Home Blog Page 1314

અદાણી વિવાદથી નિફ્ટી પાંચ મહિનાના નીચલા સ્તરે

અમદાવાદઃ US કોર્ટમાં અદાણી પર લાગેલા આરોપોથી બજારમાં વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી નરમ બંધ આવ્યા હતા. નિફ્ટી પાંચ મહિનાના નીચલા સ્તરે બંધ આવ્યો હતો. અદાણી ગ્રુપના શેરોમાં પણ ભારે વેચવાલી ફરી વળી હતી. અદાણી શેરના માર્કેટ કેપમાં રૂ. 2.2 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો. અદાણીને લોન આપનારી બેન્કોના શેરો પણ તૂટ્યા હતા.

અમેરિકી કોર્ટ અને SECના ગંભીર આરોપો પછી અદાણી ગ્રુપના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. અદાણીના ગ્રુપના શેરોમાં એક સમયે 25 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે અદાણી ગ્રુપના નિવેદનથી નીચલા સ્તરોમાં આ શેરોમાં વેચાણો કપાતાં રિકવરી થઈ હતી.

BSE સેન્સેક્સ 422.59 પોઇન્ટના ઘટાડાની સાથે 77,155.79ના સ્તર બંધ આવ્યો છે, જ્યારે NSEના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 168.00 પોઇન્ટ તૂટીને 23,349.90ના સ્તરે બંધ આવ્યો હતો.

બેન્કિંગ, ઓટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓયલ એન્ડ ગેસ 0.13-2.70 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યું હતું. બેન્ક નિફ્ટી 0.50 ટકાના ઘટાડાની સાથે 50,372.90 ના સ્તર પર બંધ થયો હતો.

દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઈફ, એસબીઆઈ, એનટીપીસી, એશિયન પેંટ્સ, ઓએનજીસી, આઈટીસી, બ્રિટાનિયા અને બજાજ ફાઈનાન્સ 2.05-23.44 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં પાવર ગ્રિડ, અલ્ટ્રા સિમેન્ટ, હિંડાલ્કો, અપોલો હોસ્પિટલ, ગ્રાસિમ, એક્સિસ બેંક, ટીસીએસ અને એચસીએલ ટેક 0.70-3.25 ટકા સુધી વધીને બંધ થયા છે.

ભારતીય રૂપિયો 9 પૈસા તૂટીને 83.50ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 83.41ના સ્તર પર બંધ થયો હતો.

BSE એક્સચેન્જ પર કુલ 4065 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1235 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2737 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 93 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 165 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 184 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

પ્રસાર ભારતીનું OTT પ્લેટફોર્મ વેવ્સ લોન્ચ, હવે સમાચાર અને મનોરંજન એકસાથે ઉપલબ્ધ

ભારતના જાહેર પ્રસારક પ્રસાર ભારતીએ બુધવારે તેનું પોતાનું OTT પ્લેટફોર્મ ‘વેવ્સ’ લોન્ચ કર્યું છે. એન્ડ્રોઇડ અને iOS પર ઉપલબ્ધ એપનો ઉદ્દેશ્ય ‘વેવ્સ – ધ ન્યૂ વેવ ઓફ ફેમિલી એન્ટરટેઇનમેન્ટ’ ટેગલાઇન હેઠળ વિવિધ સામગ્રી પ્રદાન કરવાનો છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના ઉદ્ઘાટન સમારોહમાં ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત દ્વારા પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ લોન્ચિંગ દરમિયાન કહ્યું હતું કે “મંચ પર વિવિધ ભાષાઓ, ખાસ કરીને કોંકણીમાં ફિલ્મો અને સામગ્રીની વિવિધતા જોઈને હું ખૂબ જ ખુશ છું.” તેમજ તેમણે ભારતીય મનોરંજન ઉદ્યોગ માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ હોવાની વાત કરી હતી.

