Home Blog Page 757

સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતની 60 વર્ષની ઉજવણી

અમદાવાદ: ધ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતે તેના નવરંગપુરા કેમ્પસમાં 60મા ઉદ્ઘાટન દિવસની ઉજવણી કરી હતી. વર્ષ 1965માં સ્થપાયેલી આ ક્લબે રમત-ગમત ક્ષેત્રે ગુજરાતની ઓળખ અને સામુદાયિક સંસ્કૃતિને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.આ સંસ્થાનો પાયો દુરદર્શીતા ધરાવતા અગ્રણી લીડર્સ અને સ્થાપક સભ્યોની પ્રતિબદ્ધતાથી નંખાયો હતો, જેમણે ફિટનેસ, ફેલોશિપ અને રમતગમત માટે એક સુવિધાયુક્ત કેન્દ્રિય સ્થાન બનાવવાની કલ્પના કરી હતી. ક્લબની સ્થાપત્ય પ્રતિભાને સુપ્રસિદ્ધ ચાર્લ્સ કોરિયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ક્લબે તેના પ્રથમ પ્રમુખ ચિનુભાઈ ચીમનલાલને યાદ કર્યા, જેમણે 1963-67 સુધી સેવા આપી હતી. આની સાથે જ, જયકૃષ્ણ હરિવલ્લભદાસ (1967-70), અરવિંદ નરોત્તમભાઈ (1971-74) અને રોહિત મહેતા (1975) સહિત અન્ય ભૂતપૂર્વ પ્રમુખોને પણ યાદ કર્યા હતા, જેમણે સંસ્થાનો મજબૂત પાયો સુનિશ્ચિત કર્યો હતો.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન બનાવવાથી લઈને ઉચ્ચ કક્ષાની ટુર્નામેન્ટ અને તાલીમ શિબિરોનું આયોજન કરવા સુધી, ક્લબે હંમેશા રમતગમતને પ્રોત્સાહન આપવાનું પોતાનું ધ્યેય રાખ્યું છે. ઓલિમ્પિયન તરણવીર માના પટેલે આ જ ક્લબમાં સ્વિમિંગ શીખ્યું હતું. ગીત સેઠી અને અન્ય ઘણા ચેમ્પિયન પણ આ ક્લબમાંથી જ આગળ આવ્યા હતા. આઠ વખતના બિલિયર્ડ્સ વર્લ્ડ ચેમ્પિયન પદ્મશ્રી ગીત સેઠી, બે વખતના બિલિયર્ડ્સ વર્લ્ડ ચેમ્પિયન રૂપેશ શાહ અને ઓસ્ટ્રેલિયન ઓપન બિલિયર્ડ્સ ચેમ્પિયન ધ્વજ હરિયા, એ પ્રખ્યાત ખેલાડીઓમાંના એક છે, જેમણે આ ક્લબમાં પોતાની કુશળતા નિખારી છે.

ICC ચેરમેન જય શાહ, મહાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલ અને આંતરરાષ્ટ્રીય બિલિયર્ડ્સ અને સ્નૂકર ચેમ્પિયન પંકજ અડવાણી પણ આ ક્લબના માનદ સભ્યો છે. સંસ્થાના પ્રમુખ એન. કે. પટેલે જણાવ્યું હતું કે, “સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, એ માત્ર એક સ્થળ નથી, પરંતુ તે એક લાગણી છે. 60 વર્ષની યાત્રાને શક્ય બનાવનાર દરેક સભ્ય સાથે આ સીમાચિહ્નની ઉજવણી કરવી એ ખરેખર અમારું સૌભાગ્ય છે.”

ડાયમંડ જ્યુબિલી નિમિત્તે, ક્લબે 60 વર્ષના ખાસ લોગોનું અનાવરણ કર્યું હતું અને તેની ઐતિહાસિક યાત્રા પર એક દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરી હતી. આની સાથે જ સંસ્થા દ્વારા વર્ષભર દરમિયાન ચાલનારી રમતગમત ટુર્નામેન્ટ્સ, યુવા ઉત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક સેવા ઝુંબેશ દર્શાવતા ઉજવણી/ઉત્સવ કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી હતી.

