Home Blog Page 802

સરકારની ઓલા, ઉબેર, રેપિડોને ભાડાં વધારવાની મંજૂરી

નવી દિલ્હીઃ સરકારે પીક કલાકોમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવા કેબ એગ્રિગેટર્સને બેઝ ભાડાના દોઢાને બદલે હવે બે ગણા સુધી ભાડાં વસૂલવાની મંજૂરી આપી છે. અગાઉ પિક કલાકોમાં તેઓ બેઝ ભાડાં કરતાં 1.5 ગણો ચાર્જ કરી શકતા હતા.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા જાહેર કરવામાં આવેલા સુધારેલા “મોટર વેહિકલ એગ્રિગેટર માર્ગદર્શિકા, 2025” મુજબ, પીક કલાકો સિવાય એગ્રિગેટર ઓછામાં ઓછું બેઝ ભાડાનું 50 ટકા ભાડું લઈ શકે છે.

આ નવા નિયમોમાં જણાવાયું છે કે જે પણ કેટેગરી કે વર્ગના મોટર વાહન માટે રાજ્ય સરકારે નક્કી કરેલું ભાડું છે, તે જ એગ્રિગેટર દ્વારા ગ્રાહક પાસેથી વસૂલાતું બેઝ ફેર ગણાશે. રાજ્ય સરકારોને ત્રણ મહિનાની અંદર આ નવા નિયમો લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે.નવી માર્ગદર્શિકાઓ અનુસાર ડેડ માઈલેજ એટલે કે મુસાફર વગર કવર કરેલા અંતર અને મુસાફર લેવા માટે વપરાયેલું ઇંધણ, તેમ જ કુલ મુસાફરીના અંતરને ધ્યાને લઇને બેઝ ભાડું ઓછામાં ઓછું ત્રણ કિમી માટે વસૂલવામાં આવશે.

આમાં વધુમાં જણાવાયું છે કે કોઈ પણ મુસાફર પાસેથી ડેડ માઈલેજ માટે અલગથી ભાડું વસૂલવું નહિ જોઈએ, સિવાય એ પરિસ્થિતિમાં કે જ્યારે મુસાફરી માટેની કુલ અંતર ત્રણ કિમીથી ઓછું હોય. ભાડું માત્ર મુસાફરીના શરૂ થતા પોઈન્ટથી મુસાફરને છોડવામાં આવેલા સ્થાન સુધીના અંતર માટે જ લેવામાં આવશે.

મોટર વેહિકલ ચલાવતા ડ્રાઈવરને એગ્રિગેટર દ્વારા લાગુ થયેલા ભાડામાંથી ઓછામાં ઓછું 80 ટકા ચૂકવવું ફરજિયાત રહેશે, જેમાં તમામ ખર્ચ સામેલ હશે. બાકીની રકમ એગ્રિગેટર દ્વારા વિભાજિત ભાડા તરીકે રાખી શકાશે. ડ્રાઈવર અને એગ્રિગેટર વચ્ચેના કરાર અનુસાર આ ચુકવણી દૈનિક, સાપ્તાહિક અથવા પંદર દિવસને આધારે થઈ શકે છે, પણ એ કરતાં વધુ સમય સુધી રોકી શકાય નહિ.

એગ્રિગેટર દ્વારા માલિકી ધરાવતાં વાહનો માટે એવું પણ જણાવાયું છે કે,તેમાં કામ કરતો ડ્રાઈવર લાગુ પડતાં ભાડાનું ઓછામાં ઓછું 60 ટકા મેળવશે, જેમાં તમામ ખર્ચ સામેલ હશે અને બાકીની રકમ અંદાજિત ભાડા તરીકે રહેશે.

ફરદીન ખાનના પત્ની સાથેના છૂટાછેડા પર સાસુ મુમતાઝે કહ્યું આવું

બોલિવૂડના પ્રખ્યાત કપલ ​​ફરદીન ખાન અને નતાશા માધવાનીના સંબંધ તૂટવાની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. તેમના અલગ થવાની અટકળો વચ્ચે, નતાશાની માતા અને પીઢ સિનેમા અભિનેત્રી મુમતાઝે હવે આ સમગ્ર મામલા પર ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે. મુમતાઝે પોતાના તાજેતરના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હાલમાં છૂટાછેડાની કોઈ કાનૂની પ્રક્રિયા શરૂ થઈ નથી અને બંને હજુ પણ પતિ-પત્ની છે.

