અમદાવાદઃ વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઈન્ક્યુબેટ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી Q3-FY25માં મુસાફરોની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી ફ્લાઇટ લીધી છે. જે અગાઉના વર્ષની ત્રણ મિલિયન (Q3 FY24)ની સંખ્યા કરતાં 18 ટકા વધુ છે.
FY25ના Q3માં SVPI એરપોર્ટ પર 27,000થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મુવમેન્ટ (ATMs)ના સંચાલન સાથે 15 ટકાનો વધારો જોવા મળ્યો. આ મજબૂત વૃદ્ધિ ગંતવ્યોમાં નવાં સ્થળો અને એરલાઇન્સના ઉમેરાથી ફ્લાઇટ ફ્રીક્વન્સીમાં વધારાનું પરિણામ છે. 22 ડિસેમ્બર, 2024એ SVPI એરપોર્ટ પર 324 ATM સાથે 44,253 મુસાફરોની અવરજવર જોવા મળી હતી, જે વર્તમાન નાણાકીય વર્ષમાં સૌથી વધુ છે, ત્યાર બાદ 12 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરે અનુક્રમે 318 ATM સાથે 43,881 અને 325 ATM સાથે 43,408 મુસાફરોને સેવા આપી હતી.
છેલ્લા ત્રિમાસિક ગાળામાં અમદાવાદ એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને ગંતવ્યોમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. જેમાં ટર્મિનલ-2 એક્સટેન્ડેડ ચેક-ઇન હોલ, ઇન્ટર-ટર્મિનલ ઇલેક્ટ્રિક શટલ સેવા, બિન-ભારતીય સિમ કાર્ડ ધરાવતા પ્રવાસીઓ માટે વાઇ-ફાઇ કૂપન ડિસ્પેન્સર્સ તથા દા નાંગ, ગુવાહાટી, દીમાપુર તિરુવનંતપુરમ, કોલ્હાપુર અને કુવૈતની નવી ફ્લાઇટ્સ તેમજ કોચી અને કોલકાતા માટે ફ્રીક્વન્સીઝમાં વધારાનો સમાવેશ થાય છે.
ડિસેમ્બર, 2024માં ભારતના એકમાત્ર અમદાવાદ એરપોર્ટને ઊર્જા સંરક્ષણ માટેની અસાધારણ પ્રતિબદ્ધતા માટે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ (NECA) 2024 પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યો હતો. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી આયોજિત આ એવોર્ડ ભારત સરકારના પાવર મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવે છે.
ગત વર્ષની સરખામણીએ Q3-FY25માં આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ, કાર્ગોની સંખ્યામાં 17 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. એરપોર્ટે 17,900 MTથી વધુ કાર્ગોનું સંચાલન કર્યું છે, જેમાં 1850 MTથી વધુ આંતરરાષ્ટ્રીય કાર્ગોનો સમાવેશ થાય છે. જે નાણાકીય વર્ષના Q3 આંકડાઓ કરતાં 300 ટકાથી વધુનો વધારો સૂચવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોના અનુભવને ઉત્કૃષ્ટ બનાવવા તેમ જ સીમલેસ મુસાફરી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને અસરકારક કનેક્ટિવિટી માટે પ્રતિબદ્ધ છે.
