Home Blog Page 1009

500ફિલ્મોમાં કરનાર અભિનેતા અને હાસ્ય કલાકાર બેંક જનાર્દનનું નિધન

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા મનોજ કુમારે તાજેતરમાં આ દુનિયાને અલવિદા કહ્યું. મનોજ કુમારનું નિધન માત્ર હિન્દી સિનેમા માટે જ નહીં પરંતુ દક્ષિણ સિનેમા અને તમામ સિનેમા પ્રેમીઓ માટે પણ એક મોટી ખોટ છે. આ પીઢ અભિનેતાના નિધનના શોકમાંથી હજી ચાહકો બહાર આવ્યા ન હતા ત્યાં વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત કન્નડ સિનેમા અભિનેતા અને હાસ્ય કલાકાર બેંક જનાર્દનનું નિધન થયું છે. રવિવારે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા.

બેંક જનાર્દનનનું 77 વર્ષની વયે અવસાન
દાયકાઓથી પોતાના અભિનય અને હાસ્યથી દર્શકોનું મનોરંજન કરતા કન્નડ અભિનેતા બેંક જનાર્દનનું રવિવારે 77 વર્ષની વયે બેંગલુરુમાં અવસાન થયું. બેંક જનાર્દન ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમને બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓ, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને અન્ય ઘણા લોકોએ બેંક જનાર્દનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

2023 માં હાર્ટ એટેક આવ્યો
બેંક જનાર્દનને 2023 માં હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યારબાદ તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગી. તે સમયે અભિનેતા સ્વસ્થ થઈ ગયા, પરંતુ પછી ધીમે ધીમે તેમની તબિયત બગડવા લાગી. છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયત બગડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

500 થી વધુ ફિલ્મો અને ટીવી શ્રેણીઓમાં કામ

બેંક જનાર્દનન કન્નડ સિનેમાના જાણીતા અભિનેતા હતા અને 500 થી વધુ ફિલ્મો અને ટીવી શ્રેણીઓમાં દેખાયા હતા. ચાલીસ વર્ષથી વધુની કારકિર્દી દરમિયાન તેમણે હાસ્ય અને સહાયક બંને ભૂમિકાઓ ભજવી. તેમના મૈત્રીપૂર્ણ અને સરળ અભિનયથી તેમને મનોરંજન ઉદ્યોગમાં પ્રિય વ્યક્તિ બનાવ્યા. જનાર્દનનની કારકિર્દી થિયેટરથી શરૂ થઈ હતી, જોકે તેમણે થોડો સમય એક બેંકમાં કામ કર્યું હતું, જેના પરથી તેમને બેંક જનાર્દન નામ મળ્યું. શાહ, તારલે નાન માગા, બેલિયાપ્પા બંગારપ્પા અને બીજી ઘણી ક્લાસિક ફિલ્મોમાં ભૂમિકાઓ સાથે તેમણે મોટા અને નાના બંને પડદા પર એક અમીટ છાપ છોડી.

ભર ઉનાળે વડોદરામાં થશે વીજ કાપ, જાણી લો સમય અને તારીખ

વડોદરા શહેરમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે નાગરિકોને વીજ કાપનો સામનો કરવો પડશે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરી સમારકામ અને જાળવણી કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે 16 એપ્રિલથી 26 એપ્રિલ સુધી દરરોજ સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે, જેની કોઈ અગાઉથી સૂચના આપવામાં આવશે નહીં. વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, આ જાળવણી કામગીરી વીજ વિતરણની ગુણવત્તા સુધારવા અને ભાવિ સમસ્યાઓ ટાળવા માટે અનિવાર્ય છે.

