આ ફ્રેન્ડશીપ ડે આપણે સાથે ઉજવતા હોત તો…

આલાપ,

જીવનમાં આવેલા કેટલાક દિવસો વર્ષો પછી પણ એવા લાગે જાણે વહેલી પરોઢનાં પુષ્પો.એટલા જ તાજા અને એટલા જ ખુશ્બુદાર. એ દિવસોની નજીક જઈએ ત્યાં મન એની મીઠી ખુશ્બુથી તરબતર થઈ જાય. જીવનબાગમાં મઘમઘતા ફૂલ જેવા આ દિવસોની નજીક રહેવાનું સતત ગમ્યા કરે.

આજે ખૂબ મહત્વનો દિવસ છે. આપણાં કોલેજ કાળમાં આ દિવસનું એટલું મહત્વ નહતું જેટલું આજે છે. હા, ફ્રેન્ડશીપ ડે. આજનો દિવસ મિત્રતાની ઉજવણીનો દિવસ છે, મિત્રના મહિમાનો દિવસ છે પરંતુ આલાપ, આજે જેટલું આ દિવસનું મહત્વ છે એથી ક્યાંય વિશેષ મહત્વ આપણાં વખતે મિત્રનું હતું. એના કોઈ દિવસો નહતા પણ દરેક ક્ષણમાં મિત્રતા શ્વસતી. આજે ન્યૂઝપેપર, ન્યુઝ ચેનલ, સોશ્યલમીડિયા અને FM પર સતત ચાલી રહેલા ‘મિત્ર મહિમા ગાન’ને જોઈ-સાંભળીને મને એ દિવસ યાદ આવ્યો જ્યારે આપણે પહેલીવાર મિત્ર બનેલા. આમતો હું તને મારા ક્લાસમેટ તરીકે ઓળખતી જ પરંતુ એ દિવસે કોલેજની એક કોમ્પિટિશનથી આપણે પાક્કા મિત્રો બનેલા યાદ છે ને?

એ કોમ્પિટિશનમાં આઠ-આઠ ક્લાસમેટનું ગ્રુપ બનેલું જેમાં આપણે એક જ ગ્રુપમાં આવેલા. ગ્રુપ મેમ્બર્સમાં એક એક મેમ્બરની પસંદગી વિશેના સવાલો પૂછવામાં આવે અને બાકીના બધા એના જવાબો આપે એવી કોમ્પિટિશન હતી. તારા માટેના સવાલોમાં બાકીના સાતમાંથી મારી જ ધારણા સૌથી વધુ અને લગભગ બધી જ સાચી પડેલી અને હું વિનર બનેલી. આપણે જીત સેલિબ્રેટ કરવા કેન્ટીનમાં ગયા. તેં મને પૂછેલું, “મિસ સારંગી, માત્ર સાથે અભ્યાસ કરતા હોવાના બેઝ પર કોઈ વ્યક્તિ આટલું પરફેક્ટ કોઈને કેવી રીતે ઓળખી શકે? આપણે તો બહુ જ ઓછી વાત કરી છે છતાં? કોઈ તો ટ્રિક હશે કે પછી બધાના મન વાંચવાની વિદ્યા શીખ્યા છો?” ને મેં થોડું શરમાતા કહેલું, ” આલાપ, કોઈને ઓળખવા માટે સતત વાતો કરવી જરૂરી નથી. સાફદિલ ઇન્સાનના ચહેરા પર જ બધુ લખ્યું હોય છે.” તું જવાબથી ઈમ્પ્રેસ થયેલો અને તે મિત્રતાનો હાથ લંબાવેલો. બસ, આપણાં માટે તો એ દિવસ અને એ દિવસથી દરેક દિવસો ફ્રેન્ડશીપ ડે હતા.

વર્ષો વીત્યા, મિત્રતા પ્રેમમાં પરિણમી અને પછી સમયે કરવટ બદલી. તારા નામની મહેંદી હાથમાં મુકવાના સપનાંઓ એટલા લંબાયા કે હવે એ મહેંદી વાળમાં લાગી રહી છે પણ મિત્રતાનો એ વૈભવી ઠાઠ તો આજે પણ જેમનો તેમ જ છે. આજે બધાને આ દિવસ ઉજવતા જોઉં ત્યારે વિચાર આવે કે ધારોકે આ ફ્રેન્ડશીપ ડે આપણે સાથે ઉજવતા હોત તો… તો આજે ફરી આપણે એ કોલેજમાં જાત, એ જ કેન્ટીન જે હવેતો અતિ આધુનિક થઈ ગઈ છે, ત્યાં બેસીને આ ભૂતકાળને યાદ કરત. આજે ય એ યાદોના ફૂલો મન-હ્ર્દયમાં મહેકે છે અને શેષ આયખું સુવાસિત કરે છે પણ હા, આજે જે લખી રહી છું એ વાતો આપણે હાથમાં હાથ નાખીને જીવી રહ્યા હોત.

આલાપ, સમયના વહેણમાં હળવો ફૂલ જેવો ભૂતકાળ આજે પણ સપાટી પર તરી રહ્યો છે અને એટલે જ આજે તને એ કહેવું છે જે ક્યારેક તને આપણી મિત્રતા માટે કહેવા ચાહેલું. હું જ્યારે પણ આપણી મિત્રતા વિશે વિચારું ત્યારે એક જ વાક્ય હોંઠ પર આવે…

પ્રભુના હસ્તાક્ષર વાળો પત્ર એટલે મિત્ર.
Happy Friendship Day…

-સારંગી.
(નીતા સોજીત્રા)