શું વૈરાગી લોકો આનંદથી વંચિત રહી જાય છે?

વૈરાગ્ય એ ઉચ્ચતમ જ્ઞાનનો એક સ્તંભ છે. વૈરાગ્ય એટલે ઉદાસીનતા કે ભાવનાશૂન્યતા નહીં. મોટે ભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે વૈરાગ્ય એટલે નિરુત્સાહીપણું, હતાશા અને કશામાં રસ ના હોવો. એ વૈરાગ્ય નથી. વૈરાગ્ય એટલે અજંપાનો અભાવ.

વૈરાગ્ય તમારામાંનો આનંદ છીનવી લેતું નથી. એ તમને એવો આનંદ આપે છે જે બીજું કશું આપી શકતું નથી. શંકરાચાર્યની રચના ભજ ગોવિંદમ્ માં એક કડી છે,”કસ્ય સુખમ્ ના કરોતી વિરગહ?” એનો એ અર્થ થાય છે કે “વૈરાગ્યથી કયા સુખ મળતા નથી?” તેનાથી તમામ સુખ મળે છે, કારણ કે તમે એકદમ વર્તમાન ક્ષણમાં હોવ છો.
વૈરાગ્ય તમને વિભાજીત નથી કરતું, હકીકતમાં તે તમને સાંકળે છે. તે તમને સંપૂર્ણ રીતે વર્તમાન ક્ષણ સાથે સાંકળે છે. જ્યારે તમે વૈરાગી નથી હોતા ત્યારે તમે ભૂતકાળ કે ભવિષ્ય સાથે જોડાયેલા રહો છો. આમ, તમે વર્તમાન સાથે જોડાયેલા નથી હોતા. આથી, તમે ઘણા વિભાજીત હોવ છો.

જ્યારે તમારું મન ભવિષ્ય પાસેથી કોઈ અપેક્ષા રાખતું હોય અથવા ભૂતકાળને લઈને રંજ કરતું હોય ત્યારે તમે આ ક્ષણમાં હોતા નથી.પરંતુ જ્યારે તમે કેન્દ્રિત હોવ છો ત્યારે આ ક્ષણમાં હોવ છો. જ્યારે તમે જમતા હોવ ત્યારે તમે દરેક કોળીયાની મજા માણી શકો છો. દરેક નજર, દરેક દ્રશ્ય તાજું અને નવું હોય છે. તમારો પ્રેમ પહેલા પ્રેમ જેવો હોય છે. તમે દરેક વસ્તુને જાણે પહેલી વાર જોતા હોવ તે રીતે જુઓ છો.

દુનિયામાં માત્ર કહેવા માટે કહેવાતું વૈરાગ્ય શુષ્ક જણાય છે. જે લોકો માને છે કે પોતે વૈરાગી છે તેઓ માનસિક રીતે ખિન્ન હોય છે. તેઓ દુખી હોય છે. તેઓ દુનિયાથી ભાગી જાય છે અને પછી તેને વૈરાગ્ય તરીકે ખપાવે છે અને કહે છે કે તેમણે દુનિયાને ત્યજી દીધી છે. આને ત્યાગ ના કહેવાય. આ વૈરાગ્ય નથી. લોકો ગ્લાનિને લીધે, અતિ દુખને લીધે, ઉદાસીનતાને લીધે ભાગી જાય છે અને આવા ભાગેડુઓ માને છે કે તેઓ વૈરાગી છે.

જીવનમાં વૈરાગ્ય કંઈક વધારે કિંમતી, પવિત્ર અને બહુમૂલ્ય છે. વૈરાગ્યના ઘણા પ્રકાર છે: તમે વૈરાગી છો કારણ કે દુનિયામાં દુખ છે એવું તમે સમજી ચુક્યા છો. જીવનની ઘટનાઓને લીધે– વ્યક્તિ જે દર્દ, પીડા અનુભવે છે કે જુએ છે તેનાથી વૈરાગ્ય આવે છે.

બીજા પ્રકારનો વૈરાગ્ય કંઈક ઉચ્ચ મેળવવાની ઈચ્છામાંથી જન્મે છે. કેટલાક વૈરાગ્યને આત્મસાક્ષાત્કારના માર્ગ તરીકે ગણે છે. જો તમે અહીં કશાકનો ત્યાગ કરો છો તો તમને ‘ત્યાં’ કંઈક લાભ પ્રાપ્ત થાય છે. આત્મસાક્ષાત્કારના ઈચ્છુક તપ કરે છે અને સ્વર્ગમાં બહેતર સ્થાન મેળવવા માટે સંકલ્પ કરે છે.

