Home Blog Page 796

પંચાંગ 05/07/2025

સતત વરસાદી માહોલ વચ્ચે છત્રી રેઈનકોટ તાડપત્રીની માંગ વધી

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. મેઘરાજાએ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના તમામ વિસ્તારોમાં મહેર કરી છે.આ ચોમાસે સતત વરસાદી વાતાવરણથી રેઈનકોટ, છત્રી, તાડપત્રી, બેગોને પાણીથી બચાવવા પ્લાસ્ટિકની બેગ અને પ્લાસ્ટિકના મોબાઈલ કવરનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.શહેરની પાંચ કુવા વિસ્તારોમાં આવેલા રેઈનકોટ, તાડપત્રીના ‘હોલસેલ રીટેલ ‘ માર્કેટમાં ભારે અવનવી ‘ડિઝાઇન વેરાયટી’ સાથે તેજી દેખાય છે.શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની મોટા ભાગની ખાલી જગ્યાઓ ફૂટપાથ પર રંગબેરંગી દેશી ચાઈનીઝ છત્રીઓ, રેઈનકોટના પથારા જોવા મળી રહ્યા છે. સતત વરસાદી માહોલ રહેતા છત્રી રેઈનકોટ તાડપત્રીનું વેચાણ વધ્યું.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

20 વર્ષથી મહિલા સરપંચ થકી આ ગ્રામ પંચાયત છે સમરસ!

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું બોરડી ગામ, એટલે એક એવું ગામ જ્યાં 20 વર્ષથી મહિલા સરપંચ થકી ગ્રામ પંચાયત સમરસ બનીને વિકાસની કેડી કંડારી છે. આ 21મી ટર્મમાં પણ મહિલા સરપંચ લીલાબેન પ્રતાપસિંહ મોરી 21મી વખત સરપંચ બન્યા.

આ અંગે મહિલા સરપંચ લીલાબેન મોરીએ કહ્યુ કે, “30 વર્ષની ઉંમરથી બોરડી ગામના સરપંચ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. પંચાયતનું કાર્ય ખૂબ સરસ ચાલે છે, તેનું મુખ્ય કારણ તેમના ગામની એકતા છે, એ ઉમેરે છે કે, અમારા માટે ગર્વની વાત એ પણ છે કે અમારી સમરસ ગ્રામ પંચાયત કમિટી મહિલાઓથી સંચાલિત છે. પ્રથમવાર સરપંચમાં ચૂંટાયા પછી એમણે જે વિચાર્યું હતું એ, એમણે કરી બતાવ્યું, એમના બોરડી ગામને સુંદર, નિર્મળ અને ગોકુળિયું બનાવવાનો એમનો સંકલ્પ ગ્રામજનોના સહકાર થકી પરિપૂર્ણ થયો છે.”

21 વર્ષની આ રોચક સફર અંગે કહે છે, “ પ્રથમ ટર્મ વખતે બે ત્રણ મહિલા સદસ્યો જ પંચાયતની કમિટીમાં સામેલ હતી. ત્યાર પછી ગામના વડીલો અને ગ્રામજનોએ આ બે- ત્રણ મહિલાઓની કામગીરીને નિહાળી અને તેમને બિરદાવતા ગામના પુરુષ આગેવાનો દ્વારા અમારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે.”

સરપંચ બન્યા બાદ એમણે સરકારની યોજનાઓના લાભ થકી ગામમાં પાણીની સમસ્યા દૂર કરવા, સ્વજલધારામાંથી પાણીની ટાંકીઓ બનાવડાવી, વિવિધ આવાસ યોજનાઓનો લાભ આપી ઘર વિહોણા,કાચા ઘરમાં રહેતા ગ્રામજનોને પાકી છત કરાવી છે, હવે સમરસ ગ્રામ પંચાયત જાહેર થતાં ફરી જે વધારાની ગ્રાન્ટ મળશે તેમાંથી પણ ગામના વિકાસ આયોજનો પર ધ્યાન કેન્દ્રિત કરી તેને પાર પાડવાનું આયોજન છે.

