Home Blog Page 1697

પંચાંગ 27/06/2024

BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમને એઈમ્સના જેરીયાટ્રિક વિભાગના ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડાતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની અનોખી કંકોત્રી

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા તૈયાર છે. લગ્ન પહેલા અનંત અને અંબાણી પરિવારે લગ્નના કાર્ડનું વિતરણ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ નીતા અંબાણી પોતાના પુત્રના લગ્ન માટે બાબા વિશ્વનાથને આમંત્રણ આપવા કાશી આવી હતી. હવે અનંત-રાધિકાના લગ્નના કાર્ડની એક ઝલક પણ સામે આવી છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ સ્મૃતિ રાકેશે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું હતું. અનંત-રાધિકાના લગ્નના કાર્ડમાં મહેમાનો માટે ખાસ ભેટ પણ હતી. લાલ બોક્સમાં ચાંદીનું મંદિર હતું જેમાં ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની સોનાની મૂર્તિઓ હતી. આ કાર્ડ સાથે ચાંદીની પેટી પણ હતી.

 

ગુજરાત: અમદાવાદથી ગાંધીનગર વચ્ચે જુલાઈથી શરુ થશે મેટ્રો ટ્રેન

ગુજરાતમાં અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન ટૂંક સમયમાં શરૂ થઇ જશે. જેમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રોને લઇ મહત્વના સમાચાર આવ્યા છે. તેમાં આજે સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ છે. તેમજ મેટ્રો રેલ સેફ્ટી કમિશનર આર.કે.મિશ્રાએ સમીક્ષા કરી છે. તથા મોટેરાથી સેક્ટર 1 સુધીનો રુટ શરુ થશે. તેમાં આજે રુટના સેફ્ટી ટ્રાયલની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

ગાંધીનગર અમદાવાદ મેટ્રો રુટ જુલાઈથી શરુ થશે. આજે રુટના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ છે. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફટી આર.કે.મિશ્રા ગાંધીનગરમાં છે તેથી સેફટી ઈન્સપેકશન બાદ કોમર્શિયલ વપરાશ આવતા મહિને શરુ થશે. રાજ્યમાં સૌથી મહત્વના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી રહી છે. અગાઉ આ માટે ગાંધીનગરના 32 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આઈકોનિક મોડલ રોડના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રી-ટ્રાયલ શરૂ કરી દેવાઇ છે. તેમજ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે.

 

અરવિંદ કેજરીવાલના 3 દિવસના રિમાન્ડ મંજૂર

દિલ્હી લિકર પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે અરવિંદ કેજરીવાલને 3 દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યા હતા. સીબીઆઈએ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને 29 જૂને સાંજે 7 વાગ્યા પહેલા ફરી કોર્ટમાં રજૂ કરવા પડશે. સીબીઆઈએ રૂઝ એવન્યુ કોર્ટમાં અરવિંદ કેજરીવાલની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટે તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે.

સુનાવણી દરમિયાન કેજરીવાલની તબિયત બગડી હતી

બુધવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન AAP નેતા અરવિંદ કેજરીવાલની તબિયત લથડી હતી. આ પછી ખબર પડી કે કેજરીવાલનું શુગર લેવલ નીચે ગયું છે. આ પછી તેને બીજા રૂમમાં બેસાડવામાં આવ્યો. તેમને ખાવા માટે ચા અને બિસ્કિટ પણ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન કેજરીવાલ સાથે તેમની પત્ની સુનીતા કેજરીવાલ પણ કોર્ટ રૂમમાં હાજર હતા.

આ પહેલા સુનીતા કેજરીવાલે સીબીઆઈ દ્વારા તેમના પતિ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર પ્રતિક્રિયા આપી હતી. X પર પોસ્ટ કરતાં તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલને 20મી જૂને જામીન મળી ગયા. EDએ તરત સ્ટે મેળવ્યો. બીજા જ દિવસે સીબીઆઈએ તેમને આરોપી બનાવ્યા અને આજે ધરપકડ કરી. વ્યક્તિ જેલમાંથી બહાર ન આવે તે માટે સમગ્ર તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આ લોકશાહી નથી. આ સરમુખત્યારશાહી છે, આ તાનાશાહી છે.