ઇ-ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં મુમતાઝે સ્પષ્ટતા કરી હતી કે ભલે ફરદીન અને નતાશા આજકાલ સાથે નથી રહેતા, છતાં તેમના છૂટાછેડા હજુ સુધી થયા નથી. ફરદીન વિશે, તેણીએ કહ્યું કે તે તેને પુત્ર જેવો માને છે અને આ સંબંધ ફક્ત જમાઈ અને સાસુ સુધી મર્યાદિત નથી. મુમતાઝ માને છે કે કેટલાક સંબંધોમાં, સમય સાથે અંતર આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વસ્તુઓ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. પાપારાઝી પેજ તાહિર જાસૂસે આ ઇન્ટરવ્યુ વિશે પોસ્ટ કરી છે.

મુમતાઝે આ વાતચીતમાં એમ પણ કહ્યું કે નતાશા અને ફરદીન વચ્ચે કોઈ ગંભીર મતભેદ નથી. તેણીએ કહ્યું કે દરેક સંબંધમાં દલીલો અને મતભેદો હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સંબંધ તૂટી જવો જોઈએ. તેણીએ એ પણ સ્વીકાર્યું કે તે બંને પહેલાની જેમ એકબીજાનું સાંભળતા નથી, પરંતુ તેણીને વિશ્વાસ છે કે તેઓ તેમના બાળકો માટે આ સંબંધ જાળવી રાખશે.

મુમતાઝે તેના નિવેદનમાં બાળકોનો ખાસ ઉલ્લેખ કર્યો. તેણીએ કહ્યું કે તેમના બે પૌત્રોનો ઉછેર એ બંનેની સંયુક્ત જવાબદારી છે. તેણી માને છે કે ફરદીન એક જવાબદાર પિતા છે જે બાળકો અનુસાર પોતાના કાર્ય સમયપત્રકમાં ફેરફાર કરે છે. મુમતાઝે આશા વ્યક્ત કરી કે પરિસ્થિતિ છૂટાછેડા સુધી નહીં આવે અને બંને તેમના બાળકો માટે સાથે રહેવાનો માર્ગ શોધી કાઢશે.

ફરદીન અને નતાશા ક્યાં રહે છે?

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરદીન હાલમાં તેની માતા સાથે મુંબઈમાં રહે છે જ્યારે નતાશા બાળકો સાથે લંડનમાં છે. જોકે, બંનેએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. અહેવાલો અનુસાર, છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે અંતર છે, પરંતુ છૂટાછેડાની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

ફરદીનનું પારિવારિક જીવન

તમને જણાવી દઈએ કે ફરદીન ખાને પોતાના પારિવારિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાની અભિનય કારકિર્દીમાંથી લાંબો વિરામ લીધો હતો. તાજેતરમાં જ તે ફિલ્મ ‘હાઉસફુલ 5’માં જોવા મળ્યા હતા. નતાશા અને ફરદીને 2005માં ખૂબ જ ખાનગી પરંતુ ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો પછી નતાશાએ IVF દ્વારા જોડિયા બાળકોને જન્મ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે તેણીનો ગર્ભપાત થયો. બાદમાં આ દંપતીએ એક પુત્રી અને એક પુત્રનું સ્વાગત કર્યું.

OMG ! હાઈકોર્ટની વર્ચુઅલ સુનાવણીમાં બિયર પીતા જોવા મળ્યા એડવોકેટ

મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને એડવોકેટ ભાસ્કર તન્ના વર્ચ્યુઅલી સુનાવણીમાં જોડાયા હતા. આ દરમિયાન તેમનો લાઈવ વીડિયો ચેટનો વિકલ્પ ખુલ્લો હતો અને આ દરમિયાન તેમણે બીયર પીધી અને ફોન પર પણ વાત કરતા જોવા મળ્યા હતા. કોર્ટે આ બાબતની ગંભીર નોંધ લીધી, તેને ‘અપમાનજનક અને ભયાનક’ વર્તન ગણાવ્યું અને અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી.

