કેરળ: વાયનાડમાં મૂશળધાર વરસાદ પછી મંગળવારે થયેલ ભૂસ્ખલનમાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા. આ કુદરતી આપદામાં 150 જેટલાં લોકોનાં મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં બચાવ કાર્ય માટે એન.ડી.આર.એફ. અને સૈન્ય સહિત અનેક એજન્સીઓને કામે લગાવાઈ છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. રાતના અંધકારમાં અચાનક પર્વત ધરાશાયી થઈ ગયા અને ચારેબાજુ તબાહી મચી ગઈ. નિષ્ણાતોનું માનવું છે કે અરબી સમુદ્રમાં તાપમાન વધવાને કારણે ગાઢ વાદળો બની રહ્યા છે, જેના કારણે કેરળમાં ઓછા સમયમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આ જ કારણ છે કે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધી રહ્યું છે.
વિજ્ઞાનીઓએ લેન્ડસ્લાઈડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ અને જોખમનો સામનો કરી રહેલી વસતી માટે સુરક્ષિત આવાસ એકમોના નિર્માણ પર ભાર મૂક્યો છે. કોચી ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં એડવાન્સ્ડ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રડાર રિસર્ચના ડિરેક્ટર એસ. અભિલાષે કહ્યું કે, સક્રિય ચોમાસું ઓફશોર લો પ્રેશર વિસ્તારના કારણે કાસરગોડ, કન્નુર, વાયનાડ, કાલીકટ અને મલપ્પુરમ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે છેલ્લા બે અઠવાડિયાથી સમગ્ર કોંકણ વિસ્તાર પ્રભાવિત થઈ રહ્યો છે.
બે સપ્તાહના વરસાદ બાદ જમીન એકદમ પોચી થઈ ગઈ છે. અરબી સમુદ્રના કિનારે ડીપ ‘મેસોસ્કેલ’ ક્લાઉડ સિસ્ટમ રચાઈ હતી અને તેના કારણે વાયનાડ, કાલિકટ, મલપ્પુરમ અને કન્નુરમાં ભારે વરસાદ થયો હતો, જેના પરિણામે ભૂસ્ખલન થયું હતું. અભિલાષે કહ્યું, ‘અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં તાપમાન વધી રહ્યું છે, જેના કારણે કેરળ સહિત આ વિસ્તારની ઉપરનું વાતાવરણ થર્મોડાયનેમિકલી અસ્થિર બની ગયું છે. વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ 2022માં ‘NPJ ક્લાઈમેટ એન્ડ એટમોસ્ફેરિક સાયન્સ’માં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવાયું હતું કે ભારતના પશ્ચિમ કિનારા પર વરસાદ વધુ ગાઢ બની રહ્યો છે અને એ ત્યારે થાય છે જ્યારે ગરમ, ભેજવાળી હવા વાતાવરણમાં વધે છે. જેમ જેમ ઊંચાઈ વધે છે, દબાણ ઘટે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થાય છે.’
નવી દિલ્હીઃ દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર IAS કોચિંગ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની અરજી પર દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી નગર નિગમ (MCD)ની અને અન્ય એજન્સીઓની આકરી ઝાટકણી કાઢી હતી. વિદ્યાર્થીઓનાં મોત પર કોર્ટે સવાલ કર્યો હતો કે અત્યાર સુધી કેટલા MCD અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે? કોર્ટે પોલીસ પર સવાલ કરતાં પૂછ્યું હતું કે દિલ્હી પોલીસ ક્યાં છે અને શું કરી રહી છે?
કોર્ટે લાલ આંખ કરતાં કહ્યું હતું કે ફ્રીબિઝના ચક્કરમાં MCD જેવી સંસ્થાઓએ દેવાળું ફૂંક્યું છે. કર્મચારીઓને પગાર આપવાનાં ફાંફાં છે, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નથી થઈ શકતું. MCDએ રેવડી વહેંચવાના રાજકારણ પર વિચાર કરવો જોઈએ. દિલ્હીમાં બધું ગરબડ છે. MCDના અધિકારીઓને એ માલૂમ નથી કે કયું નાળું ક્યાં છે? કોઈ ભવિષ્યની યોજના નથી બનાવી શકતું.
