Home Blog Page 1354

છઠ પૂજામાં જવા માટે રેલવે સ્ટેશનોને ટ્રેનોમાં ભારે ભીડ

અમદાવાદઃ દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દિવાળી અને છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાત લે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવે આ તહેવારની સીઝનમાં વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે રેલવે દ્વારા છઠ અને દિવાળીના અવસર પર લગભગ 7300 વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જે ગયા વર્ષે 4500 વિશેષ ટ્રેન હતી.

દિવાળીના તહેવારો પછી અમદાવાદ અને સુરતનાં રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે. છઠ પૂજા માટે ઉત્તર ભારત એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર જવા માટે ભારે ભીડ ઊમટી રહી છે. આ રાજ્યોમાં છઠ્ઠ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. અહીં  સુરત, વલસાડ, અંકલેશ્વર, ભરૂચ, બારડોલી, નવસારીથી મુસાફરો આવ્યા છે. બીજી તરફ, ભારે ભીડને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો પીલેસ હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર કલાકોથી માનવ મહેરામણ ઊમટી પડ્યો છે. ટિકિટ બુકિંગને લઈ મુસાફરોની લાંબી લાઈનો લાગી છે અને લોકલ ડબ્બામાં બેસવા માટે પડાપડી થઈ રહી છે. સીટ મેળવવા માટે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરો ગઈ કાલે રાત્રિથી રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને સ્ટેશન પર જ રાત વિતાવી હતી. તહેવારો દરમિયાન દેશના વિવિધ શહેરોમાંથી ઉત્તર પ્રદેશ-બિહાર જનારા લોકોની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળે છે. જેમાં સૌથી વધુ મુસાફરો ટ્રેન મારફતે પોતાના વતન જતા હોય છે. જેના પરિણામે પહેલેથી જ ફૂલ ગાડીઓ વધુ ફૂલ થવા લાગે છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સુરત રેલવે સ્ટેશન પર 100થી વધુ પોલીસ જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ  વધતી ભીડને કારણે શહેરમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. લોકોને ટ્રેનોમાં બેસાડવા સ્થાનિક અને રેલવે પોલીસ કામે લાગી છે. તો કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા હળવો બળપ્રયોગ પણ કરાયો હતો.

ગુજરાતમાં વાવ પેટાચૂંટણી બાદ યોજાઈ શકે છે ગ્રામ પંચાયત અને પાલિકાની ચૂંટણી

દિવાળી બાદ વાવ પેટાચૂંટણી જીતવા ભાજપ,કોંગ્રેસ મેદાને પડ્યાં છે. વાવ બેઠક બંને રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે. ત્યારે આ ચૂંટણી બાદ રાજ્યમાં પંચાયત-પાલિકાની ચૂંટણી યોજાય એવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ચોમાસુ વિધાનસભા સત્રમાં સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને વિધાનસભામાં પસાર કર્યું હતું જેને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. આ જોતાં ગ્રામ પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓનો માર્ગ મોકળો બન્યો છે. એટલુ જ નહીં, પંચાયતની ચૂંટણીમાં જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે ઓબીસીને 27 ટકા અનામત બેઠકનો લાભ મળશે. માટે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી બાદ ગુજરાતમાં પંચાયત-પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

નોંધનીય છે કે છેલ્લાં ઘણા સમયથી ગામડાઓમાં પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ જ નથી. સમય અવધિ પૂર્ણ થતાં મોટાભાગની પંચાયતોમાં તલાટીઓએ વહીવટ સંભાળ્યો છે. એમાંય ઓબીસી અનામતને લઇને વિવાદ થતાં સરકારે આખરે જસ્ટીસ ઝવેરી પંચની રચના કરવી પડી હતી. આ પંચે તમામ પાસાઓની વિચારણા અને સમુદાયના અભિપ્રાય મેળવી સરકારને રિપોર્ટ સુપરત કર્યો હતો.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પંચાયતોમાં ઓબીસી અનામતનો લાભ આપનાર ગુજરાત ચોથુ રાજ્ય બનશે. જો કે ઓબીસી અનામતને કારણે અન્ય પછાત વર્ગ, એસસી-એસટીને એક પણ બેઠક ઘટશે નહીં. ટૂંક સમયમાં રાજ્ય સરકાર નોટિફિકેશન બહાર પાડશે ત્યારબાદ પંચાયતોની બેઠકોમાં ફેરફાર થશે.