16 એપ્રિલે અટલાદરા, ફતેગંજ અને આસપાસના વિસ્તારોમાં અટલાદરા રોડ, દીપ અને ધરમસિંહ ફીડરમાં વીજ કાપ રહેશે, જ્યારે 17 એપ્રિલે સમા, ગોત્રી, વાસણા, લક્ષ્મીપુરા અને ગોરવામાં અગોરા મોલ, ગંગોત્રી, માઇલ સ્ટોન, નારાયણ, પ્રથમ સૃષ્ટિ અને શ્રીનાથ ફીડરના વિસ્તારો અસરગ્રસ્ત રહેશે. આવી જ રીતે, 19 એપ્રિલે ફતેગંજ, ગોત્રી અને વાસણામાં આનંદ નગર, ઇસ્કોન હાઇટ્સ અને અટલાદરા સ્ટેડિયમ ફીડર, 20 એપ્રિલે અલકાપુરી અને ગોરવામાં આર્કેડ અને ગોરવા ગામ ફીડર, 22 એપ્રિલે સમા અને ગોરવામાં ચાણક્યપુરી, મનોરથ અને સહયોગ ફીડર, 23 એપ્રિલે ફતેગંજ, લક્ષ્મીપુરા, અટલાદરા, અકોટા, વાસણા અને ગોત્રીમાં હાર્મની, માધવ પાર્ક, મહાબલીપુરમ, સ્વાગત, ટાગોર નગર અને વુડા ફીડર, 24 એપ્રિલે સમા, ગોરવા અને અટલાદરામાં અણુશક્તિ, સુભાનપુરા રોડ અને સન ફાર્મા ફીડર, 25 એપ્રિલે વાસણા, અટલાદરા, અકોટા અને ગોત્રીમાં વરણીમાં, ચાણક્ય, ગુજરાત ટ્રેક્ટર અને રાજેશ ટાવર ફીડર, તેમજ 26 એપ્રિલે ફતેગંજ અને અલકાપુરીમાં ડિલક્સ અને સારાભાઈ ઇસ્ટ એવન્યુ ફીડરના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન નાગરિકોને અગવડ ન થાય તે માટે પોતાનું કામકાજ આગોતરું આયોજન કરવા અધિકારીઓએ સૂચન કર્યું છે. MGVCLએ લોકોને વીજ કાપ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા જેવી કે ઇન્વર્ટર અથવા જનરેટરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે, જેથી રોજિંદા જીવનમાં ખલેલ ઓછી થાય. આ ઉપરાંત, કોઈપણ અણધારી સમસ્યા માટે MGVCLના હેલ્પલાઇન નંબર 19124 અથવા 18002332670 પર સંપર્ક કરવા જણાવાયું છે.

ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરાશે

અમદાવાદઃ વસ્ત્રાપુરમાં આવેલી બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચે ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે આવતી કાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ચાર્જશીટ ફાઈલ કરશે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે અને 5000થી વધુ પાનાંની ચાર્જશીટ ફાઈલ થશે, જેમાં તૈયાર કરાયેલી ચાર્જશીટમાં 105 સાક્ષીઓનો સમાવેશ થાય છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમા એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ બે દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.

ક્રાઇમ બ્રાંચે આ ચાર્જશીટમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી તેનો પણ ખુલાસો કરવામાં આવશે. સરકારે રચેલી કમિટીના રિપોર્ટનો પણ ચાર્જશીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ આઠ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે.

ખ્યાતિ કાંડને લઈ મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ કુલ સાત ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે અને દર્દીઓના મૃત્યુમાં મામલે વસ્ત્રાપુરમાં ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં PMJAYના કાર્ડ બનાવવા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર્તિકના ઘરમાંથી મળી આવેલા દારૂ અંગે ફરિયાદ નોંધાઈ છે. EDએ કાર્તિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને મુંબઈમાં જમીન દલાલ સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

યંગ ટેલેન્ટના સપનાને પ્રોત્સાહન આપે છે આ ઇન્ફ્લૂએન્સર!

“અત્યાર સુધીમાં મેં ઈન્સ્ટાગ્રામ પર લગભગ 6 હજાર જેટલી સ્મૉલ બ્રાન્ડને કોઈ પણ પ્રકારના ચાર્જિસ વગર પ્રમોટ કરી છે.”… આ શબ્દો છે ઈન્સ્ટા ઈન્ફ્લૂઅનસર રૂપલ મિતુલ શાહના. રૂપલબેન ફક્ત એક સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર જ નહિ, પરંતુ હજારો નાના સપનાને પાંખ આપનાર એક સચોટ નામ છે. તેઓ નાના ઉદ્યોગોને તેમજ નાની બ્રાન્ડ્સને પ્રમોટ કરીને તેમને પોતાના પ્લેટફોર્મ પરથી લોકો સુધી પહોંચાડવાનું એક ભવ્ય કામ કરે છે. ખાસ કરીને મહિલાઓ જેઓ નાના સ્ટાર્ટઅપ સાથે પોતાના ફિલ્ડમાં આગળ વધવા માગે છે, તેમને તો રૂપલબેન ચોક્કસથી પ્રોત્સાહન પૂરું પાડે છે. રૂપલબેન પોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મનો ઉપયોગ ફક્ત ફેશન કે બ્રાન્ડ પ્રમોશન માટે જ નહિ, પરંતુ સંવાદ અને સારા મુદ્દાઓને સમર્થન આપવા માટે પણ કરે છે. સુરતના આ સશક્ત મહિલા આજના યુગની એવી પ્રેરણાસ્પદ શખ્સિયત છે, જે પોતાનું નામ બનાવતા જાય છે અને સાથે જ બીજા અનેક લોકો માટે પણ રસ્તો મોકળો કરતા જાય છે.

