Home Blog Page 1832

મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મનું ‘દેખા તેનુ…’ગીત રિલીઝ

મુંબઈ: જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ફિલ્મ લઈને આવી રહ્યાં છે. બંને બીજી વખત ફિલ્મમાં એક સાથે જોવા મળશે,આથી ફેન્સ આ જોડીને પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં જ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ફિલ્મનું એક નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોઈને ચાહકોને સુપરહિટ પડદાની જોડી શાહરૂખ અને કાજોલની યાદ આવી ગઈ છે. ગીત રિલીઝના ઈવેન્ટમાં રાજકુમાર રાવ, જાન્હવી કપૂર, ડિરેક્ટર શરન શર્મા હાજર રહ્યાં હતાં.

ખરેખર, ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું જે પહેલું ગીત રિલીઝ થયું છે તેનું નામ ‘દેખા તેનુ’ છે, જેમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના લગ્ન સુધીની લવસ્ટોરીની ઝલક જોવા મળશે.ગીતમાં જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી છે. તેથી જ આ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું.

આ ગીત સાંભળીને કેટલાક લોકોને શાહરૂખ-કાજોલ પણ યાદ આવી જાય છે. કારણ કે ‘દેખા તેનુ’ ગીત પહેલીવાર ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં સાંભળવામાં આવ્યું હતું, જેમાં શાહરૂખ-કાજોલ જોવા મળ્યા હતા.

આ ગીતમાં બંને વચ્ચે અદભૂત રોમાન્સ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં જ્યારે આ ગીતનું નવું વર્ઝન આવ્યું ત્યારે ફરી એકવાર ચાહકો જૂની યાદોમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. હાલમાં ચાહકોને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

‘દેખા તેનુ ગીત’ મોહમ્મદ ફૈઝ અને અલી બ્રધર્સે ગાયું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નિર્દેશન શરન શર્માએ કર્યુ છે.

તમને જણાવી દઈએ કે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ 31 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મની વાર્તા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને થાલા મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત છે.

કરણ જોહરની આ ફિલ્મમાં જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ ફરી એકવાર મોટા પડદા પર એકસાથે ધૂમ મચાવા તૈયાર છે. આ ફિલ્મ પહેલા જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની જોડી હોરર-કોમેડી ફિલ્મ ‘રૂહી અફઝાન’માં જોવા મળી હતી.

(તમામ તસવીર: માનસ સોમપુુરા)

 

વિશ્વની પુતિન, શી જિનપિંગની મુલાકાત પર નજર?

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરી એક વાર મળવાના છે. રશિયાના અને ચીનના રાજકીય સંબંધોની 75મી વર્ષગાંઠે પુતિન ચીનની મુલાકાતે જવાના છે.  જિનપિંગના આમંત્રણે પુતિન બે દિવસના પ્રવાસે ચીન જવાના છે. પુતિન 16-17 મેએ ચીનની મુલાકાતે જવાના છે.

સાત મહિનામાં પુતિન બીજી વાર ચીન પહોંચી રહ્યા છે, જેથી વિશ્વની આ મુલાકાત પર નજર છે. આ પહેલાં પુતિન ગયા વર્ષે 17-18 ઓક્ટોબરે ચીન પહોંચ્યા હતા. પાંચમી વાર રશિયાના રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી પુતિનનો આ પહેલો વિદેશપ્રવાસ છે.

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પુતિન અને જિનપિંગ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ચીન રશિયાનું એક વ્યૂહાત્મક ભાગીદાર રાષ્ટ્ર છે અને પશ્ચિમી દેશો તેમના વિશે શું વિચારે છે, એનાથી તેમને કોઈ ફરક નથી પડતો.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને જણાવ્યું હતું કે પુતિન અને જિનપિંગ દ્વિપક્ષી સંબંધો, આપસી સહયોગ અને વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે,રશિયાના રાષ્ટ્રપતિ ઓફિસમાંના ક્રેમલિને જણાવ્યું હતું કે બંને નેતાઓ સંયુક્ત નિવેદન જારી કરશે અને કેટલાક દ્વિપક્ષી સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રવાસમાં પુતિન ચીનના વડા પ્રધાન લી કિયાંગની સાથે પણ મુલાકાત કરશે. આ સાથે પુતિન બીજિંગ સિવાય હાર્બિન શહેરની પણ મુલાકાત લેશે.