આ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે

‘વેવ્સ’ હિન્દી, અંગ્રેજી, મરાઠી, તમિલ અને આસામી સહિત 12 થી વધુ ભાષાઓમાં ઇન્ફોટેનમેન્ટ, ગેમિંગ, એજ્યુકેશન અને શોપિંગ જેવી શૈલીઓમાં સામગ્રી પ્રદાન કરે છે. આમાં ONDC સાથે સહયોગમાં 65 લાઇવ ટીવી ચેનલો, વિડિયો-ઓન-ડિમાન્ડ, ફ્રી-ટુ-પ્લે ગેમ્સ અને ઓનલાઇન શોપિંગનો પણ સમાવેશ થાય છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ કહ્યું,’વેવ્સ ઓટીટી એ સરકારના ડિજિટલ ઈન્ડિયા વિઝનમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તે ભારતનેટ દ્વારા ગ્રામીણ પ્રેક્ષકોને સામગ્રીની ઍક્સેસ પ્રદાન કરીને ડિજિટલ મીડિયા અને મનોરંજન વચ્ચેના અંતરને દૂર કરે છે.

શું કહે છે નવનીત કુમાર સહગલ?

પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સેહગલે જણાવ્યું હતું કે ‘વેવ્સ’ને કુટુંબ-મૈત્રીપૂર્ણ મનોરંજન, શિક્ષણ અને ખરીદી માટે ‘વન-સ્ટોપ હબ’ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. તેમણે કહ્યું, ‘તે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવતી વખતે પરિવારો, બાળકો અને યુવાનો માટે સ્વચ્છ સામગ્રી પ્રદાન કરે છે.’ પ્લેટફોર્મમાં B4U, SAB ગ્રુપ અને 9X મીડિયા જેવા મનોરંજન નેટવર્ક સહિત 38 લાઈવ ચેનલ્સ હશે. ઘણી ન્યૂઝ ચેનલો પણ આમાં સામેલ છે. દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની તમામ ચેનલો નવા લોન્ચ થયેલા OTT પ્લેટફોર્મ પર પણ બતાવવામાં આવશે. લાઇવ ચેનલો ઉપરાંત, વેવ્સ મૂવીઝ, ગેમ્સ અને લાઇવ ઇવેન્ટ્સ માટે સમર્પિત વિભાગો સહિત વિવિધ માંગ પરની સામગ્રી પણ દર્શાવશે. આ પ્લેટફોર્મનું સત્તાવાર લોન્ચ બુધવારે IFFI ખાતે થયું હતું. આ વર્ષની શરૂઆતમાં પ્રસાર ભારતીએ ટીવી ચેનલોને પ્લેટફોર્મ સાથે જોડાવા આમંત્રણ આપ્યું હતું.

વેવ્સ પરની કેટલીક લાઈવ ચેનલોની સૂચિ:
ડીડી ઈન્ડિયા
ડીડી કિસાન
ડીડી ન્યૂઝ
ડીડી ભારતી
b4u ભોજપુરી
b4u કડક
b4u સંગીત
9XM સંગીત
દિવ્યા
પિટારા મૂવીઝ

અમદાવાદમાં MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, બે બંદૂક અને લાખો રૂપિયા જપ્ત

ગુજરાતમાંથી દર બીજા દિવસે લાખો- કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાય છે. ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો દરિયો આર્શિવાદ બન્યો છે, ત્યારે બુધવારે અમદાવાદના નારણપુરામાંથી 25 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી એમ.ડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સની સાથે સાથે બે બંદૂક, 40 રાઉન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત અંદાજે એક કરોડ હોવાનો અંદાજ છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી જીસાન ઉર્ફે દત્તા પાવલે નામના આરોપીને દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે જીસાન ઉર્ફે દત્તા પાવલે પાસેથી અંદાજે 1.23 કિલો એમ.ડી ડ્રગ્સ, બે બંદૂક, 40 રાઉન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. આરોપી સામે આ પહેલાં પણ આઠ જેટલા ગુના દાખલ થઇ ચૂક્યા છે. પોલીસે તપાસનો દૌર શરૂ કરી દીધો છે. પોલીસ પૂછપરછ કરી રહી છે કે ડ્રગ્સ કેવી રીતે શહેરમાં પહોંચ્યું, તેણે કોની પાસેથી ડ્રગ્સ ખરીદ્યુ અને કોને આપવાનું છે તે દિશામાં તપાસ કરી રહી છે.