કોર્ટે સવાલ કરતાં કહ્યું હતું કે તમારે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું પડશે. ત્યારે બિલ્ડિંગોના નિયમોમાં છૂટ આપી શકો છો, પરંતુ તમે ઊલટું કામ કરી રહ્યા છો. તમે રસ્તા પરથી પસાર થતી દરેક વ્યક્તિની ધરપકડ કરી રહ્યા છો, પણ MCD અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા. કોર્ટે સવાલ કર્યો હતો કે તમે જે અધિકારીઓ પર કાર્યવાહી કરી છે, એ જુનિયર અધિકારીઓ છે, પરંતુ સિનિયર અધિકારીઓનું શું? જેમની જવાબદારી સુપરવિઝનની છે.
હાઇકોર્ટે MCD કમિશનર, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને તપાસ અધિકારીને શુક્રવારે કોર્ટમાં હાજર થવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટ આ મુદ્દે ફરીથી શુક્રવારે સુનાવણી કરશે.
નવી દિલ્હી: યુ.પી.એસ.સી.ના નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનની નિયુક્તી કરવામાં આવી છે. તેઓ ગુરુવારે એટલે કે 1લી ઓગસ્ટે અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. પ્રીતિ 2022 થી UPSC સભ્ય તરીકે કામ કરી રહ્યા છે.આ પહેલાં UPSCના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ રાજીનામું આપી દીધું હતું.
પ્રીતિ સુદન આંધ્રપ્રદેશ કેડરના નિવૃત્ત IAS અધિકારી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ 2020 માં સમાપ્ત થયો હતો. ત્યાર બાદથી તેઓ યુ.પી.એસ.સી.ના સભ્ય બન્યા હતા. પ્રીતિએ મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયમાં પણ કામ કર્યું છે. આ સાથે તેમણે આંધ્રપ્રદેશમાં ફાઇનાન્સ, પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ટુરિઝમ અને એગ્રીકલ્ચર માટે પણ કામ કર્યું છે. ઉપરાંત વર્લ્ડ બેન્ક માટે સલાહકારની ભૂમિકા પણ ભજવી છે.
પ્રીતિ સુદને દેશમાં બે મુખ્ય કાર્યક્રમ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘આયુષ્માન ભારત’ શરૂ કરવા ઉપરાંત નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ સંબંધિત કાયદો બનાવવામાં પણ ફાળો આપ્યો હતો.
નવી દિલ્હીઃ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામનને પત્ર લખીને લાઇફ ઇન્શ્યોરન્સ અને મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને પરત ખેંચવાની માગ કરી છે. આ જીવનની અનિશ્ચિતતા પર ટેક્સ લગાવવા જેવું છે અને સેક્ટરના ગ્રોથ પર એની અસર પડશે, એમ તેમણે કહ્યું હતું.
ગડકરીએ 28 જુલાઈએ લખેલા પત્રમાં કહ્યું હતું કે તમને વિનંતી છે કે લાઇફ અને મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર GST દૂર કરવાના સૂચન પર પ્રાથમિકતાથી ધ્યાન આપો, કેમ કે એનાથી સિનિયર સિટિઝન પણ પ્રભાવિત થશે. લાઇફ અને મેડિકલ ઇન્શ્યોરન્સ પીરમિયમ-બંને પર 18 ટકા GST લાગે છે.નાણાપ્રધાનને લખેલા પત્રમાં ગડકરીએ કહ્યું હતું કે નાગપુર મંડલ જીવન વીમા નિગમ કર્મચારી સંઘે આ મુદ્દાઓ પર તેમને એક જાહેરાત સોંપી છે. એમાં તેમણે કહ્યું હતું કે લાઇફ એન્ડ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા GST લગાવવો એ જિંદગીની અનિશ્ચિતતાઓ પર કર લગાવવા જેવો છે.
