અજ્ઞાન અવસ્થામાં અપૂર્ણતા હોવી કુદરતી છે અને સંપૂર્ણતા(ક્ષતિહિનતા) માટે પ્રયત્ન કરવો પડે છે. જ્ઞાન કે પ્રબુદ્ધતાની અવસ્થામાં અપૂર્ણ રહેવા પ્રયત્ન કરવો પડે છે; સંપૂર્ણતા અનિવાર્યપણે આવશ્યક અને ટાળી ના શકાય એવી હોય છે! સંપૂર્ણતા જ્ઞાનીના સ્વભાવમાં વણાઈ ગયેલી હોય છે.
સંપૂર્ણતા એટલે પૂરેપૂરી જવાબદારી લેવી. પૂરેપૂરી જવાબદારી એટલે એવી રીતે કાર્ય કરવું કે જાણે આખી દુનિયામાં માત્ર તમે જ એક જવાબદાર વ્યક્તિ છો. જ્યારે તમે આ રીતે કાર્ય કરો છો અને સંપૂર્ણ વૈરાગ્યમાં હોવ છો ત્યારે તમે એકદમ મામૂલી અને તુચ્છ બાબતોને પણ એકદમ દક્ષતાથી સંભાળી શકો છો. આ સંપૂર્ણ દુનિયામાં માણસ કેમ અપૂર્ણ હોય છે? તે વધારે પારંગત બની શકે તે માટે આવું હોય છે. અપૂર્ણતાથી વાકેફ થવાથી વધારે પારંગત થવાય છે. આ એક બહુ નાજુક મુદ્દો છે. સામાન્ય રીતે જ્યારે તમે અપૂર્ણતા બાબતે સભાન થાવ છો ત્યારે તમે મનમાં ધુંધવાઈ શકો છો અને વિચારો ઘોળ્યા કરે છે કે “અરે, હું અપૂર્ણ છું”. હું એમ કહું છું કે અપૂર્ણતાને ઓળખો પરંતુ તેને વખોડો નહીં અથવા તેના માટે દુર્લક્ષના સેવો; એના કરતાં આસપાસની સંપૂર્ણતા પર કેન્દ્રિત થઈને તેનાથી ઉપર ઊઠો. અનસૂયા (જેનામાં ક્ષતિ શોધવાની દ્રષ્ટિ નથી તેવું) બનવું જરૂરી છે, નહીંતર તમે ખીલી નહીં શકો.
સંપૂર્ણતા ત્રણ પ્રકારની હોય છે:
કાર્યમાં સંપૂર્ણતા, વાણીમાં સંપૂર્ણતા અને ભાવનામાં(ઈરાદામાં) સંપૂર્ણતા. કેટલાક લોકો કાર્ય કરવામાં નિપૂણ હોય છે પરંતુ અંદર તેઓ ચીડ અને ગુસ્સો અનુભવતા હોય છે. કેટલાક લોકો જૂઠ્ઠુ બોલતા હોય છે, આમ તેમની વાણી ક્ષતિભરી હોય છે પરંતુ તેઓ તેમના કામ સાચા ઈરાદાથી કરતા હોય છે. દા.ત., એક ડોક્ટર તેમના દર્દીને કહે ,”ચિંતા ના કરો, તમારો રોગ મટી જશે”, પરંતુ એ સાચું ના પણ હોય. અહીં જૂઠ્ઠું બોલવા પાછળનો ઈરાદો સાફ છે. પરંતુ જો કોઈ ઈરાદાપૂર્વક જૂઠ્ઠું બોલે છે ત્યારે તેની ભાવનામાં ક્ષતિ છે, વાણીમાં ક્ષતિ છે અને તેની ક્રિયા/કાર્ય પણ તેવો જ પડઘો પાડશે.
જ્યારે કોઈ ભૂલ કરે છે અને તમે એ બાબતે ગુસ્સે થાવ છો તમે એ વ્યક્તિ કરતાં કંઈ ચઢિયાતા નથી, કારણ કે તેમના કાર્યમાં ક્ષતિ હતી, પરંતુ તમારી ભાવનામાં ક્ષતિ આવી ગઈ. દરેક કાર્યમાં કોઈ ઉણપ હોય છે. પરંતુ જ્યારે ભાવનામાં અપૂર્ણતા આવે છે ત્યારે સૌથી ગહેરાઈમાં રહેલી સંપૂર્ણતા, યથાર્થતા જતી રહે છે.
કુદરતમાં છ પ્રકારના વિકારો/અપૂર્ણતા કે વિકૃતિ હોય છે; વાસના, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષ્યા. આખું સર્જન કુદરત અને તેની વિકૃતિઓનું બનેલું છે. આથી આપણે પ્રકૃતિ અને વિકૃતિ એમ કહીએ છીએ. તે આ સર્જનના હિસ્સા છે,છતાં આપણે તેમને વિકૃતિ કહીએ છીએ કારણ કે તે ચેતનાને પૂરેપૂરી પ્રકાશમાન થવા દેતા નથી અને તમને પાપ તરફ દોરી જાય છે.વાસનાને પાપ ગણવામાં આવે છે કારણ કે વાસનાને લીધે તમે બીજી વ્યક્તિ એક પદાર્થ હોય એ રીતે વર્તો છો.ક્રોધ કે અહંકાર પાપ છે કારણ કે જ્યારે તમે ગુસ્સે થાવ છો ત્યારે તમે વિચલીત થાવ છો; તમે તમારા અંતરાત્માને જોઈ શકતા નથી.લોભ અને મોહ તમને સંગ્રહવૃત્તિ તથા વિચાર વમળોમાં લઈ જાય છે.
જો તમે તમારી અંદર આ વિકારોને પોષશો તો તેઓ એક અશુધ્ધિથી બીજીમાં પરિવર્તન પામે છે અને તમારી અંદર વૃધ્ધિ પામતા રહે છે.યાદ રાખો કે પાપ કરવું એ તમારો મૂળ સ્વભાવ નથી અને તમે પાપમાંથી નથી જન્મ્યા.પાપ એ માત્ર કપડામાં કરચલી જેવું છે. તેને વ્યવસ્થિત ઈસ્ત્રી કરવાની જરૂર હોય છે. સાધના તમને કેન્દ્રિત બની રહેવામાં અને વિકૃતિઓથી વિચલિત નહીં થઈ જવામાં મદદ કરે છે.
તમારી અંદર ગહેરાઈમાં તમે પરમાનંદનો, ખુશીનો સ્રોત છો! તમારામાં જે ગુણો,લાક્ષણિકતાઓ છે, તેને માટે આભાર માનો.જ્યારે તમે આ મૂળભૂત સત્યને સમજી જાવ છો ત્યારે તમારી અપૂર્ણતાઓ અદ્રશ્ય થઈ જાય છે અને આંતરિક સંપૂર્ણતા ખીલવા માંડે છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)