Home Blog Page 1320

ખ્યાતિ કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ, આરોપીઓ માટે લુકઆઉટ નોટિસ જાહેર

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ તપાસ સંદર્ભે JCP શરદ સિંઘલએ નિવેદન આપતા જણાવ્યું કે, તપાસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી છે. જેમાં 3 અલગ અલગ PIની આ કેસમાં નિમણુક કરવામાં આવી છે. આરોપીઓને ઝડપવા માટે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. FIRમાં 5 નામ છે પણ તમામ બાબતોને ધ્યાનમાં લઈ તપાસ કરાશે. ઘટનામાં જોડાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરાશે. એક આરોપી ઓસ્ટ્રેલિયા છે તેની માહિતી મળી છે, અન્ય આરોપીઓને ઝડપવા માટે તપાસ શરૂ કરાઈ છે. ક્રાઇમબ્રાંચની ટીમ આજે આરોગ્ય વિભાગ અને આ કેસના તપાસ અધિકારી સાથે મીટીંગ કરશે. કેસમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસ અંગે માહિતી મેળવાશે.

ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઇ પોલીસ કમિશનર જી એસ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કેસને લઇ મહત્વની બાબતો જણાવી હતી. સમગ્ર ઘટનાને લઇ તેઓએ જણાવ્યુ હતુ કે ખ્યાતિ હોસ્પિટલ કેસની દોર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જેમાં હાલ ફરાર ડોકટર આરોપી સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ આરોપી ગુજરાતમાંથી ભાગી ગયા હોવાની આશંકા તેઓને લાગી રહી છે. જેને લઇ હાલ પોલીસ અને ક્રાઇમબ્રાન્ચ દ્વારા કામગીરીને વધારે કડક બનાવી દેવાઇ છે. ઘટનામાં ડો.પ્રશાંત વજીરાણીની ધરપકડ બાદ પોલીસે ક્રાઇમ બ્રાન્ચને કસ્ટડી સોંપી હતી. જેમાં ચાર્જશીટ બાદ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવશે. જોકે હાલ ડો. પ્રશાંત વજીરાણીને 7 દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. વિગતો મુજબ આરોપી ડૉ.પ્રશાંત વજીરાણીએ 4 વર્ષમાં 7 હજાર સર્જરી કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ 42 દિવસમાં 221 એન્ડિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી. જેમાં ઓક્ટોબર મહિનામાં 166 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી તો નવેમ્બર મહિનામાં 55 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી. આયુષ્યમાન યોજનાનો લાભ લેવા તમામ ફાઈલ મોકલાવામાં આવી હતી.

મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા માંગે છે કેન્દ્ર સરકાર: સંજય રાઉત

મુંબઈ: મહારાષ્ટ્રમાં આવતીકાલે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠકો પર એક સાથે મતદાન થશે. આ પહેલા ચૂંટણી પ્રચારનો સમયગાળો સમાપ્ત થઈ ગયો હતો. આ દરમિયાન શિવસેના (UBT) નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાતમાં ફેરવવા માંગે છે. આ સાથે તેમણે કહ્યું કે આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની છે. ગુજરાત અને દિલ્હીથી મોકલવામાં આવેલા ભાજપના કાર્યકરોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ લોકો ચૂંટણીને પ્રભાવિત કરશે.