આ અગાઉ બુધવારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં એસઓજીની ટીમે દરોડા પાડી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેની અંદાજિત કિંમત 25 લાખથી વધુ આંકવામાં આવી છે. આ રેડ દરમિયાન 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

વડોદરાના 513મા જન્મદિવસ પર હેરિટેજ ફેસ્ટિવલ ઉજવણી

સંસ્કાર નગરી વડોદરા શહેરની 513મો જન્મદિવસ છે. ત્યારે વડોદરાવાસીઓ એની અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે. જેમાં તારીખ 18 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

માત્ર સંસ્કારી નગરી નહીં જ પરંતુ વડોદરાને કલાનગરી તરીકે પણ ઓળખાય છે. શહેરના 513મા જન્મદિવસની ઉજવણી વડોદરાવાસીઓ 7 દિવસ સુધી કરવાના છે. જેના આયોજનના ભાગરૂપે વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં અનેક આકર્ષિત હેરિટેજ વોક સહિત પ્રદર્શન અને હાઉસ મ્યુઝિયમનો સમાવેશ થાય છે.

ઐતિહાસિક અને અવનવી ચીજોનું પ્રદર્શન

આ ફેસ્ટિવલમાં પહેલીવાર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન અને ખાણીપીણીના સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં આ વર્ષે 4 વડોદરાવાસીઓ પોતાના ઘરે એમની ઐતિહાસિક અને અવનવી ચીજોને પ્રદર્શિત કરશે. પહેલીવાર વડોદરામાં જુદા જુદા પ્રકારની અવનવી 15 સાઇકલોનું એક્ઝિબિશન થશે. અહીં ‘ ચલતા હૈ’ નામનું ફોટોગ્રાફી પ્રદર્શન પણ યોજાશે. આ બધા પ્રદર્શનો કમ્યૂનિટી સાયન્સ સેન્ટર ખાતે યોજાશે.

હેન્ડમેડ વસ્તુઓનું પ્રદર્શન

વડોદરાની મહિલાઓને પ્લેટફોર્મ આપવા માટે જેતલપુર બ્રિજ નીચેની સ્પીના આર્ટ ગેલેરીમાં આયોજિત મેળા હેન્ડીક્રાફ્ટ્સમાં મહિલાઓએ તૈયાર કરેલી હેન્ડમેડ ચીજો હશે. અહીં  ગુજરાતી અને મહાષ્ટ્રીયન વાનગીઓનો સ્વાદ પણ માણવા મળશે. 24મી નવેમ્બરે સવારે ડો. જિતેન્દ્ર ગવળી કમાટીબાગમાં નેચરવોક યોજશે, અલકાપુરીની એચ-10 આર્ટ ગેલેરીમા આર્કિટેક નિલેશ રામીની ફોટોગ્રાફી સહિતનું પ્રદર્શન 19થી 24 દરમિયાન યોજાશે. 19મીએ સાંજે વડોદરાની ઐતિહાસિક ઇમારતો વિશે ચંદ્રશેખર પાટીલના વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

હેરિટેજ ફેસ્ટિવલ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા વડોદરાના ઈતિહાસકાર, આર્ટિસ્ટ અને આર્ટ કૉન્સર્વેટર ચંદ્રશેખર પાટીલ કહે છે, “2015માં અમે વડોદરાનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું. એની પાછળનો મુખ્ય હેતુ યુવાનોને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાનો છે. કલા, સંગીત, સાહિત્ય, મ્યુઝિક, હેરિટેજને કોઈ પ્રમોટ નથી કરતું. આ ફેસ્ટિવલ દ્વારા અમે એક નવી શરૂઆત કરી. દસ વર્ષથી અમે વડોદરાના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. શરૂઆતના વર્ષોમાં 20 પોગ્રામ થતા હતા. ધીમે ધીમે એમાં વધારો થયો. દર વર્ષે 10 થી 15 નવા લોકો આવે છે. જેમને અમે પ્રોગ્રામ કેવી રીતે કરી શકાય એ પણ શીખવીએ છીએ. મારો મુખ્ય હેતુ વડોદરાના કલ્ચરને પ્રમોટ કરવાનો પણ છે. બધા જ જાતી ધર્મના લોકો અહીં આવે છે. સમગ્ર વડોદરાવાસીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લે છે.”