(નેહા તલાવિયા)

સરકારી યોજનાઓમાં વ્યાપક કૌભાંડનો કોંગ્રેસનો આરોપ

ગાંધીનગર: રાજ્યમાં મનરેગા અને ‘નલ સે જલ’ યોજનામાં વ્યાપક કરોડોના કૌભાંડ થયા હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસ વિધાનસભાના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યોએ આજે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસે આ કૌભાંડોની તટસ્થ તપાસ માટે ન્યાયિક અને બંધારણીય હોદ્દા ધરાવતા લોકોની વિશેષ તપાસ સમિતિ (SIT) બનાવવાની, કૌભાંડમાં સંડોવાયેલા મંત્રી બચુભાઈ ખાબડને તાત્કાલિક અસરથી હટાવવા અને કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજ્યપાલને કરેલી અપીલમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં મનરેગા યોજનાના અનિયમિત ખર્ચ અને સંભવિત ભ્રષ્ટાચારના કેસોની તપાસ માટે રાજ્યસ્તરીય SITની રચના કરવી અનિવાર્ય છે. તેમણે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી અંગે પણ રાજ્યપાલ સમક્ષ ગંભીર રજૂઆત કરી છે.

આવેદનપત્રમાં કોંગ્રેસે તાલુકાવાર ઘટનાઓમાં રૂ. 100 કરોડથી વધુનીા ગેરવહીવટની આશંકા વ્યક્ત કરી છે. ખાસ કરીને ડાંગ, પંચમહાલ, ધાનપુર અને પાવાગઢ જેવા વિસ્તારોમાં દ્રષ્ટિગત વિસંગતતાઓ હોવાનો દાવો કરાયો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકાર આ અંગે કોઈ કાર્યવાહી કરી રહી નથી. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ મામલે વારંવાર અરજીઓ, પ્રશ્નોતરી અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં પણ રૂ. 100 કરોડ કરતાં વધુના ભ્રષ્ટાચારના પુરાવા સહિતની ફરિયાદો હોવા છતાં, તેના પર કોઈ કાર્યવાહી ન થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સાથે જ રાજ્યપાલને આ મામલે કડક સૂચના આપવા વિનંતી કરી છે.

H&H એલ્યુમિનિયમપ્રા. લિમિટેડેનો સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં શરૂ

અમદાવાદઃ ગુજરાત સ્થિત H&H એલ્યુમિનિયમ પ્રા. લિમિટેડે રાજકોટમાં દેશનો સૌથી મોટો અને સૌથી અદ્યતન એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. રાજકોટના ચીભડા ગામમાં આ વાર્ષિક 24,000 મેટ્રિક ટન (MT) ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ભારતમાં 6 ગિગાવોટ (GW) સોલાર ઇન્સ્ટોલેશનને સપોર્ટ કરી શકે એવો સક્ષમ છે.

આ પ્લાન્ટનું ઉદ્ઘાટન 4 જુલાઈ, 2025એ કેન્દ્રીય જળશક્તિ મંત્રી  સી. આર. પાટીલ દ્વારા વરિષ્ઠ સરકારી અધિકારીઓ, H&H એલ્યુમિનિયમની લીડરશિપ ટીમ અને તમામ આમંત્રિત મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

કંપનીએ 28,000 ચોરસ મીટરના અત્યાધુનિક અને સોલાર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ માટેના સૌથી અદ્યતન પ્લાન્ટમાં લગભગ 150 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ પ્લાન્ટમાં ટ્રાયલ ઉત્પાદન જૂન 2025માં શરૂ થયું છે અનેક મહિનાની અંદર કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થવાની ધારણા છે. ફુલ કેપેસિટી પર પ્લાન્ટ વાર્ષિક રૂ. 700-750 કરોડના વેચાણને ટેકો આપી શકશે. આ પ્લાન્ટ 300થી વધુ લોકો માટે રોજગારીની તકો ઊભી કરશે.

કંપનીના ડિરેક્ટર ઉત્તમ પટેલે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન સોલાર પેનલ એલ્યુમિનિયમ ફ્રેમ પ્લાન્ટ હશે અને અમે લગભગ એક વર્ષના રેકોર્ડ સમયમાં આને સ્થાપિત કરવામાં સફળ રહ્યા છીએ. અમે રાજ્ય સરકાર અને તમામ સંબંધિત વિભાગોના તેમના સમર્થન બદલ આભારી છીએ.  હાલમાં  ભારત  90-95%  એલ્યુમિનિયમ સોલાર પેનલ ફ્રેમની આયાત કરે છે, આ પ્લાન્ટ સાથે અમે મેક ઇન ઇન્ડિયા પહેલને ટેકો આપવા અને સૌરઊર્જા ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તરફ એક અર્થપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ. અમે આગામી એક મહિનામાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ.