 

 

 

 

 

 

 

 

 

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન

જયપુર: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમલા બેનીવાલનું આજે 97 વર્ષની વયે નિધન થયું છે. જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વર્ષ 1954માં કમલા બેનીવાલ 27 વર્ષની ઉંમરે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા.

કમલા બેનીવાલ સાત વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. તેઓ વર્ષ 2003માં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન સરકારમાં અનેક વિભાગોમાં મંત્રી પણ રહી ચૂક્યાહતા. વર્ષ 2009થી 2024 સુધી તેઓ ગુજરાતના રાજ્યપાલ પદે રહ્યા હતા. કમલા બેનીવાલની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. 11 વર્ષની ઉંમરે તેમણે આઝાદીની લડતમાં ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો.કમલા બેનીવાલના નિધન પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માથી લઈને પૂર્વ સીએમ અશોક ગેહલોતે શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભજન લાલે કહ્યું, “ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી ડૉ. કમલા બેનીવાલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.”

જાણો ગૂગલ કઈ સર્વિસ કરશે બંધ!

ગૂગલ તેની સર્વિસને લઈને જાણીતુ છે. કંપનીએ Google One VPN નામની સર્વિસને ચાર વર્ષ પહેલા શરુ કરી હતી. Google One VPN સર્વિસ 20 જૂન, 2024થી કામ કરવાનું બંધ કરી દેશે. આ સર્વિસને ઓક્ટોબર 2020માં રજૂ કરવામાં આવી હતી.

Google One VPNની શરૂઆત કર્યા બાદ થોડા જ સમયમાં કંપની આ સર્વિસ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. જ્યારે હવે કંપનીએ સર્વિસ બંધ કરવાની તારીખ પણ જાહેર કરી દીધી છે. ગૂગલે તેના સપોર્ટ પેજ પર જણાવ્યું હતું કે, “20 જૂન, 2024 થી Google One VPN સર્વિસ બંધ કરી દેવામાં આવશે. આ સિવાય ગૂગલે યુઝર્સને ડિવાઈસમાંથી Google One VPN હટાવવા માટે પણ સમજાવ્યું હતું. આ બાબાત કંપનીએ જણાવ્યું હતું, કે Pixel 8 અને નવા ડિવાઈસ તેમની સિસ્ટમ સેટિંગ્સના ભાગ રૂપે એક ઈન-બિલ્ટ VPN ઓફર કરે છે. VPN સર્વિસને Google One એપમાથી હટાવ્યા બાદ  Pixel 7 યુઝર્સ પોતાની સિસ્ટમ સૉફ્ટવેરને અપડેટ કર્યા પછી પણ VPN કાર્યક્ષમતાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકશે. ઉલ્લેખનીય છે કે આ સુવિધા ભારતમાં શરૂ ન કરી હોવાથી ભારત પર કોઈ અસર થશે નહીં.

VPN શું છે?

VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, જે તમને તમારા ટ્રાફિકને એન્ક્રિપ્ટ કરીને સુરક્ષિત રીતે વેબ બ્રાઉઝ કરવામાં મદદ કરે છે. જ્યારે પણ તમે કોઈ વેબસાઇટની વિઝિટ કરો છો, ત્યારે તમારા ડિવાઈસમાંથી તે સાઇટ પર ડેટા મોકલવામાં આવે છે. પરંતુ સૌથી પહેલા તે Wi-Fi રાઉટરમાંથી પસાર થાય છે, જેનો ઉપયોગ તમે ઈન્ટરનેટ એક્સેસ કરવા માટે કરી રહ્યા છો. એટલે કે, પહેલા આ તે તમારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરમાંથી પસાર થાય છે. VPN તમારા ઉપકરણ અને VPN સર્વર વચ્ચે એક એન્ક્રિપ્ટેડ કનેક્શન બનાવીને તમારા નેટવર્ક ડેટાને છુપાવે છે, જેથી ન તો તમારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ન તો તમારા ડિવાઈસ અને VPN સર્વર વચ્ચેનું બીજું કંઈ જોઈ શકે, કે તમે કઈ વેબસાઈટ બ્રાઉઝ કરી રહ્યાં છો, અથવા કઈ  એપ્લિકેશન્સ છે તમે ઉપયોગ કરો છો. VPN તમારા IP એડ્રેસને છુપાવીને તમારા બ્રાઉઝિંગને સુરક્ષિત રાખવામાં પણ મદદ કરે છે.

