સંબંધનું સ્વેટર જ્યારે ફાટે છે ત્યારે…

આલાપ,

લાગણીઓના દોરા લઈને પ્રેમ અને વિશ્વાસની સોઇથી સંબંધનું સ્વેટર ગૂંથ્યા પછી એ જ્યારે પહેરાય છે ને ત્યારે ગૂંથનાર અને પહેરનાર બન્નેને હૂંફ મળે છે. સંબંધનું આ સ્વેટર ગૂંથાય ત્યારે એમાં સુંદર ભવિષ્યના સપનાંઓની ડીઝાઇન રચાતી હોય છે. આ ડીઝાઇનના લીધે સ્વેટર વધુ આકર્ષક, મોહક અને ગમતીલું બને છે. પરંતુ તને ખ્યાલ છે કે, આ જ સંબંધનું સ્વેટર જ્યારે ફાટે છે ત્યારે એના એક એક દોરા લઈને મન એના પર ધારણાની સાંધાસૂંધી કરતું હોય છે?

ચાલ, ધારી લે કે જીદ અને અહમના કડક બ્રશ વડે સંબંધનું આ સ્વેટર આપણે જો ધોયું જ ન હોત, ધારો કે હૃદયના કોઈ ખૂણે એકબીજા માટે કહેવાયેલી કડવી વાતોના ભરાયેલા પાણીમાં એને ઝબોળ્યું ન હોત, એમાં રહેલી મીઠી યાદોના અત્તરને જો નીચોવ્યું ન હોત તો?

તો આજે આપણા સહઅસ્તિત્વ પર ભવિષ્યના સપનાંની ડિઝાઇન ઓપતી હોત.

હવે આ જ વાતને બીજી રીતે વિચાર.

ધારી લે કે, ‘સંબંધ એટલે બંધન’ એમ માનીને તારી કેદમાંથી છૂટવાનો નિર્ણય મેં ત્યારે ન લીધો હોત તો આજે પણ હું એ કેદમાં તડફડતી હોત. મેં ગુમાવી હોત મારી ઓળખ અને મારું અસ્તિત્વ. મેં ખોયું હોત મારું હોવાપણું. સંબંધની એક મજબૂત ગૂંથણી અહમના બ્રશ વડે છોલાઈને તાર તાર તો થઈ ગઈ, પણ એની એક સમયની હૂંફનો ખ્યાલ આજે પણ ઠંડા બદનમાં થોડીક ગરમાહટ તો લાવી શકે છે.

ક્યારેક થાય છે કે આ સ્વેટર ફાટ્યું જ ન હોત તો વધુ સારું થાત, પણ પછી સમજાય છે કે જો ન ફાટ્યું હોત તો ઘસાઈ ઘસાઈને ફિક્કા પડી ગયેલા લાગણીના રંગીન દોરા સપનાંની એ ડીઝાઇનને ક્યાંક વેરણછેરણ કરી નાખત. એ હૂંફ અને ગરમાવો ચામડીને દઝાડતો હોત. હૃદયમાં પડેલા એ ભાઠાને પછી વાણીનો મલમ કે વ્યવહારની દવા કારગત ન નીવડત. આગળ જતાં કદાચ એ ભાઠું વધતું જાત અને એક દિવસ એ મારા હૃદય, મન અને અસ્તિત્વને ખાઈ પણ જાત.

આજે હવે એ સત્ય સમજાય છે કે સંબંધના સ્વેટરમાં દોરેલા સપનાંનો ભાર પણ હળવો ન કરો તો એની ગરમી તમારા અસ્તિત્વને ઓગાળી શકે છે. આશા રાખું કે આ સત્ય વહેલું-મોડું તને પણ સમજાય.

-સારંગી.

(નીતા સોજીત્રા)