યુનિયનનું માનવું છે કે જે વ્યક્તિ પરિવારને જીવનની અનિશ્ચિતતાઓથી સુરક્ષા આપવા માટે જીવન વીમા કવચ લે છે, એના પર એના જોખમથી બચાવ માટે કવરના પ્રીમિયમ પર ટેક્સ નહીં લગાવવો જોઈએ. ટેક્સ પર નિર્ણય લેતી GST કાઉન્સિલની બેઠક ઓગસ્ટમાં થવાની છે. એની છેલ્લી બેઠક 22 જૂને થઈ હતી. તેમણે એ સાથે-સાથે સામાન્ય વીમા કંપનીઓના એકીકરણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
આ પહેલાં જૂનમાં કોન્ફેડરેશન ઓફ જનરલ ઇન્શ્યોરન્સ એજન્ટ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ પણ વ્યક્તિગત મેડિકલ પોલિસીઝ પરથી GST 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની અપીલ કરી હતી.
ગુજરાત સહિત દેશનામાં વધતા ઈન્ટરનેટના ઉપયોગનો વ્યાપ વધ્યો છે. તો વધતા ઈન્ટરનેટના વ્યાપ સાથે સાયબર ક્રાઈમના કેસની ઘટનાઓ પણ વધી રહી છે. એક બાજું ડિજીટલ ઈન્ડિયાની વાતો થઈ રહી છે. ત્યારે બજી બાજું ગુજરાતમાં દર કલાકે લગભગ સાયબર ફ્રોડના 10થી વધુ ગુનાઓ નોંધાય છે.
વધતા સાયબર ફ્રોડને લઈ સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર છેલ્લાં એક વર્ષમાં સાયબર છેતરપિંડીમાં રૂપિયા 650 કરોડ ગુમાવ્યા છે. ગુજરાતમાં નકલી અધિકારી, નકલી કચેરી, નકલી ટોલનાકા, નકલી પીએમઓ, સીએમઓ અધિકારી બાદ નકલી ઓળખ બનાવીને સાયબર ગઠિયાઓ ગુજરાતના નાગરીકોને લૂટી ગુનાખોરી આચરી રહ્યા છે. ફેક પ્રોફાઈલ, ફેસબુક આઈડી સહિતની નકલી ઓળખ બનાવીને નાગરિકોના ખિસ્સા પર લૂંટ ચલાવામાં આવી રહી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ વધી રહ્યો છે, ત્યારે ઓનલાઈન, સોશીયલ મીડિયા, ઈ-બેન્કિંગ સહિતના સાયબર ગુનાઓમાં પણ વધારો થયો છે.
મળતી માહિતી અનુસાર વર્ષ 2023માં ગુજરાતમાં સાયબર ફોડની કુલ મળીને 1,21,701 ફરિયાદો નોંધાઈ હતી. એટલું જ નહીં, સાયબર ગઠિયાઓએ ઓનલાઈન ફોડ કરીને ગુજરાતીઓના રૂ. 650 કરોડ લૂટ્યા છે. ગુજરાતમાં દર કલાકે 13થી વધુ સાયબર ફ્રોડના ગુના નોંધાઇ રહ્યા છે. આમ, એક દિવસમાં સરેરાશ 333થી વધુ સાયબર છેતરપીંડીના ગુનાઓ ગુજરાત પોલીસના ચોપડે નોંધાઇ રહ્યા છે. વર્ષ 2023માં આખા દેશમાં ઓનલાઈન ફ્રોડની કુલ મળીને 11,28,265 રાજ્યમાં સાઈબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઉત્તરપ્રદેશ 1,97,457, મહારાષ્ટ્રમાં 1,25,153 અને ગુજરાતમાં 1,21,701 ફરિયાદો નોંધાઈ છે. ઓનલાઈન ફોડમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમાંકે રહ્યું છે. સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળે તે જરૂરી છે ત્યારે ગુજરાતમાં સાઈબર ગુનાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર 14 જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે. આ પરથી સરકાર અને ગૃહવિભાગને સાયબર ક્રાઈમને રોકવામાં કેટલો રસ છે તે પ્રસ્થાપિત થાય છે.