રાજ્યમાં ફાર્મા ક્ષેત્રે રૂ. 38,000 કરોડના મૂડીરોકાણની શક્યતા

અમદાવાદઃ ફાર્મા સેક્ટર માટે ગુજરાત મૂડીરોકાણનું હબ બનતું જાય છે. ગયા નાણાકીય વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ ફાર્મા કંપનીઓએ મૂડીરોકાણ કર્યું છે. 100થી વધુ ફાર્મા કંપનીઓના મૂડીરોકાણ પછી આવનારા સમયમાં વધુ કંપનીઓ રાજ્યમાં પ્રોજેક્ટ શરૂ કરવાની અપેક્ષા છે.

આ વર્ષે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આશરે 400 કંપનીઓએ રાજ્યમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

રાજ્યમાં નાણાકીય વર્ષ 2024 દરમ્યાન ફાર્મા કંપનીઓએ અન્ય રાજ્યોની તુલનાએ વધુ કંપનીઓએ પ્રવેશ કર્યો હતો. રાજ્યમાં નાણાં વર્ષ 2024માં 133 નવી ફાર્મા કંપનીઓ આવી અને એનાથી પ્રદેશમાં કુલ રૂ. 10,000 કરોડનું મૂડીરોકાણ આવશે અને એમાં અનેક કંપનીઓએ નવા એકમોનું બાંધકામ શરૂ કરી દીધું છે, એમ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.

ફાર્મા સેક્ટર માટે ગુજરાત પહેલેથી જ મૂડીરોકાણનું આકર્ષક સ્થળ રહ્યું છે. વર્ષ 2019થી અત્યાર સુધી રાજ્યમાં 627 નવા ફાર્મા પ્લાન્ટ લાગી ચૂક્યા છે અને એમાં ઓર વધારો થવાની અપેક્ષા છે. આ વર્ષે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 376 ફાર્મા કંપનીઓએ  સમજૂતી કરાર કર્યા છે. આ 376 સમજૂતી કરાર હેઠળ રૂ. 38,000 કરોડનું મૂડીરોકાણ આવે એવી શક્યતા છે. ગુજરાતનો દેશના દવા ઉત્પાદનમાં 28 ટકા હિસ્સો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં ઝાયડસ ગ્રુપે રાજ્યમાં બાયોટેક ઉત્પાદન અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે રૂ. 5000 કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી હતી.

 

 

 

 

 

 

 

CAA હેઠળ પહેલીવાર મળી નાગરિકતા

નાગરિકતા સંશોધન કાયદા હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે બુધવારના રોજ આ માહિતી શેર કરી. મંત્રાલયે કહ્યું કે CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નાગરિકતા નિયમો, 2024 ની સૂચના જારી થયા પછી પ્રથમ વખત નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતા પ્રમાણપત્રો આપ્યા. આ પ્રસંગે, ગૃહ સચિવે, અરજદારોને અભિનંદન આપતા, નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો.

CAA 11 માર્ચ, 2024 ના રોજ અમલમાં આવ્યો

નાગરિકતા સંશોધન કાયદો 11 ડિસેમ્બર 2019 ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર થયા બાદ દેશભરમાં CAA વિરૂદ્ધ આંદોલન અને વિરોધ થયા હતા. ભારત સરકારે 11 માર્ચ, 2024 ના રોજ નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ને સૂચિત કર્યા હતા. આ નિયમોમાં, અરજી કરવાની પદ્ધતિ, ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી (DLC) દ્વારા અરજી ફોરવર્ડ કરવાની પ્રક્રિયા અને રાજ્ય લેવલ એમ્પાવર્ડ કમિટી (EC) દ્વારા અરજીઓની ચકાસણી અને નાગરિકતા પ્રદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિયમોના અમલીકરણ પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો પાસેથી અરજીઓ મળી છે જેઓ 31 ડિસેમ્બર 2014 સુધી ધાર્મિક દમન અથવા તેના ભયને કારણે ભારત આવ્યા હતા. .

ભારતીય નાગરિકતા મેળવવાની પ્રક્રિયા શું છે?

