મસાલાની આ સિઝનમાં રાજકોટની મરચા પીઠો લાલ મરચાથી ઉભરાઇ ગઇ છે. ભારતીય પાકશાસ્ત્ર મુજબ રોજિંદા ખોરાકની બનાવટમાં વપરાતા મસાલાઓ તૈયાર પેકમાં લેવાનું ચલણ આધુનિક સમયમાં પ્રચલિત થતું જાય છે. આમ છતાં હજુ પણ ઘણી ગૃહિણીઓ પોતાની નજર સામે લાલ મરચા ખરીદે છે, તેના ડીંટીયા તોડાવી જાતે જ લાલ મરચુ દળાવે છે અને દળાયેલા મરચાને તેલ દઇને આખા વર્ષ માટેનું લાલ મરચાનો સંગ્રહ કરે છે. તીખું અને ચટાકેદાર ખાવના શોખીન ગુજરાતીઓ થકી મરચાનો મસમોટો કારોબાર ધમધમે છે.
રાજકોટમાં અનેક સ્થળોએ મસાલા માર્કેટ ભરાતી હોય છે, પરંતુ અહીં વાત કરીશુ રાજકોટની સૌથી જૂની મરચાપીઠની. જે “જૂની મરચાપીઠ” તરીકે જ ઓળખાય છે. આજી નદીના આવેલ દરબારગઢની પાછળની બાજુ નદી કિનારે આવેલ કાળમીંઢ પત્થર- બેલાની દીવાલ પાસે રાજકોટની સો વર્ષથી પણ “જૂની મરચાપીઠ” આજે પણ કાર્યરત છે. આ સ્થળે 15 જેટલા વેપારીઓ મરચાનો કારોબાર ચલાવે છે.
અહીંના વેપારીમાંના એક છે. વિક્રમભાઇ સોલંકી. તેમના કહેવા મુજબ અમે છેલ્લા 80 વર્ષથી અહીં દર ઉનાળામાં મરચાની સિઝનમાં બે થી ત્રણ માસ વેપાર કરીએ છીએ. અમારા બાપ દાદા અહીં મરચા વેચતાં. તેમનો જ કારોબાર અમે ચાલુ રાખ્યો છે. અનેક પ્રકારના મરચાં અમે રાખીએ છીએ. જેમાં ડબલ અને સીંગલ રેશમપટ્ટો, તેજા મરચી, ઘોલર વગેરે પ્રકારના મરચા પૈકી સૌથી વધુ ઉપાડ ડબલ રેશમપટ્ટોનો થાય છે. કલર માટે રેશમપટ્ટો અને કાશ્મીરી તથા તીખાશ માટે તેજા મરચી લોકો વધુ પસંદ કરે છે. અહીં નદીના નીચાણવાળા વિસ્તારમાં મરચા દળવાનું કામ થાય છે. મરચાની ઘંટી ધરાવનાર મનોજભાઇ સોલંકી કહે છે કે, અમે 1989થી અહી દર વર્ષે બે થી ત્રણ માસ મરચુ દળવાનું કામ કરીએ છીએ. જે દરમિયાન અમે 15 હજાર કિલોથી પણ વધુ મરચુ દળીએ છીએ.
આ મરચા પીઠમાં ચાર – ચાર પેઢીથી મરચાના ડીંટીયા તોડીને છુટક રોજગારી મેળવનારા ગંગા સ્વરૂપા સુશિલાબેન રામાનુજ કહે છે કે, પેટિયુ રળવા અમે અહીં કામે આવીએ છીએ. મારા સાસુ અહીં કામે આવતા હતા. જે બાદ હું પણ આ કામ કરવા લાગી, હવે મારી ત્રણેય દીકરીઓ પણ અહીં કામે આવે છે. દીકરીની દીકરીઓ પણ આવે છે.
મરચાની આવક વિશે રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જયેશભાઇ બોઘરાએ જણાવ્યું કે, આપણા માર્કેટીંગ યાર્ડમાં દરરોજ 1800 કિલો જેટલા લાલ સુકા મરચા ખેડૂતો દ્વારા વેચાણ માટે લાવવામાં આવે છે. યાર્ડમાં સરેરાશ 300 ભારી આવે, જે પૈકીની એક ભારીમાં સરેરાશ ત્રણ મણ એટલે કે 60 કિલો મરચા હોય. આ તમામ મરચાઓની ખરીદી ખેડૂતો પાસેથી વેપરીઓ સીધી જ કરે છે. યાર્ડમાં માત્ર રાજકોટ જિલ્લાના કે ગોંડલ તાલુકાના જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના મરચાનો પાક લેતા ખેડૂતો મરચા વેચવા આવે છે.