ચૂંટણી વચનોની રેવડી…

પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર…

ખેડૂતોના રૂપિયા ત્રણ લાખ સુધીના દેવાં માફ…

દસ લાખ લોકોને રોજગારી અને બેરોજગારોને ત્રણ હજાર રૂપિયાનું અનામત ભથ્થું…  

ગુજરાતમાં આવીને રાહુલ ગાંધીએ સાબરમતીની સાક્ષીએ કોંગ્રેસ પક્ષ વતી ગુજરાતની જનતાને જે ચૂંટણીવચનો આપ્યા એની આ ઝલક માત્ર છે. એ પહેલાં ‘દિલ્હી મોડેલ’ને ગુજરાતમાં લાવવાના વચન સાથે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાતની મહિલાઓને, શિક્ષકોને, ખેડૂતોને, આદિવાસીઓને અને વેપારીઓને એક હજાર રૂપિયાની સમ્માન રાશિ, ખેડૂતોને દેવામાફી, વેપારીઓને છ મહિનામાં વેટનું રિફંડ, ગામ-શહેરોમાં મોહલ્લા ક્લિનિક એમ એક પછી એક ગેરેંટી કાર્ડ આપવાનું શરૂ કરી દીધું છે.

વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં આવી રહી છે એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તો ચૂંટણી વાયદાઓના પટારા ખોલવાના ચાલુ કરી દીધા છે. ભાજપ સત્તામાં છે એટલે હાલમાં એ છેલ્લી ઘડી સુધીના ઉદઘાટનો-લોકાર્પણો-શિલાન્યાસો પતાવવાની વેતરણમાં છે. એ પતે પછી ભાજપના પટારામાંથી પણ રંગબેરંગી સપનાંઓ નીકળશે એ નક્કી છે. એક સમયે ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો ઇલેક્શન મેનિફેસ્ટો એટલે કે ચૂંટણી ઢંઢેરામાં મતદારોને વચનોની લ્હાણી કરતાં, પણ સોશિયલ મિડીયાના આ ફાસ્ટયુગમાં હવે ચૂંટણી ઢંઢેરાનું કોઇ મહત્વનું રહ્યું નથી. હવે તો નેતા વદે એ જ વચન.

આમ તો, ચૂંટણીમાં અપાતા વચનો પાળવા માટે હોતા નથી એ ખુદ નેતા અને મતદારો બધાય જાણે છે, પણ છતાંય મતદારો નેતાઓની આ ‘વચનજાળ’માં ફસાય છે એ પણ હકીકત છે. (આજકાલ દેશમાં રેવડી કલ્ચરની ચર્ચા ખૂબ ચાલી છે, પણ ચૂંટણી વચનો અને રેવડી કલ્ચર વચ્ચે અંતર છે. રેવડી કલ્ચર એટલે સરકારો નાગરિકોને બધું ફ્રી ઓફર કરે કે આપે એ. જ્યારે ચૂંટણી પહેલાં ફંગોળાતા વાયદાઓ એ મતદારોને હથેળીમાં બતાવાતું ચાંદ કલ્ચર છે.)

લોકશાહીમાં આદર્શ સ્થિતિ એ છે કે ચૂંટણી વખતે રાજકીય પક્ષો-ઉમેદવારો પોતપોતાનો એજન્ડા મતદારો સમક્ષ મૂકે, જેમાં રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય મુદ્દાઓ પર પક્ષનું વલણ, નીતિ હોય. સ્થાનિક પ્રશ્નો કઇ રીતે હલ કરાશે એની બ્લ્યૂ-પ્રિન્ટ હોય.

વાસ્તવિકતા એ છે કે, વિચારધારા આધારિત નીતિઓ કે કાર્યક્રમોમાં નથી નેતાઓને રસ કે નથી મતદારોને એટલે જાહેરસભાઓમાં વચનો આપતી વખતે નેતાઓ હવામાં કિલ્લાઓ બાંધવાનું શરૂ કરી દે છે.

અને, એવું ય નથી કે બેફામ ચૂંટણીવચનો ફક્ત આપણા રાજકારણીઓ જ આપી જાણે છે. આ ‘ડીએનએ’ દુનિયાભરના રાજકીય પક્ષોમાં અને રાજકારણીઓમાં કોમન છે. અમુક અમુક વચનો તો પાછા એવા હોય કે આપણે સાંભળીએ તો આપણને ચક્કર આવી જાય, પણ એમનું રૂંવાડું ય ન ફરકે! એટલે આવો, આજે એવા કેટલાક અજીબોગરીબ ચૂંટણીવચનો મમળાવીએ. આ વાંચશો તો લાગશે કે આપણને મળતાં ફ્રી વીજળી, સસ્તાં ઘર, મફત રાશન કે બેંક લોનમાફીના વચનો તો આની સામે કાંઇ નથી!

