Home Blog Page 1073

IPL 2025: MI સ્ટાર ક્રિકેટર નહીં રમી શકે પહેલો મેચ! સૂર્યા કુમારને સોંપી ટીમની કમાન

IPL 2025: સતત છઠ્ઠી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025નું ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાને ઉતરવા જઈ રહી છે. જોકે, ટીમનો સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ હાલમાં ઈજાગ્રસ્ત છે. જો કે મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધને બુમરાહની સ્થિતિ વિશે ખુલાસો કર્યો હતો. મહેલા જયવર્ધને બુધવારે, 19 માર્ચ, 2025ના રોજ મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘જસપ્રીત NCAમાં છે. તેણે હમણાં જ તેની પ્રગતિ શરૂ કરી છે. અમારે રાહ જોવી પડશે અને જોવું પડશે કે તેની બીસીસીઆઈની મેડિકલ ટીમ શું પ્રતિક્રિયા આપે છે. હાલ બધું બરાબર ચાલી રહ્યું છે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘બુમરાહ સારા મૂડમાં છે. તેની ગેરહાજરી અમારા માટે એક પડકાર છે. તે વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક છે અને ઘણા વર્ષોથી અમારા માટે શાનદાર ખેલાડી રહ્યો છે.’ આ ઉપરાંત બુમરાહની ફિટનેસને લઈને હાર્દિક પંડ્યાએ પણ અપડેટ આપી હતી. 19 માર્ચે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, ‘જસપ્રીત બુમરાહ પ્રથમ મેચમાં રમી શકશે નહીં. તે રમવા માટે ફિટ નથી.’

આપને જણાવી દઈએ કે, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. જસ્સી આ મેચમાં મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકશે નહીં. તે હાલમાં એનસીએમાં છે. બુમરાહને હજુ સુધી મેચ રમવા માટે લીલી ઝંડી મળી નથી. આ ઉપરાંત હાર્દિક પંડ્યા પણ આ મેચમાં નહીં રમે. તેના પર એક મેચનો પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ સંભાળશે.

આ રહી સુનિતા વિલિયમ્સની અવકાશની નવ મહિનાની સફર, જુઓ કેવી રીતે કાઢ્યા દિવસો

અમેરિકન અવકાશ એજન્સી નાસાના બે અવકાશયાત્રીઓ છેલ્લા 9 મહિનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા હતાં. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે જૂનમાં 8 દિવસના મિશન પર અવકાશ સ્ટેશન ગયા હતા અને હવે માર્ચ, 2025માં હેમખેમ પૃથ્વી પર પરત ફર્યા છે. એક નજર તેમની અવકાશની સફર પર કરીએ…

 

જુનમાં નાસાનું બોઇંગ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન શરૂ થયું અને અવકાશયાત્રીઓએ કર્યુ પ્રસ્થાન

અવકાશ પર પહોંચ્યા પછીની નાસાએ શેર કરેલી અવકાશયાત્રીની તસવીર

માત્ર 8 દિવસના મિશન પર ગયેલા અવકાશયાત્રીઓ કેટલીક ટેક્નિકલ ખામીઓને કારણે અટવાયાં

26 ઓગસ્ટ, 2024ના રોજ અવકાશમાં વિમન્સ ઈક્વાલિટી ડેની ઉજવણી કરી

19 સપ્ટેમ્બર, 2024એ સુનિતા વિલિયમ્સના જન્મદિવસ પર નાસાએ આ તસવીર શેર કરી પાઠવી હતી શુભેચ્છા

અવકાશમાં 6 મહિના પસાર થયા બાદ પણ હસતાં મોઢે સંઘર્ષનો સામનો કરવાનો દ્રઢ આત્મવિશ્વાસ

અવકાશમાં પણ વર્કઆઉટ કરવાની ધગશ, વેટ લિફ્ટિંગ કરતા સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર

ડિસેમ્બરમાં કુકીઝ અને સ્વીટ સાથે અવકાશમાં ક્રિસમસની ઉજવણી કરી

9 મહિના કરતાં પણ વધારે સમય પસાર કરી આખરે પૃથ્વી પર હેમખેમ પહોંચ્યા સુનિતા વિલિયમ્સ

નાગપુર હિંસાનો કોણ છે માસ્ટરમાઈન્ડ, શહેરને ભડકે બાળનારનો ફોટો આવ્યા સામે

મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવાર રાત્રે ભડકેલી હિંસાનું માસ્ટરમાઈન્ડ શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસે 38 વર્ષીય ફહીમ શમીમ ખાનને હિંસાનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો છે. નાગપુર પોલીસે દાવો કર્યો છે કે ફહીમ શમીમ ખાને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા બાદ શહેરમાં તણાવ વધી ગયો હતો. ફહીમ ખાન માઈનોરિટી ડેમોક્રેટિક પાર્ટીના નાગપુર અધ્યક્ષ છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં પરિવહન મંત્રી નીતિન ગડકરી સામે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા.

