નવી દિલ્હીઃ ઇરાન દ્વારા પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઇક પછી બંને દેશો વચ્ચે ટેન્શનનો માહોલ છે. આ હુમલા પછી પાકિસ્તાને ઇરાનથી પોતાના એમ્બેસેડર બોલાવી લીધા છે. પાકિસ્તાનના કાર્યવાહક વિદેશપ્રધાન જલીલ અબ્બાસ જિલાનીએ ઇરાનના વિદેશપ્રધાન સાથે વાત કરતાં કહ્યું હતું કે કોઈ પણ દેશે આ ખતરનાક રસ્તે ના ચાલવું જોઈએ.પાકિસ્તાને ગુરુવારે વહેલી સવારે ઈરાનના સિસ્તાન-ઓ-બલુચિસ્તાન પ્રાંત પર હુમલો કર્યો છે. પાકિસ્તાનની આ કાર્યવાહીને ઈરાને કરેલા હુમલાનો જવાબ માનવામાં આવે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અધિકૃત નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે. પાકિસ્તાને આ ઓપરેશનનું નામ ‘માર્ગ બર સરમાચાર’ આપ્યું હતું, પાકિસ્તાનના એક સિનિયર ઇન્ટેલિજન્સ અધિકારીએ તેમને આ માહિતી આપી છે.
ઇરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ-ઉલ-અદલનાં સ્થળો પર એર સ્ટ્રાઇક કરી હતી.આતંકવાદી સંગઠન જૈશ ઉલ- અદલને આર્મી ઓફ જસ્ટિસને નામે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2012માં સ્થાપિત એ સંગઠન એક સુન્ની આતંકવાદી જૂથ છે, જે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે. અમેરિકા અને ઇરાન બંને આ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠનમાં 500થી 600 આતંકવાદીઓ છે.