ભાજપના કાર્યકરો ચૂંટણીને પ્રભાવિત કરશે
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સંજય રાઉતે કેન્દ્ર સરકાર અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે ગુજરાત અને દિલ્હીથી મોકલવામાં આવેલા ભાજપના કાર્યકરો આવતીકાલે યોજાનારી મહારાષ્ટ્ર ચૂંટણીને પ્રભાવિત કરશે. મહારાષ્ટ્રના સોલાપુરમાં મીડિયા સાથે વાત કરતા તેમણે આ વાત કહી. સંજય રાઉતે ભાજપના નેતા પંકજા મુંડેના નિવેદનને ટાંકીને કહ્યું કે અદાણી બાદ હવે મહારાષ્ટ્રમાં અન્ય ગુજરાતીઓનું અતિક્રમણ વધશે. તે જ કરવાના આશયથી કામદારોને તૈનાત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની લડાઈ
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે વધુમાં કહ્યું કે મુંબઈના દરેક બૂથ પર 90 હજાર ગુજરાતીઓ હશે, કારણ કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાતમાં ફેરવવા માંગે છે. તેમણે કહ્યું કે અદાણી પહેલા આવ્યા છે, બાદમાં અન્ય ગુજરાતીઓનું પણ અતિક્રમણ વધશે. આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની છે. સંજય રાઉતે કહ્યું કે સત્તા આવતી-જતી રહે છે. અમે લડીશું અને જીતીશું, પછી ભલે કોઈ પણ કહે.

20મી નવેમ્બરે મતદાન થશે
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શનિવારે જ મતદાન થવાનું છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો છે. મતદાન પહેલા સંજય રાઉતે આ નિવેદન આપ્યું છે અને તેમણે કેન્દ્ર સરકારની સાથે ભાજપ પર પણ આરોપ લગાવ્યા છે. વાસ્તવમાં, મતદાન બાદ મતગણતરી 23 નવેમ્બરે થશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે.

મહારાષ્ટ્ર ચૂંટણીઃ બહુજન વિકાસ આઘાડીએ ભાજપના આ નેતા પર લગાવ્યા મોટા આરોપ!

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ 15 ઑક્ટોબરે ફૂંકવામાં આવ્યું હતું અને પસાર થતા પ્રત્યેક દિવસ સાથે પ્રચાર વધુને વધુ વેગીલો બની રહ્યો છે. ત્યારે ચૂંટણીને લઈને વસઈ વિરારમાં ભારે હંગામો થયો છે. અહીં બહુજન વિકાસ આઘાડીએ બીજેપી નેતા વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લગાવ્યો છે. જો કે વિનોદ તાવડેએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

દરમિયાન શિવસેના યુબીટી નેતા પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે ભાજપ માત્ર મની પાવરના પ્રભાવથી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી પંચે જે કામ કરવું જોઈતું હતું તે જનતા કરી રહી છે.

વધુમાં ઉમેર્યુ કે ચૂંટણી પંચે આ મામલાની નોંધ લેવી જોઈએ. ચૂંટણી પંચમાંથી અમારો ભરોસો તૂટી ગયો છે. અમારા નેતાઓની બેગ રાત-દિવસ તપાસવામાં આવી પરંતુ કંઈ મળ્યું નહીં. જ્યારે બીજેપી નેતા વિનોદ તાવડેની બેગની તપાસ કરવામાં આવી નથી, તેઓ તેને કેવી રીતે વહેંચી રહ્યા છે.

કાર તપાસવાની માંગ

બહુજન વિકાસ આઘાડીના નેતાઓએ ભાજપના નેતા વિનોદ તાવડેના વાહનની તપાસની માંગ કરી છે. મતદાનના એક દિવસ પહેલા બનેલી આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આ મામલે વિપક્ષ ભાજપને ઘેરવામાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે મહારાષ્ટ્રની તમામ 288 સીટો પર મતદાન થવાનું છે.

મુખ્યમંત્રીના ચહેરાને લઈને તાવડેનું મોટું નિવેદન

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈને બીજેપી નેતા વિનોદ તાવડેનું મોટું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે ચૂંટણી પછી મુખ્યમંત્રી પદ અંગે ચર્ચા કરવામાં આવશે. મહાયુતિમાં સંખ્યાબળના આધારે મુખ્યમંત્રી નક્કી કરવાનો પ્રશ્ન જ નથી. મહારાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. મુખ્યમંત્રી માટે આશ્ચર્યજનક નામ હોઈ શકે છે. તાવડેએ એવો પણ દાવો કર્યો હતો કે મહાગઠબંધન 155-160 સુધી પહોંચી જશે અને અમે સરકાર બનાવીશું. તેમણે કહ્યું કે ભાજપ એકલા હાથે 95-105 બેઠકો જીતવામાં સફળ રહેશે.