અધિકૃત અધિકારીઓ તરીકે વરિષ્ઠ ટપાલ અધિક્ષક/પોસ્ટલ સુપ્રિન્ટેન્ડેન્ટની આગેવાની હેઠળની જિલ્લા સ્તરીય સમિતિઓ (ડીએલસી) એ દસ્તાવેજોની સફળ ચકાસણી પછી અરજદારોને નિષ્ઠાનાં શપથ લેવડાવ્યા છે. નિયમો અનુસાર અરજીઓ પર પ્રક્રિયા કર્યા પછી, DLC એ અરજીઓ નિયામક (સેન્સસ ઓપરેશન્સ) ની આગેવાની હેઠળની રાજ્ય કક્ષાની એમ્પાવર્ડ કમિટી (EC) ને મોકલી છે. અરજીઓની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવે છે.

ડાયરેક્ટર (સેન્સસ ઓપરેશન્સ), દિલ્હીની અધ્યક્ષતામાં દિલ્હીની એમ્પાવર્ડ કમિટીએ યોગ્ય તપાસ બાદ 14 અરજદારોને નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે. આ ક્રમમાં, ડાયરેક્ટર (સેન્સસ ઓપરેશન્સ) એ આ અરજદારોને પ્રમાણપત્રો આપ્યાં. આ પ્રસંગે સેક્રેટરી, પોસ્ટ્સ, ડાયરેક્ટર (ઇન્ટેલિજન્સ) અને ભારતના રજિસ્ટ્રાર જનરલ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

Panchayat 3 Trailer: રાજનીતિ, દુશ્મનાવટ, રોમાંસ અને હાસ્યથી ભરપૂર

મુંબઈ: પ્રેક્ષકો એમેઝોન પ્રાઇમ વીડિયોની લોકપ્રિય શ્રેણી ‘પંચાયત’ની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વેબ સિરીઝની પ્રથમ બે સીઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. સાથે જ ત્રીજી સિઝનને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં નિર્માતાઓએ આજે ​​તેનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ‘પંચાયત 3’નું ટ્રેલર ખૂબ જ રમુજી અને રસપ્રદ છે. સીરિઝની આ સિઝન પણ પાછલી બે સિઝનની જેમ કોમેડીથી ભરપૂર છે.

‘પંચાયત’ની ત્રીજી સીઝનમાં જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક સહિતના લોકપ્રિય ચહેરાઓ છે. આજે બુધવારે નિર્માતાઓએ ‘પંચાયત 3’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. સિરીઝની ત્રીજી સીઝનમાં આ સ્ટાર્સ ફરી એકવાર પોતાના જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીતતા જોવા મળશે. ટ્રેલરમાં ફૂલેરા ગામની પંચાયતમાં નવો વળાંક જોવા મળ્યો છે. બનરાકસ અને સચિવજી વચ્ચે લડાઈ થઈ છે, જે ફૂલેરા ગામમાં અરાજકતા પેદા કરશે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે જૂના સેક્રેટરી એટલે કે અભિષેક કુમારે રાજીનામું આપી દીધું છે. ફુલેરા ગામમાં નવા સેક્રેટરીના આગમનથી સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું છે. જૂના સચિવની બદલી માટે તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ ગામના વડા મંજુ દેવીએ તેમની બદલી અટકાવી દીધી. સેક્રેટરી પોતાના અભ્યાસમાં વ્યસ્ત છે. તે જ સમયે પ્રધાનની પુત્રી રિંકી સાથેની તેની લવ સ્ટોરી પણ ધીમે ધીમે આગળ વધી રહી છે.

બનરાકસના લોકો ફૂલેરા ગામમાં રસ્તાના નિર્માણ સામે વાંધો ઉઠાવે છે, જેના કારણે ગામમાં ભારે હોબાળો થાય છે. આવી સ્થિતિમાં પ્રધાનજી અને બનરાકસ વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે.બનરાકસ પણ ગામની ચૂંટણીમાં ઊભું રહેતાં ગ્રામજનો ચોંકી ઉઠ્યા છે. હવે સીરીઝની ત્રીજી સીઝનમાં સેક્રેટરી એટલે કે અભિષેક કુમાર કોને સપોર્ટ કરતા જોવા મળશે તે જોવું રસપ્રદ રહેશે.