ધરપકડ પર CBIએ શું કહ્યું?

અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે સીબીઆઈએ કહ્યું કે જો દિલ્હીના સીએમની સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન સમયે ધરપકડ કરવામાં આવી હોત તો તેનાથી માનનીય કોર્ટના આદેશ પર ખોટો સંદેશ ગયો હોત. સીબીઆઈએ કહ્યું કે આ કારણે તે સમયે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી ન હતી.

નેધરલેન્ડના PM માર્ક રૂટે NATOના નવા ચીફ

બ્રસેલ્સ: નાટોએ નેધરલેન્ડના વડા પ્રધાન માર્ક રૂટેને તેના આગામી મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. માર્ક રૂટેને આ જવાબદારી એવા સમયે આપવામાં આવી છે જ્યારે યુક્રેનમાં યુદ્ધ ચાલુ છે અને યુરોપિયન સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ સમય છે.બ્રસેલ્સમાં 32-રાષ્ટ્રોના જોડાણના મુખ્યાલયમાં નાટો રાજદૂતોની બેઠક દરમિયાન રૂટેની નિમણૂકની પુષ્ટિ કરવામાં આવી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમના સમકક્ષ અન્ય નેતાઓ આગામી 9 થી 11 જુલાઈના રોજ વોશિંગ્ટનમાં યોજાનારી સમિટમાં તેમનું ઔપચારિક સ્વાગત કરશે.નેધરલેન્ડના વડાપ્રધાન 1 ઓક્ટોબરે મહાસચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ નોર્વેના જેન્સ સ્ટોલ્ટનબર્ગનું સ્થાન લેશે. સ્ટોલ્ટનબર્ગ આ પોસ્ટ પર એક દાયકાથી વધુ સમય વિતાવ્યો છે. રશિયાએ 2022માં યુક્રેન પર આક્રમણ કર્યા પછી સાતત્ય જાળવવા માટે, તેમની મુદત વારંવાર લંબાવવામાં આવી હતી.

કોણ છે માર્ક રૂટે?

તેઓ ઇતિહાસ વિષયમાં સ્નાતક છે. વર્ષ 2010થી નેધરલેન્ડના વડા પ્રધાન તરીકે કાર્યરત છે. પરંતુ સ્થળાંતરને કેવી રીતે કાબૂમાં રાખવું તે અંગે ચાર-પક્ષીય ગઠબંધનના પતન પછી ગયા જુલાઈમાં રાજીનામું આપ્યું હતું. ટૂંક સમયમાં જ તેઓ આ પદ પરથી દૂર થશે. રુટ્ટે નેધરલેન્ડના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન છે.NATO શું છે?

  • NATO એક સૈન્ય સંગઠન છે
  • પૂરું નામ ઉત્તરી અટલાન્ટિક સંધિ સંગઠન (North Atlantic Treaty Organization)
  • 1949માં બેલ્જિયમન બ્રુસેલ્સમાં તેનું ગઠન થયું
  • બ્રુસેલ્સમાં જ NATOનું મુખ્યાલ્ય છે
  • અમેરિકા, બ્રિટેન, કેનેડા તેમજ ફ્રાન્સ સહિત 12 દેશોએ ગઠન કર્યું
  • યુરોપ અને ઉત્તરી અમેરિકામાં નાટોના 32 સદસ્ય છે