G20 શિખર સંમેલન, PM મોદીએ UKના PM સામે ઉઠાવ્યો ભાગેડુઓનો મુદ્દો

બ્રાઝિલમાં આયોજિત જી20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ આજે બ્રિટનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. જ્યાં તેમણે ભગુડા બિઝનેશમેનને લઈ બ્રિટેનના PM સાથે ચર્ચા કરી હતી. નોંધનિય છે કે વિજય માલ્યા અને નીરવ મોદી જેવી ભાગેડુઓ વિરૂદ્ધ બ્રિટન ટૂંકસમયમાં કાર્યવાહી હાથ ધરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે ચર્ચાઓ કરતાં ભાગેડૂ બિઝનેસમેનના પ્રત્યાર્પણની અપીલ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેથી બ્રિટન દ્વારા આ પગલું લેવાની સંભાવના જોવા મળી છે.

જ્યારે બીજી બાજુ ભારત અને બ્રિટેનના નેતાઓએ માઈગ્રેશન સંબંધિત કામગીરીને વેગ આપવા પર સહમતિ દર્શાવી હતી.  મીડિયા અહેવાલો અનુસાર, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ડિરેક્ટર પ્રવિણ સુદે હાલમાં જ બ્રિટિશ સુરક્ષા મંત્રી ડેન જાર્વિસ સાથે આ બંને ભાગેડુ બિઝનેસમેનનું પ્રત્યાર્પણ કરવાની માગ કરી હતી. કિર સ્ટાર્મર દ્વારા વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ PM મોદી પ્રથમ વખત તેમને મળ્યા હતા. વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવ્યા બાદ બંને નેતાઓ વચ્ચે અર્થવ્યવસ્થા, વેપાર, નવી અને ઉભરતી ટેક્નોલોજી, રિસર્ચ, ઈનોવેશન, ગ્રીન ઈકોનોમી સંબંધિત વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ હતી. ભારતીય બિઝનેસમેન નીરવ દીપક મોદી મની લોન્ડરિંગ અને છેતરપિંડી કરી બ્રિટન ભાગી ગયા હતાં. અગાઉ વિજય માલ્યા પણ 9000 કરોડનું કૌભાંડ આચરી બ્રિટન ફરાર થયા હતા. કીર સ્ટાર્મર આ બંને ભાગેડુઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી શકે છે. નીરવ મોદી યુકેમાં હોવાની બાતમી માર્ચ, 2018માં મળી હતી. જ્યાં તેઓ રાજકીય આશરો લઈ રહ્યા છે. જૂન, 2019માં સ્વિસ અધિકારીઓએ નીરવ મોદીની સ્વિસ બેન્ક ખાતામાં જમા કુલ 60 લાખ ડોલરની સંપત્તિ જપ્ત કરી હતી. નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કમાંથી 28000 કરોડનું ફ્રોડ કરી વિદેશ પલાયન કર્યું હતું. બાદમાં પોતાને વિલફૂલ ડિફોલ્ટર જાહેર કર્યો.

રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં કલ્પક મણિયારની પેનલનો પરાજય

રાજકોટ: સમગ્ર ગુજરાતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભજપમાં છેલ્લા કેટલાક સમયથી હોટ ટોપિક બનેલી રાજકોટ નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટરોની ચૂંટણીમાં રવિવારે મતદાન બાદ આજે સવારે પરિણામ જાહેર થતાં સંઘનો રાજકોટમાં પાયો નાખનાર મણિયાર પરિવારના કલ્પક મણીયારની આખી સંસ્કાર પેનલનો સફાયો થયો છે.

