રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
રાશિ ભવિષ્ય 06/01/2020
દિલ્હીની JNU હોસ્ટેલમાં ઘૂસી બુકાનીધારી શખ્સોએ વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા કર્યા
નવી દિલ્હી – અત્રેની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં આજે ફરી હિંસક ઘટના બની છે. યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસીને કેટલાક બુકાનીધારી શખ્સોએ મારધાડ કરી હતી. એમાં વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ આઈશી ઘોષને માથામાં સખત ઈજા થઈ હતી.
આઈશીએ કહ્યું કે લાઠીઓ અને લોખંડના સળિયાઓ સાથે આવેલા બુકાનીધારી ઈસમોએ મારી પર હુમલો કર્યો હતો. એમણે મારી બહુ મારપીટ કરી હતી.
યુનિવર્સિટીના CSRD વિભાગનાં સુચારિતા સેન ઉપર પણ હુમલો કરાયો હતો. એમને માથામાં ઈજા થતાં એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. હુમલામાં આઈશી ઘોષ ઉપરાંત વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી સતિષ ચંદ્ર તથા ઘણા શિક્ષકો પણ ઘાયલ થયાં છે.
મારપીટની આ ઘટના બાદ 7 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
દરમિયાન, કેમ્પસના મુખ્ય પ્રવેશદ્વાર પર પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જેએનયૂમાં થયેલી હિંસક ઘટનાથી સ્તબ્ધ થઈ ગયો છું. વિદ્યાર્થીઓને બહુ ખરાબ રીતે મારવામાં આવ્યા છે. પોલીસે તત્કાળ હિંસા રોકીને કેમ્પસમાં શાંતિ પ્રસ્થાપિત કરવી જોઈએ. આ રીતે યુનિવર્સિટીના કેમ્પસની અંદર આપણા વિદ્યાર્થીઓ સુરક્ષિત નહીં રહે તો આપણો દેશ આમ કેવી રીતે પ્રગતિ કરશે.
કેમ્પસમાં મારપીટનો એક વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જેમાં બુકાની બાંધેલા લોકો ઘોષ તથા અન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કરતા નજરે પડે છે.
બુકાનીધારીઓ જેએનયૂની અંદર આવેલી સાબરમતી હોસ્ટેલ, માહી માંડવી હોસ્ટેલ, પેરિયાર હોસ્ટેલમાં ઘૂસ્યા હતા અને વિદ્યાર્થીઓની મારપીટ કરી હતી.
વિદ્યાર્થી સંઘનો આરોપ છે કે આ હુમલો આરએસએસ સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા કરાવવામાં આવ્યો હતો. ગુંડાઓએ પથ્થરમારો પણ કર્યો હતો અને હોસ્ટેલની મિલકતની તોડફોડ પણ કરી હતી.
ઈજાગ્રસ્ત આઈશી ઘોષ અને સુચારિતા સેનનાં ફોટા અને વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.
આ હિંસક અથડામણ એબીવીપી અને ડાબેરી ઝોક ધરાવતા વિદ્યાર્થીઓ વચ્ચે ફાટી નીકળી હતી.
એબીવીપીનો દાવો છે કે ડાબેરી પક્ષો તરફી વિદ્યાર્થી સંગઠનોએ તેના સભ્યો પર ક્રૂરપણે હુમલો કર્યો હતો જેમાં તેના 25 સભ્યો ઘાયલ થયા છે.
BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો નવો વિક્રમ; ટર્નઓવર વધીને રૂ. 3,007 કરોડ
મુંબઈ – બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે રૂ. 3,007 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું. ઈન્ટરઓપરેટિબિલિટીના અમલ બાદ ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં ટર્નઓવર સતત વધી રહ્યું છે. બીએસઈએ લિક્વિડિટી એન્હેન્સમેન્ટ સ્કીમ લાગુ કરી હતી અને 25 નવેમ્બર, 2019થી સુધારેલી સ્કીમ લાગુ કરવામાં આવી છે.
આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સમીર પાટીલે કહ્યું, “ મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર વધ્યું છે. અમને આનંદ છે કે આજે એક નાની પણ મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ આગળ જતાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે તેની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
પાકિસ્તાનમાં શીખ યુવકની હત્યા, ફેબ્રુઆરીમાં એના લગ્ન થવાના હતા; હત્યારાઓની શોધ ચાલુ છે
ઈસ્લામાબાદ – પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર મુસ્લિમોનાં એક ટોળાએ હુમલો કર્યાના બે દિવસ બાદ, આજે પેશાવર શહેરમાં 25-વર્ષના એક શીખ યુવકને અજાણ્યા ઈસમોએ ઠાર કર્યાનો બનાવ બન્યો છે.
પેશાવર પોલીસના જણાવ્યા મુજબ મૃતકને રવિન્દર સિંહ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. એનો મૃતદેહ પેશાવરના ચમકાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવ્યો હતો. આ કેસમાં તપાસ હજી ચાલુ છે.
નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને શીખ યુવકની હત્યાના બનાવને વખોડી કાઢ્યો છે અને જણાવ્યું છે કે શીખ છોકરીના અપહરણ, બળજબરીથી ધર્મપરિવર્તન અને લગ્નનો કેસ હજી ઉકેલાયો નથી અને નનકાના સાહિબ ખાતે ગુરુદ્વારા શ્રી જનમ અસ્થાન ખાતે પથ્થરમારાનો બનાવ બન્યો હતો ત્યાં હવે લઘુમતી શીખ કોમના યુવકની હત્યા કરવામાં આવી છે.
ભારત સરકારે પાકિસ્તાન સરકારને કહ્યું છે કે તે આ પ્રકારના અધમ કૃત્યોને રોકવા માટે તત્કાળ પગલાં લે અને ગુનેગારોને પકડી એમને સખત સજા કરે.
રવિન્દર સિંહ મલેશિયાનો વતની હતો અને આવતા મહિને એના લગ્ન નિર્ધારિત થયા હોઈ ખરીદી માટે પેશાવર ગયો હતો. રવિન્દર સિંહનો ભાઈ હરમીત સિંહ પત્રકાર છે.
રવિન્દરની હત્યાના સમાચાર જાણીને હરમીત સિંહ ખૂબ ગુસ્સે ભરાયો છે. એ પેશાવરમાં છે અને એણે કહ્યું છે કે લઘુમતી કોમો વિના કોઈ પણ દેશ પ્રગતિ સાધી શકે નહીં. પાકિસ્તાન લઘુમતી કોમોને કારણે જ સુંદર દેશ છે, પરંતુ દર વર્ષે અમારે મૃતકોને અમારા ખભે ઉઠાવવા પડે છે.
હરમીતે કહ્યું કે લઘુમતી કોમોનાં લોકોનું રક્ષણ કરવા માટે પાકિસ્તાનને અનેક દેશો પાસેથી જંગી રકમનું ભંડોળ મળે છે, પરંતુ લઘુમતી કોમોનાં લોકોનું રક્ષણ કરાતું નથી. માટે જ હું મારા ભાઈનો મૃતદેહ ઉપાડવા માટે અહીંયા આવ્યો છું. જ્યાં સુધી મારા ભાઈના હત્યારાઓને પાકિસ્તાન સરકાર પકડશે નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે.
શીખ લોકોનાં પ્રથમ ધર્મગુરુ ગુરુ નાનકના જન્મસ્થાન પર કરાયેલા હુમલાને કારણે પાકિસ્તાનમાં રહેતા શીખ લોકો ખૂબ ભયભીત થઈ ગયા છે. જેણે શીખ છોકરી જગજીત કૌરનું અપહરણ કરીને એનું બળજબરીથી ધર્મપરિવર્તન કર્યું હતું તે જ માણસના પરિવારની આગેવાની હેઠળ એક મુસ્લિમ ટોળાએ નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારો કર્યો હતો. પરિણામે ગભરાઈ ગયેલા શીખ શ્રદ્ધાળુઓ ગુરુદ્વારાની અંદર ફસાઈ ગયા હતા.
ભારતમાં, શાસક ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષ, બંનેએ આ બનાવને વખોડી કાઢ્યો છે. બંનેનાં કાર્યકર્તાઓએ નવી દિલ્હીમાં પાકિસ્તાન દૂતાવાસની બહાર દેખાવો કર્યા હતા.
CAA મામલે રાહુલ, પ્રિયંકા લોકોને રમખાણો કરવા ઉશ્કેરે છેઃ અમિત શાહનો આરોપ
નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે અહીં કોંગ્રેસનાં નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર એવો આરોપ મૂક્યો છે કે નાગરિકતા સુધારિત કાયદા (CAA) મામલે તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને રમખાણો માટે એમને ભડકાવી રહ્યાં છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીનું રણશિંગૂ આજે ફૂંક્યું છે. એમણે આઈજી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પક્ષના કાર્યકર્તાઓની એક સભામાં સંબોધન કરતાં ઉપર મુજબ જણાવ્યું હતું.
શાહે કહ્યું કે CAA કાયદો 3 પડોશી દેશ – પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારોનો શિકાર બનીને ભારતમાં આવેલા લઘુમતી કોમોનાં લોકોને ભારતનું નાગરિકત્વ આપવા માટેનો છે. આ કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી.
દિલ્હીમાં આગામી બે મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. દરેક પક્ષોએ એ માટે પોતપોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. અમિત શાહે આજથી ભાજપનું ચૂંટણી બ્યુગલ બજાવી દીધું છે.
શાહે કર્યું કે નાગરિકતા સુધારિત કાયદાનો વિરોધ કરનારાઓ દેશની જનતાને એક વાર ગેરમાર્ગે દોરી શકે છે, વારંવાર નહીં.
શાહે કહ્યું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિજયી થશે. ભાજપ ધરખમ બહુમતીથી જીતશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર પાંચ વર્ષ ચાલી, હવે લોકોએ એ પાર્ટીને પૂછવું જોઈએ કે એણે પાંચ વર્ષમાં કયા કયા કામો કર્યા. લોકોએ ‘આપ’ પાર્ટીના વડા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પાસે હિસાબ માગવો જોઈએ કે એમની સરકારે પાંચ વર્ષમાં શું કામ કર્યું.