ઉત્તર પ્રદેશ: રાજ્યના કેબિનેટ મંત્રી નંદ ગોપાલ નંદીના પુત્ર અને પુત્રવધૂને આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો છે. અભિષેક અને કૃષ્ણિકા બંને મર્સિડીઝ કારમાં દિલ્હીથી લખનઉ જઈ રહ્યા હતા. કારની સ્પીડ વધુ હતી અને અચાનક તે કાબૂ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. ડિવાઈડર સાથે કારની ટક્કર એટલી જોરદાર હતી કે એન્જિન કારની બહાર ઉછળીને આવ્યું હતું અને દૂર ફંગોળાયું હતું. અભિષેક અને કૃષ્ણિકા બન્ને ગંભીર રીતે ઘવાયાં છે.
અભિષેક અને કૃષ્ણિકાના લગ્ન આ મહિને 11મી જુલાઈના રોજ થયા હતા. પોલીસ પ્રશાસનને જેવી જાણ થઈ કે બંન્ને કેબિનેટ મંત્રી ગોપાલ નંદીના પુત્ર અને પુત્રવધૂ છે તો તેમણે તાબડતોબ કાર્યવાહી કરીને બન્નેને નજીકની મેડિકલ કોલેજમાં ખસેડ્યા હતા. જો કે બંન્નેની હાલત ગંભીર હોવાના કારણે તેમને લખનઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં મળેલી વિગતો અનુસાર વરસાદના કારણે રોડ લપસણાં હતા અને કાર વધુ ઝડપે જઈ રહી હતી તેથી અચાનક કાર લપસતાં ડિવાઈડર સાથે ટકરાઈ હતી.
જો તમને લાગે કે તમને કોઈ પ્રેમ નથી કરતું તો તમે ચોક્કસ પણે જાણી લો કે તમને પ્રેમ કરવામાં આવી રહ્યો છે. પૃથ્વી તમને પ્રેમ કરે છે, તેથી જ તે ધરતી પર તમને સીધા ટકાવી રાખે છે. પૃથ્વીનો પ્રેમ એ તેનું ગુરુત્વાકર્ષણ બળ છે. હવા તમને પ્રેમ કરે છે, તેથી જ જ્યારે તમે સૂતા હોવ ત્યારે પણ તે તમારા ફેફસાંમાંથી પસાર થયા કરે છે. દિવ્યતા તો તમને ખૂબ જ પ્રેમ કરે છે, અસીમ. એકવાર તમે આ અનુભવ્યા પછી, તમને ક્યારેય એકલું લાગશે નહીં.
કોઈનો સંગ પણ તમારી એકલતા ભરી શકતી નથી. જો કોઈ કરે તો પણ તે ખૂબ જ અલ્પકાલ માટે હોય છે. તમે સંગમાં હોવા છતાં પણ એકલતા અનુભવી શકો. ખરા અર્થમાં એકલતા એકલા રહેવાથી જ ભરી શકાય. જો તમે થોડા સમય માટે એકલા રહેવામાં સહજતા અનુભવો છો, તો પછી તમને એકલતા નહીં લાગે. જ્યારે તમે એકલતા અનુભવતા નથી, ત્યારે તમે તમારી આસપાસ લોકોના જીવનમાં આનંદ ફેલાવવા સક્ષમ બનો છો.
લોકો મહેફિલો અને પ્રસંગો પાછળ દોટ મૂકે છે, પણ જે એની પાછળ નથી દોડતો, તે જ્યાં પણ જાય ત્યાં ઉત્સવ એની પાછળ પાછળ જાય છે. જો તમે ઉત્સવ પાછળ દોડો છો તો તમારી પાછળ એકલતા આવે છે, અને જો તમે સ્વકેન્દ્રીત હોવ તો, બધી ઉજવણી ના કેન્દ્ર તમે હોવ છો.
જો તમને સ્વની (પોતાની) સાથે રહેવામાં આનંદ આવે છે તો તમારું વ્યક્તિત્વ કંટાળાજનક નહિ હોય. પણ જો તમે એકલતામાં છો તો, એ તમને વધારે એકલ બનાવશે! જો તમને તમારો જ સંગ કંટાળા જનક લાગે છે તો એ બીજાં માટે તો કેટલો કંટાળા જનક હશે?
