નથી. તે પોતાના આનંદપૂર્ણ સ્વભાવમાં છે. નિત્ય છે, નિરંતર છે. ધ્યાન દ્વારા આત્મતત્ત્વ ની ઝલક મળે છે અને સહજ આત્મવિશ્વાસ ની સ્ફુરણા થાય છે., અહંભાવનું વિસ્તરણ થાય છે જે સર્વનું મંગલ અને કલ્યાણ કરે છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)