હજારો લોકોએ કેન્યાની સંસદને લગાડી આગઃ 13નાં મોત

નૈરોબીઃ આફ્રિકી દેશ કેન્યામાં નવા ટેક્સ બિલને લઈને બબાલ થઈ છે. હજ્જારો લોકો રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોની વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઊતરી આવ્યા છે. દેખાવકારોમાં મોટા ભાગના યુવાઓ છે. આક્રોશિત દેખાવકારોએ સંસદમાં આગ લગાડી દીધી. આ યુવાઓની ભીડે એક મોલને પણ આગને હવાલે કર્યો હતો. આ હિંસક દેખાવોમાં 13 લોકોનાં મોત થયાં છે અને આશરે 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

સરકારે નવા ટેક્સ બિલમાં કેટલાય પ્રકારના ટેક્સ અને ટેરિફમાં કરેલા વધારાને કારણે કેન્યાવાસીઓમાં આક્રોશ ભભૂકી રહ્યો છે. કેન્યાની સંસદમાં ટેક્સ વધારાને લઈને રજૂ કરવામાં આવેલા બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. પ્રદર્શનકારીઓના એક જૂથે સંસદમાં આગ લગાવી દીધી હતી. ઘટના સમયે અંદર ફસાયેલા સાંસદોને ફાયર બ્રિગેડ અને અન્ય સુરક્ષા એજન્સીઓની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સંસદમાં આગ લગાડતાં પહેલાં પોલીસ કર્મચારીઓએ રાજધાની નૈરોબીમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. આ વિરોધમાં હજારો લોકો ભાગ લઈ રહ્યા છે. દેખાવો દરમિયાન ઘાયલ થયેલા લોકોને સારવાર આપવા માટે દેશભરના ડોકટરોએ ઘણા શહેરોમાં ઇમરજન્સી હંગામી મેડિકલ કેમ્પ લગાવ્યા છે. કેન્યાના લોકો આ શિબિરો માટે પૈસા અને સામગ્રીનું દાન કરી રહ્યા છે.

કેન્યાના માનવાધિકાર પંચે મંગળવારે વિરોધીઓ પર ગોળીબારનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે આ અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે. માનવ અધિકાર પંચે રાષ્ટ્રપતિ વિલિયમ રુટો વિરુદ્ધ ‘X’ પર પોસ્ટ કરી છે કે ‘દુનિયા તમને જુલમ તરફ આગળ વધતા જોઈ રહી છે, તમારી સરકારમાં લોકશાહી પર હુમલો થયો છે. વિરોધીઓ પર ગોળીબારમાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે સામેલ તમામને જવાબદાર ઠેરવવા જોઈએ.’

 

 

 

 

 

 

 

 

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ત્રણ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક મોટી કાર્યવાહીમાં વધુ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જ્યારે ચોથા આતંકીની શોધ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે સુરક્ષા દળોએ ડોડા જિલ્લામાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ રાખતા બુધવારે ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

જમ્મુ એડીજીપીએ માહિતી આપી

જમ્મુ એડીજીપીએ X પર પોસ્ટ શેર કરી અને લખ્યું કે ડોડા જિલ્લાના ગંડોહ, ભદરવાહ સેક્ટરમાં ચાલી રહેલા સંયુક્ત ઓપરેશનમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે. આ સાથે દિવસ દરમિયાન અથડામણમાં કુલ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન ચોથા આતંકવાદીની શોધ ચાલુ છે. આ માટે સુરક્ષા દળો સતત ઓપરેશન કરી રહ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી.

રથયાત્રાના રૂટ પર રહેશે પોલીસની કડક નજર..

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાની તૈયારી પૂર જોશમાં ચારી રહી છે. જગન્નાથજીની યાત્રા પહેલા મિની યાત્રા ગણાતી જળયાત્રા તારીખ 20 જૂનમાં વાજતે ગાજતે પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે હવે ભગવાન જગન્નાથજી તારીખ 7 જુલાઈના રોજ નગર ચર્યા પર નકળશે. જેના ભાગ રૂપે અમદાવાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે. રથયાત્રાના રૂટ પર 360 ડીગ્રીના 1278 સીસીટીવી કેમેરા લાગી ગયા છે. આ તમામ સીસીટીવી દુકાનોની બહાર દુકાનધારક દ્વારા લગાવવામાં આવ્યા છે. આથી રથયાત્રા રૂટના તમામ રોડ, ગલી અને એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટને પણ સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવશે.