અમદાવાદ: CEPT યુનિવર્સિટીમાં 6 જાન્યુઆરીના રોજ ગ્લોબલ એલ્યુમની મીટ 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વિશ્વના કુલ 25 શહેરોમાંથી 500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 15 ભારતના અને 10 આંતરરાષ્ટ્રીય સ્થળો – લંડન, લેસ્ટર, ન્યૂયોર્ક, એટલાન્ટા, સિડની અને ટોરોન્ટોથી આવ્યા હતા.ભારતમાં પુણે, મુંબઈ, બેંગલુરૂ, દિલ્હી, કોલકાતા, સુરત, હૈદરાબાદ, કોચી અને વડોદરા સહિતના સ્થળોથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મીટ એક સાથે યોજાઈ હતી. અમદાવાદ સ્થિત કેમ્પસમાં સાથી સ્નાતકો, ફેકલ્ટી મેમ્બર્સ, સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ સાથે જોડાવા માટે 150થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમના અલ્મા મેટર પર પાછા ફર્યા. આ એક વાર્ષિક ઇવેન્ટ છે. જે દર વર્ષના પ્રથમ શનિવારે ઉજવવામાં આવે છે. જેમાં તમામ ફેકલ્ટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સમુદાય સાથે પુનઃજોડાણ કરવા માટેનું એક નેટવર્ક મળે છે. સંસ્થા તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.આ કાર્યક્રમમાં UKના સુરેશ પટેલ (બેંચ-1965) કે જેઓ CEPTના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરે છે તેઓ ખાસ હાજર રહ્યા. આ સિવાય USAના કિરીટ દેસાઈ(બેંચ-1963), ભારતના નિસર્ગ શાહ (બેંચ-1906 (અન્ડર ગ્રેજ્યુએટ)), ભારતના મહેશ દેસાઈ (બેંચ-1969 (અન્ડર ગ્રેજ્યુએટ)), ભારતના પૂનમ સોલંકી (બેંચ-1909(અન્ડર ગ્રેજ્યુએટ), ભારતના સુનિતા ધોટે (બેંચ-2016), ગુરપ્રીત સિંઘ (બેંચ-1973) અને વિશ્વભરના અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આ મીટનો ઉદ્દેશ્ય અનુભવો અને સ્મૃતિઓના આદાન-પ્રદાનને સરળ બનાવવા માટેનો હતો. યુવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને જેઓ એક સમયે સુંદર CEPT કેમ્પસને પોતાનું ઘર કહેતા હતા તેમની વચ્ચે સૌહાર્દની નવી ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો.ગ્લોબલ એલ્યુમની મીટ 2025 એ વિશ્વભરમાં CEPT યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મજબૂત અને વાઇબ્રન્ટ નેટવર્કનું નિદર્શન કર્યું. આ મેળાવડાઓ જીવનભરના જોડાણોને ઉત્તેજન આપવા, અનુભવોની વહેંચણી અને યુનિવર્સિટીના સતત વિકાસ અને સફળતાને સમર્થન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
શ્યામલી એક કંપનીમાં મિડ-લેવલ મેનેજર હતી. પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરતી. પરંતુ એના શ્યામ રંગના કારે દરરોજ એની અવગણના થાય. શ્યામલીને એના પિતાની શીખવેલી એક વાત બાળપણથી યાદ હતી કે, ‘ગુણ અને પરિશ્રમ તારી ઓળખ છે, તારો રંગ નહીં.’ પણ જીવનના વિવિધ તબક્કાઓમાં એ સામાજિક ભેદભાવનો ભોગ બની હતી. કોલેજમાં જ્યારે એ ટોપર હતી, ત્યારે પણ વિદ્યાર્થીઓ એનાથી દુર રહેતા.
જ્યારે શ્યામલીને સારી કંપનીમાં નોકરી મળી ત્યારે એને લાગ્યું કે હવે અહીં તો મારી અવગણના નહીં જ થાય. પરંતુ એની આ આશા ઠગારી નીવડી. એ જે બોર્ડરૂમ મીટિંગમાં હાજરી આપતી ત્યાં ઘણી વાર એની વાતો અવગણાતી. સહકર્મચારીઓ એને હળવાશથી લેતા. એને કામમાં પાછળ રાખવામાં આવતી. કંપનીમાં કોઈપણ કાર્યક્રમ હોય એમાં શ્યામલી ભાગ લેવા ઇચ્છે તો પણ કોઈને કોઈ બહાને એને એમાંથી બાકાત રખાતી.
કંપનીમાં એનાથી વધારે મહેનતી કોઈ ન હતું છતાં “શ્યામ રંગના લોકો સાથે ક્લાયન્ટ મજબૂત જોડાણ નથી બનાવી શકતા.” એવું કારણ ધરીને એને નવા પ્રોજેક્ટની લીડર બનાવવામાં ન આવી.
આમ છતાં શ્યામલીનો આત્મવિશ્વાસ અડગ રહ્યો. એક દિવસ કંપનીએ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે મીટિંગ યોજી. શ્યામલીએ પોતાના તમામ ડેટા અને સંશોધન પર કામ કરીને સરસ પ્રેઝન્ટેશન આપ્યું. આ જોઈને તમામ લોકો ચકિત થઈ ગયા. એના આઈડિયાઝ બધાને પસંદ આવ્યા એટલું જ નહીં, આ પ્રોજેક્ટના પરિણામે કંપનીને કરોડોનો નફો પણ થયો. એ પહેલાં પણ શ્યામલીએ અનેક વખત પોતાના ગુણો અને બુદ્ધિમત્તાના ઉદાહરણ આપ્યા હતા, પરંતુ આ વખતે જાણે એની પ્રામાણિકની સાચી ઓળખ બધાને થઈ.