મહાલ અને હંસપુરી સહિત નાગપુરના વિવિધ વિસ્તારોમાં બે જૂથો વચ્ચે મારામારી અને તોડફોડ થઈ હતી. આ હિંસા ફાટી નીકળ્યા બાદ ડીજીપી સહિત પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલા પણ થયા હતા. સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે એવો દાવો થાય છે કે, અભિનેતા વિકી કૌશલની ફિલ્મ “છાવા” અને નેતા અબુ આઝમીના ઔરંગઝેબને લઈને કરેલા નિવેદનો હિંસાના મુખ્ય કારણ બન્યા.

આ ઘટના બાદ નાગપુર પોલીસે 50 લોકોની ધરપકડ કરી છે અને 100થી વધુ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. શહેરમાં આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને શાંતિ જાળવવા માટે સુરક્ષા વધારાઈ છે. આ હિંસાને પગલે નાગપુરમાં સશસ્ત્ર દળોને તહેનાત કરવામાં આવ્યા છે, અને વધુ કડક કાર્યવાહી માટે પોલીસ તંત્ર સજ્જ છે.

ઇતિહાસ ભૂગોળ ધર્મથી ભરપૂર ભૂમિ શામળાજી

ગુજરાત રાજસ્થાનની સીમાને અડીને આવેલું શામળાજી એક પ્રાચીન ભારતીય યાત્રાધામ અને સાંસ્કૃતિક કેન્દ્ર છે.  સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્ર્વો નદીના કાંઠાનું આ ધામ, પ્રાચીન કાળમાં  હરિશ્ર્ચંદ્રપુરી, રુદ્રગયા, ગદાધર-ક્ષેત્ર વગેરે નામે ઓળખાતું. અહીંથી બૌદ્ધ સ્તૂપ, વિહાર, શૈવમંદિરો તેમજ વૈષ્ણવ મંદિરો તથા શિલ્પો પણ મળેલા છે.

મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત વિષ્ણુની પ્રતિમા ત્રિવિક્રમ સ્વરૂપની શ્યામ રંગની છે. આ મંદિરનું બાંધકામ સોળમી સદીની આસપાસ થયું હોવાનું અનુમાન છે. પંદરમી સદી પછી ગુજરાતમાં બંધાયેલાં મંદિરોમાં આ એક સર્વોત્તમ મંદિર છે. ઉત્તર બાજુએ મંદિરના મુખ્ય દ્વારની સામે બલાણક એટલે કે પ્રવેશદ્વાર છે. જ્યારે બહારની બાજુએ બે વિશાળ કદના હાથીઓનાં શિલ્પો કંડારેલાં છે. મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને શૃંગાર-ચોકીઓ આવેલી છે. મંદિર જે મહાપીઠ પર ઊભું છે એ ગજથર અને નરથર વગેરે થરો વડે અલંકૃત છે. મંડપની અંદરની છતને પણ સુંદર થરોથી સજાવવામાં આવી છે. છતને ફરતા 16 ટેકાઓ નૃત્યાંગનાઓના આકારે મૂકવામાં આવ્યા છે. મધ્યમાં કૃષ્ણની મૂર્તિ છે. મંદિરને  ભૂમિતિની, ફૂલવેલ, પ્રાણીઓ, માનવોની આકૃતિઓ ઉપરાંત દેવ-દેવીઓનાં સુંદર શિલ્પોથી શણગારવામાં આવ્યું છે. પીઠના નરથરમાં રામાયણ, મહાભારત અને ભાગવત-પુરાણના પ્રસંગોનાં  શિલ્પો કંડારેલાં છે. દેવ-દેવીઓનાં શિલ્પોમાં વિષ્ણુ, ગરુડ, કુબેર, ઈશાન, ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, નિઋતિ, શિવ, ગણેશ, વાયુ, વૈષ્ણવી, બ્રહ્માણી, ઇન્દ્રાણી, સરસ્વતી, ચંડિકા, યમી વગેરેનો સમાવેશ થાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કાયદાનું ભાન કરાવા પોલીસ એક્શન મોડમાં, મહિલા બુટલેગરના ગેરકાયદે ઘર પર પડ્યા હથોડા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દેશી દારૂના ઠેકાણાં અને નબીરાઓનો આતંક અટકતો નથી. તેવા સંજોગોમાં અમદાવાદ પોલીસ હવે કડક કાર્યવાહી કરી રહી છે. બુધવારે (19 માર્ચ) અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં એક મહિલા બુટલેગરના ગેરકાયદે બાંધકામને AMC દ્વારા બુલડોઝર ચલાવી તોડી પાડવામાં આવ્યું.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં લિલાબેન ચૂનારા નામની લિસ્ટેડ બુટલેગર પર એકશન લેવામાં આવ્યો છે. AMCની દબાણ શાખા અને પોલીસની સંયુક્ત ટીમે વહેલી સવારે કાર્યવાહી કરીને ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, અને આગામી દિવસોમાં અન્ય બુટલેગરો વિરુદ્ધ પણ અભિયાન શરૂ થવાની શક્યતા છે.