ગુજરાતના અમદાવામાં યોજાનારી આગામી ભગવાન જગન્નાથજી યાત્રામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022 સમગ્ર રાજ્યમાં અમલમાં છે. આ કાયદાના અસરકારક અમલીકરણ માટે તે માટે અમદાવાદ શહેરમાં જનભાગીદારીથી CCTV કેમેરા સિસ્ટમ લગાડવા નાના મોટા તમામ દુકાનદારો, એસોશિએશન તેમજ સોસાયટીના પ્રતિનિધીઓ દ્વારા અમદાવાદ શહેર પોલીસને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. હવે શહેરમાં જાહેર રોડ પર ગુનો કરીને ભાગતાં આરોપીને પકડી પાડવા માટે 360 ડીગ્રીના CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે.

61મું કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ કન્વેનશન કેવડિયા ખાતે

અમદાવાદ: આગામી  27 થી 29મી જૂન, 2024ના રોજ ટેન્ટ સિટી-2, એકતા નગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 61મા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ કન્વેનશન-2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાન શેરિંગ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, ભારતમાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્સીના વ્યવસાયના નિયમન અને વિકાસ માટે સંસદના વિશેષ અધિનિયમ, એટલે કે ધ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ એક્ટ, 1959 દ્વારા સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે.NCMAC-2024નો વિષય ‘વિકસીત ભારત 2047: સંકલ્પથી સિદ્ધિ માટે સંકલન ઉત્પ્રેરક’ એ CMAsની ભૂમિકા અને મહત્વમાં પરિવર્તનનો સંકેત આપે છે. ભારતના આર્થિક વિકાસ, નવીનતા, સ્થિરતા અને વૃદ્ધિમાં સક્રિયપણે યોગદાન આપનારા નાણાકીય પત્રકારોથી લઈને વ્યૂહાત્મક ભાગીદારો અને સ્વપ્નદ્રષ્ટાઓમાં CMAની ભૂમિકાના નોંધપાત્ર પરિવર્તનને પ્રકાશિત કરે છે.આ કન્વેન્શનમાં કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સની ભૂમિકા, અસરકારક શાસન દ્વારા વ્યવસ્થાપન, સસ્ટેનેબલ ફિનટેક ઈકોસિસ્ટમ તરફ ટેક્નોલોજીનો લાભ અને વિકાસશીલ વૈશ્વિક કન્સલ્ટન્સી ટેક્નોલોજી અને ભારતીય અગ્રણીઓ એમ અન્ય ત્રણ સત્રો છે. 28મી જૂનના રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને 29મી જૂનના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શોનો પણ સમાવેશ થાય છે. આ કન્વેન્શનમાં CMA અશ્વિન જી. દલવાડી, પ્રમુખ અને CMA બી. બી. નાયક, ઉપપ્રમુખ, CMA મનોજ કુમાર આનંદ, કાઉન્સિલ મેમ્બર, CMA ડી. સી. બજાજ, ભૂતપૂર્વ પ્રમુખ, ICMAI, પ્રો. અમિત કર્ણ, પ્રોફેસર-સ્ટ્રેટેજી, IIMA, CMA પ્રદિપ કુમાર દાસ, ચેરમેન અને મેનેજિગ ડિરેક્ટર, ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ ઉપસ્થિત રહેવાના છે.

આ 61મા કન્વેનશનમાં ઊંડાણપૂર્વકની ચર્ચાઓ તેમજ અનેક પ્રસ્તુતિઓ હશે જેમાં વિકસીત ભારત-2047ના રોડમેપ માટે નિર્ણાયક વિષયોની વિશાળ શ્રેણીને આવરી લેવાશે.