હવે શ્યામલીને એના ઓફિસમાં બધા જ માનથી બોલાવે છે. બોસ અમુક વખતે શ્યામલીની સલાહ પણ લે છે. ટૂંકમાં શ્યામલી એના શ્યામવર્ણના કારણે થતી અવગણનાને ઘણી પાછળ છોડી ચૂકી છે.
જો કે શ્યામલીને તો એની સાચી ઓળખ મળી ગઈ, પરંતુ સમાજમાં આજે પણ બ્લેક કે શ્યામવર્ણી યુવતી કે મહિલાઓની અવગણના થાય છે સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે દેખાવમાં સુંદર મહિલાઓમાં જ દરેક કામ કરી શકે. પરંતુ રૂપાળી દેખાતી સ્ત્રી જ બુદ્ધિશાળી હોય એ જરૂરી નથી.
સ્ત્રીઓના કામનું અવમૂલ્યન કરવાનું બંધ કરો
આજના યુગમાં પણ, જ્યાં સમાજ વિકાસ અને સમાનતાની વાત કરે છે, ત્યાં સ્ત્રીઓના રૂપ અને રંગના આધાર પર એમની ક્ષમતાને અવગણવાનું ચલણ યથાવત છે. જ્યાં એક સ્ત્રીની ઓળખ એના કર્મથી થવી જોઈએ, ત્યાં સમાજમાં કદાચ એક સૂક્ષ્મ ભેદભાવ છુપાયેલો છે કે ‘રૂપાળી યુવતિ કે મહિલાએ સારું કામ કરવું સહજ છે, જ્યારે શ્યામવર્ણી મહિલાના કાર્ય પર સવાલ ઉભા થાય છે.’
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સુરતની નવયુગ કોમર્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રૂચિ હાર્દિક દેસાઈ કહે છે કે, “આપણા સમાજમાં વર્ષોથી સોસાયટીના નોર્મ્સ અનુસાર રંગભેદ ચાલતો આવ્યો છે. ત્વચાનો રંગ વ્યક્તિના મુલ્યને નક્કી કરી શકતો નથી. શ્વેત કે શ્યામ ત્વચાનો રંગ માત્ર મેલેનાઇનના પ્રમાણથી નક્કી થાય છે. આ કોઈનું આઈક્યુ લેવલ, પ્રદર્શનની ક્ષમતા કે સર્જનાત્મકતા નક્કી કરતો નથી. ત્વચા એ માત્ર ત્વચા છે અને એના આધારે કોઈ મહિલા પ્રત્યે પોતાનો અભિપ્રાય આપવો મૂર્ખતા સમાન છે. એક વાત માનવી રહી કે ફેર ત્વચા આકર્ષણ કરી શકે પરંતુ જો એનામાં લાયકાત ન હોય તો એ લાંબો પ્રભાવ પાથરવામાં નિષ્ફળ નીવડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ‘ફેર એન્ડ લવલી’ ક્રીમ વિરુદ્ધ 80,000 પીટિશન ફાઇલ કરાઈ હતી, જેના કારણે એનું નામ બદલવું પડ્યું. માર્કેટિંગમાં પણ શ્યામ રંગને નકારતા વખતે લોકો ભૂલી જાય છે કે જો શ્યામ ત્વચામાં પ્રાકૃતિક તેજ હોય, તો એ વધુ આકર્ષક લાગે છે. આજના સમયમાં, કલરીઝમના આ નકામા કલ્ચરમાંથી બહાર આવવું અત્યંત જરૂરી છે. ત્વચાનું તેજ મહત્વનું છે, રંગ નહીં.”
ઉલ્લેખનીય બાબત છે કે હિન્દુસ્તાન યુનિલીવર (HUL)એ એના સૌંદર્ય પ્રસાધન માટેની જાણીતી ક્રીમ ‘ફેર એન્ડ લવલી’ નામમાંથી ‘ફેર’ શબ્દ હટાવી લીધો છે. ફેર એન્ડ લવલી નામ સામે બોલીવૂડમાં બ્લેક બ્યુટી તરીકે ઓળખાતી અભિનેત્રીએ નંદિતા દાસે વિરોધ દર્શાવ્યો હતો. એ પછી તો આ જ ક્રીમની એડમાં કામ કરતી અને બોલિવૂડમાં ફેર અભિનેત્રી તરીકે જાણીતી યામી ગૌતમે પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે કોઈ પણ મહિલા રંગના આધારે કામીયાબી ન મેળવી શકે. એ પછી તો અનેક અભિનેત્રીઓ આ વિરોધમાં જોડાઈ હતી
રૂપ અને ક્ષમતાનો કોઈ સંબંધ નથી
સ્ત્રીની બુદ્ધિ, શૈક્ષણિક પાત્રતા અને કાર્યદક્ષતાને એનું ચહેરાનું રંગરાણું નક્કી કરી શકે નહીં. જીવનના અનેક ક્ષેત્રોમાં એવી સ્ત્રીઓનો ઉદાહરણો છે, જેઓ કાળા કે શ્યામવર્ણના હોવા છતાં ઊંચા શિખરો સર કરી રહી છે. હકીકતે, કાળાં કે શ્યામવર્ણના રંગને કારણે અનેક મહિલાઓને કામ અથવા તકની નબળા પ્રતિસાદોનો સામનો કરવો પડે છે. રૂપ અને રંગના આધારે સ્ત્રીઓનું મૂલ્યાંકન કરવું એ અશિક્ષિત અને જૂની માન્યતાઓમાંથી પેદા થયેલો ભ્રમ છે.