બીજી બાજુ ચૂંટણી પંચ પણ પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારી કરી રહ્યુ છે. જો પંચાયતોની ચૂંટણીઓ યોજાશે તો ગામડાઓમાં વહીવટદારનું શાસન સમાપ્ત થશે અને ફરી એકવાર ચૂંટાયેલી પાંખ પંચાયતોમાં શાસન કરશે.

વાત કરીએ વાવ બેઠકની તો એ ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. માટે આ બેઠક જીતવા બંને પક્ષ એડીચોટીનો દમ લગાવી રહી છે. આ પેટાચૂંટણી પછી 2 જીલ્લા-તાલુકા પંચાયત, 70 નગરપાલિકા ઉપરાંત 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે.

કોણ હતા બિહારના શારદા સિન્હા? જેના રાજકિય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

મુંબઈ: પ્રખ્યાત લોકગાયક પદ્મશ્રી અને પદ્મ ભૂષણ શારદા સિંહાનું છઠ તહેવારના પહેલા દિવસે નિધન થયું. તેમણે દિલ્હી AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. આજે શારદા સિન્હાના પાર્થિવ દેહને દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. અહીંથી તેમના પાર્થિવ દેહને બિહાર લઈ જવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે ગુરૂવારે પટનામાં રાજકિય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

લોક ગાયિકા શારદા સિંહા કેન્સરથી પીડિત હતા અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે ઓક્સિજન સિસ્ટમ પર હતા. તે 2017 થી ‘મલ્ટીપલ માયલોમા’ થી પીડિત હતા. આ એક પ્રકારનું બોન મેરો કેન્સર છે. બગડતી તબિયતને કારણે તેમને દિલ્હીની AIIMSમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. શારદા સિન્હાની સારવાર એક અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહી હતી.

શારદા સિંહા બિહારના પ્રખ્યાત લોક ગાયિકા હતા. તેઓ મૈથિલી અને ભોજપુરી સંગીતમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેણીને ઘણીવાર પ્રદેશની સાંસ્કૃતિક રાજદૂત કહેવામાં આવતી હતી. છઠ પૂજા દરમિયાન તેમની પ્રસ્તુતિઓ ખૂબ પ્રખ્યાત હતી. મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામની બિહારની મુલાકાત દરમિયાન પણ તેમણે પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું.

શારદા સિન્હા ભલે આ દુનિયામાં નથી, પરંતુ તેમના દ્વારા ગાયેલા લોકગીતો અને ફિલ્મી ગીતો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. શારદા સિન્હાએ માત્ર ભોજપુરી ગીતો જ ગાયા નથી. બોલિવૂડમાં પણ તેણે ઘણા ગીતોને પોતાના અવાજ આપ્યો છે.બહુ ઓછા લોકો જાણતા હશે કે બોલિવૂડમાં શારદા સિન્હા અને સુપરસ્ટાર સલમાન ખાનની કારકિર્દી લગભગ એક સાથે શરૂ થઈ હતી. સલમાન ખાને ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી લીડ એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. શારદા સિન્હાને હિન્દી ફિલ્મોમાં પહેલો બ્રેક આ ફિલ્મના ગીત ‘કહે તો સે સજના’થી મળ્યો હતો. તેમનું આ ગીત આટલા વર્ષો પછી પણ લોકોના મનમાં છે.

શારદા સિંહા ભારતમાં લોક ગાયિકા તરીકે ઓળખાય છે. ગાયકે મૈથિલી, ભોજપુરી અને મગહી ભાષાઓમાં અસંખ્ય ગીતો ગાયા છે. શારદા સિન્હાને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. શારદા સિન્હાના પતિ બ્રજ કિશોર સિન્હાનું તાજેતરમાં નિધન થયું હતું.