ઇન હાઉસ મ્યુઝિયમ

આ સિવાય વડોદરાના 4 ઇન હાઉસ મ્યુઝિયમ જોવાનો લહાવો મળશે. જેમાં શુભાંગિ મનોહરનું મોનાલિસા રેસિડેન્સી માંજલપુર ઘૂવડની ફોટોગ્રાફી વિશે, રાજેશ પટેલનું લાકડામાંથી બનેલા ટચુકડા શિલ્પો વિશેકામદાર સોસાયટી , ફતેગંજ ) નું અને અતુલ શાહ ( કોઠી કચેરી મેઇન રોડ નજીકનો ઢાળ ) નું પાણીના ઘડા વિશેનું એક્ઝિબિશન પણ યોજાશે.

ખાસ પ્રકારના પ્રદર્શન

 કમ્યૂનિટી સાયન્સ સેન્ટરમાં 5 પ્રદર્શન અને વર્કશોપ યોજાશે. જેમાં વિશ્વપ્રસિદ્ધ પૂર્ણકર શૈલીનું રંગોળી પ્રદર્શન અને વર્કશોપ યોજાશે જે નિઃશુલ્ક છે. પૂણેથી રોહીત ખંડકર તેમણે સ્ટફ કરેલા પ્રાણીઓ અને પક્ષીઓના નમૂના લાવશે. આ પ્રદર્શન પહેલીવાર યોજાશે. વિશ્વામિત્રી નદીના ઇતિહાસ અને તેના મૂળ તથા નદીના વિવિધ ભાગો વિશે સમજણ આપતું એક પ્રેઝેન્ટેશન- એક્ઝિબિશન યોજાશે. જેમાં નદી અને તેને સંબંધિત 22 સ્લાઇડ્સનું પ્રદર્શન હશે. ઉપરાંત ગ્લાસ પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશનમાં વિવિધ થીમ પર આધારિત પેઇન્ટિંગ્સ મુલાકાતીઓને જોવા મળશે. આ પેઇન્ટિંગ્સ કમ્યૂનિટી સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડો. જિતેન્દ્ર ગવલીએ તૈયાર કર્યા છે.

સ્કૂલ-કૉલેજની ફીના નામે છેતરપિંડી, 100 વિદ્યાર્થિનીના વોટ્સએપ હેક કરીને પૈસા પડાવાયા

સ્કૂલ અને કૉલેજોમાં અભ્યાસ કરતી યુવતીઓના વોટ્‌સએપ હેક કરી લઈને મિત્રો, સ્વજનો પાસેથી ફી ભરવા માટે આર્થિક મદદ માગવાનું નવીન ઠગાઈનું કારસ્તાન પકડાયું છે. સ્ટેટ સાયબર ક્રાઇમે હેલ્પ લાઇન નંબર ઉપર એક યુવતીએ કરેલી ફરિયાદના આધારે મધ્ય પ્રદેશના નાના એવા ગામના યુવકને પકડી પાડ્યો છે. વોટ્‌સએપ હેક કરીને મેસેજ મોકલીને ફી માટે મદદ માગીને આ ચીટર બૅંક એકાઉન્ટ નંબર મોકલીને પૈસા પડાવતો હતો. ગુજરાત સહિત અડધો ડઝન રાજ્યની 100થી વધુ યુવતીઓને આ પ્રકારે છેતરવામાં આવ્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમના હેલ્પ લાઇન નંબર 1930 ઉપર એક યુવતીએ ફોન કરીને મદદ માગી હતી. યુવતીએ સીઆઇડીને કરેલી અરજીમાં ફરિયાદ કરી હતી કે, તેનું વોટ્‌સએપ હેક કરીને તેના મિત્રો અને સ્વજનો પાસેથી કોઈ વ્યક્તિએ પૈસા પડાવ્યા હતા. ફી ભરવા માટે પૈસાની જરૂરિયાત છે તેવું બહાનું બતાવીને યુવતીના નામે પૈસા મેળવી લેવામાં આવ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની તપાસ દરમિયાન એક મોબાઇલ નંબર અને એસ.બી.આઇનો બેન્ક એકાઉન્ટ નંબર મળ્યો હતો કે જેમાં ફીના બહાને છેતરપિંડીથી મેળવવામાં આવેલા પૈસા ટ્રાન્સફર કર્યા હતા. સીઆઇડીના સાયબર ક્રાઇમ સેલે વિશેષ તપાસ કરતાં આ મોબાઇલ નંબરથી ગુજરાત જ નહીં દેશના અડધો ડઝન રાજ્યમાં અનેક યુવતીઓના નામે આ પ્રકારે પૈસા પડાવવામાં આવ્યા હોવાની વિગતો ખુલી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ મોબાઇલ નંબર મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લાના નાના એવા બદરા ગામમાં સક્રિય છે. મધ્ય પ્રદેશ પોલીસની મદદ લઈને ગામમાંથી પ્રભાતકુમાર છોટેલાલ ગુપ્તા નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રભાત ગુપ્તાએ પ્રાથમિક પૂછપરછમાં જ અત્યાર સુધીમાં સ્કૂલ-કૉલેજોની 100થી વધુ તરુણીઓ અને યુવતીઓને ટાર્ગેટ કરી છે. સ્કૂલ-કૉલેજની વિદ્યાર્થિનીઓના વોટ્‌સએપ હેક કરીને તેમાં આત્મીયતાથી ચેટ કરી હોય તેવા ફ્રેન્ડસ અને નજીકના લોકો પાસેથી પૈસા પડાવતો હતો.