પરિમલ નથવાણીની G.S.F.A.ના અધ્યક્ષ તરીકે પુનઃવરણી

અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (F.S.F.A.)ની 47મી વાર્ષિક સાધારણ સભા (A.G.M.)માં સંસ્થાના વર્તમાન અધ્યક્ષ, રાજ્યસભાના સભ્ય અને R.I.L.ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણીની ચાર વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી. મૂળરાજસિંહ ચુડાસમાની માનદ્ મહામંત્રી તરીકે તેમજ પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપુત તથા ગુણવંતભાઈ ડેલાવાલાની ઉપાધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી. આ ઉપરાંત સંદીપ દેસાઇની વરણી હનીફ જીનવાલાની જગ્યાએ ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવી, જ્યારે અંકિત પટેલની વરણી માનદ્ ખજાનચી તરીકે કરવામાં આવી.આ પ્રસંગે G.S.F.A.ના અધ્યક્ષ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “સમગ્ર ગુજરાતમાં ફૂટબોલને સુલભ અને સાતત્યપૂર્ણ બનાવવાનું અમારું વિઝન અમારા પ્રયાસોને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. આ વર્ષ દરમિયાન ગુજરાતના યુવા ખેલાડીઓની ભાગીદારીમાં વધારો જોવા મળ્યો જે આપણી ફૂટબોલ ઇકોસિસ્ટમના અનુશાસનનો પૂરાવો છે.” તેમ તેમણે ઉમેર્યું હતું કે, “2024-25 દરમિયાન 26 વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, કુલ 1,168 મેચ રમવામાં આવી અને 6,468 ગોલ નોંધાયા. A.I.F.F.ના C.R.S. અન્વયે ગુજરાતમાં કુલ 7,400 જેટલા સક્રિય ખેલાડીઓ છે. જેમાંથી 4,836એ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો.”અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ અપાયો હતો, ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ સુરતને ફાળે ગયો હતો અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ રાજકોટને એનાયત કરાયો હતો. જ્યારે બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને મળ્યો હતો. A.R.A. ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને નવરચના S.A., વડોદરાને G.S.F.A.ની બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સ તરીકે સંયુક્ત વિજેતા ઘોષિત કરાયા હતા.વ્યક્તિગત કેટેગરીમાં, ફૂટબોલ રેફરી ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં રચના કામાણી અને પુરુષ કેટેગરીમાં પ્રતિક બજાજને અપાયો હતો. જ્યારે કોચ ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં ફેલસીના મીરાન્ડા અને પુરુષ કેટેગરીમાં સલીમ પઠાણને ફાળે ગયો. આ પ્રકારે જ ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી નાઝબાનુ શેખ અને કિશન સિંહને સન્માનિત કરાયા હતા. જ્યારે બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મહિલા કેટેગરીમાં તન્વી માલાણી અને પુરુષ કેટેગરીમાં અમન શાહને અપાયો હતો.

મુંબઈમાં BKC ખાતે રેડિયન્સ દાંડિયા નવરાત્રી ઉત્સવ 2025નું આયોજન

ડાંડિયા ક્વીન ફાલ્ગુનીની વાત કરીએ તો નવરાત્રી યાદ આવે અને નવરાત્રીની વાત કરીએ તો ફાલ્ગુની પાઠકનો ઉલ્લેખ કરવો જ રહ્યો. હવે તે પોતાના આઇકોનિક ગીતો અને ઝૂમાવનારી ડાંડીયાની ધૂન સાથે રેડિયન્સ દાંડિયા નવરાત્રી ઉત્સવ 2025 માટે તૈયાર છે. આ ઉત્સવનું આયોજન અને પ્રોમોશન પર્પલ બ્લુ ઇવેન્ટ્સ એન્ડ આઇડિયાઝ અને ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ (BookMyShowનો હિસ્સો) દ્વારા કરવામાં આવ્યું છે.

રેડિયન્સ દાંડિયા નવરાત્રી ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર, 2025 દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, BKC ખાતે યોજાશે. આ ઉત્સવમાં ફાલ્ગુની પાઠકના સૂર પર રમઝટ તો થશે જ સાથે સાથે અહીં શ્રેષ્ઠ સુવિધાઓ સાથે પરંપરા અને ઉત્સાહ ભરેલા વાતાવરણને માણવા મળશે.

આ અંગે ફાલ્ગુની પાઠકે કહ્યું કે, “દર વર્ષે ઉત્સાહ અને પ્રેમ વધતો જાય છે, પણ આ વર્ષે કંઈક ખાસ છે. જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પર મૂવ થવાથી હું મારા ચાહકોને યાદગાર અનુભવ આપી શકીશ ,that’s the plan! ચાલો આ નવરાત્રિને યાદગાર બનાવીએ!”