અમદાવાદના સેફ(રસોઈકળામાં નિપુણ) ચંદન જીતેન્દ્ર પરમાર ચિત્રલેખા.કોમને કહે છે કે, “રૂપરંગથી કોઈની સક્ષમતા નક્કી કરવી અન્યાય છે. કાળા માણસમાં પણ એવી આવડત હોય શકે છે, જે સ્વરૂપવાનમાં ન હોય. કોઈની ત્વચાનો રંગ એના કર્મ, કૌશલ્ય અને પ્રતિભા માટે અવરોધ બની શકે નહીં. ગુણ અને કાર્યક્ષમતા જ વ્યક્તિની સાચી ઓળખ છે. એવી અનેક મહિલાઓ છે જે શ્યામવર્ણી હોય પરંતુ પોતાના ક્ષેત્રમાં નામના મેળવી હોય. માટે આવી વિમુખતાથી સમાજમાં છૂટકારો લાવવો જોઈએ. રૂપ ક્યારેય મુખ્ય હોય નહીં, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વ અને ગુણધર્મો જ એનું મુલ્ય નક્કી કરે છે.”
ત્વચાના રંગે વ્યક્તિની કિંમત નક્કી નથી થતી
સામાન્ય રીતે ફિલ્મ, મીડિયા અને જાહેરાતોના કારણે રૂપાળાં ચહેરાંને વધુ મહત્વ મળે છે. શ્યામવર્ણી સ્ત્રીઓ સાથે ઘણી જગ્યાએ ભેદભાવ થાય છે. એમને સુંદરતા સાથે જોડવામાં નથી આવતી, અને ઘણી વાર તેઓ પર અયોગ્યતાના લાંછન લાગી જાય છે.
રેખા શૈલેષ પરમાર ચિત્રલેખા.કોમને કહે છે કે, “આજના યુગમાં પણ જો કોઈને એના ત્વચાના રંગથી જજ કરવામાં આવે છે, તો એ ઘણી દુઃખદ વાત છે. ત્વચાનો રંગ એ માત્ર કુદરતી લક્ષણ છે, જે પરમાત્માની સુંદર કૃપા છે. એ વ્યક્તિની ક્ષમતા, મહેનત અથવા માનસિકતા નક્કી કરતું નથી. સમાજે એ સમજવું જોઈએ કે વ્યક્તિની સફળતા એના કાર્ય, વિચારશક્તિ અને વ્યક્તિત્વ પર આધાર રાખે છે, ન કે તેના દૈહિક લક્ષણો પર. ત્વચાના રંગને લઈને પડતા ભેદભાવ ખૂબ અન્યાયકારક છે અને એ માનસિક બળવાખોરી છે. દરેકને પોતાના સ્વરૂપ માટે ગર્વ હોવો જોઈએ અને આવી તુચ્છ માનસિકતાને જડમૂળથી દૂર કરવા માટે શિક્ષણ અને સમજણ પેદા કરવી જરૂરી છે.”
વિશ્વ અને ભારતમાં અનેક સ્ત્રીઓ છે, જેઓ પોતાના કામ અને બુદ્ધિથી વિશ્વમાં એક નવી ઓળખ ઉભી કરી છે, જેઓના માટે એમનો રંગ ન તો અવરોધ બન્યો અને ન તો એમની સફળતાને વ્યાખ્યાયિત કરી શક્યો. એક સ્ત્રીનું જીવન એનો રંગ કે રૂપ નક્કી કરતો નથી, એ એના કાર્ય અને સમજદારીથી સમજાય છે. સમાજે હવે સ્ત્રીઓના રૂપની બહાર જોઈ એમની સફળતાઓને સમજવાની જરૂર છે. ત્વચાનો રંગ કોઈના માર્ગમાં અવરોધ બની શકે છે, પરંતુ ગુણો એ અવરોધને પાર કરીને એના મનને વધુ મજબૂત બનાવે છે. સુંદરતા રૂપમાં નથી, કાર્યમાં છે.