ન્યાયાધીશ એ.એસ. સુપેહિયા અને આર.ટી. વાછાણીની બેન્ચે જણાવ્યું હતું કે ભાસ્કર તન્નાના વર્તનને કારણે તેમનો સિનિયર એડવોકેટનો દરજ્જો છીનવાઈ જવો જોઈએ, પરંતુ કેસની સુનાવણી પછી આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.

આ ઘટના 25 જૂનના રોજ બની હતી, જ્યારે ન્યાયાધીશ સંદીપ ભટ્ટની આગેવાની હેઠળની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી અને આ ઘટનાની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જસ્ટિસ સુપેહિયાએ કહ્યું, “સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી હાઈકોર્ટની કાર્યવાહીની એક વિડિયો ક્લિપ સુનાવણીમાં હાજરી આપતી વખતે ફોન પર વાત કરવાનું અને બિયર પીવાનું તેમનું અપમાનજનક વર્તન દર્શાવે છે.”

કોર્ટે કહ્યું કે એડવોકેટ તન્નાના આ કૃત્યના ગંભીર પરિણામો આવશે અને જો તેને અવગણવામાં આવે તો તે કાયદાના શાસન માટે વિનાશક બનશે. કોર્ટે વધુમાં કહ્યું, અમે રજિસ્ટ્રીને વરિષ્ઠ વકીલ ભાસ્કર તન્ના સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપીએ છીએ. રજિસ્ટ્રી આગામી સુનાવણીની તારીખ પહેલાં રિપોર્ટ રજૂ કરશે.

 

નેશનલ હેરાલ્ડ કેસ: EDએ કહ્યું, ભાડાની રસીદો નકલી હતી

નવી દિલ્હીઃ દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે ચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી કરી હતી. વિશેષ CBI/ED ન્યાયાધીશ વિશાલ ગોગનેની અદાલતમાં આ સુનાવણી થઈ હતી, જેમાં ભૂતપૂર્વ કોંગ્રેસાધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી સહિત અન્યને આરોપી બનાવવામાં આવ્યા છે. આ સુનાવણીમાં EDએ કહ્યું હતું કે લોકો વર્ષોથી નકલી ભાડું આપી રહ્યા હતા. ભાડાની રસીદો ખોટી હતી. સિનિયર કોંગ્રેસ નેતાઓના નિર્દેશ પર જ AJLને જાહેરાતના પૈસા આપવામાં આવ્યા હતા. EDના મતે આવી છેતરપિંડીથી થયેલી કોઈ પણ આવક ‘અપરાધની આવક’ ગણાય છે.

નકલી લેવડદેવડનો ઉલ્લેખ

EDએ જણાવ્યું હતું કે કેટલાક દાતા, જેમના કોંગ્રેસમાં મોટાં નામ છે અને વરિષ્ઠ નેતાઓ છે, તેમણે ભાડા તરીકે અમુક રકમ ચૂકવી છે. તેથી જો આને અપરાધની આવક માનવામાં આવે, તો તેમને આરોપી કેમ ન બનાવવામાં આવે? આરોપી સુમન દુબેએ સોનિયા ગાંધીને શેર ટ્રાન્સફર કર્યા હતા.

ઓસ્કર ફર્નાન્ડિઝે રાહુલ ગાંધીને શેર ટ્રાન્સફર કર્યા હતા અને રાહુલે પાછા આ શેર ઓસ્કર ફર્નાન્ડિઝને આપ્યા હતા. આ બધી નકલી લેવડદેવડ છે, જે ફક્ત દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે. EDએ કહ્યું કે 2015 સુધી ફક્ત બે વ્યક્તિઓ જ લાભાર્થી હતા – રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી. લાભાર્થી વ્યક્તિ એ હોય છે, જેના હાથે કંપનીનું નિયંત્રણ હોય છે.