રેડિયન્સ ડાંડીયાના ફાઉન્ડર અને પર્પલ બ્લુ ઇવેન્ટ્સ એન્ડ આઇડિયાઝના CEO અજય મંત્રીએ કહ્યું કે, “રેડિયન્સ ડાંડીયા એ 2015થી મારો પેશન પ્રોજેક્ટ રહ્યો છે. મુંબઈમાં પહેલો ઇન્ડોર ડાંડીયા ફોર્મેટ લાવવાનો વિચાર અને પરંપરાને નવી રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ હતો. દર વર્ષે અમે નવી નવી વસ્તુઓ લાવીએ છીએ, પણ તહેવારની ભાવનાને જાળવી રાખીએ છીએ. આ વર્ષે TribeVibe Entertainment સાથે મળીને અમે ફરી એકવાર એ પ્રવૃત્તિમાં આગેવાની લઈ રહ્યા છીએ કે નવી પેઢી માટે નવરાત્રિનો અર્થ શું બની શકે છે.”

TribeVibe Entertainmentના ફાઉન્ડર અને CEO શોવેન શાહે કહ્યું કે,”ફાલ્ગુની પાઠક નવરાત્રી માટે એક પાયાનો સ્તંભ છે. તેમની સાથે કામ કરીને અમે અદભુત અનુભવ મેળવ્યો છે.આના માટે સમીર સતાનો પૂરતો સહયોગ રહ્યો છે એવું તેમણે જણાવ્યું હતું. ફાલ્ગુની પાઠકના ‘ઇંધણા વિનવા’, ‘રાધા કેમ ના જલે’, ‘મૈને પાયલ હૈ છન્કાઈ’ અને ‘ઓઢણી’ જેવા લેજન્ડરી ગીતો પેઢીદરે પેઢી નવરાત્રીના મુખ્ય સંગીત રહ્યા છે,અને 2025 એમાં વધુ મ્યુઝિકલ મેજિક ઉમેરશે.

આ વર્ષે સૌથી ખાસ Attraction એ છે Private Pods, ફાલ્ગુની પાઠકના શોમાં સૌપ્રથમવાર આવી સુવિધા જોવા મળશે. જ્યાં એક ગ્રુપને પોતાની એક અલગ સ્પેસ મળશે. આ ઉત્સવમાં સામેલ થવા માટે BookMyShow પર ટિકિટ ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. 1499 થી શરૂ થાય છે.

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મામલોઃ હાઇકોર્ટથી હિંદુ પક્ષને આંચકો

લખનૌઃ શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ મામલે હિંદુ પક્ષને અલાહાબાદ હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. હિંદુ પક્ષે અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે ભવિષ્યમાં આ મામલાની તમામ કાર્યવાહી દરમ્યાન શાહી ઈદગાહ મસ્જિદને “વિવાદિત ઢાંચો” તરીકે સંદર્ભિત કરવામાં આવે, પણ કોર્ટે એ માગને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

હિંદુ પક્ષે અનેક દલીલો આપીને પોતાની માગના સમર્થનમાં દલીલો કરી હતી, પણ જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે અરજી ફગાવી કરવાનો આદેશ આપ્યો. આ કેસમાં કુલ 18 કેસોની એકસાથે સુનાવણી ચાલી રહી છે. આ કેસોમાં એ પણ માગ કરવામાં આવી છે કે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની પરિસરમાંથી ગેરકાયદે કબજો” દૂર કરાય. અરજદારોએ દલીલ કરી છે કે શાહી ઈદગાહ મસ્જિદ એક ગેરકાયદે કબજાની માફક છે.

શા માટે છે આ વિવાદ?

આ વિવાદ ઉત્તર પ્રદેશના મથુરા શહેરમાં આવેલી શાહી ઈદગાહ મસ્જિદને લઈને છે. કહેવાય છે કે આ મસ્જિદ મુઘલ બાદશાહ ઔરંગઝેબના સમયકાળમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ પર આવેલા એક પ્રાચીન મંદિરને તોડીને બનાવી હતી.