રાજકોટ નાગરિક બેંક દાયકાઓથી સંઘ અને ભાજપના નેતાઓના માર્ગદર્શન અને વિચારધારાને કેન્દ્રમાં રાખીને ચાલી રહી છે. રાજકોટના પ્રથમ મેયર અરવિંદ મણિયારના પરિવારનો આ બેંક ઉપર દાયકાઓથી દબદબો છે.

રાજકોટ નાગરિક બેંકની 21 ડિરેક્ટર્સની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન કલ્પક મણિયાર અને રાષ્ટ્રીય સહકારી અગ્રણી જ્યોતિન્દ્ર મહેતા વચ્ચે જંગ હતી. મામા અને ભાણેજના આ ચૂંટણી જંગની ચર્ચા આખા ગુજરાતમાં નહિ પણ દિલ્હી સુધી થઈ હતી. કારણકે સંઘ અને ભાજપના જ બે જૂથો સામસામે હતા. મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.

કુલ ૨૧ ડાયરેકટરની ચુંટણીમાં અગાઉ જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલના 6 ઉમેદવારો બિનહરીફ થયા હતા તેમાં ગુજરાત ભાજપ ના સિનિયર નેતા અમદાવાદના સુરેન્દ્ર પટેલ (કાકા)નો પણ સમાવેશ થાય છે. આ ચુંટણીમાં ખુદ કલ્પક મણિયારનું ફોર્મ ટેકનિકલ કારણથી રદ થયું હતું.

રવિવારે રાજકોટ ઉપરાંત જસદણ, જેતપુર, ધોરાજી, સુરત, મોરબી, અમદાવાદ અને મુંબઈમાં મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા તેમાં 96 ટકા જેટલું મતદાન થયું હતું. પરિણામની ભારે ઉત્તેજના વચ્ચે આજે મંગળવારે કલેકટરની હાજરીમાં સવારે મતગણતરી થઈ હતી તેમાં સહકાર પેનલના તમામ 15 ઉમેદવારો વિજય થયા હતા અને હરીફ સંસ્કાર પેનલના તમામ ઉમેદવારોની કારમી હાર થઈ હતી. સહકાર પેનલના દેવાંગ માંકડ સૌથી વધુ 160 મત મળ્યા હતા. અન્ય વિજેતાઓને 150 આસપાસ મત મળ્યા જ્યારે સંસ્કાર પેનલના ઉમેદવારો ને 34 થી 37 જેટલા મત માંડ મળ્યા હતા. ચુંટણી પ્રચારમાં બેંકના કૌભાંડોનો મુદ્દો મુખ્ય રહ્યો હતો.

દેવેન્દ્ર જાની (રાજકોટ)
નિશુ કાચા (તસવીર)

કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો!, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: રાજ્યમાં મોડી પરંતુ શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. લોકોને વહેલી સવાર અને સાંજના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તેમજ, કેટલાંક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી પણ નોંધાયું છે. સામાન્ય રીતે આ વર્ષે શિયાળાની શરૂઆત મોડી થઈ છે. ત્યારે હવે નવેમ્બર મહિનામાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આ મહિનામાં સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન હતું.આ સિવાય ગુજરાતના ઓખામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. આ સિવાય નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં તાપમાન 18.9 ડિગ્રી નોંધાયુ હતું. પાટનગર ગાંધીનગરમાં તાપમાન 16 ડિગ્રી, વડોદરા અને રાજકોટમાં 17 ડિગ્રી તેમજ ડીસામાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 18.8, અમરેલીમાં 19.6 ડિગ્રી તાપમાન, ભૂજમાં 19.7 ડિગ્રી, ભાવનગરોમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેની અસરે આગળના દિવસોમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવા લગાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.