અમદાવાદ પોલીસ હવે શહેરમાંથી અસામાજિક તત્વોને દૂર કરવા માટે વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ભય ફેલાવનારા, લુખ્ખાગીરી કરનારા કે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ વિશે માહિતી આપવા માટે 63596 25365 પર વોટ્સએપ દ્વારા જાણ કરી શકાય છે. આ પગલાં દારૂબંધીને વધુ મજબૂત બનાવવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

અમદાવાદ પોલીસ કમિશનરે 28 PIની આંતરિક બદલી, 4 PIની નવી પોસ્ટિંગનો આદેશ આપ્યો

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પોલીસ બેડામાં મોટી આંતરીક બદલીની જાહેરાત કરવામાં આવી છે. 28 પોલીસ ઈન્સ્પેક્ટરો (PI) ની આંતરિક બદલી કરવામાં આવી છે, તેમજ 4 પીઆઈને નવી પોસ્ટિંગ અપાઈ છે. આ અચાનક બદલીઓના કારણે શહેર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાય સમયથી PIઓની બદલીઓ અંગે અટકળો ચાલી રહી હતી, જે હવે હકીકત બની છે.

શહેરના રામોલ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા અવારનવાર અપરાધો વધતા, રામોલ PI ચૌધરીને કંટ્રોલ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે. શહેરના બાપુનગર PIને SOG (Special Operations Group)માં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો દ્વારા થયેલી ઘટનાઓ પછી, પોલીસ કમિશનરે આ પગલાં લીધા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

શહેરમાં સાયબર ગુનાઓ પણ ઉત્તરોતર વધારો નોંધાય રહ્યો છે. જેના પગલે 6 PIને સાયબર ક્રાઈમ વિભાગમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી બાજુ, કેટલાક PI, જે હાલમાં કંટ્રોલ રૂમ અથવા લીવ રિઝર્વમાં હતા, તેઓ હજુ સુધી પોલીસ સ્ટેશનની ફાળવણી માટે રાહ જોઈ રહ્યા છે. આ મોટી ફેરબદલી પોલીસ વિભાગમાં નવા સમીકરણો સર્જી શકે છે, અને તે આગામી સમયમાં શહેરની કાયદો અને વ્યવસ્થા પર કેવી અસર કરશે તે જોવાનું રહેશે.

સુનિતા વિલિયમ્સને કયા મિશનમાં મોકલવામાં આવ્યા હતા?

5 જૂન, 2024 ના રોજ, નાસાનું બોઇંગ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ નાસાએ તેના બે અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોરને આઠ દિવસની યાત્રા પર મોકલ્યા. બંનેને સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા મિશન પર મોકલવામાં આવ્યા હતા. તે સ્ટારલાઇનર અવકાશયાનની આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર અવકાશયાત્રીઓ સાથેની પ્રથમ ઉડાન હતી.