અપરાધથી પ્રાપ્ત સંપત્તિનો મુદ્દો

કોર્ટે EDને પૂછ્યું હતું કે શું ભાડું, જાહેરાતના પૈસા વગેરેને પણ અપરાધથી પ્રાપ્ત સંપત્તિ એટલે કે પ્રોસીડ ઓફ ક્રાઇમ (POC) ગણવામાં આવે છે? ED તરફથી ASG એ રાજુએ જવાબ આપ્યો હતો કે હા, જે કંઈ પણ આવક છેતરપિંડીથી કમાવવામાં આવી હોય તે POCમાં આવે છે.

 

ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો

ગત 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકદંરે તમામ જિલ્લામાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજા ભારે વરસાદ વરસી રહ્યા છે. ગઈકાલે મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.17 ઇંચ વરસાદ નોંધાયો હતો.

વરસાદને કારણે હવે લોકોને ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં ઠંડી પણ અનુભવાઈ રહી છે. જેમાં ગઈકાલે એટલે કે 1 જુલાઈના રોજ 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 4.17 ઇંચ અને તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો હતો.


ગુજરાતમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

 

સીએમ યોગી આદિત્યનાથની બાયોપિક ફિલ્મનું ટીઝર રિલીઝ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બાયોપિક તૈયાર છે. ફિલ્મ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં યોગી આદિત્યનાથના સંન્યાસ લેવાની, યોગી બનવાની અને પછી રાજકારણમાં પ્રવેશવાની ઝલક જોવા મળે છે. ફિલ્મના સંવાદો પણ દમદાર છે.

ફિલ્મના ટીઝરમાં ઉત્તરાખંડના અજય નામના યુવાનનું જીવન સૌપ્રથમ બતાવવામાં આવ્યું છે. નાની ઉંમરે, તે સંન્યાસ લે છે અને યોગી આદિત્યનાથ બની જાય છે. યોગી તરીકે તે ઉત્તર પ્રદેશમાં બાહુબળોનું જંગલ રાજ જુએ છે. આવી સ્થિતિમાં, તે રાજ્યને ગુનામુક્ત બનાવવાનો સંકલ્પ લે છે. આ પછી ફિલ્મમાં યોગી આદિત્યનાથની રાજકીય સફર શરૂ થાય છે.

ફિલ્મના સંવાદો પણ દમદાર છે. એક દ્રશ્યમાં, પોલીસકર્મી કહે છે, ‘બાબા આજે નહીં આવે.’ પછી યોગી આદિત્યનાથ પાછળથી કહે છે, ‘બાબા આવતા નથી, તે દેખાય છે.’ ફિલ્મમાં યોગી આદિત્યનાથની ભૂમિકા અનંત જોશીએ ભજવી છે. ટીઝરમાં તેમનો અભિનય જોઈને દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે લખ્યું, ‘અનંત એક અદ્ભુત અભિનેતા છે. તેમના અભિનયથી ફિલ્મમાં પાત્રની સફર વિશે અમારા મનમાં જિજ્ઞાસા જાગી છે.’ બીજા યુઝરે લખ્યું, ‘હું આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છું.’ બીજા ઘણા યુઝર્સે પણ ફિલ્મના ટીઝરની પ્રશંસા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Samrat Cinematics (@samratcineindia)

દિનેશ લાલ યાદવ, પરેશ રાવલ, અજય મેંગી, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટર, ગરિમા વિક્રાંત સિંહ અને સરવર આહુજા જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ શાંતનુ ગુપ્તાના પુસ્તક ‘ધ મોન્ક હૂ બિકેમ ચીફ મિનિસ્ટર’ પર આધારિત છે. યોગી આદિત્યનાથની આ બાયોપિકનું દિગ્દર્શન રવિન્દ્ર ગૌતમે કર્યું છે. આ ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર મીત બ્રધર્સ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 1 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અહીં આવેલી છે એશિયાની એક માત્ર જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી

વડોદરા: આ છે જ્ઞાનપિપાસુની તૃષા તૃપ્ત કરતું પુસ્તકાલય એવું પરબ, જ્યાં વાંચકોના જીવનને નવો દ્રષ્ટિકોણ મળે છે. વડોદરાના આર્ષદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડે તેમના શાસન દરમિયાન વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે 1910માં અલાયદા લાયબ્રેરી ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી હતી. એ જ વર્ષમાં વડોદરામાં ગુજરાતની સૌથી મોટી સેન્ટ્રલ લાયબ્રેરી કાર્યરત થઇ હતી. આપને જાણીને આઆશ્ચર્ય થશે કે એશિયાની એક માત્ર એવી પુસ્તકાલયોની સહકારી મંડળી વડોદરામાં કાર્યરત છે.વડોદરા રાજ્યમાં 1947 સુધીમાં 2,300 જેટલાં પુસ્તકાલયો હતા. 1911માં વડનગર અને એ બાદના વર્ષોમાં અમરેલી, નવસારી, કડી, ઓખા, ડભોઇ, શિનોર, વિસનગર, વરણામા, પલાણા, વસો, ધર્મજ, ઉંઝા, વાઘોડિયા, બિલિમોરા, મહેસાણા, વ્યારા, વિજાપુર, સોજીત્રા, કરનાળી, કરજણ, સંખેડામાં પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. 1925માં 4 પ્રાંત પુસ્તકાલય, 433 કસ્બાના પુસ્તકાલય, 618 સાર્વજનિક પુસ્તકાલય 87 વાંચનાલય, 84 વિશાળ ખંડો સાથેના પુસ્તકાલય હોવાનું આર્ટ હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલ નોંધે છે.

1925 સુધીમાં સેન્ટ્રલ લાયબ્રેરીમાં 1.05 લાખ પુસ્તકો હતા અને વડોદરા રાજ્યની અન્ય લાયબ્રેરીઓમાં કુલ મળી 3.78 લાખ પુસ્તકો હતા. વડોદરા રાજ્યની 70 ટકા સુધીની વસ્તી સુધી પુસ્તકાલયનો લાભ મળ્યો હતો. સેન્ટ્રલ લાયબ્રેરીમાં મહિલાઓ માટે અલગ રિડિંગ રૂમ હતા.આટલી બધી લાયબ્રેરીઓ હોવાના કારણે તેના સંકલિત વહીવટ માટે સર સયાજીરાવ ગાયકવાડે 1924માં પુસ્તકાલયોની સહકારી મંડળી સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી. ચરોતરના મોતી તરીકે ઓળખાતા મોતીભાઇ અમીનના સક્રીય પ્રયાસોથી ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. જેના સભાસદો તરીકે પુસ્તકાલયોને જોડવામાં આવ્યા હતા. આ મંડળના પ્રથમ પ્રમુખ ચુનિલાલ પુરુષોત્તદાસ શાહ બન્યા. વડોદરા રાજ્યના અમલદાર તરીકે નિવૃત્ત થયા બાદ મોતીભાઇ પ્રમુખ બન્યા હતા.

આ સહકારી મંડળીમાં વ્યક્તિ નહી પણ, જાહેર પુસ્તકાલય સભાસદ બની શકે છે. મોટાભાગના લેખકો, પ્રતિષ્ઠિત પ્રકાશકોના પુસ્તકો એક જ સ્થળેથી મળી રહે એ ઉપરાંત ગ્રંથાલયોની જરૂરી સ્ટેશનરી મળી રહે એવા હેતુથી તેની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં 1200થી વધુ જાહેર ગ્રંથાલયો આ મંડળીના સભાસદો છે. તેમ પ્રમુખ ઠાકોરભાઇ પટેલ જણાવે છે.

સહકારી પ્રવૃત્તિ થકી જ્ઞાન વિસ્તારનો આ માર્ગ 101 વર્ષ જૂનો છે. આ મંડળે 725થી વધુ પુસ્તકોનું પ્રકાશન આ મંડળે કર્યું છે. જેમના પુસ્તક કોઇ પ્રકાશક છાપવા માટે તૈયાર નહોતા થતાં તેવા પ્રસિદ્ધ લેખકોના પ્રથમ પુસ્તકનું પ્રકાશન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં પૂ. યોગેશ્વર, બાબુભાઇ પ્રે. વૈદ્ય, માધવ મો. ચૌધરી, નવનીત જે. સેવક, રસિક મહેતા, જયંતી દલાલ, ગુણવંત ભટ્ટ, ખલીલ ધનતેજવી જેવા લેખકો, કવિઓના પ્રથમ પુસ્તકનું પ્રકાશન કરાયું છે. ડોંગરેજી મહારાજના શ્રીમદ્દ ભાગવત રહસ્યનું વિક્રમ સમાન ૨૦થી વધુ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે.

