ઉતરાયણના તહેવારને લઈ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બજારમાં પતંગ અને દોરાનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. પરંતુ પતંગ દોરા સામે બજારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના વેચાણનો પણ રાફડો ફાટ્યો છે. આ માટે ગુજરાત પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના અમરાઈવાડી પોલીસે રૂપિયા 1.56 લાખની 744 ચાઇનીઝ દોરીના ટેલર સાથે ત્રણ આરોપીની હાટકેશ્વર ચાર રસ્તા પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત જમાલપુર ફાયર બ્રિગેડ પાસેથી 15 ટેલર સાથે એક શખ્સને ઝડપી પાડયોમાં આવ્યો હતો. આમ અમદાવાદના પૂર્વમાંથી પોલીસે રૂપિયા 1.62 લાખના 760 ટેલર સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં પણ ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા એક શખ્યને ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડ્યો હતો.
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી ત્યારે પ્રતિબંધિત ઘાતક ચાઇનીઝ દોરી અને તૂક્કલોનો બેરોકટોક વેપલો થઇ રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે અમરાઇવાડી પોલીસે હાટકેશ્વર સર્કલ પાસે સૂર્યનગર હરીઓમ ફ્લેટના નીચે ખૂલ્લી જગ્યામાં કારમાં ચાઇનીઝ દોરીનો જથ્થો વેચનારા ત્રણ આરોપીને પકડી પાડયા હતા. જેમાં ગોમતીપુરમાં રહેતા આસીફખાન પઠાણ તથા મોહમદ તુફેલ અંસારી અને સોનું મોહમદને ઝડપી પાડયા હતા. પોલીસે તપાસ કરતા કારમાંથી ચાઇનીઝ દોરીના 744 ટેલરો મળી આવ્યા હતા. જેની કિંમત રૂપિયા 1.56 લાખ થાય છે. અમરાઇવાડી પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોધીને તેમની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે તેમની પાસેથી કાર અને ચાઇનીઝ દોરી સહિત કુલ રૂપિયા 2.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બીજી બાજુ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે સમયે ચોક્કસ બાતમી મળી હતી કે જમાલપુર પાસે એક શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે. તેના આધારે પોલીસે શંકાસ્પદ યુવકને પકડી પાડયા હતો પોલીસ તપાસમાં અમીત વાઘેલા દહેગામમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને યુવક પાસેથી ચાઇનીઝ દોરીની 15 ટેલરો મળી હતી. આ અંગે પોલીસે યુવક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી છે. પોલીસે દ્વારા વેચાણ કરનાર અને ખરીદનારા એમ બંને સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વડોદરામાં પણ ચાઈનીઝ દોરાને લઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમને માહિતી મળી હતી કે, ડભોઇ વેગા ચોકડી પાસે પાયલ ગેસ્ટ હાઉસની પાછળ રૃકમણી કોમ્પલેક્સ પાસે ખુલ્લી જગ્યામાં ચાઇનિઝ દોરીનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા આરોપી સચિન અરવિંદભાઇ તડવીની અટકાયત કરી કાર્યવાહી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી પાસેથી ચાઈનીઝ દોરાની 30 રીલ ઝડપાઈ હતી જેની કિંમત લગભગ 9 હજાર રૂપિયા છે.