આરોપી પ્રભાત ગુપ્તા પાસેથી બે મોબાઇલ ફોન, 11 સીમકાર્ડ, 12 ડેબીટ કાર્ડ, બે બૅંક એકાઉન્ટની પાસબુક અને ચેકબુકો કબજે કરવામાં આવી છે. ખાસ ભણેલો નથી તેવો આ આરોપી સ્કૂલ અને કૉલેજોમાં અભ્યાસ કરતી તરુણીઓ અને યુવતીઓના નંબર ક્યાંથી મેળવતો અને વોટ્‌સએપ હેક કઈ રીતે કરતો તે સહિતના મુદ્દે સ્ટેટ સાયબર સેલની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

હાલોલની અનોખી પહેલ: કૃષ્ણવડથી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની રક્ષાના ઉમદા ઉદ્દેશ સાથે દેશભરમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતમાં ગ્રીન કવરની વૃદ્ધિ માટે મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

માર્ચ 2025 સુધીમાં ગુજરાત 17 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય ધરાવે છે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકાએ એક વિશેષ પ્રયાસ કર્યો છે. હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં વૃક્ષની દુર્લભ પ્રજાતિ કૃષ્ણવડ ઉગાડવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ડાકોરથી દ્વારકા સુધી પર્યાવરણ પ્રેમનો સંદેશો આપશે ‘કૃષ્ણવડ અભિયાન’

હાલોલ નગરપાલિકાએ આ વડવૃક્ષ યાત્રાની શરૂઆત 27 ઓગસ્ટ 2024ના રોજ નંદ મહોત્સવના દિવસે કૃષ્ણમય ભૂમિ ડાકોરથી કર્યો હતો. વૃક્ષની દુર્લભ પ્રજાતિઓના સંરક્ષણનું બીડું ઝડપનારા હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે વધુમાં વધુ લોકોને કૃષ્ણવડ અભિયાનમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. હિરલબેને મિશન કૃષ્ણવડના વિચારબીજ અંગે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલા ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત મને વૃક્ષની દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિને વિકસિત કરવાનો વિચાર આવ્યો. કૃષ્ણવડ એ ભારતીય પ્રજાતિ છે, જે ગુજરાતમાં માત્ર 15 સ્થાનો પર ઉપલબ્ધ છે. મેં મારા ખેતરમાં વાવેલા કૃષ્ણવડની ડાળીઓ કટિંગ કરીને હાલોલ રાણીપુરા ખાતે આવેલી ફોરેસ્ટ નર્સરીને આપી અને તેમણે કૃષ્ણવડની 200થી વધુ કલમો વિકસિત કરીને આ વડવૃક્ષ યાત્રાને વેગ આપ્યો. જયારે પ્રાદેશિક કમિશ્નર એસ.પી.ભગોરા, ફોરેસ્ટ વિભાગના DFO ડૉ. મીનલ જાની, RFO  નિધિ દવે તથા હાલોલ જંગલખાતાના ફોરેસ્ટર રોહિત મકવાણાના સહયોગથી આ અભિયાન શક્ય બન્યું છે.”