1968માં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી ઈદગાહ ટ્રસ્ટ વચ્ચે એક કરાર થયો હતો, જેમાં બંને ધાર્મિક સ્થળોને સાથે-સાથે ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે ત્યાર બાદ આ કરારની કાનૂની માન્યતાને પડકારવામાં આવી છે. કરાર પર વિવાદ કરતી પાર્ટીઓનો દાવો છે કે આ કરાર છેતરપિંડીથી કરવામાં આવ્યો હતો અને કાયદેસર રીતે અમાન્ય છે. કેટલીક અરજીઓમાં શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની પણ માગ કરવામાં આવી છે.

પંકજ ત્રિપાઠી અને ઇરફાન ખાનની સરખામણી પર કોંકણાએ શું કહ્યું?

વર્ષ 2007 માં અનુરાગ બાસુની ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રો’ માં ઇરફાન ખાન અને કોંકણા સેન શર્માની જોડીએ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું. બંનેએ પોતાના અભિનયથી એક સરળ વાર્તાને ખૂબ જ ખાસ બનાવી. હવે 17 વર્ષ પછી અનુરાગ બાસુ તેમની નવી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’ દ્વારા તે જ વાર્તાને આગળ લઈ જઈ રહ્યા છે.

આ ફિલ્મમાં કોંકણા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે.આ વખતે ફરી બધાની નજર કોંકણા સેન શર્મા પર છે. આ વખતે તે પંકજ ત્રિપાઠી સાથે જોવા મળી છે. તેણીએ ઈરફાન ખાન યાદ કર્યા અને તે ભાવુક થઈ ગઈ હતી.

જ્યારે કોંકણાને પૂછવામાં આવ્યું કે શું તેણીએ ક્યારેય પંકજ ત્રિપાઠીમાં ઇરફાનની ઝલક જોઈ છે, ત્યારે કોંકણાએ તરત જ કહ્યું, ‘કૃપા કરીને મને આ પ્રશ્ન ન પૂછો. કારણ કે બે સંપૂર્ણપણે અલગ આત્માઓની તુલના કરવી ખૂબ જ મુશ્કેલ છે.’ થોડીવાર મૌન રહ્યા પછી, કોંકણાએ ખૂબ જ સરળ રીતે કહ્યું કે ઇરફાન સાથેનો તેનો સંબંધ ખૂબ જ ખાસ હતો. આ બંધન પણ પોતાનામાં અનોખો છે. પરંતુ હું આ સરખામણીનો જવાબ આપી શકતી નથી. ઇરફાનને યાદ કરતાં, કોંકણાએ કહ્યું કે તે માત્ર એક મહાન કલાકાર જ નહીં પણ ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ પણ હતા. તેમની સાથે કામ કરવું એ એક એવો અનુભવ હતો જે ફરીથી અનુભવી શકાતો નથી.

આ વખતે ફિલ્મમાં કોંકણાએ ‘કાજોલ’ નામની એક પરિણીત સ્ત્રીની ભૂમિકા ભજવી છે, જે 10-12 વર્ષના લગ્નજીવન પછી એવા તબક્કે ઉભી છે જ્યાં બધું હોવા છતાં ઘણી બધી બાબતો અધૂરી લાગે છે. કોંકણા કહે છે કે ક્યારેક તમે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરો છો, અને બધું બરાબર હોય છે. પરંતુ થોડા વર્ષો પછી એક સમય આવે છે જ્યારે બધું જ રૂટિન જેવું લાગવા લાગે છે. બાળકોનું શિક્ષણ, EMI, સ્કૂલ ફી. આ બધું એકવિધ બનવા લાગે છે. ફિલ્મોમાં આપણે ઘણીવાર પ્રેમ કથાઓની શરૂઆત બતાવીએ છીએ પરંતુ તે પછી શું થાય છે – આ ભાગ્યે જ બતાવવામાં આવે છે. આ પાત્ર વિશે મને સૌથી રસપ્રદ વાત એ મળી કે તે કોઈનો ભોગ નથી, કે બલિદાન આપનાર નથી. તેનામાં એક પ્રકારની સ્પર્ધા છે કે તમે જે પણ કરો છો, હું પણ તે જ કરીશ. આ તે છે જે મને તેના વિશે ખૂબ ગમ્યું.