કોઈ પણ સંગત દૂર થી તો ખૂબ સારી લાગે છે પણ જેમ એની નજીક જાઓ ત્યારે તે તમારા ઘણા બટન પ્રેસિંગ કરે છે અને જેથી ઘણી અણગમતી લાગણીઓ ઉદ્ભવે છે. જો તમને લાગતું હોય કે કોઈ સંગત સારી છે તો એનો અર્થ એ છે કે તમે પૂર્ણ રૂપે એ સંગતિમાં નથી. જ્યારે તમે સંગતિનો ભાગ હોવ ત્યારે તમને થોડી રકજક જરૂર જોવા મળશે.
જે પૂરો સમય સંગમાં હોય છે તે એકાંતમાં સુખ શોધે છે અને જે એકલાં હોય છે તેઓ સંગમાં રેહવા માંગે છે. દરેક પૂર્ણ સંતુલન શોધી રહ્યા છે. આ પૂર્ણ સંતુલન તલવારની ધાર જેવું છે. જો તમે એક વર્ષમાંથી એક અઠવાડિયાનો સમય કાઢી શકો, અને પોતાના વિચારો અને પોતાની લાગણીઓનું અવલોકન કરો, તો તમને અનુભવાશે કે શાંતિ શું છે.
એકલતાની લાગણીમાંથી છુટકારો મેળવવાનો એક ઉપાય છે થોડી “સેવા” કરવી અને તમારી આસપાસના લોકો માટે ઉપયોગી બનવું. એવા દિવસોમાં જ્યારે તમે હતાશ હો, ભયભીત હો કે સારું ના લાગી રહ્યું હોય ત્યારે તમારા રૂમમાંથી બહાર નીકળો અને લોકોને પૂછો, “હું તમારા માટે શું કરી શકું? તમારા દ્વારા કરવામાં આવેલી સેવા તમારી અંદર ક્રાંતિ લાવશે. સેવા હંમેશા તમને લોકો સાથે જોડે છે.
જ્યારે તમે સેવાને જીવનમાં તમારું એકમાત્ર ધ્યેય બનાવો છો ત્યારે તે તમારા ભયને દૂર કરી, મનને કેન્દ્રિત કરે છે. કાર્યમાં હેતુપૂર્ણતા અને ચિરકાલીન આનંદ લાવે છે.
જ્યારે તમે ઉદાસ, હતાશ કે એકલા હોવ ત્યારે તમે ફક્ત તમારી સીમાઓ થી ઘેરાયેલા હોવ છો. આ સીમાઓ અને મર્યાદા જ તમારી બેચેનીનું સાચું કારણ છે. જ્યાં સુધી તમે તમારી મર્યાદાઓના સંપર્કમાં ન આવો ત્યાં સુધી તમે શાંતિપૂર્ણ અને ખુશ હો છો. જે ક્ષણે તમે તેના સંપર્કમાં આવો છો, મન બહાર ભટકવા લાગે છે અને તમે તમારા કેન્દ્રની બહાર જતા રહો છો. તે ક્ષણે તમે શું કરી શકો? તમે ફક્ત કૃતજ્ઞ થઈ શકો છો અને સ્થિરતા માટે પ્રાર્થના કરી શકો છો. પ્રાર્થના દ્વારા તે ક્ષણે તમારૂ મન સ્થિર થશે અને ચેહરા પર સ્મિત હશે અને પરિસ્થિતિ ગમે તેટલી નિરાશાજનક હોય તમે તેમાંથી પસાર થઈ જશો.