 

સુનિતા અને બેરી જે મિશન પર મુસાફરી કરી રહ્યા હતા તે નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામનો એક ભાગ છે. હકીકતમાં, નાસાનું લક્ષ્ય અમેરિકન ખાનગી ઉદ્યોગ સાથે ભાગીદારીમાં યુનાઇટેડ સ્ટેટ્સથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર સલામત, વિશ્વસનીય અને ઓછા ખર્ચે માનવયુક્ત મિશન મોકલવાનું છે. આ પરીક્ષણ મિશન આ જ હેતુ માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશનનો ધ્યેય સ્ટારલાઇનરની સ્પેસ સ્ટેશન પર છ મહિનાના રોટેશનલ મિશન કરવાની ક્ષમતા દર્શાવવાનો હતો. ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ લાંબા ગાળાની ફ્લાઇટ્સ પહેલાં તૈયારી ચકાસવા અને જરૂરી કામગીરી ડેટા એકત્રિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

સુનિતા અને બેરી ISS પર કેમ અટવાઈ ગયા?

જોકે, સ્ટારલાઇનરની અવકાશ મથકની ઉડાન દરમિયાન અવકાશયાનના કેટલાક થ્રસ્ટર્સે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતું. ‘થ્રસ્ટર્સ’ ને સામાન્ય રીતે ઓછા બળવાળા રોકેટ મોટર્સ તરીકે ઓળખવામાં આવે છે. થ્રસ્ટર્સના નબળા પ્રદર્શન ઉપરાંત, સ્ટારલાઇનરની હિલીયમ સિસ્ટમમાં અનેક લીક પણ જોવા મળ્યા હતા. આ પછી નાસા અને બોઇંગે વ્યાપક ડેટા વિશ્લેષણ દ્વારા અવકાશયાન વિશે માહિતી એકત્રિત કરી.

આ તપાસમાં સ્પેસ શટલ કોલંબિયા અકસ્માત પછી સ્થાપિત સંસ્થાઓનો સમાવેશ થતો હતો. આ અકસ્માત 1 ફેબ્રુઆરી, 2003 ના રોજ થયો હતો. કોલંબિયા અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પાછું ફરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો. આ અકસ્માતમાં ભારતીય મૂળના કલ્પના ચાવલા સહિત તમામ સાત અવકાશયાત્રીઓના મોત થયા હતા.

ખ્યાતિ બાદ SVP હોસ્પિટલમાં પણ આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ થયાનો ઘટસ્ફોટ

ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ ગણવામાં આવે છે, કેમ કે જ્યારે કોઈ દર્દી બીમારીથી ઝઝૂમી રહ્યો હોય છે, ત્યારે તેની વ્હારે ડોક્ટર જ આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડોક્ટરો પર ભરોસો ઉઠી જાય તેવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદની ખ્યાતિમાં મોતને ભેટેલા દર્દીઓને ન્યાય મળ્યો નથી તે પહેલા વધું એક હોસ્પિટલનું છમકલું પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદની જ SVP (સરદાર વલ્લભભાઈ પટેલ) હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગનો બીજો કિસ્સો સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલની સાથે હવે અર્ધસરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ પાસેથી આયુષ્યમાન કાર્ડના નામે પૈસા પડાવવાનું શરૂ કર્યું છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત SVP હોસ્પિટલમાં કચ્છનો એક દર્દી દાખલ થયો હતો. દાખલ થયો તે સમયે તેને પૂછવામાં આવે છે કે, શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? દર્દી હા પાડે છે બાદમાં તેની સારવાર શરૂ કરવામાં આવે છે અને બાદમાં તબીબ કહે છે કે, તમારો પગ કપાવવો પડશે. બાદમાં દર્દી અન્ય કોઈ તબીબને કાગળ બતાવે છે તો ત્યાં કહેવામાં આવે છે કે, લેસ સર્ક્યુલેશન ઑફ બ્લડ છે. સ્ટેન્ટ મૂકી દેવામાં આવે તો પગ કાપવાની જરૂર નહીં પડે. આ ઘટસ્ફોટ બાદ દર્દી SVP માંથી રજા માંગે છે અને કહે છે કે, મારે પગ નથી કપાવવા. ત્યારે હોસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે, તો તમારે 35 હજાર ભરવા પડશે. દર્દી કહે છે કે, મારી પાસે તો આયુષ્યમાન કાર્ડ છે તો હોસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે, એ તો તમે પગ કપાવો તો મફત સારવાર થાય જો પગ ન કપાવો અને અધુરી સારવારે રજા લેવી હોય તો તમારે 35 હજાર રૂપિયા ભરવા પડશે.