IITRAMમાં ICIIF 2024નો સફળ સમારોપ

અમદાવાદના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM) દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઈનોવેશન પર 2જી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ(ICIIF 2024) નું 15થી 17 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ત્રિદિવસિય સમારંભે વૈશ્વિક સ્તરે નવીનતાના માર્ગ દર્શાવતા વિવિધ ઉદ્યોગજગતના નેતાઓ, સંશોધકો અને શૈક્ષણિક કાર્યકરોને એક મંચ પર લાવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં નવી શક્યતાઓ પર ચર્ચા કરી.

પ્રખ્યાત રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન (NID)ના ડિરેક્ટર ડૉ. અશોક મોંડલ દ્વારા ઉદ્ઘાટિત આ કૉન્ફરન્સમાં 105 abstracts રજૂ કરવામાં આવ્યા.  ઉપરાંત 10 તકનીકી સત્રો અને 6 મુખ્ય પ્રવચનો યોજાયા, જેમાં પ્રખર નિષ્ણાતોએ પોતાના અભિપ્રાયો આપ્યા. આમાં સ્થિર અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ વિકાસ, અને ડિજિટલ ઇનોવેશન જેવા મહત્વના મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ યોજાઈ.

આ કોન્ફરન્સનું યુનિવર્સિટી પોલીટેકનિક હોટ્સ-ડી-ફ્રાન્સ, ફ્રાન્સ (University Polytechnic Hauts-De-France, France) સાથેનો સહયોગ એ એક વિશેષ આકર્ષણ હતું. આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા બંને દેશોના નિષ્ણાતોએ નિખાલસ ચર્ચા કરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પડકારોને દુર કરવા માટે નવીન માર્ગો શોધવા પર ભાર મુક્યો.

ICIIF 2024 એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં નવીન વિચારો અને તકનીકોના આદાનપ્રદાન માટે એક ઊર્જાવાન મંચ પૂરું પાડ્યું. IITRAMએ આ કાર્યક્રમ દ્વારા પોતાનું સ્થાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે નવીનતા અને સંશોધનના કેન્દ્ર તરીકે મજબૂત કર્યું છે.

આજે આ સમારંભના અંતે આયોજન સમિતિ દ્વારા તમામ ભાગીદારો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત આ ઇવેન્ટને સફળ બનાવવામાં યોગદાન આપવા બદલ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી.

સિટાડેલમાં વરુણની દીકરીનો રોલ કરનાર ગુજ્જુ ગર્લ કશ્વી મજમુનદાર વિશે જાણો

વરુણ ધવન અને સામન્થા રૂથ પ્રભુ સ્ટારર ‘સિટાડેલ હની બની’ખુબ જ ચર્ચામાં છે. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ વેબ સીરિઝમાં ગુજરાતી ક્યુટ ગર્લે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. જેનું નામ છે કશ્વી મજમુનદાર.અમદાવાદની કશ્વી મજમુનદાર 9 વર્ષની છે. હાલમાં તે દુબઈમાં તેના પેરેન્ટ્સ સાથે રહે છે. વેબ સીરિઝમાં કશ્વીના અભિનયની ખુબ જ પ્રશંસા થઈ રહી છે. આ છોટા પેકેટ બડા ધમાકાએ દર્શકોના દિલ જીતી લીધા છે. આવો જાણીએ કશ્વીને આ વેબ સીરિઝ કેવી રીતે મળી? અને વરુણ તથા સામન્થા સાથે તેણીનો કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

વરુણ ધવન અને સામન્થા સાથે કશ્વી

એવું નથી કે કશ્વીએ પહેલી વાર કોઈ સ્ટાર સાથે કામ કર્યુ છે.આ પહેલા દુબઈમાં આયોજિત IIFA અવોર્ડ સમારોહમાં કશ્વીએ બૉલિવૂડની જાણીતી ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી સાથે ડાન્સ કર્યો હતો. તેણીને ડાન્સ અને એક્ટિંગનો ખુબ જ શોખ છે. કશ્વીએ સિટાડેલમાં વરુણ અને સામન્થાની દીકરી નાડિયાનો રોલ કર્યો છે. વેબ સીરિઝ કેવી રીતે મળી? અને વરુણ ધવન તથા સામન્થા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તેના વિશે કશ્વીએ ચિત્રલેખા ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી.