તમે કેવી રીતે શાંતિ મેળવી શકો જે સ્થિર હોય? વ્યક્તિગત રીતે ખુશ રહેવું પૂરતું નથી. આપણી ઈચ્છા એવી હોવી જોઈએ કે આપણે જેને મળીએ તે ખુશ રહે અને ખુશી ફેલાવે. નિરાશ માણસ નિરાશા પેદા કરશે; ઈર્ષ્યા કરનાર વ્યક્તિ ઈર્ષ્યા પેદા કરશે. ખરાબ સંગતમાં રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે. ખરાબ સંગત શું છે? જે સંગત તમારી નકારાત્મકતા વધારે તે ખરાબ સંગત છે. ઉદાહરણ તરીકે, તમને કોઈ સમસ્યા છે અને તમે કોઈની સાથે વાત કરો છો અને જે તમારી નકારાત્મકતા વધારી દે છે, તો તે ખરાબ સંગત છે. તમે એજ સમસ્યા, એજ નકારાત્મકતા સાથે બીજા કોઈ પાસે જાઓ છો, અને જેઓ તમને હળવાશ અનુભવ કરાવે અને જ્યારે તમે ત્યાંથી દૂર જાઓ છો ત્યારે તમને લાગે છે કે સમસ્યા એટલી મોટી નથી જેટલી તમે વિચારી હતી. તે યોગ્ય સંગત છે. ખરાબ સંગત મહત્વાકાંક્ષા, ઇચ્છા, નિરાશા, ક્રોધ અને મૂંઝવણ લાવે છે. જે સંગત તમને ગેરમાર્ગે દોરે છે, અને તમને તમારા અનુભવમાંથી શીખવા દેતી નથી તે ખરાબ સંગત છે.
એવું ન વિચારો કે જે લોકો તમારી ફરિયાદો સાથે સહમત હોય અને મુશ્કેલીમાં સાથે હોય તે તમારા મિત્રો છે. જે લોકો તમારી નકારાત્મક લાગણીઓ, તમારી હતાશામાં વધારો કરે છે, તેઓ તમારા મિત્ર દેખાઈ શકે છે, પરંતુ તેઓ તમારા દુશ્મન છે. ઘણીવાર, તમારું પોતાનું મન તમારું સૌથી મોટું શત્રુ હોય છે. તમારા મનની નકારાત્મક વૃત્તિઓ તમારી શત્રુ છે.
એકલતામાંથી બહાર આવવા માટે તમારે એવા લોકો સાથે મિત્રતા કરવી જોઈએ જે તમારી સાથે કંઈક સામ્ય ધરાવે છે. પરંતુ જ્ઞાનમાં સાથે રહેવું દુર્લભ છે. જ્ઞાનમાં મિત્ર બનો અને એકબીજાને ઉત્થાન આપો. ભૂતકાળને ભૂલો અને તેમાંથી શીખો અને સર્જનાત્મક ઉત્સાહ અને ખંત સાથે આગળ વધો. પ્રયાસ કરવાનો સમય તમારામાંથી શ્રેષ્ઠતમ બહાર લાવે છે. સમય તમને ભેટ સ્વરૂપે શ્રેષ્ઠતમ આપશે. જીવન બંનેનું મિશ્રણ છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
ગુજરાતમાં હવામાન વિભાગ પ્રમાણે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઇ માસના અંતે જ પાણી આવ્યું છે. ત્યારે ઉપરવાસમાં અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ પડવાને પગલે નદીમાં પાણીની આવક થઇ છે. વરસાદના પગલે નદીમાં અઢીથી ત્રણ ફુટ પાણી આવી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંત સરોવરમાં પણ પાણી પહોંચી ગયું છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં ધરોઇમાંથી પાણી છોડવામાં આવશે તો નદીમાં પાણીની આવક વધશે.
ગાંધીનગર, અમદાવાદ સહિત માણસાના ઉપરવાસમાં પણ મેઘમહેર થઇ છે, જેના કારણે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. સમગ્ર ગુજરાતની સાથે સાબરમતી નદીની ઉપરવાસમાં સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડવાથી સાબરમતી નદીમાં જુલાઇ માસના અંતે બે કાંઠે પાણી વહેતું જોવા મળી રહ્યું છે. વરસાદને કારણે સાબરમતીમાં પાણી આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. પાણીના વધામણા કરવા નદી કિનારે લોકોના ટોળા ઉમટેલા જોવા મળ્યા હતા. પાણી જોવા માટે પુલ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
પાણીના આવકના પગલે વહિવટી તંત્ર દ્વારા સાબરમતી નદી કિનારાના ગામોને એલર્ટ કરી દીધા છે. ત્યારે સાબરમતી નદીમાં આવેલુ પાણી લાકરોડાના બેરેજમાં પણ સંગ્રહ કરવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ સંતસરોવરમાં પણ વરસાદી પાણીની આવક વધી છે, અને લાકરોડાથી પાણી સંતસરોવર પણ પહોંચી ગયું છે. ત્યારે અહીંના તમામ દરવાજા બંધ કરીને પાણીનો સંગ્રહ કરવામાં આવશે. હાલની સ્થિતિએ 1500 ક્યુસેક જેટલું સામાન્ય જ પાણી આવ્યું હોવાનું જણાવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં હવે ભારે વરસાદ પડવાની સાથે પાણીની આવક વધશે તો સંત સરોવરમાં પાણીની સપાટી ઉંચી આવશે.