ઇન્ડિયા ગઠબંધનથી AAPએ છેડો ફાડ્યો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં ભાજપને બહુમતથી દૂર રાખવા માટે બનેલા વિપક્ષી ‘ઇન્ડિયા ગઠબંધન’માં હવે ભંગાણ થયું છે. આમ આદમી પાર્ટી (AAP) એ પહેલા તો લોકસભા ચૂંટણી પછી આ ગઠબંધનથી દૂરી બનાવી હતી અને હવે સંસદના મોન્સૂન સત્ર પહેલા આ ગઠબંધનથી પોતાના તમામ સંબંધ સંપૂર્ણ રીતે તોડી નાખ્યા છે. AAPના આ રાજકીય પગલાથી સંસદમાં વિપક્ષનો અવાજ નબળો પડવાની આશંકા છે.

સંસદનું મોન્સૂન સત્ર 21 જુલાઈ 2025થી 21 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદમાં મોદી સરકારને ઘેરવા માટે ઇન્ડિયા ગઠબંધને શુક્રવાર સાંજે ઓનલાઈન બેઠક બોલાવી છે. શનિવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પણ બેઠક યોજાવાની છે, જેમાં AAP ભાગ નહીં લે.

AAPના સાંસદ સંજય સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી હવે ઇન્ડિયા ગઠબંધનની બેઠકોમાં ભાગ નહીં લે. તેમણે કહ્યું  હતું કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે ગઠબંધનની બહાર છીએ. તેમનું કહેવું છે કે AAP સંસદીય મુદ્દાઓ પર TMC અને DMK જેવા વિપક્ષી પક્ષો સાથે સહકાર રાખશે અને તેમને સમર્થન કરશે, કેમ કે તે પક્ષો AAPને સમર્થન આપે છે.

સંજય સિંહે જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ હતું. ત્યારબાદ AAPએ હરિયાણા અને દિલ્હીની વિધાનસભા ચૂંટણીઓ તેમજ પંજાબ અને ગુજરાતના ઉપચૂંટણોમાં એકલે હાથે જ ભાગ લીધો હતો. આથી AAPએ પહેલેથી જ રાજકીય રીતે ગઠબંધનથી દૂરી બનાવી હતી અને હવે સંસદમાં વિપક્ષી એકતાથી પણ અલગ થઈ ગઈ છે.

જન્મદિવસ પર પ્રિયંકા ચોપરાની સ્પેશ્યલ પોસ્ટ, જુઓ

પ્રિયંકા ચોપરા આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બીચ પર પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવી રહી છે. વીડિયોમાં તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી તેની સાથે છે. આ વીડિયો પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે.

પ્રિયંકા ચોપરા દ્વારા શેર કરાયેલા વીડિયોમાં, એક તસવીરમાં પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસના ખોળામાં બેઠી છે. બીજા શોટમાં, તે તેના પતિને ગળે લગાવતી જોવા મળે છે. તેમજપ્રિયંકા ચોપરાએ તેની પુત્રી માલતી સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળે છે.

વિડિઓ શેર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ કેપ્શનમાં લખ્યું,’હું સૂર્યની આસપાસ ફરી નવા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છું. મારા જન્મદિવસ પહેલાની સાંજ… હું ફક્ત આભારી છું. હું દુનિયામાં સુરક્ષિત અનુભવું છું. તમે લોકોએ મને આપેલી ભેટો માટે હું આભારી છું. મારા માટે મારા પરિવાર અને દુનિયાભરમાં મને પ્રેમ કરતા લોકો, જે મારા વિશે સારું વિચારે છે, તે મારા માટે સૌથી મોટી ભેટ છે. આભાર મિત્રો. આ કૃતજ્ઞતા સાથે, હું 43મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છું, બેબી!’

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરાના વીડિયો પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે. સોફી ચૌધરીએ પ્રિયંકાની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું, ‘તમને ખૂબ ખૂબ પ્રેમ. હંમેશા સુરક્ષિત રહો. જન્મદિવસની શુભકામનાઓ.’ સોહા અલી ખાને પ્રિયંકા ચોપરાને અભિનંદન આપતા કહ્યું, ‘જન્મદિવસની શુભકામનાઓ.’ અભિનેત્રી કુબ્રા સૈતે લખ્યું, ‘જન્મદિવસની શુભકામનાઓ.’ અભિનેત્રી નેહા મલિકે લખ્યું, ‘તમે મારા પ્રિય છો. જન્મદિવસની શુભકામનાઓ.’

પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ તેની ફિલ્મ ‘હેડ્સ ઓફ સ્ટેટ’ ની રિલીઝને કારણે સમાચારમાં છે. આ માટે તેના ખૂબ વખાણ થયા છે. એવું કહેવાય છે કે પ્રિયંકા ટૂંક સમયમાં એસએસ રાજામૌલીની ફિલ્મ ‘એસએસએમબી 29’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તે મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે જોવા મળશે.

RJD, કોંગ્રેસના નાપાક ઇરાદાઓથી બિહારને બચાવવું પડશેઃ PM મોદી

મોતિહારીઃ બિહારના મોતિહારીમાં જાહેર સભાને સંબોધિત કરતાં વડા પ્રધાને RJD અને કોંગ્રેસ પર ભારે પ્રહાર કર્યો હતો. મોદીએ બંને પક્ષો પર બિહારના વિકાસ કાર્યો અટકાવવાનો આરોપ મૂક્યો હતો અને મતદાતાઓને “કોંગ્રેસ અને RJDના નાપાક ઈરાદાઓથી બચવા”ની અપીલ કરી હતી. બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મોતિહારીથી જ વડા પ્રધાને નવી અમૃત ભારત ટ્રેનોને હરી ઝંડી આપી રવાના કરી હતી.

આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં PM મોદીએ મોતિહારીમાં નવું સૂત્ર આપ્યું: “બનાવીશું નવું બિહાર, ફરી એક વાર NDA સરકાર.” આ સૂત્ર સાંભળીને ત્યાં હાજર જનમેદનીમાં જોશ  છવાયો હતો અને કાર્યકરોમાં ઉત્સાહિ થયા હતા. વડા પ્રધાને કહ્યું કે તેમણે બિહારની ધરતી પરથી ઓપોરેશન સિંદૂરનો સંકલ્પ લીધો હતો અને તેની સફળતા દુનિયાએ જોઈ છે. તેમણે જણાવ્યું હતું કે RJDએ યુવાનોને રોજગાર આપવાનું વિચાર પણ નથી કરી શકતી, કારણ કે તેમણે પહેલાં ગરીબોની જમીન કબજે કરી હતી.

રાજ્યમાં RJD-કોંગ્રેસના શાસનમાં વિકાસ દૂર-દૂર સુધી નહોતો પહોંચ્યો. આ લોકો ક્યારેય ગરીબો માટે નહીં વિચાર્યું. ફક્ત ગરીબો અને સામાજિક રીતે પછાત વર્ગના નામે રાજકારણ કર્યું.

યુવાનો માટે વધુ તકો આપવાનું વચન આપતાં વડા પ્રધાને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશભરમાં નોકરીઓ અને રોજગાર તકો વધારવા માટે એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેમણે જણાવ્યું હતું કે દેશના કુલ 1.5 કરોડ ‘લખપતિ દીદીઓ’ પૈકી 20 લાખ બિહારની છે. આ પહેલાં વડા પ્રધાને પૂર્વી ચંપારણ જિલ્લામાં રૂ. 7200 કરોડથી વધુની વિકાસ યોજનાઓની શરૂઆત કરી હતી. આ યોજનાઓ રેલવે, મચ્છીપાલન અને અન્ય ક્ષેત્રોને આવરી લે છે.

અમદાવાદમાં યુવા લેખિકાના પ્રથમ કાવ્યસંગ્રહનું વિમોચન

સ્કૂલમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની વિદ્યાર્થી લેખિકા દ્વિષા શાહે તેની પ્રથમ કાવ્યપુસ્તક “ઈકોઝ ઓફ અ રેસ્ટલેસ માઇન્ડ”નું ભવ્ય વિમોચન તાજેતરમાં અમદાવાદ સ્થિત iHub Gujarat ખાતે કર્યું.

આ અનોખું કાવ્યસંગ્રહ ત્રણ અલગ-અલગ વિચારપ્રેરક વિભાગોમાં વિભાજિત છે, જે યુવામનની લાગણીઓ, જીવનના ઊંડાણ અને આત્મઅન્વેષણ જેવા વિષયોને સ્પર્શે છે. દરેક કાવ્ય એક એવી અંદરયાત્રા છે, જે વાચકને પોતાના વિચારો અને અનુભૂતિઓ સાથે જોડવા માટે મજબૂર કરે છે. પુસ્તકને વધુ જીવંત અને દૃશ્યરૂપ બનાવવાનો શ્રેય મન્યા પટેલને જાય છે. જે દ્વિષાની નજીકની સ્નેહમિત્ર છે અને જેમણે ચિત્રો દ્વારા લખાણને એક સુંદર દૃશ્યભાષા આપી છે. લખાણ અને ચિત્રો વચ્ચેનો સંવાદો વાચકના હૃદય સુધી પહોંચે છે અને અનુભૂતિને વધુ ઘેરી બનાવે છે.