‘પંચાયત 3’ દર્શકોને હસાવવા માટે તૈયાર છે કારણ કે તે ચૂંટણીના રમખાણોમાં ફસાઈ જાય છે. આ સીરીઝ એમેઝોન પ્રાઇમ વિડીયો પર 28 મેના રોજ રીલીઝ થશે. દર્શકો તેને જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. દિગ્દર્શક દીપક કુમાર મિશ્રાએ કહ્યું કે “સૌપ્રથમ, અદ્ભુત કલાકારો અને સિરીઝના લેખક – ચંદન કુમાર, આ શાનદાર સ્ક્રિપ્ટને તૈયાર કરવા માટે ટીમને અભિનંદન! અમે સિઝન 1 શરૂ કર્યાને ચાર વર્ષ થયા છે, અને હવે અમે સિઝન 3માં પ્રવેશ કરી રહ્યાં છીએ. એક બહુ-સિઝન શો બનાવવો એ એક મોટો પડકાર છે, પરંતુ યોગ્ય સ્ક્રિપ્ટ, યોગ્ય દ્રષ્ટિ અને યોગ્ય લોકો સાથે, અમે દર્શકો માટે નવી સીઝન લાવવા માટે ઉત્સાહિત છીએ.

 

લોકસભા ચૂંટણી : રાહુલ ગાંધીની મોટી જાહેરાત

લોકસભા ચૂંટણી માટે ચાર તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને હવે પાંચમા તબક્કાની લડાઈ તેજ થઈ ગઈ છે. ઓડિશાના બાલાંગિરમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ ફરી એકવાર બંધારણ અને લોકશાહી બચાવવાનો નારો આપ્યો અને ગરીબોની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો. રાહુલ ગાંધીએ કહ્યું- અમે ક્રાંતિકારી કામ કરવા જઈ રહ્યા છીએ. આવું કામ આજ સુધી કોઈએ કર્યું નથી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ 22 લોકોને અબજોપતિ બનાવ્યા છે પરંતુ અમે કરોડો લોકોને કરોડપતિ બનાવીશું.


અહીં રાહુલ ગાંધીએ ફરી એકવાર દાવો કર્યો કે નરેન્દ્ર મોદી 4 જૂન પછી વડાપ્રધાન નહીં બને. આ સાથે તેમણે કહ્યું કે 4 જૂન પછી ભારતમાં ગઠબંધન સરકાર બનશે, અમારી સરકાર ગરીબો, મજૂરો અને જરૂરિયાતમંદ મહિલાઓની યાદી બનાવશે. તેમણે કહ્યું કે યાદી બને કે તરત જ અમારી ગેરંટી યોજના લાગુ કરવામાં આવશે.


સરકારે માત્ર 22 લોકો માટે કામ કર્યું

આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપના નેતાઓ અને વડાપ્રધાન મોદી પર બંધારણ અને અનામતને ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ સરકારે વિદ્યાર્થીઓની લોન માફ કરી નથી, ખેડૂતોની લોન માફ કરી નથી, પરંતુ માત્ર તેના મિત્ર ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી તેમના મિત્રો માટે જ કામ કરે છે. તેમની સરકારમાં દલિતો અને પછાત લોકોની વાત સાંભળવામાં આવી રહી નથી.


જનતાનો અવાજ સંભળાતો નથી – રાહુલ

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા લોકોની પીડા અને જરૂરિયાતો પર આજે ધ્યાન આપવામાં આવતું નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવા દેવામાં આવી રહ્યો નથી. રાહુલે કહ્યું કે દિલ્હી સરકાર 90 અધિકારીઓ ચલાવે છે પરંતુ અહીં માત્ર ત્રણ અધિકારીઓ પછાત વર્ગના છે, એક આદિવાસી અને ત્રણ દલિત છે. તેમણે કહ્યું કે તમામ સરકારી નિર્ણયોમાંથી નેવું ટકા અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે. જેના કારણે ગરીબોને ન્યાય મળી રહ્યો નથી.

જાતિની વસ્તી ગણતરીની માંગ ચાલુ રહેશે

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આજે દેશમાં માત્ર મોટા લોકોની વાત સાંભળવામાં આવે છે, તમામ નીતિઓ તેમના અનુસાર બનાવવામાં આવે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી હવે તેમાં મોટા ફેરફાર લાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આ સામાજિક પરિવર્તન માટે અમારી પાર્ટી સૌથી પહેલા જાતિની વસ્તી ગણતરીની માંગ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં પ્રજાની સરકાર જાતિની વસ્તી ગણતરીથી જ શરૂ થશે.