દેશમાં ગુનાખોરીને અંકુશમાં લેવા પોલીસ અવનવા પ્રયોગો કરતી રહે છે. પોલીસકર્મીઓની સંખ્યા વધારવા અને ટેક્નોલોજીની મદદથી ગુનાને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત CBI જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ રાષ્ટ્રીય સુરક્ષા અને મોટા ગુનાઓ પર કાર્યવાહી કરે છે. પરંતુ આજે પણ દેશમાં ગુનાઓ કરીને વિદેશ ભાગી ગયેલા ગુનેગારોને પાછા લાવીને સજા આપવી એ સુરક્ષા એજન્સીઓ માટે કોઈ પડકારથી ઓછું નથી. આ માટે ભારતીય એજન્સીઓ ઈન્ટરપોલ સહિત અન્ય વિદેશી સુરક્ષા એજન્સીઓની મદદ લે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહે આજે સવારે એટલે કે 7મી જાન્યુઆરીના રોજ દિલ્હીથી ભારત પોલ પોર્ટલ લોન્ચ કર્યું હતું. પોર્ટલ લોન્ચ કરતા સમયે તેમણે જણાવ્યું હતું કે ભારતપોલ આપણા દેશની આંતરરાષ્ટ્રીય તપાસને નવા યુગમાં લઈ જશે. અગાઉ CBI એકમાત્ર એવી એજન્સી હતી જે ઈન્ટરપોલ સાથે કામ કરવા માટે માન્ય હતી, પરંતુ હવે ભારતપોલ દ્વારા દરેક ભારતીય એજન્સી અને તમામ રાજ્યોની પોલીસ ઈન્ટરપોલ સાથે સરળતાથી જોડાઈ શકશે. અમે ગુનાખોરીને અંકુશમાં લેવા માટે કાર્યક્ષમતાથી કામ કરવાનું ચાલુ રાખીશું.
વધુમાં તેમણે જણાવ્યું કે, CBI દ્વારા જ ભારતપોલ બનાવવામાં આવ્યું છે. ઈન્ટરપોલની જેમ જ ભારતપોલ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ સાથે તપાસ એજન્સીઓને સાયબર અને નાણાકીય ગુનાઓ સહિત અન્ય ગુનાઓમાં ઈન્ટરન્શનલ પોલીસની તાત્કાલિક મદદ મળશે. આ પોલ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ ગુનેગારો અને વિદેશ ભાગી ગયેલા ગુનાઓ વિશે ઈન્ટરપોલ પાસેથી માહિતી મેળવી શકશે. ઇન્ટરપોલ ઉપરાંત અન્ય દેશોની તપાસ એજન્સીઓને પણ જોડી શકાય છે. આ ઉપરાંત અમિત શાહે કાર્યક્રમમાં સીબીઆઈના 35 અધિકારીઓને પોલીસ મેડલથી સન્માનિત કર્યા હતા. આ અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને સારી તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના હાથે 1-3ના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ આખી સીરીઝમાં ટીમના દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી બેટથી સંપૂર્ણ ફ્લોપ રહ્યા હતા. રોહિતે સિરીઝની ત્રણ મેચમાં માત્ર 31 રન બનાવ્યા જ્યારે વિરાટે 23ની સાધારણ એવરેજથી 190 રન બનાવ્યા. બંનેના ખરાબ પ્રદર્શન અને ટીમની હાર બાદ ચાહકો ગુસ્સે છે અને તેમની આકરી ટીકા કરી રહ્યા છે. જો કે, આ બંને ખેલાડીઓને હવે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહનું સમર્થન મળી ગયું છે.
Yuvraj Singh talking about Virat Kohli and Rohit Sharma and replies to all the critics. (PTI).
– He said “Rohit & Kohli are my Brothers. My job is to support my family and my brother. They will bounce back”. ❤️pic.twitter.com/RQ08bgtD7g
યુવરાજ સિંહે દુબઈમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, મારા મતે ન્યુઝીલેન્ડ સામે હારવું વધુ દુઃખદ છે. કારણ કે તેઓએ ઘરઆંગણે અમને 3-0થી હરાવ્યું હતું. તમે જાણો છો કે આ બિલકુલ સ્વીકાર્ય નથી. ઓસ્ટ્રેલિયા સામે હજુ પણ સ્વીકાર્ય છે કારણ કે તમે ઓસ્ટ્રેલિયામાં બે વખત જીત્યા છો અને આ વખતે તમે હારી ગયા છો. ઓસ્ટ્રેલિયા છેલ્લા ઘણા સમયથી પ્રભાવશાળી ટીમ છે.