દ્વિષાએ કહ્યું, “મારા માટે લખવાની એ જગ્યા છે જ્યાં હું સંપૂર્ણ રીતે હું બની શકું છું. આ પુસ્તક મારું વિશ્વ જોવા એક નાનકડું બારીખું છે. જે કોઈ પણ તેને વાંચે, તેમને એમાંથી શાંતિ, શક્તિ કે કદાચ એક હાસ્ય મળવાનું હું ઇચ્છું છું.”

આ પ્રસંગે શિક્ષકો, સાહિત્ય રસિકો, વિદ્યાર્થીઓ અને નજીકના પરિવારમિત્રો હાજર રહ્યા. વિમોચનનો અંત એક હળવા અને ખુશમિજાજ હાઈ-ટી ગેટ-ટુગેધર સાથે થયો, જ્યાં મહેમાનો દ્વિષાની સર્જનાત્મક યાત્રાથી પ્રભાવિત થયા અને તેમના વિચારો વ્યક્ત કર્યા.

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પ્રસાદ યાદવને ‘સુપ્રીમ’ આંચકો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિહારના ભૂતપૂર્વ CM અને RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના વિરોધમાં ચાલતાં ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડના કેસમાં નીચલી અદાલતમાં ચાલી રહેલી સુનાવણી પર સ્ટે લગાવવાનો ઈનકાર કર્યોં છે. આ મામલે ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરેશ અને ન્યાયમૂર્તિ એન. કોટિશ્વર સિંહની બેંચે લાલુ યાદવની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં લાલુ યાદવે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેસ પર સ્ટે લગાવવાની યાચિકા ફગાવવાનો નિર્ણય પડકાર્યો હતો.

આ વર્ષે મે મહિનામાં દિલ્હી હાઈકોર્ટએ લાલુ યાદવની તે અરજી ફગાવી દીધી હતી, જેમાં તેમણે નીચલી અદાલતની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માગ કરી હતી. આ કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે.

ન્યાયમૂર્તિ સુંદરેશે કહ્યું હતું  કે અમે આ કેસ પર સ્ટે નહીં લગાવીએ. અમે અરજીને ફગાવી દઈશું. પહેલાં મુખ્ય કેસમાં નિર્ણય આવવા દો. બેંચે એમ પણ કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવને કેસની કાર્યવાહીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાની જરૂર નથી. બેંચે હાઈકોર્ટને કહ્યું કે લાલુ યાદવની અરજી પર વહેલી તકે સુનાવણી કરે.

લાલૂ યાદવની તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને CBIની તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ પેશ થયા હતા. લેન્ડ ફોર જોબ કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. આરોપ છે કે તે સમય દરમિયાન ઘણી જગ્યાઓએ જમીનને બદલે નોકરીઓ આપી દેવામાં આવી હતી.

લાલુ યાદવ પર શું આરોપ છે?
CBIએ આરોપ મૂક્યો છે કે 2004થી 2009 દરમિયાન રેલવેમાં ગ્રુપ-ડીની નોકરીઓના બદલામાં લાલુ યાદવે તેમના પરિવારજનોને નામે જમીનના સ્વરૂપમાં આર્થિક લાભ મેળવ્યો હતો. CBIના જણાવ્યા પ્રમાણે આ જમીનો લાલુ યાદવની પત્ની અને ભૂતપૂર્વ CM રાબડી દેવી તથા તેમની બે પુત્રીઓ મિસા ભારતી અને હેમા યાદવને નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી.

એજન્સીએ આ કેસમાં 30 સરકારી અધિકારીઓ સહિત કુલ 78 લોકોને આરોપી બનાવ્યા છે. CBIએ મે 2022માં લાલુ, તેમના પુત્રો, પુત્રીઓ અને રાબડી દેવી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લાલુ યાદવ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.