મિશન કૃષ્ણવડ: 157 નગરપાલિકાઓમાં દુર્લભ પ્રજાતિના છોડ વાવવામાં આવશે

આ અભિયાન અંતર્ગત 26મી જાન્યુઆરી સુધીમાં રાજ્યની તમામ 157 નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને કૃષ્ણવડ જેવી રૅર પ્રજાતિના સંરક્ષણ સાથે પ્રકૃતિની રક્ષાનો સંદેશ પણ મહત્તમ લોકો સુધી પહોંચશે. વડોદરા ઝોનની બધી જ નગરપાલિકમાં કૃષ્ણવડ રોપાઇ ચૂક્યા છે. તથા ગુજરાતના અન્ય 5 ઝોનના નગરપાલિકા વિસ્તાર મળીને કુલ 40 કૃષ્ણવડ વાવવામાં આવ્યા છે. ડાકોરથી શરૂ થયેલી આ વડ વૃક્ષ યાત્રા 25 જાન્યુઆરી 2025ના રોજ ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં વિરમશે.

કૃષ્ણવડની પસંદગી શા માટે કરવામાં આવી?

વડની ખાસિયત એ છે કે, તેમાં અનેક ઔષધિય ગુણો હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. ચર્મ રોગ, દાંતના રોગ, પેટના રોગ, ડાયાબિટીસ વગેરેના નિવારણ માટે વડ ખૂબ જ ઉપયોગી છે. વડના પાંદડામાં પ્રોટીન, ફાઈબર, કૅલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વો રહેલાં છે.

દિલ્હી ચૂંટણીઃ AAPએ 11 ઉમેદવારોની પહેલી યાદી જારી કરી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)એ આગામી વર્ષે થનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 11 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી.. જેમાં છ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા નેતોનાં નામ છે. ભાજપમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા બે નેતાઓને આપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે, જેમાં બ્રહ્મ સિંહ તંવર (છતરપુર), અનિલ ઝા (કિરારી), બીબી ત્યાગી (લક્ષ્મીનગર) હાલમાં ભાજપ છોડીને આપમાં સામેલ થયા છે, જ્યારે જુબૈર ચૌધરી (સીલમપુર), વીર સિંહ ધિંગાન (સીમાપુરી) અને સોમેશ શૌકીન (મટિયાલા) કોંગ્રેસ છોડીને આપમાં સામેલ થયા હતા.

સરિતા સિંહ (રોહતાસ નગર), રામ સિંહ નેતાજી (બદરપુર), ગૌરવ શર્મા (ધોંડા), મનોજ ત્યાગી (કરાવલ નગર) અને દીપક સિંઘલ (વિશ્વાસ નગર) અન્ય ઉમેદવાર હતા, જેમનાં નામોની ઘોષણા કરવામાં આવી હતી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપ દ્વારા જાહેર કરવામાં આવેલા 11 ઉમેદવારોની પ્રથમ યાદીમાં ત્રણ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. જેમાં કિરાડીમાંથી ઋતુરાજ જ્હાં, સીલમપુરમાંથી અબ્દુલ રહમાન, અને મટિયાલામાંથી ગુલાબ સિંહ છે. પક્ષે આ ત્રણેય નેતાઓને ટિકિટ આપવાના બદલે ભાજપ અને કોંગ્રેસમાંથી આવેલા એવા નેતાઓને ટિકિટ આપવાનું પસંદ કર્યું છે કે જેઓ 2020માં ચૂંટણી હારી ગયા હતા. કેજરીવાલે પહેલાં કહ્યું હતું કે ચૂંટણી માટે ટિકિટનું કામ, જનતાનો મત અને સંભવિત જીતની સંભાવનાઓને આધારે વહેંચવામાં આવશે. વર્ષ 2020માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આપે કુલ 70માંથી 62 બેઠકો પર જીત હાંસલ કરી હતી.

એ.આર રહેમાન સિવાય આ બૉલિવૂડ કપલ્સે પણ લગ્નના વર્ષો બાદ લીધા છે છૂટાછેડા

મુંબઈ: બોલિવૂડમાં ઘણા એવા કપલ છે જેઓ લગ્ન પછી વર્ષો સુધી સાથે રહ્યાં. પરંતુ વર્ષો સુધી એક-બીજાનો સાથ આપ્યા પછી તેઓએ છૂટાછેડા લીધા છે. તાજેતરમાં જ મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાને લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરા બાનુને છૂટાછેડા આપી દીધા છે. આ પહેલા પણ ઘણા કપલ્સ વર્ષોના લાંબા સફ પછી છૂટાછેડા લઈ ચૂક્યા છે. આ લિસ્ટમાં આમિર ખાનથી લઈને રિતિક રોશન સુધીના દરેકનો સમાવેશ થાય છે.