બંનેએ પોતાની કારકિર્દીમાં ઘણું હાંસલ કર્યું – યુવરાજ સિંહ
યુવરાજે રોહિત-બુમરાહ વિશે કહ્યું, બંનેએ પોતાના કરિયરમાં ઘણું હાંસલ કર્યું છે અને તેઓ દિગ્ગજ ખેલાડી છે. અમે અમારા મહાન ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે વાત કરી રહ્યા છીએ અને તેમના વિશે ઘણી ખરાબ વાતો કહી રહ્યા છીએ. લોકો ભૂલી જાય છે કે તેઓએ ભૂતકાળમાં શું મેળવ્યું છે. તે આ સમયના મહાન ક્રિકેટરોમાંથી એક છે. તે ઠીક છે કે આપણે હારી ગયા અને તેઓ સારું ક્રિકેટ રમ્યા નહીં.
રોહિતે ટીમને પોતાનાથી આગળ રાખી – રોહિત
યુવરાજે કોચિંગ સ્ટાફનો પણ બચાવ કર્યો અને કહ્યું, મને લાગે છે કે ગૌતમ ગંભીર મુખ્ય કોચ તરીકે, અજીત અગરકર, રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ પસંદગીકારો તરીકે. આ તમામ વર્તમાન સમયમાં ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓ છે અને ભવિષ્યમાં ભારતીય ક્રિકેટનું શું થશે તે તેમણે જ નક્કી કરવાનું છે. મને લાગે છે કે આ એક મોટી વાત છે. મેં આ પહેલા ક્યારેય જોયું નથી કે કેપ્ટનનું ફોર્મ સારું ન રહ્યું હોય અને તે પોતે બહાર ગયો હોય. રોહિતની આ જ મહાનતા છે કે તેણે ટીમને પોતાના કરતા આગળ રાખી છે.
મુંબઈ: નેપાળમાં મંગળવારે સવારે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોરદાર આંચકાએ લોકોના મનમાં ભય પેદા કરી દીધો હતો. આ દરમિયાન અભિનેત્રી મનીષા કોઈરાલાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી માહિતી આપી હતી કે ભૂકંપ પછી તેણે શું કર્યું?
ભૂકંપ પછી મનીષાએ આ કામ કર્યું હતું
વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકા અભિનેત્રી મનીષા કોઈરાલાને જિમ જતા રોકી શક્યા નથી. મનીષાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટ્રેડમિલ પર ચાલતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં મનીષા જેકેટ અને બેઝબોલ કેપ સાથે જિમ આઉટફિટમાં જોવા મળી રહી છે. વીડિયોમાં તેને ટ્રેડમિલ પર ઝડપી ગતિએ ચાલતી જોઈ શકાય છે. વીડિયોના કેપ્શનમાં મનીષાએ લખ્યું છે કે, સવારે ભૂકંપના આંચકાએ અમને જગાડી દીધા.
ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
તમને જણાવી દઈએ કે નેપાળમાં મંગળવારે સવારે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા ભારતના કેટલાક ભાગો જેવા કે બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને દિલ્હી-એનસીઆરમાં અનુભવાયા હતા.
ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ સવારે 6:35 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ 28.86 ડિગ્રી ઉત્તર અને 87.51 ડિગ્રી પૂર્વમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપનું કેન્દ્ર નેપાળ સરહદ નજીક તિબેટના શિજાંગ વિસ્તારમાં હતું.
અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મનીષા કોઈરાલા ગયા વર્ષે નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘હીરામંડી’માં જોવા મળી હતી. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ શોમાં મનીષાના અભિનયને દર્શકોએ ખૂબ વખાણ્યો હતો.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. જેથી દિલ્હીમાં ભરશિયાળે રાજકીય ગરમાવો આવ્યો છે. નવી દિલ્હી સીટથી કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે દાવો કર્યો છે કે આપ પાર્ટી દિલ્હીમાં બૂથોના મેનેજમેન્ટમાં રૂ. 300 કરોડની રોકડ રકમ ખર્ચ કરવાનું આયોજન કર્યું છે. કોંગ્રેસ આની ફરિયાદ ચૂંટણી પંચથી કરશે. કૌભાંડોના પૈસા ક્યાં ગયા એ બતાવવાની જરૂર નથી, એમ દીક્ષિતે કહ્યું હતું.