IFFM 2025: મેલબોર્ન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન આ ભારતીય ફિલ્મ સાથે થશે

અભિનેત્રી તિલોત્તમા શોમની બંગાળી ફિલ્મ ‘બક્ષો બોન્ડી’ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) ના 2025 ના સંસ્કરણની શરૂઆતની ફિલ્મ હશે. આ ફિલ્મ શોમ અને જીમ સર્ભ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. આ ફિલ્મનું ઓસ્ટ્રેલિયન પ્રીમિયર 14 ઓગસ્ટના રોજ થશે.

આ ફિલ્મમાં તિલોત્તમા શોમે અભિનય કર્યો છે. ફિલ્મના દિગ્દર્શક સૌમ્યાનંદ સાહી છે. ફિલ્મની વાર્તા કોલકાતાના એક ઉપનગર પર આધારિત છે. ફિલ્મની વાર્તા એક કામ કરતી મહિલાની આસપાસ ફરે છે. અંગ્રેજીમાં ‘શેડોબોક્સ’ નામની આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર 75મા બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં યોજાયુ હતું.

આ ફિલ્મ તિલોત્તમા શોમના હૃદયની નજીક છે

અભિનેત્રી તિલોત્તમા શોમે કહ્યું,’બક્ષો બોન્ડી’ મારા હૃદયની ખૂબ નજીક છે. માયાનું પાત્ર ભજવવું એ મૌનને સાંભળવાનો, નાના કાર્યોમાં શક્તિ શોધવાનો અને એવી દુનિયામાં શાંત સ્થિતિસ્થાપકતા કેવી રીતે સ્ત્રીઓના જીવનને આકાર આપે છે તે સમજવાનો પાઠ હતો જે ઘણીવાર તેમને અવગણે છે.

ફેસ્ટિવલના ડિરેક્ટર મીટુ ભૌમિક લેંગે ફિલ્મની પ્રશંસા કરતા તેને ‘કોમળ, પ્રામાણિક અને દૃષ્ટિની રીતે અદભુત’ રચના ગણાવી. તેમણે કહ્યું,’અમને ‘બક્ષો બોન્ડી’ સાથે IFFM 2025 ની શરૂઆત કરવાનો ગર્વ છે. આ એક એવી ફિલ્મ છે જે ભારતીય સ્વતંત્ર સિનેમાની શક્તિનું ઉદાહરણ આપે છે. આ ફિલ્મ એવા વિષયોને સ્પર્શે છે જે ઊંડાણપૂર્વક વ્યક્તિગત છે પરંતુ સાર્વત્રિક રીતે સુસંગત છે. માયા તરીકે તિલોત્તમા શોમનું પ્રદર્શન અસાધારણથી ઓછું નથી…’

વિક્ટોરિયન સરકારના સમર્થન સાથે મેલબોર્નનો ભારતીય ફિલ્મ મહોત્સવ 14 થી 24 ઓગસ્ટ સુધી ચાલશે. પુરસ્કારોની જાહેરાત 15 ઓગસ્ટના રોજ કરવામાં આવશે.

રિલાયન્સ રિટેલે મશહૂર બ્રાન્ડ કેલ્વિનેટર હસ્તગત કરી

 મુંબઈઃ રિલાયન્સ રિટેલે આજે કેલ્વિનેટરના સીમાચિહ્નરૂપ હસ્તાંરણની જાહેરાત કરી છે. આ એક વ્યૂહાત્મક પગલું છે, જે ભારતના ઝડપથી વિકસી રહેલા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલના પ્રભુત્વને નોંધપાત્ર રીતે સુદૃઢ બનાવશે. આ હસ્તાંતરણ ભારતમાં ગ્રાહકોને અપ્રતિમ મૂલ્ય અને પસંદગી પૂરી પાડીને ભારતમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ ક્ષેત્રના ભવિષ્યને નવો આકાર આપવાની રિલાયન્સ રિટેલની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