અભિનયમાં રસ કેવી રીતે પડ્યો?

મને લાગે છે કે જન્મથી જ મને ડાન્સ અને એક્ટિંગમાં રસ પડવા લાગ્યો હતો. હું એક વર્ષની પણ નહોતી થઈ ને અરીસામાં જોઈને વિવિધ પ્રકારના એક્સપ્રેસન્સ આપતી હતી.બે-બે કલાક સુધી સતત અરીસામાં જોયા કરતી હતી. આવું કરવામાં મને બહુ જ મજા આવતી હતી. મારી મમ્મી કોઈ પણ મ્યુઝિક પ્લે કરતી ને હું તેના પર મારું બૉડી મૂવ કરતી.આ રીતે હું સાવ નાની હતી ત્યારથી ડાન્સ કરતી થઈ ગઈ. મોટી થતી ગઈ એમ ડાન્સ અને અભિનયમાં વધારે રુચી પડવા લાગી. એકવાર બન્યું એવું કે મેં નોરા મેમની ડાન્સ ચેલેન્જ માટે એક ડાન્સ વીડિયો બનાવ્યો હતો. ત્યારે હું તેમની નજર આવી અને મને અબુ ધાબીમાં તેમની સાથે આઈફા એવોર્ડમાં સ્ટેજ શેર કરવાની તક મળી. મેં પ્રથમ વખત તેણી સાથે ડાન્સ કર્યો. બૉલિવૂડની જાણીતી હસ્તીઓ સામે નોરા મેમ સાથે ડાન્સ કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભૂત રહ્યો હતો. આ રીતે મને ત્યાંથી એક ઓળખ અને પ્રશંસા મળવાનું શરૂ થયું.

સિટાડેલ વેબ સીરિઝ કેવી રીતે મળી? 

હું મુકેશ છાબરા સરની ઓફિસે તેમને મળવા ગઈ હતી. આ એક સામાન્ય મુલાકાત હતી. પરંતુ મુકેશ છાબરા સરે કહ્યું કે આનું ઑડિશન લઈ લો. મને કોઈ જ ખ્યાલ નહોતો ઓડિશન વિશે. તેમની ટીમે મને સ્કિપ્ટ આપી અને મેં ઓડિશન આપ્યું.આ મારું પહેલું ઓડિશન હતું.જોકે તે સમયે અમને કોઈ અંદાજ નહોતો કે આ ઓડિશન સિટાડેલ હની બની માટે હશે.થોડા સમય પછી મને મુકેશ છાબરા સરનો કૉલ આવ્યો. ડિરેક્ટર સાથે ઝૂમ કૉલ પર વાતચીત કરાવી. જેમાં તેમણે સિટાડેલ સીરિઝ વિશે વાત કરી. તથા વરુણ ધવન અને સામન્થાનાં દીકરીના રોલ વિશે જણાવ્યું. ત્યારે મને ખબર નહોતી કે હું સિલેક્ટ થઈશ કે નહીં. પણ ફાઈનલી, મારું સિલેક્શન થયું અને હું ખુબ જ આનંદમાં આવી ગઈ હતી.

શૂટિંગ દરમિયાન શું અઘરું લાગ્યુ?

શૂટિંગ દરમિયાન કોઈ એવા ખાસ પડકારો નહોતા. મને શૂટ કરવાની ખુબ જ મજા આવી. સેટ પર શૂટિંગની આખી પ્રક્રિયાને મેં ખુબ જ માણી અને ઘણી નવી વસ્તુઓ શીખવા મળી. એક બાબત એ હતી કે શૂટિંગ અને ટ્રાવેલિંગને કારણે હું પૂરતી ઊંઘ નહોતી લઈ શકતી.પરંતુ હા, મેં મારા કામને ખુબ જ માણ્યું. મને બહુ જ મજા આવી.