હાલમાં વડોદરા શહેરમાં સંસ્થા વસાહત ખાતે કાર્યરત આ મંડળ દ્વારા પુસ્તકોનું વેંચાણ કરવામાં આવે છે. જેમાં કાયમી ધોરણે 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન વધારાના 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મંડળ દ્વારા પ્રતિ વર્ષ શિષ્ટ વાંચન પરીક્ષા પણ યોજવામાં આવે છે.

કેરળમાં લેખકોની સહકારી મંડળી છે, પણ પુસ્તકાલયોની સહકારી મંડળી એક માત્ર વડોદરામાં છે.

(દર્શન ત્રિવેદી- વડોદરા)

‘નો સ્કૂલબેગ ડે’ : શાળાના બાળકો માટે રાહતના સમાચાર

ભાર વિનાના ભણતર માટે સદાય કસરત કરતા શિક્ષણ તંત્ર દ્વારા નવો પરિપત્ર જારી કરીને પ્રાથમિક શાળાના બાળકો માટે રાહત આપવાના નિયમોનો આદેશ કરાયો છે. નવી શિક્ષણ નીતિ મુજબ જુલાઇ મહિનાથી જ તેનો અમલ કરવાનો છે. પરિણામે 1 જુલાઇ 2025ના શિક્ષણ વિભાગે તેનો પરિપત્ર જાહેર કરી દીધો છે. શનિવાર હવે ‘નો સ્કૂલબેગ ડે’ રહેશે.

બાળકોએ દફ્તર વિના શાળાએ જવાનું

હવે દર શનિવારે બાળકોએ દફ્તર વિના જવાનુ રહેશે. ખાસ કરીને ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ કરવમાં આવી રહી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે ‘નો સ્કૂલબેગ ડે’ રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

પાંચ જુલાઇ, શનિવારથી જ ગુજરાતમાં અમલ

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા 5 જુલાઈ શનિવારથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલબેગ વગર જ શાળા પર આવશે. શાળામાં શનિવારે અભ્યાસ સિવાય ઈત્તર પ્રવૃત્તિ કરાવાશે. શિક્ષણ સાથે સંકળાયેલાઓના જણાવ્યા મુજબ બાળકોને ઇત્તર પ્રવૃત્તિ સાથે શિક્ષણમાં જોડવાના આયામો અમલી બનાવાઇ રહ્યા છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ હેતુ પણ આ નિયમોમાં રહેલો છે.

કસરત, સંગીત, યોગ સહિતનું આયોજન સંભવ

મનોશારીરિક વિકાસ, રમત-ગમત, યોગ, સંગીત વગેરે બાબતોનો શિક્ષણમાં સમાવેશ કરવા શનિવારનો દિવસ બાળકો માટે બેગલેસ ડે તરીકે જાહેર થયો છે. જોકે, શનિવારે ઇત્તર પ્રવૃત્તિઓમાં શું કરાશે તે વિશે શાળા સમિતિ નક્કી કરી શકે છે. ખાસ કરીને શારીરિક અભ્યાસ, કસરતો, યોગ તથા બાળસભા પણ યોજવાની સૂચના આપવામાં આવી છે. જોકે આ મામલે પ્રાથમિક શિક્ષણ તંત્રનું મોનિટરિંગ રહેશે.

IND vs ENG: જસપ્રીત બુમરાહ એજબેસ્ટન ટેસ્ટમાંથી બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે. બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે એક દિવસ પહેલા જ પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી હતી, જેમાં કોઈ ફેરફાર નથી. પરંતુ ભારતીય ટીમમાં 3 મોટા ફેરફારો છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ પછી ભારતની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે બુમરાહ આ ટેસ્ટ રમી રહ્યો નથી.