આપ પાર્ટીને લાગે છે કે વહીવટી રૂપે જો કોઈ ખોટું કામ કરવામાં આવી રહ્યું છે તો એની ફરિયાદ તેઓ કરી શકે છે. મતદાતા યાદીમાં નામ જો ખોટું છે કે નામ કાપવામાં આવી રહ્યાં છે તો એમાં સુધારવા કે નામ જોડવાની એક વ્યવસ્થા છે. વાત એમ છે કે આપ પાર્ટીના કાર્યકર્તા વાસ્તવિક રીતે કામ નથી કરી રહ્યા. પાર્ટીના 90 ટકા લોકો પૈસા લઈને કામ કરે છે.પૈસા લઈને કોઈ મનથી કામ થોડું કરશે. મેં ઘણી જગ્યાએ આપ પાર્ટીના લોકોને ફરતા જોયા છે. જ્યારે તેમને પૂછો તો એ કહે છે કે તેમને એક દિવસના રૂ. 600 મળે છે.
તેમણે કહ્યું હતું કે માત્ર નવી દિલ્હી સીટ પર આ લોકો ચૂંટણીમાં રૂ. પાંચ કરોડથી વધુનો રોકડ ખર્ચ કરશે. મને માલૂમ છે કે દિલ્હીમાં રૂ. 300 કરોડ ખર્ચ કરવાના છે. દરેક બૂથ પર પાર્ટીએ 12 લોકો તહેનાત કરશે. 40થી 45 દિવસ તેમને કામ કરવાનું છે અને પ્રત્યેક કાર્યકરને પ્રતિદિન રૂ. 600 મળશે. અમે એની ફરિયાદ ચૂંટણી પંચને કરીશું.
છેલ્લા કેટલાક મહિનામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી રહેલી ધમકીઓ વચ્ચે સલમાન ખાનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કર્મચારીઓ સુપરસ્ટાર દબંગના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બારીઓની સુરક્ષા કરતા જોવા મળે છે. આ તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સલમાન ખાનના ઘરની બાલ્કનીમાં સુરક્ષા વધારવામાં આવી રહી છે. બાલ્કની બુલેટપ્રૂફ કાચથી સુરક્ષિત છે. આજે, 7 જાન્યુઆરી, 2025 ના રોજ, કેટલાક કર્મચારીઓ સ્પષ્ટપણે સલમાન ખાનના મુંબઈના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં કામ કરતા જોઈ શકાય છે. કેવી રીતે આ બધા સલમાનની સુરક્ષા માટે ઘરની બાલ્કનીમાં બુલેટપ્રૂફ કાચ લગાવતા જોવા મળે છે. બાલ્કની ચારે બાજુ વાદળી બુલેટપ્રૂફ કાચથી ઢંકાયેલી જોઈ શકાય છે.
સુરક્ષાની ચિંતાઓ વચ્ચે સલમાન ખાન ભારે સુરક્ષા કવચ હેઠળ જાહેરમાં જોવા મળે છે. સુપરસ્ટાર તાજેતરમાં જ ગુજરાતના જામનગરમાં હતો, જ્યાં તેણે અંબાણી પરિવારના ઘરે મિત્રો અને પરિવાર સાથે તેનો 59મો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવ્યો.
સલમાન એ પણ સુનિશ્ચિત કરી રહ્યો છે કે તેના કામ પર કોઈ અસર ન થાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે રશ્મિકા મંદન્ના સાથે તેની આગામી ફિલ્મ સિકંદરનું અંતિમ શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે. છેલ્લું શેડ્યૂલ મુંબઈમાં 10 જાન્યુઆરીએ શરૂ થશે. સિકંદર 2025ની ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ ઈન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા દ્વાર કરવાની માગ કરી છે. જમાલે પ્રધાનમંત્રી મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, નામ બદલવું એ દેશના 10 હજાર શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ હશે.આ પત્ર જમાલ સિદ્દીકીએ ઈન્ડિયા ગેટનું નામ બદલવાની માગ સાથે કહ્યું કે “તમે ક્રૂર મુઘલના નામ પર બનેલા ઔરંગઝેબ રોડનું નામ ડૉ. એપીજે અબ્દુલ કલામ રોડ રાખ્યું છે. ઈન્ડિયા ગેટ પર જ્યોર્જ પંચમની પ્રતિમાને હટાવીને તેના સ્થાને નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. રાજપથનું નામ દૂતવા પથ રાખવામાં આવ્યું. એ જ રીતે ઈન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા દ્વાર કરવું જોઈએ.”