 

  • શરૂઆત ઘરઆંગણે આંધ્રપ્રદેશથી. ડિસેમ્બર, 2021માં ભાજપના રાજ્ય એકમના પ્રમુખ સોમુ વિરાજ્જુએ વચન આપ્યું હતું કે, અમને મત આપશો તો અમે દારૂ સિત્તેર રૂપિયામાં આપીશું. વેચાણ વધશે તો એ ઘટાડીને પચાસ રૂપિયાએ પણ વેચાશે!
  • 2018માં રાજસ્થાનમાં એક મહિલા ઉમેદવાર શોભા ચૌહાણે ચોક્કસ જ્ઞાતિસમુહને વચન આપ્યું હતું કે અમને મત આપશો તો તમારા સમાજમાં થતાં બાળલગ્નોને પોલીસ અટકાવશે નહીં!
  • અમને ચૂંટીને સત્તા આપશો તો સામેવાળા પક્ષના ભ્રષ્ટાચારી નેતાઓને જેલ ભેગા કરીશું એ પ્રકારના પ્રોમિસ પર આપણાવાળાઓનો જ ઇજારો નથી. 2008ની અમેરિકાની ચૂંટણીમાં પ્રમુખપદની રેસમાં ઊભા રહેલા ડેનિસ કુશનિકે જ્યોર્જ ડબલ્યુ બુશને જેલભેગા કરવાનું વચન આપેલું. ભાઇ ડોનાલ્ડ ટ્રમ્પે 2016માં પ્રમુખ બન્યા પછી તરત જ હરીફ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને જેલભેગા કરવાનો વાયદો કરેલો, પણ ચૂંટાયા પછી ટ્રમ્પ ક્યારે ફરી ગયા એની કોઇને ખબર ય ન પડી!
  • અભી બોલા અભી ફોકમાં પણ પશ્ચિમના રાજકારણીઓ આપણા મહાનુભાવોને શરમાવે એવા છે. 1908ની અમેરિકન ચૂંટણીમાં રિપબ્લિકનના થિયોડોર રૂઝવેલ્ટે મતદારોને વચન આપેલું કે, આ વખતે મને તક આપો. આઇ પ્રોમિસ, કે આવતી ચૂંટણીમાં હું ઊભો નહીં રહું. એ વાત જૂદી છે કે, થિયોડોરે એ વચન પાળ્યું નહોતું અને એ ફરીથી ચૂંટણી લડ્યા હતા!
  • આસમાની સુલતાની વચનો આપવામાં ય રાજકારણીઓ પાછા પડતા નથી. 2018માં ઝીમ્બાવ્વેની ચૂંટણીમાં ત્યાંના ઝેનુ-પીએફ નામના રાજકીય પક્ષે પાંચ વર્ષમાં 1.5 મિલિયન ઘર બાંધવાનું વચન આપેલું. આ હિસાબે એમણે રોજના 822 ઘર બાંધવા પડે!
  • આપણે ત્યાં ચૂંટણીમાં પાકિસ્તાન કે ચીન આવી જાય એમ બ્રિટનની ચૂંટણીમાં પણ ચીન આવી જાય છે. 1979માં બ્રિટનમાં ડેવિડ બિશપ નામના ઉમેદવારે તિબેટને પણ પ્રચારમાં ઘૂસાડતાં ચાઇનીઝ આર્મી પર તિબેટમાં ઘૂસવાનો આક્ષેપ કરતાં કહેલું કે, ચાઇનીઝ આર્મી પર ગંદા ચીજબર્ગર ફેંકવા જોઇએ!

 

વેલ, ચૂંટણીવચનો આપવામાં બધા રાજકારણીઓ શૂરાપૂરા હોવા છતાં અમેરિકન જર્નલ ઓફ પોલિટિકલ સાયન્સના વર્ષ 2017ના એક સ્ટડી પ્રમાણે, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, કેનેડા, અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન જેવા દેશમાં ચૂંટણીવચનો વત્તાઓછા અંશે પૂરા થાય પણ છે. આપણે ત્યાં રેવડી કલ્ચર અને આ હથેળીમાં ચાંદ બતાવવાના કલ્ચરની એટલી ભેળસેળ થઇ ગઇ છે કે સરકારો જૂની યોજનાઓનું નવા નામે ફરીથી લોકાર્પણ કરી નાખે તો પણ કોઇને ખબર પડતી નથી. આમ છતાં, કોઇએ આ પ્રકારનો સ્ટડી કરવો જોઇએ. (કોઇએ કર્યો હોય તો ધ્યાન દોરજો.)

અને છેલ્લે, બે અદભૂત ચૂંટણીવચનો. અમેરિકન ચૂંટણીમાં 2012માં ન્યૂટ જિનરિક નામના ઉમેદવારે અમેરિકન મતદારોને 2020 સુધીમાં ચંદ્ર પર અમેરિકન કોલોની બનાવવાનું વચન આપી દીધેલું. તો માર્ચ, 2021માં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં સાઉથ મદુરાઇના એક અપક્ષ ઉમેદવારે મતદારોને એક આઇફોન, એક કાર, એક હેલિકોપ્ટર, એક રોબોટ, સ્વિમિંગ પુલ સાથેનું એક ઘર અને આ બધા ઉપરાંત ચાંદ પર એકસો દિવસનું વેકેશન લટકામાં આપવાનું વચન આપ્યું હતું!

હથેળીમાં ચાંદ દેખાડવાનું આને જ કહેતા હશે!!

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે. વિચારો એમના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]