કોંકણા સેન શર્મા હંમેશા કન્ટેન્ટ-ડ્રાઇવ સિનેમાનો ચહેરો રહી છે. તેથી વાતચીત દરમિયાન તેણીને પૂછવું સ્વાભાવિક હતું કે શું તેણીએ ક્યારેય વિચાર્યું હતું કે કરણ જોહર તેણીને શાહરૂખ ખાન સાથેની ફિલ્મમાં કાસ્ટ કરશે? આ પ્રશ્ન પર કોંકણાએ હસીને ખચકાટ વિના કહ્યું,’તે ક્યારેય મારો ઝોન રહ્યો નથી. ગમે તે હોય, ઘણા લોકો તે ઝોનમાં ખૂબ સારું કામ કરે છે, પરંતુ મને નથી લાગતું કે તે મારી તાકાત છે. હું કોઈપણ પ્રકારની વાર્તા માટે તૈયાર છું, જો પાત્ર સારું હોય, દિગ્દર્શક સારા હોય. પરંતુ ‘મુખ્ય પ્રવાહની હિરોઇન’ બનવાનું સ્વપ્ન ક્યારેય મારું નહોતું.’

પોતાના 14 વર્ષના દીકરા વિશે વાત કરતાં કોંકણા કહે છે કે તે મારી મોટાભાગની ફિલ્મો જોઈ શકતો નથી કારણ કે તે થોડી ગંભીર હોય છે. અત્યારે તે માર્વેલ, એવેન્જર્સ જેવી ફિલ્મો જુએ છે. પણ હવે હું તેને એક માણસ તરીકે ઓળખી રહી છું. તેની પોતાની પસંદગીઓ, વિચારો, સંવેદનશીલતાઓ ઉભરી રહી છે, અને એક માતા માટે આ જોવું ખૂબ જ ખાસ અનુભવ છે. પોતાના દીકરાના અભિનયમાં પ્રવેશ અંગે કોંકણા કહે છે કે જો તે તે કરવા માંગે છે, તો મને કોઈ વાંધો નથી. પણ હા, તેણે પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કરવો પડશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ‘મેટ્રો ઇન દિનોં’ પછી કોંકણા ટૂંક સમયમાં તેની માતા અપર્ણા સેનની ફિલ્મ ‘ધ રેપિસ્ટ’માં જોવા મળશે. આ ઉપરાંત તેણે પ્રતિભા રંતા સાથે એક ફિલ્મ કરી છે. તે હોટસ્ટાર માટે વેબ સિરીઝ ‘કિલિંગ’ પણ કરી રહી છે.

 

ભારતે માત્ર પાકિસ્તાનને નહીં, ત્રણ દેશોને હરાવ્યાઃ રાહુલ સિંહ

નવી દિલ્હીઃ ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (કેપેબિલિટી ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનન્સ) લેફ્ટેનેન્ટ જનરલ રાહુલ આર. સિંહે નવી દિલ્હીસ્થિત ફિક્કી દ્વારા આયોજિત ‘ન્યુ એજ મિલિટરી ટેક્નોલોજી’ કાર્યક્રમમાં ભારત-પાકિસ્તાન સરહદ પર વધેલા ટેન્શન અને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાનના પડકારો અંગે ખુલ્લા દિલે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ ચીન અને તુર્કી પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા, જેને કારણે ભારતમાં હવાઈ બચાવ વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂરિયાત મહેસૂસ થઈ.

ચીનની શું ભૂમિકા હતી?

લેફ્ટેનેન્ટ જનરલ સિંહે ખુલાસો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ચીન તરફથી રિયલ-ટાઈમ ઇન્ટેલિજન્સ માહિતી મળતી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO (ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) સ્તરે વાતચીત ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનને અમારી મહત્ત્વની સૈન્ય સંબંધી ગતિવિધિઓની લાઇવ માહિતી મળી રહી હતી અને એ માહિતી ચીન તરફથી આપવામાં આવી રહી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે રહેલા 81 ટકા સૈન્ય ઉપકરણો ચીનના બનેલાં છે અને આ ઓપરેશન ચીન માટે પોતાનું હથિયાર પરીક્ષણ કરવા માટે એક જીવંત પ્રયોગશાળા જેવી સ્થિતિ બની ગઈ હતી.

તુર્કીની શું ભૂમિકા હતી?
લેફ્ટેનેન્ટ જનરલ સિંહે જણાવ્યું કે તુર્કીએ પણ પાકિસ્તાનને ડ્રોન અને અન્ય સહાયતા આપી હતી. તેમણે કહ્યું હતું  કે તુર્કીએ ડ્રોન તથા તાલીમપ્રાપ્ત વ્યક્તિઓ આપ્યાં હતાં. તેમણે એ પર ભાર મૂક્યો હતો કે ભારતને હવે ત્રણ મોરચા – પાકિસ્તાન, ચીન અને તુર્કી સામે એકસાથે સામનો કરવાની પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.