કેલ્વિનેટર એક સદી કરતાં પણ વધુ સમયથી વિશ્વાસ અને નવીનતાનો પર્યાય બની રહેલી બ્રાન્ડ છે. તેણે વૈશ્વિક સ્તરે ગૃહવપરાશ માટે ઇલેક્ટ્રિક રેફ્રિજરેશનની શરૂઆત કરી હતી. ભારતમાં તેણે 1970 અને 80ના દાયકામાં તેની યાદગાર ટેગલાઇન “ધ કુલેસ્ટવન” સાથે એક અગ્રણી સ્થાન હાંસલ કર્યું હતું. તે આજે પણ પોતાની અદ્યતન ટેકનોલોજી, ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા, લાંબા સમય સુધી ટકનારી ગુણવત્તા અને અસાધારણ મૂલ્ય પૂરું પાડવા માટે જાણીતી છે. આ હસ્તાંતરણ અપેક્ષાપૂર્ણ જીવનશૈલીનો વ્યાપ વિસ્તારવાની રિલાયન્સ રિટેલની પરિકલ્પના સાથે વ્યૂહાત્મક રીતે સુસંગત છે. કેલ્વિનેટરના નવીનતાના સમૃદ્ધ વારસાને રિલાયન્સ રિટેલના વ્યાપક અને અપ્રતિમ રિટેલ નેટવર્ક સાથે એકીકૃત કરીને, કંપની ભારતમાં ઝડપથી વિસ્તરી રહેલા પ્રીમિયમ હોમ એપ્લાયન્સિસના બજારમાં નોંધપાત્ર ગ્રાહક મૂલ્યને વિસ્તૃત બનાવવા અને વૃદ્ધિને વેગ આપવા સુસજ્જ થઈ છે. આ તાલમેલ સુનિશ્ચિત કરશે કે ઉચ્ચ-ગુણવત્તાશીલ તેમ જ વૈશ્વિક-માપદંડ ધરાવતી પ્રોડક્ટ્સ દરેક ભારતીય ઘર સુધી પહોંચી તેમની રોજિંદી જીવનશૈલીને ઉન્નત બનાવશે.

ટેક્નોલોજીને સુલભ, સાર્થક અને ભવિષ્ય માટે તૈયાર બનાવીને દરેક ભારતીયની વૈવિધ્ય પૂર્ણ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવી એ જ અમારું હંમેશનું લક્ષ્ય રહ્યું છે, એમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના (RRVL) એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશાએમ. અંબાણીએ જણાવ્યું હતું. કેલ્વિનેટરનું હસ્તાંતરણ એ એક મહત્વની ક્ષણ છે, તે ભારતીય ગ્રાહકો સમક્ષ વિશ્વસનીય વૈશ્વિક નવીનતાઓની અમારી પ્રસ્તુતિઓને નોંધપાત્ર રીતે વ્યાપક બનાવવા અમને બળ પૂરું પાડશે. તેને અમારા અજોડ કદ, વ્યાપક સેવા ક્ષમતાઓ અને બજાર-અગ્રણી વિતરણ નેટવર્કનું સબળ સમર્થન છે.

કેલ્વિનેટર હવે રિલાયન્સ રિટેલની સબળ ઇકો સિસ્ટમમાં મજબૂત રીતે એકીકૃત થયું છે. આ કારણથી રિલાયન્સ રિટેલ વ્યૂહાત્મક રીતે આ કેટેગરીની વૃદ્ધિને વેગવાન બનાવવા, ગ્રાહકોને ગાઢ રીતે જોડવા, અને ભારતના ગતિશીલ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાં અમાપ લાંબા-ગાળાની તકોને ઉજાગર કરવા સક્ષમ બન્યું છે.

મહારાષ્ટ્ર વિધાન ભવનમાં હિંસા, વિપક્ષી પાર્ટીઓએ ગુંડાગીરીનો આરોપ લગાવ્યો

ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર અને એનસીપી (એસસીપી) નેતા જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલે સતત હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષ સતત આ મામલે કાર્યવાહીની માંગ કરી રહ્યું છે. તે જ સમયે હવે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે પણ આ મામલાની નોંધ લીધી છે. તેમણે વિધાન ભવનમાં પ્રવેશ અંગે મોટો નિર્ણય લીધો છે.

સ્પીકરે શું નિર્ણય લીધો?

મહારાષ્ટ્ર વિધાનભવનમાં થયેલા હુમલાની ઘટના બાદ વિધાનસભાના અધ્યક્ષે મોટો નિર્ણય લીધો છે. વિધાનસભાના સત્ર માટે જારી કરાયેલો વન ડે પાસ રદ કરવામાં આવ્યો છે. આ સાથે વિધાનસભાના અધ્યક્ષે પાસ વગરના કાર્યકરોને ધારાસભ્યો સાથે વિધાનસભા ભવનમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત વિધાનસભા સુરક્ષા વિભાગે પ્રારંભિક તપાસ અહેવાલ સ્પીકરને સુપરત કર્યો છે. સ્પીકર આજે ગૃહને તપાસ અહેવાલની જાણ કરશે.