બુમરાહ એજબેસ્ટન ટેસ્ટમાંથી આરામ કર્યો

બુમરાહ એજબેસ્ટન ટેસ્ટમાં નહીં રમવાની ચર્ચા પહેલાથી જ ચાલી રહી હતી. ટોસ પછી ભારતીય કેપ્ટન શુભમન ગિલે તેના પર અંતિમ મહોર લગાવી દીધી છે. ગિલના મતે, બુમરાહને એજબેસ્ટન ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો છે. લીડ્સ ટેસ્ટની પહેલી ઇનિંગમાં બુમરાહએ 5 વિકેટ લીધી હતી.

બુમરાહની જગ્યાએ આકાશદીપને તક મળી

હવે પ્રશ્ન એ છે કે, જો બુમરાહ નહીં હોય, તો તેના સ્થાને ટીમમાં કોને સ્થાન મળ્યું? ટોસ દરમિયાન શુભમન ગિલે બુમરાહના સ્થાને આકાશદીપને નામ આપ્યું.

ટીમ ઇન્ડિયામાં પણ આ બે ફેરફાર થયા

એજબેસ્ટન ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં વધુ બે ફેરફાર કરવામાં આવ્યા છે. કરુણ નાયર અને શાર્દુલ ઠાકુરને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી, નીતીશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, નીતીશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, વોશિંગ્ટન સુંદર, કૃષ્ણ.

એજબેસ્ટન ખાતે ભારતનો રેકોર્ડ

એજબેસ્ટન ઇંગ્લેન્ડના એવા મેદાનોમાંથી એક છે જ્યાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. ભારતે આજ સુધી એજબેસ્ટનમાં એક પણ ટેસ્ટ જીતી નથી. તેણે અહીં 8 ટેસ્ટ રમી છે, જેમાંથી તેણે 7 હારી છે અને એક ટેસ્ટ ડ્રો રહી છે.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને છ મહિનાની જેલની સજા

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને કોર્ટના અવમાનના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે સજા જાહેર કરી છે. ત્રણ સભ્યોની બેન્ચે બુધવારે આ ચુકાદો આપ્યો હતો.

બાંગ્લાદેશી મીડિયા અનુસાર આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલની બેન્ચનું નેતૃત્વ ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તઝા મજુમદાર કરી રહ્યા હતા. આ પહેલી વાર છે જ્યારે શેખ હસીનાને કોઈ પણ કેસમાં જેલની સજા ફટકારવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત વર્ષે શેખ હસીનાની એક ઓડિયો ક્લિપ લીક થઈ હતી. આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને ત્યારબાદ બાંગ્લાદેશી મીડિયા દ્વારા પણ પ્રસારિત કરવામાં આવી હતી. આ ઓડિયો ક્લિપમાં શેખ હસીના કથિત રીતે ગોવિંદગંજ ઉપાધ્યક્ષ શકીલ બુલબુલ સાથે વાત કરી રહી હતી, જેમાં તેણીએ કહ્યું હતું કે ‘મારી વિરુદ્ધ 227 કેસ નોંધાયેલા છે, તેથી મને 227 લોકોને મારવાનું લાઇસન્સ મળી ગયું છે.’ આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે કોર્ટના અવમાનના કેસમાં શકીલ બુલબુલને બે મહિનાની જેલની સજા પણ ફટકારી છે.

ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે શેખ હસીનાના નિવેદનને અવજ્ઞા ગણાવ્યું અને તેમને કોર્ટની અવગણના કરવા બદલ દોષિત ઠેરવ્યા. કોર્ટે કહ્યું કે આરોપીઓ કોર્ટમાં શરણાગતિ સ્વીકારે અથવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે ત્યારે જ સજા શરૂ થશે. આ સખત કેદની સજા નહીં હોય. 30 એપ્રિલના રોજ ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલના મુખ્ય ફરિયાદી તાજુલ ઇસ્લામે ટ્રિબ્યુનલ સમક્ષ કેસ રજૂ કર્યો અને શેખ હસીનાના નિવેદનને પીડિતો અને સાક્ષીઓને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો. ફોરેન્સિક તપાસના આધારે તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ઓડિયો ક્લિપમાં અવાજ શેખ હસીનાનો છે.