ત્રીજા પ્રકારનો વૈરાગ્ય વિવેકબુદ્ધિ કે જ્ઞાનને લીધે આવે છે. વસ્તુઓના ક્ષણિક અસ્તિત્વ વિશેની એક વિશાળ સમજ કોઈ પણ ઘટના, વસ્તુઓ, લોકો કે પરિસ્થિતિઓ પ્રત્યે નિર્લેપપણાની ભાવના લાવે છે ,જે તમને શાંત અને અવિચલિત રહેવા દે છે.

એક વાર્તા છે. જ્યારે સિકંદર ભારત આવવા માટે નીકળ્યો ત્યારે લોકોએ તેને કહ્યું હતું,”જો તમને ત્યાં સન્યાસીઓ મળે તો તેમને પકડીને અહીં લઈ આવજો. ભારતમાં તેઓ બહુ મૂલ્યવાન છે.”આથી, સિકંદરે કહેણ મોકલ્યું પણ કોઈ આગળ ના આવ્યું. પછી તેણે તેમને ડરાવતો સંદેશો મોકલાવ્યો: “જો તમે નહીં આવો તો હું તમારો શિરચ્છેદ કરીશ.” તો પણ તેઓ ના આવ્યા. તો તેણે ધમકી આપી:”હું તમારા ચાર વેદના પુસ્તકો લઈ લઈશ. તમારી પાસે જે બધું છે તે અને તમારા ધર્મગ્રંથો હું લઈ લઈશ.”

લોકોએ કહ્યું કે આવતીકાલે સાંજે તેઓ તેને બધા પુસ્તકો આપી દેશે. પંડીતોએ પછી તેમના બાળકોને બોલાવીને આખી રાતમાં શાસ્ત્રો મોઢે કરાવી દીધા. પછી તેઓ સિકંદર પાસે તે બધી હસ્તલિખિત પ્રતો લઈને ગયા અને કહ્યું, “આ તમે લઈ જઈ શકો છો, અમારે તેમની જરૂર નથી.”

સિકંદરે તેમનો શિરચ્છેદ કરવાની ધમકી આપી તો સંન્યાસીઓએ તેને જણાવ્યું કે તેને જે કરવું હોય તે કરી શકે છે. સિકંદર તેમની આંખોમાં આંખ પરોવીને જોઈ ના શક્યો, વૈરાગ્યની તાકાત સહનના કરી શક્યો. એ પહેલી વાર એવા કોઈને મળ્યો હતો જેને સમ્રાટની પડી નહોતી.

જ્યારે સિકંદર ભારત આવ્યો ત્યારે કેટલાક લોકોએ તેને થાળીમાં સોનાની રોટલીની ભેટ આપી. તેણે તેમને કહ્યું કે તેને ભૂખ લાગી છે. તો લોકોએ તેને જણાવ્યું કે તે એક સમ્રાટ છે, માટે ઘઉંની રોટલી ના ખાઈ શકે. સિકંદરે કહ્યું કે તેને સખત ભૂખ લાગી છે અને રોટલી જોઈએ છે. તો લોકોએ પ્રત્યુતર વાળ્યો: “તમને તમારા દેશોમાં રોટલી નથી મળતી?અમે ખાઈએ છીએ તેવી જ રોટલી ખાવા તમે બધે ભમીને દુનિયા જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છો?” આ વાક્યે સિકંદરની દુનિયા હચમચાવી દીધી. તેને જ્ઞાન લાધ્યું કે લોકો જે કહેતા હતા તે સત્ય છે. તેણે મનોમંથન કર્યું કે : “દુનિયા જીતવાનો શું અર્થ છે? તમને જે બધું જોઈએ છે તે છે સુખ અને શાંતિ. “વૃતાંતકથા અનુસાર, સિકંદરે ત્યારે જાહેર કર્યું કે :”જ્યારે હું મૃત્યુ પામું ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો. લોકોને જાણવા દેજો કે સિકંદર, કે જે એવું માનતો હતો કે તેણે બધું મેળવી લીધું છે, તે કંઈ પણ લીધા વગર દુનિયા છોડી ગયો.”

વૈરાગ્યની ભાવના તમારામાંની તાકાત છે. જ્યારે તમે કેન્દ્રિત અને શાંત હોવ ત્યારે સમજી શકશો કે આ દુનિયામાં જે બધા આવ્યા છે તે દુનિયાને કંઈક આપવા આવ્યા છે. આપણે અહીંથી કંઈ લઈ જવાના નથી.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)