તહેવારો બાદ અમદાવાદનું પ્રદૂષણ પાંચ ગણુ વધ્યું

અમદાવાદ: શહેરમાં હવાના પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે મ્યુનિ.એ ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડી છે. દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવાના તેમજ અન્ય કારણોસર કેટલાક વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું સ્તર 2 ગણાથી વધીને 5 ગણું થઈ ગયું છે. ખાસ કરીને રખિયાલ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 548.10 અને નવરંગપુરામાં 417 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયા હતો. એટલે કે આ વિસ્તારની હવા સૌથી  વધુ પ્રદૂષિત હતી. હવામાં પ્રદૂષણના પ્રમાણનો આંક 200થી વધુ હોય તો લોકોના આરોગ્યને નુકસાન થઈ શકે છે.

શહેરમાં હવાનું પ્રદૂષણ વધતું અટકાવવા માટે કેન્દ્ર સરકારે નાણાંકીય સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં મ્યુનિ. દ્વારા 370 કરોડથી વધારે રકમ શહેરમાં હવાનું પ્રદૂષણ અટકાવવા માટે વાપરી છે. જેને પરિણામે હવામાં પીએમ10 પાર્ટિકલનું પ્રદૂષણ 200 થી વધારે રહેતું હતું તે હવે એવરેજ100 પર આવી ગયું છે. દિવાળીના બે દિવસમાં પ્રદૂષણ અતિશય વધી ગયું હતું. નોંધનીય છે કે, આટલી મોટી માત્રામાં પ્રદૂષણ વધે ત્યારે લોકોને ફેફસાંની તકલીફ થઇ શકે છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. જે દમ સહિતના ફેફસા અને શ્વસનતંત્રના રોગ ધરાવતાં હોય તેવા દર્દીઓને આ પ્રદૂષણ વધુ નુકસાન કરતું હોય છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પ્રદૂષણ વધતાં જ મ્યુનિ. દ્વારા ફોગિંગ મશીનો ગોઠવીને તત્કાલ હવામાં રહેલા રજકણોને જમીન પર બેસાડી દેવા માટે કામે લાગી ગઈ છે. જેને કારણે તત્કાલ હવાને થોડી શુદ્ધ કરવામાં સરળતા રહે છે.

આપને જણાવી દઈએ કે, પીરાણા વિસ્તારમાં 154.20 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો છે. જ્યારે નવરંગપુરામાં 417, રખિયાલમાં 548.10, રાયખડમાં 281.90, બોપલમાં 104.30, એરપોર્ટ વિસ્તારમાં 74.70, ચાંદખેડામાં 216.94, મણિનગરમાં 159.81, વટવા વિસ્તારમાં 185.04 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો છે.

અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ બનશે 47મા રાષ્ટ્રપતિ

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે. જેથી ટ્રમ્પ હવે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે. જોકે મતગણતરી હજી જારી છે. એ દરમ્યાન અમેરિકી મિડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની જીતનું એલાન કર્યું છે.

આ ચૂંટણીપ્રચાર દરમ્યાન બંને પ્રતિદ્વંદ્વીઓનું ધ્યાન સાત સ્વિંગ સ્ટેટ્સ પર હતું, જેમાં બધામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા હતા. એમાંથી બેમાં ટ્રમ્પે જીત પણ હાંસલ કરી લીધી છે.આ ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રપતિ બનવા માટે બહુમતનો આંકડો 270 છે, કેમ કે અહીં કુલ 538 ઇલેક્ટોરલ કોલેજ છે અને જીત માટે 270 કે એથી વધુની જરૂર હોય છે. ટ્રમ્પે 277 મતો મેળવીને બહુમતનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે કમલા હેરિસ 226 મતો સાથે પાછળ ચાલી રહ્યા છે.