આ ઘટના લગભગ એક અઠવાડિયા પહેલા બની હતી. પરંતુ, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભામાં આ મુદ્દા વિશે વાત કર્યા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યસભામાં આ વિશે વાત કરી સરકારની આયુષ્યમાન કાર્ડની યોજનાના અમલીકરણને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા હતાં. તેમણે કહ્યું કે, શું આ પ્રકારે આયુષ્યમાન કાર્ડની યોજના લાગુ કરવામાં આવશે? હાલ, આ મામલે SVP દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.  આ તમામ વચ્ચે પ્રશ્ન એ થાયે કે, જ્યાં જીવ બચાવવાની આશાએ ગયા હોય ત્યાં જ અમુક પૈસા માટે માણસના જીવ સાથે રમત કરવામાં આવતી હોય તો લોકો કોના પર વિશ્વાસ કરશે? ખાનગી હોસ્પિટલ બાદ જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે હોસ્પિટલનું સંચાલન થતું હોય ત્યાં પણ આવી ઘટના સામે આવે તો લોકો પોતાનું સ્વાસ્થ્ય સુધારવા માટે ક્યાં જશે?

સુનિતા વિલિયમ્સની વાપસી પર ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ

મહેસાણા: ગુજરાતીમૂળની દિકરી 8 દિવસના મિશન પર સ્પેશમાં ગયા હતા. જે લંબાઈને 9 મહિનાનું બની ગયું અને અંતે આજે વહેલી સવાર તેઓ સુખરૂપ ધરતી પર ફર્યા છે. ત્યારે સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં ખુશીનો માહોલ છવાયો છે. આજે વિલિયમ્સના ફોટા સાથે શોભાયાત્રા નીકળશે અને ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 9 મહિના પહેલા પ્રજવલિત કરાયેલ અખંડ દીવા સાથે શોભાયાત્રા નીકળશે તો, ગ્રામજનોએ સહી સલામત પરત આવે તે માટે અખંડ દીવો કર્યો હતો, પ્રજવલિત કરાયેલ દીવો દોલા માતાજી મંદિરે રખાયો હતો.

સુનિતા વિલિયમન્સના ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગ્રામજનોએ મોડી રાત્રે આતશબાજી કરી હતી અને એકબીજાને મીઠુ મો પણ કરાવ્યુ હતુ. ધરતી પર સુનિતા વિલિયમન્સનું લેન્ડિગ બરાબર રીતે થઈ જાય તે માટે આખી રાત ગામ વાસીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. સહીસલામત લેન્ડિંગ બાદ ગ્રામજનો ઢોલના તાલે ઝુમી ઉઠ્યા હતા. સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમના પિતરાઈ ભાઈએ મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી. અમદાવાદમાં પરિવાર-સોસાયટીના સભ્યોએ મોડી રાત્રે ઉજવણી કરી છે.

ક્રૂ-9 મિશનમાં કુલ 4 અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા છે. સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર ઉપરાંત નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ક્રૂ-9નો ભાગ હતા. સુનિતા અને બચના સ્ટારલાઇનર અવકાશયાનમાં સમસ્યાઓના કારણે નાસાએ આ બંને અવકાશયાત્રીઓને ક્રૂ-9નો ભાગ બનાવ્યા.

પૃથ્વી પર પાછા ફર્યા પછી સુનિતા અને બેરીને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે?

ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા છે. તેમની સાથે, બેરી વિલ્મોર પણ નવ મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. આ બંનેને લઈને જતું અમેરિકન અવકાશયાન મંગળવારે, યુએસ સમય મુજબ પૃથ્વી પર ઉતર્યું.


અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરીએ 9 મહિના કરતાં પણ વધારે સમય અવકાશમાં પસાર કર્યો. પૃથ્વી પર આવ્યા બાદ તેમના માટે જીવન પહેલા જેવું નહીં હોય, બની શકે કે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. આપણે જાણીએ કે કેવી સમસ્યાઓ ઉભી થવાની શક્યતા છે.

ફ્લૂ જેવી સ્થિતિ, ચાલવામાં મુશ્કેલી

અમર ઉજાલા ડોટ.કૉમના અહેવાલ પ્રમાણે નિષ્ણાતોના મતે, સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરની વાપસી બિલકુલ સરળ નહીં હોય. પૃથ્વી પરનું વાતાવરણ ISS પરના વાતાવરણ કરતા ઘણું અલગ છે. વાસ્તવમાં, અવકાશનું વાતાવરણ શૂન્ય ગુરુત્વાકર્ષણનું છે. તેનો અર્થ એ કે અહીં અવકાશયાત્રીઓ એક પગલામાં ઘણા ફૂટનું અંતર કાપે છે. એટલું જ નહીં ઘણા પ્રસંગોએ તેમને કલાકો સુધી સ્પેસશીપ પર પગ મૂકવાની પણ જરૂર નથી પડતી. તેમના પગની ઘન સપાટી પર દબાણ લાવવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને તેમના પગમાં સ્નાયુ સમૂહ ઓછો થઈ જાય છે.