ઈન્ડિયા ગેટ રાજધાની દિલ્હીમાં બનેલું યુદ્ધ સ્મારક છે. તે પ્રથમ વિશ્વ યુદ્ધ અને અફઘાન યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. 1914-1921 દરમિયાન પ્રથમ વિશ્વ યુદ્ધ અને ત્રીજા અફઘાન યુદ્ધમાં 70 હજારથી વધુ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ઈન્ડિયા ગેટ પર 13 હજાર 516 સૈનિકોના નામ કોતરેલા છે. તેમાંથી ઘણા બ્રિટિશ ભારતના સૈનિકો હતા. ઇન્ડિયા ગેટનું બાંધકામ 1921માં શરૂ થયું હતું અને 1931માં પૂર્ણ થયું હતું. તે બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લ્યુટિયન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયા ગેટની ઊંચાઈ 42 મીટર છે. તે લાલ અને આછા પીળા રેતીના પથ્થરથી બનેલું છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી અમર જવાન જ્યોતિને ઈન્ડિયા ગેટમાં ઉમેરવામાં આવ્યું. તે સનાતન સળગતી જ્યોત છે, જે ગુમનામ સૈનિકોની યાદમાં સળગતી રહે છે. તેના ઉપરના ભાગમાં INDIA લખેલું છે અને તેની નીચે એક શિલાલેખ છે, જેમાં શહીદ સૈનિકોના બલિદાન વિશે લખ્યું છે. ઈન્ડિયા ગેટ એ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને ત્યાર બાદના બલિદાનોનું પ્રતીક છે. 2019માં સશસ્ત્ર દળોના શહીદોના સન્માનમાં ઇન્ડિયા ગેટ પાસે એક નવું રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવ્યું હતું.
જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરની તબિયત 2 જાન્યુઆરીથી અનિશ્ચિત મુદતના ઉપવાસના છઠ્ઠા દિવસે બગડી છે. છ દિવસ સુધી માત્ર પાણી પર રહેવાના કારણે ડોક્ટરોએ તેની હાલત ગંભીર ગણાવી છે. પ્રશાંત કિશોરને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. ઉપવાસ ચાલુ રાખવા પર અડગ રહેલા પ્રશાંત કિશોર મોઢાની દવા પણ લેતા નથી. દરમિયાન તેમની પત્ની ડો.જાહ્નવી દાસ કે જેઓ ડોક્ટર છે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પીકેને યોગ્ય સારવાર માટે સમજાવવા માટે પત્નીને બોલાવવામાં આવી છે અને તે સાંજ સુધીમાં પટના પહોંચી જશે.
સોમવારે વહેલી સવારે ધરપકડ કર્યા પછી, પ્રશાંત કિશોરે કોર્ટના આદેશો પર છૂટ્યા પછી મોડી સાંજે મીડિયાને સંબોધન કર્યું અને કહ્યું કે તેમનું કામ ચાલુ છે અને ચાલુ રહેશે. તેઓ મંગળવારે ઉપવાસનું સ્થળ અને સ્વરૂપ જણાવવાના હતા. એવું માનવામાં આવતું હતું કે જન સૂરજના બેનર હેઠળ તેઓ દરેક જિલ્લામાં તેમના ઉપવાસને લઈ જઈ શકે છે. પરંતુ સોમવારે મોડી રાતથી પ્રશાંતને પેટમાં દુ:ખાવો શરૂ થયો હતો. સવારે ડૉક્ટર તેમના ઘરે આવ્યા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી.
ડૉક્ટર પ્રશાંત કિશોરને પોતાની સાથે પટનાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તપાસ બાદ જાણવા મળ્યું કે તેમના પુત્રમાં ચેપ ફેલાઈ ગયો છે. તેની સારવાર કરી રહેલા તબીબોનું કહેવું છે કે પાણી ઓછું પીવા અને ભોજન ન લેવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે. ડોકટરોની સામે સમસ્યા એ છે કે પ્રશાંત કિશોર હોસ્પિટલમાં પણ ઉપવાસ પર છે અને ડોકટરોના આદેશ છતાં તેઓ મૌખિક રીતે દવા લેતા નથી. તેથી હવે પટના બહાર રહેતા પ્રશાંત કિશોરની પત્ની અને બહેનને બોલાવવામાં આવ્યા છે. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.