એઆર રહેમાન અને સાયરા બાનુએ 19 નવેમ્બરે તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. કપલના છૂટાછેડાના સમાચારે બધાને ચોંકાવી દીધા.

સોહેલ ખાન અને સીમા સજદેહે વર્ષ 2022માં છૂટાછેડાની જાહેરાત કરી હતી. સીમા-સોહેલે લગ્નના 24 વર્ષ બાદ છૂટાછેડાની જાહેરાત કરી હતી. આ ખબરથી ચાહકો આશ્ચર્ય પામ્યા હતાં.

અરબાઝ ખાન અને મલાઈકા અરોરા વર્ષ 2017માં છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. લગ્નના 19 વર્ષ બાદ તેઓએ છૂટાછેડા લીધા હતા.

રિતિક રોશન અને સુઝેન ખાને વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. વર્ષો પછી 2014 માં,તેઓએ છૂટાછેડા લેવનો નિર્ણય કર્યો હતો. હાલતમાં રિતિક રોશન સબા આઝાદ સાથે રિલેશનમાં છે.

આમિર ખાન અને કિરણ રાવ પણ 16 વર્ષ સુધી સાથે રહ્યા હતા. 2021માં તેઓ એકા-બીજાથી અલગ થઈ ગયા હતાં.

તમિલ અભિનેતા જયમ રવિએ પણ લગ્નના 15 વર્ષ બાદ આરતીને છૂટાછેડા આપી દીધા હતા. તેણે 2023માં તેની જાહેરાત કરી હતી.

ઈશા કોપ્પીકરે પણ 2009માં બિઝનેસમેન ટીમી નારંગ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 15 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા.

અદાણી ગ્રુપ સામેના આરોપોને કંપનીએ ગણાવ્યા પાયાવિહોણા

અમદાવાદઃ US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને US સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અદાણી ગ્રુપના ડિરેક્ટરો પર લગાવેલા લાંચના આરોપોને અદાણી ગ્રુપના પ્રવકતાએ પાયાવિહોણા ગણાવ્યા હતા અને એ આરોપનું ખંડન કર્યું હતું,એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

કંપનીના પ્રવકતાના જણાવ્યા પ્રમાણે US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે કહ્યું હતું કે જ્યાં સુધી કંપનીના ડિરેક્ટરો પરના આરોપ સાબિત ના થાય, ત્યાં સુધી તેમને નિર્દોષ માનવામાં આવે છે. એના માટે દરેક કાયદાકીય મદદ લેવામાં આવશે.  ‘અદાણી ગ્રુપે હંમેશાં કાયદાનું પાલન કરતાં વહીવટનાં બધાં ઉચ્ચ મૂલ્યો, પારદર્શિતા અને નિયામકીય ધારાધોરણો જાળવ્યાં છે. અમે અમારા સ્ટેકહોલ્ડરોને, ભાગીદારો અને કર્મચારીઓને વિશ્વાસ આપીએ છીએ કે અમે એક કાયદાનું પાલન કરનારું જૂથ છે, જે બધા કાયદાનું સંપૂર્ણપણે પાલન કરે છે,’ એમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.

ગુજરાતમાં વધ્યુ ઠંડીનું જોર, જાણો તમારા શહેરનું તાપમાન

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યમાં સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડી અંગેની આગાહી કરવામાં આવી છે. આજે 21મી નવેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુના દક્ષિણમાં આંદામાન સમુદ્ર પર ચક્રવાત સર્જાવાની શક્યતા હોવાથી 23મી નવેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચારથી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. જેમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તર-પશ્ચિમના પવનોની દિશા બદલાતા હજી ઠંડી વધશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બુધવારે નલિયા 14 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત કંડલા એરપોર્ટમા 15 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી, ગાંધીનગરમાં 17 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી ભાવનગરમાં 19 ડિગ્રી, સુરતમાં 21 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાન નીચું જઈ રહ્યું છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, બપોરના સમયે હજી પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, એકંદરે તાપમાનમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો થવા લાગ્યો છે.