વરુણ અને સામન્થા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

વરુણ ભૈયા અને સૅમ દીદી સાથે સમય પસાર કરવાનો અનુભવ શાનદાર હતો. હું એકલી બેઠી હોંઉ ત્યારે વરુણ ભૈયા મારી પાસે આવીને વાતો કરતા હતાં. લાઈફમાં શું ચાલે છે? શૂટિંગ કરવાની મજા આવે છે કે નહીં એવી બધી વાતો કરતા હતાં. આ સિવાય અમે ગુજરાતી લોકો અને ગુજરાતી ફૂડ વિશે વાત કરતા. સામન્થા દીદી પણ મને પ્રોત્સાહન આપતા અને મોટિવેટ કરતાં હતાં. જોકે ઑફ સ્ક્રીન વધારે વાતો કરવાનો સમય મળતો નહોતો પરંતુ જેટલો પણ સમય મળ્યો અમે સરસ રીતે પસાર કર્યો. તે બંને બહુ સારા છે અને મહેનતુ છે.

શું બનવાનું સપનું છે?

આમ તો હું શાહરુખ ખાન સર બનવા માંગુ છું. આ મારું મોટું સપનું છે. મારે માત્ર બૉલિવૂડ એક્ટર નહીં પણ ગ્લોબલ સ્ટાર બનવું છે. મારે એક એવી અભિનેત્રી બનવું છે જે લોકોને પ્રેરણા આપે. જે પણ લોકો અભિનયમાં આવવાં માંગતા હોય તેમના માટે ઈન્સિપરેશન બની શકું એ મારી ઈચ્છા છે.

દીકરીની સફળતા પર મમ્મીએ શું કહ્યું?

માત્ર 9 વર્ષની દિકરી બાળપણથી જ પોતાના સપનાં તરફ આગળ વધે અને સારું કામ કરે તો સ્વાભાવિક છે કે માતા-પિતાને ગૌરવ થાય જ. કશ્વીના મમ્મીએ ચિત્રલેખા ડૉટ કૉમ સાથે પોતાની ખુશી શેર કરતાં કહ્યું કે `અમને પેરેન્ટ તરીકે કશ્વી પર ખુબ જ ગૌરવ છે. જે રીતે તે આગળ વધી રહી છે,પોતાને ગમતું કામ કામ કરી રહી છે, લોકોનો અઢળક પ્રેમ મળી રહ્યો છે, તે જોઈને ખુબ જ આનંદ થાય છે.

(નિરાલી કાલાણી, મુંબઈ)