 

ઉત્તરાખંડમાં જંગલમાં લાગેલી આગ પર સરકારને ‘સુપ્રીમ’ ફટકાર

ઉત્તરાખંડના જંગલો હજુ પણ સળગી રહ્યા છે. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉત્તરાખંડ સરકારે જંગલમાં લાગેલી આગને બુઝાવવામાં ગંભીરતા અને તત્પરતા દાખવવી જોઈએ. આ બાબતે રાજ્ય સરકારનું વલણ ત્વરિત કાર્યવાહી દર્શાવતું નથી. વન વિભાગના કર્મચારીઓને ચૂંટણી અને ચારધામ યાત્રાથી અલગ રાખવા જોઈએ. અમે ચૂંટણી પંચને પણ નિર્દેશ આપીએ છીએ કે રાજ્યોમાં વન વિભાગના કર્મચારીઓ અને વાહનોને ચૂંટણી ફરજ માટે તૈનાત કરવામાં આવશે નહીં.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ફંડનો ઉપયોગ ઝડપથી અને ન્યાયપૂર્ણ રીતે થવો જોઈએ. આગ ઓલવવા માટે યોગ્ય કાર્યબળ પૂરું પાડવું જોઈએ. આમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન હોવો જોઈએ. વન વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના મુખ્ય સચિવને આગામી સુનાવણી પર કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. 17મી મેના રોજ યોજાનારી આગામી સુનાવણીમાં મુખ્ય સચિવે કોર્ટમાં હાજર રહીને ઉત્તરાખંડમાં ફાયર વિભાગમાં ખાલી જગ્યા ન ભરવાના કારણો અને ત્યાં આગ ઓલવવાના પ્રયાસો વિશે માહિતી આપવી પડશે.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું- ખાલી જગ્યાઓ પર ભરતી ક્યારે થશે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત સરકારે 9.23 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા, જેનો ઉપયોગ જંગલ સિવાયની પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે લગભગ 6 કરોડ રૂપિયાની બાકીની રકમ રાજ્ય સરકારને આપવી જોઈએ. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર જણાવે કે વન વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે? તેમની ભરતી ક્યારે થશે? કોર્ટે કહ્યું કે અમે જોયું છે કે નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ હોવા છતાં ફંડ ઉપલબ્ધ નહોતું, કર્મચારીઓ અને વાહનો ઉપલબ્ધ નહોતા અને આગ સતત વધી રહી હતી. રાજ્ય સરકાર ખાલી જગ્યાઓ પર ભરતી અંગે થોડી છૂટ ઇચ્છતી હતી.

છ મહિનામાં 1,145 હેક્ટર જંગલનો નાશ

ઉત્તરાખંડમાં નવેમ્બરથી અત્યાર સુધીમાં 900થી વધુ આગની ઘટનાઓ બની છે. આ વખતે મામલો વધુ ગંભીર છે કારણ કે ગયા વર્ષે લાગેલી આગ ઓલવાઈ રહી નથી. આંકડાઓ અનુસાર, છેલ્લા છ મહિનામાં 1,145 હેક્ટર જંગલમાં લાગેલી આગને કારણે નાશ પામ્યું છે. આગની અસર હવે શહેરમાં પણ જોવા મળી રહી છે. ધુમાડાના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. દરમિયાન, ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એરફોર્સના હેલિકોપ્ટર પણ અલગ-અલગ ટેકનિકનો ઉપયોગ કરીને આગ ઓલવવામાં રોકાયેલા છે.

નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા

અમદાવાદ: દેશની અગ્રણી સહકારી સંસ્થા નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ‘નાફેડ’ના ડાયરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે. 21મી મેના રોજ નાફેડની સાધારણ સભા અને જરૂર પડ્યે ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવાની હતી. પરંતુ નાફેડના ડાયરેક્ટની ચૂંટણીમાં અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે. વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ. 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રણી સહકારી સંસ્થા નાફેડ છે. નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે. જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે બીજી બેઠક માટે ભાજપ તરફી પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજકારણ ગરમાયું હતું. પરંતુ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા આ બેઠક પર બિનહરિફ ચૂંટાયા છે.