જ્યારે માણસ કોઈ એકનું નથી થઈ શકતું ત્યારે…

આલાપ,

જીવન શું છેએવું કોઈ મને પૂછે તો કહું કે થર પર થર અને એના પર થરને સુપેરે ગોઠવવાની કળા એટલે જ જીવન. સમયના થર, યાદોના થર, ઘટનાના થરસંબંધોના થર અને આખરી સમયમાં વસવસાના થર.

હા આલાપઆટલી લાંબી જિંદગીમાં આવા કેટલાય થરને સુપેરે ગોઠવી જાણવાની કળામાં હું પારંગત નીવડી એમ કહું તો કશું ખોટું નથી. હવે જીવનના ઢળતા સૂરજના આછા થઈ ગયેલા કિરણો વડે હું એ બધા જ થરને નજર ભરીને નિહાળું છું ત્યારે ઘટનાસ્મરણ અને સંબંધોના એ થર પર લાગેલી ધૂળ સિવાય કશું સ્પષ્ટ દેખાતું નથી. અને એ ધૂળ પર સહેજ આંગળી ફેરવું છું ને લખાઇ જાય છે અનાયાસે તારું નામ બિલકુલ એમજ જેમ ક્યારેક આ દિલ પર લખાઈ ગયેલું ને ત્યારે થયું કેજેમને ભૂલી જતાં વર્ષો થયા ,યાદ આવ્યાં સહેજ અમથી વાત પર.‘ પણ નાઆ તો એક જાણીતી પંક્તિ માત્ર બાકી તને ભૂલવું ક્યાં ક્યારેય શક્ય બન્યું. પ્રયાસ નહોતા કર્યા છેક એવું પણ નહતું પણ તું ભૂલી જ ન શકાયો ક્યારેયને આલાપ…

ધારો કે હું તને ભૂલી શકી હોત તો??

જો એવું થઈ શક્યું હોત તો હું વધુ સારું જીવી શકી હોત કે નહીં એ અગત્યનું નથી પણ અગત્યનું એ છે કે હું જીવનકાળ દરમ્યાનના થરને સુપરે ગોઠવતા ન શીખી શકી હોત. સંબંધોસ્મૃતિઓ,ઘટનાઓ બધુજ વેરણછેરણ હોત અને એ બધા વચ્ચે હું ખોવાઈને રહી ગઈ હોત. મારે મને શોધવી મુશ્કેલ થાત. જ્યારે માણસ કોઈ એકનું નથી થઈ શકતું ત્યારે એ બહુ બધા વચ્ચે વેરાઈ,વિખરાઈ અને ખોવાઈ જતું હોય છે.

તો શું થયું કે આપણે સાથે ન જીવી શક્યા પણ સાથે વિતાવેલા સમયે મને હંમેશ તારી કરીને રાખી છે. મને એ એ સંબંધએ સ્મૃતિએ ઘટનાઓ સાથે એવી સાંકળીને રાખી છે કે મને વસવસના થરનો ભાર નથી.
દૂર રહીને પણ પાસે હોવાનોઅન્યના બનીને પણ મારા બની રહેવાના તારા આ કસબની હું આજીવન કાયલ રહીશ અને તને ન ભૂલવા દેવા માટે ઈશ્વરની આભારી પણ.

સારંગી.

(નીતા સોજીત્રા)