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ક્યાંક હળવા ઝાપટા પડી રહ્યા છે, તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી છે. ગત બે દિવસમાં સારો એવો વરસાદ વરસતાં નદીઓમાં નવા નીર આવ્યા છે અને ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 4થી ઓગસ્ટ સુધીની વરસાદ અંગેની આગાહી કરી છે. જેમાં 31મી જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, રાજકોટ સહિત 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.
આજે ક્યા-ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
હવામાન વિભાગ અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે; જ્યારે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ થઇ શકે છે.
નવી દિલ્હીઃ ઇઝરાયલે સાત ઓક્ટોબરનો બદલો લઈ લીધો છે. છેલ્લા નવ મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયલે હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયાને ઢેર કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે હાનિયાને ગાઝા, પેલેસ્ટાઇન કે કતારમાં નહીં, પણ ઇરાનની રાજધાની તહેરાનમાં માર્યો ગયો છે. હમાસે નિવેદન જારી કરીને ચીફના મોતની પુષ્ટિ કરી છે. આ પહેલાં ઇઝરાયલી સુરક્ષા દળોએ હાનિયાના ત્રણ પુત્રોને મારી કાઢ્યા હતા.
બીજી બાજુ, ઇરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે તહેરાનમાં હમાસના વડા ઇસ્માઇલ હાનિયાના ઘર પર હુમલો થયો છે, જ્યાં તેનું અને તેના એક બોડીગાર્ડનું મોત થયું છે. ઇસ્માઇલ હાનિયા ઈરાનના સર્વોચ્ચ નેતાને મળવા અને ઇરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા તહેરાનમાં ગયો હતો. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે.વફા ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર પેલેસ્ટિનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ઇસ્માઇલ હાનિયાની હત્યાની નિંદા કરી છે અને તેને કાયરતાપૂર્ણ ઘટના ગણાવી છે. રાષ્ટ્રપતિએ પેલેસ્ટાઇનના લોકોને એકજૂટ અને ધૈર્ય રાખવા વિનંતી કરી છે.
ઇઝરાયલ અને હમાસની વચ્ચે સાત ઓક્ટોબર, 2023થી યુદ્ધ જારી છે. હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં 1200 લોકો માર્યા ગયા હતા. હમાસે 250 નાગરિકોને બંધક બનાવ્યા હતા. હજી પણ 150 બંધક હમાસના કબજામાં છે.
Imam Khamenei met with Mr. Ismail Haniyah, head of the political bureau of the Palestinian Islamic Resistance Movement Hamas, and Mr. Ziyad al-Nakhalah, the Secretary General of the Palestinian Islamic Jihad Movement. pic.twitter.com/H8LzJXyFgV
ઇસ્માઇલ હાનિયા હમાસનો વર્તમાન પ્રમુખ હતો. 6 મે, 2017એ હમાસે તેને ખાલિદ મશાલના સ્થાને તેના વડા તરીકે ચૂંટ્યો હતો. હાનિયાનો જન્મ ગાઝાના એક શરણાર્થી શિબિરમાં થયો હતો. હાનિયાએ ગાઝાની અલ-અઝહર સંસ્થામાં શિક્ષણ મેળવ્યું હતું અને ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાંથી અરબી સાહિત્યમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેઓ 1983માં યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે ઇસ્લામિક સ્ટુડન્ટ બ્લોકમાં જોડાયો હતો.