આના કારણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની હાજરીને કારણે હવે જ્યારે તેઓ ચાલવાનો પ્રયાસ કરશે, ત્યારે તેમને ઘન સપાટી પર પગ ખસેડવામાં મુશ્કેલી પડશે અને નબળાઈ અનુભવાશે. તેમને તેમના પગલાં પણ નાના લાગશે આ સ્થિતિને ‘બેબી ફીટ’ તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં સુનિતા અને બેરીને પૃથ્વી પર થોડા સમય માટે ચક્કર અને ઉબકાની સમસ્યા આવી શકે છે.

અવકાશયાત્રી ટેરી વર્ટ્સના જણાવ્યા અનુસાર, ISS ના શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણમાંથી પાછા ફર્યા પછી તેમને લાગ્યું કે તેમનું વજન ખૂબ જ ભારે છે. એટલું જ નહીં તેને ચક્કર પણ આવી રહ્યા હતા અને ફ્લૂ જેવા ચેપનો અનુભવ થઈ રહ્યો હતો. ટેરીના મતે, અવકાશથી પાછા ફર્યા પછી શરીરને પૃથ્વીના વાતાવરણમાં સમાયોજિત થવામાં ઓછામાં ઓછો એક અઠવાડિયા જેટલો સમય લાગે છે. એવું માનવામાં આવે છે કે સુનિતા અને બેરીને પૃથ્વીના વાતાવરણમાં સંપૂર્ણપણે સમાયોજિત થવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

નબળું હૃદય

ધ ગાર્ડિયન અખબાર અનુસાર, અવકાશયાત્રીઓના હાડકાની ઘનતા અવકાશમાં રહેતી વખતે ઘટે છે, જે ઝડપથી સાજા થતા નથી. આ ઉપરાંત તેમના શરીરમાં માંસ પણ ઓછું હોય છે. આનાથી હાથ અને પગ નબળા પડે છે. તે હૃદયને પણ અસર કરે છે, કારણ કે પૃથ્વી પર હૃદયને રક્ત પ્રવાહ જાળવવા માટે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કામ કરવું પડે છે, અવકાશમાં શૂન્ય ગુરુત્વાકર્ષણમાં, આ વધારાનું બળ હૃદય પર લાગુ પડતું નથી.

સુનિતા વિલિયમ્સ લાંબા સમયથી અવકાશમાં હોવાથી તેમનું હૃદય હવે શૂન્ય ગુરુત્વાકર્ષણમાં કામ કરવા માટે ટેવાઈ ગયું હોય છે. શરીરના દરેક ભાગમાં લોહી પહોંચાડવા માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. હવે જ્યારે તે પૃથ્વી પર પરત ફરશે ત્યારે તેના હૃદયને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ રક્ત પ્રવાહ ઉત્પન્ન કરવો પડશે. આનો અર્થ એ થયો કે તેના નબળા હૃદયને ફરી એકવાર પૃથ્વી અનુસાર શક્તિ બતાવવી પડશે. ક્યારેક આમાં ઘણો સમય લાગે છે અને શરીરના દરેક ભાગમાં લોહીનો પ્રવાહ સમયસર થઈ શકતો નથી. આનાથી અવકાશયાત્રીઓના શરીરમાં લોહી ગંઠાઈ જવાનું જોખમ વધે છે.

મગજ પર અસર

આ ઉપરાંત શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણમાંથી પૃથ્વી પર આવ્યા પછી અવકાશયાત્રીઓના શરીરમાં હાજર પ્રવાહી મગજની આસપાસ એકઠું થવા લાગે છે. આના કારણે તેમને એવું લાગે છે કે તેમને ફ્લૂ છે. ખગોળ ભૌતિકશાસ્ત્રી એલન ડફીના મતે આ પ્રવાહી અવકાશયાત્રીઓની આંખોની કીકીનો આકાર બદલી નાખે છે અને તેમને જોવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પૃથ્વી પર પાછા ફર્યા પછી અવકાશયાત્રીઓને ઘણીવાર ચશ્માની જરૂર પડે છે.