 

એલન મસ્કે એક પોસ્ટ શેર કરી છે. જેમાં એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટો તાજેતરનો લાગે છે, જેમાં તેઓ મતગણતરીના દિવસે ડાઇનિંગ ટેબલ પર બેસીને એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં સતત પ્રચાર અને પોસ્ટ કરી રહ્યા છે. એટલું જ નહીં, મસ્કે એક પોસ્ટ કરી હતી જેમાં AI ઈમેજ દ્વારા બતાવવામાં આવ્યું હતું કે તેઓ મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. જોકે સરકારની રચના પછી તેઓ કોઈ મંત્રાલય સંભાળશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

 

 

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ જીતથી થોડા જ દૂર ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. 47મી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટિક કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંનેએ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. અત્યાર સુધી આવેલાં પરિણામોમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 246 ઇલેક્ટોરલ મત અને કમલા હેરિસને 210 મત હાંસલ થયા છે.

ખાસ વાત એ છે કે ટ્રમ્પે બે સ્વિંગ સ્ટેટમાં જીત હાંસ કરી છે. ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના ગઢવાળાં રાજ્યોમાં પ્રારંભિક જીત હાંસલ કરી છે. ટ્રમ્પે મિસૌરી, ઉટાહ, મોંટાના, ફ્લોરિડામાં કમલા હેરિસને માત આપી છે.

અમેરિકામાં એવા સાત રાજ્ય છે કે ‘સ્વિંગ સ્ટેટ્સ’ તરીકે ઓળખાય છે. જેમાં પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, જ્યોર્જિયા, નેવાડા, એરિઝોના અને નોર્થ કેરોલિનાનો સમાવેશ થાય છે.

ચૂંટણીની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણાતા આ સ્વિંગ સ્ટેટ્સમાં મતદારોનું વલણ બદલતું રહે છે. પેન્સિલવેનિયાએ આ સાત રાજ્યોમાં સૌથી મોટું સ્વિંગ સ્ટેટ છે. તે 19 ઈલેક્ટોરલ વોટ ધરાવે છે. આથી પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જોરદાર ટક્કર છે.

હવે આ સાત ‘સ્વિંગ સ્ટેટ્સ’માંથી પાંચનું વલણ સામે આવ્યું છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમાંથી મોટા ભાગના રાજ્યોમાં આગળ છે. બે રાજ્યોના ટ્રેન્ડ હજુ સામે આવવાનું બાકી છે. આ પાંચ રાજ્યોમાંથી ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણમાં અને કમલા હેરિસ બેમાં આગળ છે.

અમેરિકામાં કુલ 538 ઇલેકટોરલ વોટ માટે મતદાન થાય છે. જે ઉમેદવારને 270 કે તેથી વધુ ઈલેક્ટોરલ કોલેજ વોટ મળે છે તેને ચૂંટણીનો વિજેતા જાહેર કરવામાં આવે છે. આ ચૂંટણીને ઐતિહાસિક ગણાવવામાં આવી રહી છે કારણ કે તેને છેલ્લા કેટલાક દાયકાઓમાં ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.

 

શિયાળાની શરૂઆતમાં ભાદરવા જેવી ગરમી, જાણો તમારા શહેરનું તાપમાન

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાએ તો વિધિવત વિદાય લીધી છે. સામાન્ય રીતે ચોમાસા બાદ શિયાળાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ હાલ સુધી ગુજરાતમાં શિયાળાની ચમકાર દેખાય રહ્યો નથી. રાજ્યના કેટલાક સ્થળોએ દિવસ દરમિયાન ભાદરવા જેવો તાપ યથાવત્ રહ્યો છે. જ્યારે કેટલાક સ્થળોએ રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીના ચમકારાનો પ્રારંભ થઇ ગયો છે. નોંધનીય છે કે આજે અમદાવાદમાં 36.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

આંકડાનું માનીએ તો બીજી નવેમ્બરે 36.9, જ્યારે ત્રીજી નવેમ્બરે 36.6 અને ચોથી નવેમ્બરે 37.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયુ હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી 11 નવેમ્બર સુધી અમદાવાદનું તાપમાન 37ની આસપાસ રહેવાની શક્યાતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રિએ 21.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.6 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં 11 નવેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધવા લાગે તેવી સંભાવના છે. જ્યારે બીજી બાજુ મંગળવારે રાજકોટ-ડીસામાં 38.4, ભુજમાં 37.3, ગાંધીનગરમાં 37.2, પોરબંદરમાં 36.5, ભાવનગરમાં 36, સુરતમાં 35.7, વડોદરામાં 35.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયુ હતું. ગત રાત્રિએ દાહોદમાં 17.1 અને ગાંધીનગરમાં 19.4 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.

નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ધીમે ધીમે ઠંડી વધશે. જ્યારે, મહત્તમ તાપમાન નોર્મલ કરતા થોડું નીચું રહેવાની સંભાવના છે. ઉપરાંત, ઉત્તર ભારતનાં પ્રદેશોમાં બરફ વર્ષાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. નોંધનીય છે કે, અલનીનોની અસરના કારણે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.

શાહી મિક્સ વેજ હાંડી

શાહી મિક્સ વેજ હાંડી અહીં આપેલી સહેલી રીતથી ઘરે બનાવો અને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ ઘરે લાવો!

સામગ્રીઃ

  • સૂકા આખા ધાણા 1 ટે.સ્પૂન
  • લવિંગ 2-3
  • એલચી 3
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • કાળા મરી 7-8
  • તજનો ટુકડો 1 ઈંચ
  • દેશી ઘી 1 ટી.સ્પૂન
  • ગાજર 1
  • બટેટા 2
  • કાંદા 2
  • ટામેટાં 2-3
  • કાજુ 10 તેમજ 6-7
  • પનીર 200 ગ્રામ
  • ખમણેલું પનીર 2 ટે.સ્પૂન
  • ફ્લાવર 1 કપ
  • લીલા વટાણા બાફેલા 1 કપ
  • લીલા મસાલા 2-3,
  • ક્રીમ અથવા મલાઈ ¼ કપ
  • દૂધ 2 ટે.સ્પૂન
  • તેલ 3 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • તમાલ પત્ર 1
  • માખણ 1 ટે.સ્પૂન
  • કસૂરી મેથી 2 ટે.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • લીલાં મરચાં 3-4

મસાલા માટેઃ

  • ધાણાજીરૂ 2 ટી.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • આદુ-લસણની પેસ્ટ 1 ટી.સ્પૂન
  • શેઝવાન ચટણી 1 ટે.સ્પૂન
  • કિચન કિંગ મસાલો ½ ટી.સ્પૂન

રીતઃ કૂકરમાં ઘી ગરમ કરી તેમાં આખા ગરમ મસાલાઃ લવિંગ,

સૂકા ધાણા, તજ, કાળા મરી, એલચી, જીરૂ નાખીને 2-3 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં, બટેટા છોલીને નાખો, ગાજર છોલીને 3-4 મોટા ટુકડા કરીને નાખો. ટામેટાં ધોઈને તેમાં વચ્ચે એક કાપો પાડીને નાખો. તેમજ કાંદાને છોલીને બે ટુકડામાં કટ કરીને નાખો. પનીરના 3-4 એક ઈંચના ટુકડા કરીને નાખો તેમજ 8-10 કાજુ નાખીને અડધો કપ પાણી ઉમેરીને કૂકર બંધ કરીને 1 સીટી કરીને ગેસ બંધ કરી દો.

એક વાટકીમાં ધાણાજીરૂ, કાશ્મીરી મરચાં પાઉડર, હળદર, કિચન કિંગ મસાલો, સ્વાદ મુજબ મીઠું, આદુ-લસણની પેસ્ટ તેમજ શેઝવાન ચટણી લઈ થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો.

કૂકર ઠંડું થયા બાદ ટામેટાંની છાલ ચીપિયા વડે કાઢીને મિક્સીમાં નાખો. કાંદાને પણ મિક્સીમાં ઉમેરો. ગાજર, બટેટા તેમજ ફ્લાવરને અલગ વાસણમાં કાઢીને ગાજર અને બટેટાના પીસ કરીને મૂકો. બચેલું આખા મસાલા તેમજ કાજુ-પનીર સાથેનું પાણી ઠંડું થાય એટલે મિક્સીમાં નાખીને બારીક પેસ્ટ કરી લો.