પોલીસ કાર્યવાહી શરૂ

બીજી તરફ, વિધાનસભા ભવનમાં હુમલો કરનારા આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પોલીસે ભાજપના ધારાસભ્ય પડલકરના સમર્થકો સામે કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે. આજે પડલકરના સમર્થકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરે કહ્યું,”ગઈકાલે રાત્રે અમારા કાર્યકર સામે કેસ નોંધવામાં આવ્યો છે. જે પણ કાર્યવાહી કરવામાં આવશે, અમે તેનો કાનૂની જવાબ આપીશું. વિધાનસભાના અધ્યક્ષે જે પણ નિર્ણય લીધો છે, અમે તેનું સન્માન કરીએ છીએ.

વિપક્ષની માંગ શું છે?

NCPના ધારાસભ્ય રોહિત પવાર ‘ગુંડારાજ’ના બેનર સાથે વિધાનભવન પહોંચ્યા છે. MVAએ ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. વિપક્ષ આજે વિધાનસભામાં પડલકરને એક વર્ષ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવશે.

વિપક્ષી નેતાએ શું કહ્યું?

કોંગ્રેસના ધારાસભ્ય વિજય વાડડેટીવારે કહ્યું,”મહારાષ્ટ્રમાં ગુંડારાજ ચાલી રહ્યું છે. ધારાસભ્યના ઈશારે વિધાનભવનમાં મારપીટ થઈ રહી છે.કપડાં ફાડવામાં આવી રહ્યા છે. જીતેન્દ્ર આવ્હાડને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેઓ સત્તાના ઘમંડી બની ગયા છે. તેમને લાગે છે કે કોઈ તેમને નુકસાન પહોંચાડી શકે નહીં. પડલકરને એક વર્ષ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ.” આ દરમિયાન NCP (SCP) ના ધારાસભ્ય રોહિત પવારે કહ્યું,”ગોપીચંદ પડલકર મહારાષ્ટ્રના નવા ‘આકા’ છે. મહારાષ્ટ્રમાં ગુંડારાજને મંજૂરી આપવામાં આવશે નહીં. આ નવા આકાને મુખ્યમંત્રીનો ટેકો છે.”

ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડ

રાયપુર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) છત્તીસગઢના ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડ કરી છે. નવા પુરાવા મળ્યા બાદ ED એ મની લોન્ડરિંગ (PMLA) હેઠળ ભિલાઈમાં આવેલા તેમના ઘરની તલાશી લીધી, જ્યાં તેઓ પોતાના પિતા સાથે રહે છે.

 ચૈતન્ય બઘેલની ધરપકડ દારૂ કૌભાંડથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરવામાં આવી છે. EDએ ભૂપેશ બઘેલનાં નિકટવર્તી સ્થળોએ ફરીથી દરોડા પાડ્યા. આ દરોડા ચૈતન્ય બઘેલ વિરુદ્ધ દારૂ કૌભાંડની તપાસના ભાગરૂપે પાડવામાં આવ્યા હતા.

ભિલાઈ સ્થિત તેમની ઘરના બહાર પત્રકારો સાથે વાત કરતાં ભૂપેશ બઘેલે આરોપ મૂક્યો હતો કે એક બાજુ બિહારમાં ચૂંટણી પંચની મદદથી મતદારોનાં નામોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. લોકશાહીની હત્યા થઈ રહી છે. અને બીજી બાજુ વિરોધ પક્ષના નેતાઓ પર દબાણ બનાવવા માટે ED, IT, CBI અને DRI જેવી એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. પણ હવે દેશની જનતા જાગ્રત થઈ ગઈ છે અને બધું સારી રીતે સમજી રહી છે.

તેમના પુત્ર ચૈતન્યના જન્મદિવસે દરોડા પાડવાના સમયે સવાલ ઉઠાવતાં તેમણે કહ્યું હતું  કે મારા જન્મદિવસે મારી સલાહકાર ટીમ અને બે OSDનાં ઘરો પર ED મોકલવામાં આવી હતી. અને હવે મારા પુત્ર ચૈતન્યના જન્મદિવસે મારા ઘરમાં EDની ટીમ દરોડા પાડી રહી છે. આ ભેટઓ માટે ધન્યવાદ. અમને આખું જીવન આ યાદ રહેશે.