દિલ્હી ફરી લોકડાઉનના વાગ્ય ભણકારા? AQI પહોંચ્યો ભયજનક સપાટી પર

દિલ્હી: દેશ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યામાં દિવસેને દિવસે સતત વધી રહી છે. પરિસ્થિતિ એટલી ખરાબ બની રહી છે કે, લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવા લાગી છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. ડોક્ટરોનું કહેવુ છે કે પ્રદૂષણ વધતા લોકોમાં ઉધરસનું પ્રમાણ વધ્યું છે જેની સાથે આંખોમાં બળતરાના કેસો પણ વધી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પરિસ્થિતિને ધ્યાને રાખી સુપ્રિમ કોર્ટે 12મા ધોરણ સુધીની તમામ શાળાને બંધ રાખીને ઓનલાઈન શિક્ષણ આપવાના આદેશ પણ કર્યા છે. સુપ્રીમના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ અગસ્ટિન જ્યોર્જની બેંચ સમક્ષ વરીષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યે કહ્યું હતું કે દિલ્હીમાં ધોરણ 10 અને 12ના વર્ગો શાળામાં લેવાઇ રહ્યા છે જે બાદ તમામ ધોરણની શાળાઓને બંધ રાખવા અને ઓનલાઇન વર્ગો લેવાનો સુપ્રીમે આદેશ જારી કર્યો હતો. સાથે જ સ્ટોજ-4ના આકરા પ્રતિબંધોનો યોગ્ય રીતે અમલ કરવા પણ દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો. સોમવારે દિલ્હીનો એર ક્વોલિટી અત્યંત જોખમકારક સ્થિતિ પર પહોંચી ગયો હતો અને સીઝનની સૌથી વધુ AQI 493 પર પહોંચી ગયો હતો.  સુપ્રીમે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી સાથે જ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી એર ક્વોલિટી ઇન્ડેક્સ 450ની નીચે ના આવે ત્યાં સુધી આકરા પ્રતિબંધોને હટાવવામાં ના આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના 36 એર મોનિટરિંગ સ્ટેશનોમાંથી 13 પર એર ક્વોલિટી ઇન્ડેક્સ 500 સુધી નોંધાયો હતો. જે અત્યંત જોખમકારક સ્થિતિના સંકેતો આપે છે. આ સ્ટેશનોમાં ઇન્ડિયા ગેટ, દ્વારકા, સીરી ફોર્ટ, નોર્થ કેમ્પસ, રોહિણી વગેરેનો સમાવેશ થાય છે. દરમિયાન દિલ્હી યુનિવર્સિટીએ કોલેજેનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે, અને તમામ વિદ્યાર્થીઓના વર્ગો 23મી નવેમ્બર સુધી ઓનલાઇન ચલાવવામાં આવશે. જ્યારે દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોનું કહેવુ છે કે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાંથી પાણી વહેવા જેવી સમસ્યાઓવાળા દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે.  દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે જો જરૂર પડી તો દિલ્હીમાં ફરી વાહનો માટે ઓડ ઇવન સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે. દરમિયાન દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધી જવાથી વિઝિબિલિટી પર અસર થઇ રહી છે. જેને પગલે 15 ફ્લાઇટોને ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે દિલ્હી એરપોર્ટ પર 100 જેટલી ફ્લાઇટોને વિલંબ થયો હતો. આ સ્થિતિની અસર લગભગ ૩૦૦ ફ્લાઇટોને થઇ છે.

ખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં, સાત હોસ્પિટલ અને ચાર ડોક્ટર સસ્પેન્ડ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા દર્દીઓની જાણ બહાર ઓપરેશન કરી નાખી કાવતરાથી ગુજરાતભરમાં પડઘા પડ્યા છે. હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી PMJAY યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવે છે તે પણ બહાર આવ્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં. હાલ, આ તપાસ હેઠળ કરેલી કાર્યવાહીમાં સ્વાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હોસ્પિટલની સાથે-સાથે મલ્ટિસ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જે હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ચાર ડૉકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડૉ. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હજુ જો અન્ય કોઈ હોસ્પિટલ કે ડૉક્ટરના આ કૌભાંડમાં નામ સામે આવશે તો તે તમામની સામે પણ આ પ્રકારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, આ તમામ હોસ્પિટલ અને ડૉક્ટર્સ સામે હજુ સુધી ફોજદારી ગુના હેઠળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલો વકરતા આરોગ્ય વિભાગ તાત્કાલિક સક્રિય થઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારબાદથી ફ્રી મેડિકલ કેમ્પથી લઈને PMJAY કૌભાંડ સુધીના એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન હજુ અન્ય કૌભાંડ તેમજ ખ્યાતિ હોસ્પિટલ સિવાયની પણ અન્ય હોસ્પિટલોના તેમાં નામ બહાર આવે તેવી સંભાવના છે.

કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલમાં સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, દર્દીઓને સ્ટેન્ટ મૂકનાર ડૉ.પ્રશાંત વજીરાણી તો માત્ર પ્યાદુ રહ્યું છે પણ અસલી વિલન તો હોસ્પિટલના સંચાલક છે. જે ડૉક્ટરોને ટાર્ગેટ આપીને નિર્ધારિત સમયમાં હાર્ટ સર્જરી કરવા દબાણ કરતા હતા.