ખાલી થયેલા કૂકરમાં તેલ ગરમ કરી તેમાં બચેલા કાજુ તળીને કાઢી લો. તેમજ સિમલા મરચાંના અને પનીરના ચોરસ ટુકડા તળીને કાઢી લો. જીરાનો વઘાર કરી તમાલપત્ર નાખી 2-3 મિનિટ સાંતળી લીધા બાદ તેમાં મસાલાની પેસ્ટ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં કાંદા-કાજુની પેસ્ટ ઉમેરીને ક્રીમ અથવા મલાઈ નાખીને 2 મિનિટ સાંતળો. હવે તેમાં બાફેલા અને સમારેલાં શાક ઉમેરીને માખણ તેમજ કસૂરી મેથી મિક્સ કરીને દૂધ મેળવો, સ્વાદ મુજબ મીઠું તેમજ ખમણેલું પનીર ઉમેરી દો, લીલાં મરચાં બે ફાડ કરીને ઉમેરો. કૂકર બંધ કરીને ગેસની ધીમી આંચે આ શાકને 10 મિનિટ સુધી દમ પર રાંધો.

10 મિનિટ બાદ ગેસ બંધ કરીને 3-4 મિનિટ બાદ ઢાંકણ ખોલીને તળેલા કાજુ તેમજ સિમલા મરચાંના ટુકડા તેમજ કોથમીર ભભરાવીને પરોઠા અથવા રોટલી સાથે પીરસો

૦૬ નવેમ્બર ૨૦૨૪

બિહારની પ્રખ્યાત ગાયિકા શારદા સિન્હાનું નિધન

બિહારની પ્રખ્યાત ગાયિકા શારદા સિંહાનું નિધન થયું છે. તેમણે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની તબિયત અચાનક બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ સમાચારે દેશભરના તેમના શુભચિંતકોને આંચકો આપ્યો હતો. શારદા સિન્હા દ્વારા ગાયેલા છઠ ગીતો આજે પણ બધે વગાડવામાં આવે છે પરંતુ બિહારની પ્રખ્યાત ગાયિકા હવે આપણી વચ્ચે નથી રહ્યા. શારદા સિન્હાના પુત્ર અંશુમને સોશિયલ મીડિયા પર તેમની બગડતી તબિયતની જાણકારી આપી હતી. તેણે એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે તેની માતાની હાલત નાજુક છે. સોમવાર 4 નવેમ્બરના રોજ બપોરે તેમની તબિયત લથડી હતી, ત્યારબાદ ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર ખસેડ્યા હતા. મળતી માહિતી મુજબ, શારદાના મૃતદેહને દિલ્હી AIIMSના કેન્સર બ્લોકમાં રાખવામાં આવ્યો છે. હાલમાં પરિવારના નજીકના સભ્યો અને તેમના પુત્રો ત્યાં હાજર છે.

લોકગાયિકા શારદા સિન્હાના સ્વાસ્થ્યને લઈને સતત અપડેટ્સ આવતા હતા. પરંતુ ગાયકના અવસાનથી છઠના મહા ઉત્સવની શોભા ફિક્કી પડી હતી. સિંગર ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. શારદા સિંહાએ છઠના ઘણા ગીતો ગાયા. છઠ 2024ના અવસર પર પણ તેણે તેના ચાહકોને નિરાશ કર્યા નથી. વિદાય લેતી વખતે ગાયકે તમામ શ્રોતાઓને છઠની ભેટ આપી હતી. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શારદા સિન્હાની બિમારીના સમાચાર લીધા હતા.

કિડનીની સમસ્યા હતી

દેશના મહાન ગાયિકા વેન્ટિલેટર પર હતા અને કિડનીની ગંભીર સમસ્યાથી પીડાતા હતા. છઠ ગીતો ગાઈને લોકપ્રિયતા મેળવનાર શારદા સિન્હા છેલ્લા કેટલાક સમયથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી હતી. દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવાની ઈચ્છા કરી રહ્યા હતા પરંતુ ગાયકે 72 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે ગાયકની તબિયતમાં વધુ સુધારો નથી થઈ રહ્યો અને તેમનું ડાયાલિસિસ શરૂ થઈ ગયું છે. તે સતત દિલ્હી AIIMSના ડોક્ટરોની ટીમની દેખરેખમાં હતી. તેમના નિધનથી સંગીત જગતમાં શોકની લહેર છે.