રૂપલ મિતુલ શાહ, સોશિયલ મિડીયાનું ખૂબ જ જાણીતું નામ છે. સુરતના રહેવાસી રૂપલબેન ગ્લેમરસ અને ગ્રાઉન્ડેડ સોશિયલ મિડીયા ઇન્ફ્લૂએન્સર છે. તેઓ ફક્ત લુક્સ માટે જ નહીં, પરંતુ પોતાની અદભુત એનર્જી, પરિવાર સાથેના હ્રદયસ્પર્શી બંધન અને વિઝનરી લાઇફસ્ટાઇલ માટે પણ એટલાં જ જાણીતા છે. રૂપલબેનના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપને એલિગન્સ અને ટ્રેડિશનની એક સુંદર ઝલક જોવા મળે છે. સાડીથી લઈને સ્ટાઈલિશ વેસ્ટર્ન આઉટફિટ સુધી, દરેક લુકમાં રૂપલ શાહ એક સ્પષ્ટ સંદેશ આપે છે, “સ્ત્રી હોવું એ ગર્વની વાત છે અને સપના જીવવાની કોઈ ઉંમર હોતી નથી”. બિઝનેસવુમન તરીકે પણ રૂપલબેનનો દબદબો છે – તેઓ મેઘમયુર ઈન્ફ્રા અને મેઘમયુર રિયાલ્ટી કંપનીઓના ડિરેક્ટર પણ છે. રૂપલબેનનો જીવનપ્રવાસ સાથે જ સોશિયલ મિડીયા જર્ની પણ આજે ઘણી મહિલાઓને પ્રેરિત કરી રહી છે. ત્યારે ચિત્રલેખા.કોમના “દીવાદાંડી” વિભાગમાં રૂપલબેનની આ જર્નીમાં વિશે વધુ જાણકારી મેળવીએ.

રૂપલબેનનો જન્મ ભાવનગરમાં થયેલો, પરંતુ પરિવાર વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલો છે. તેમનો અભ્યાસ સુરતમાં થયેલો. પિતા વિનયભાઈ શાહ B.Com, L.L.B હતા, જ્યારે માતા ગૃહિણી. રૂપલબેનને એક ભાઈ અને એક બહેન પણ છે. રૂપલબેનનું કહેવું છે કે આજે તેઓ જે મુકામ પર છે તેની પાછળ તેમના માતા-પિતાના આર્શીવાદ અને તેમના સંસ્કાર જ છે. સાથે-સાથે રૂપલબેનની સુંદરતામાં પણ તેમનો વારસો જોવા મળે છે તેવું ચોક્કસ કહી શકાય. પિતાનો આગ્રહ રહેતો કે ત્રણેય બાળકો ભણવામાં આગળ વધે. આજથી 45 વર્ષ પહેલાં વિનયભાઈએ ત્રણેય બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખ્યો હતો. રૂપલબેન કોમર્સ વિષય સાથે સ્નાતક થયા બાદ શેઠ ધનજીશા રુસ્તુમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી પણ કરેલી છે.

રૂપલબેનના લગ્ન સુરત સ્થિત મિતુલ શાહ સાથે થયા, જેઓ શહેરના એક અગ્રણી બિલ્ડરમાંના એક છે. સંયુક્ત પરિવારમાં સાસુ-સસરા, સસરાના પણ પપ્પા, સાસુના માતા બધાંને સાથે રાખીને રૂપલબેન મિતુલભાઈના પરિવારમાં ગોઠવાય ગયા. લગ્નને લગભગ ત્રીસ વર્ષનો સમય થઈ ગયો છે. રૂપલબેન અને મિતુલભાઈને સંતાનમાં જાનવી નામની દીકરી છે. જેના ફેબ્રુઆરી 2024માં લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા.

સોશિયલ મિડીયાની જર્ની વિશે વાત કરતા રૂપલબેન જણાવે છે કે, “કોવિડ સમયમાં મેં માત્ર ફન માટે ટિકટોક વિડીયો બનાવવાના શરૂ કર્યા હતા. જેમાં મને ટૂંક સમયમાં જ ખૂબ જ સારા એવા ફોલોઅર્સ મળી ગયા. પરંતુ જ્યારે ભારતમાંથી ટિકટોકની વિદાય કરવામાં આવી ત્યારે મિત્રોના કહેવાથી હું ઈન્સ્ટાગ્રામ તરફ વળી.”

રૂપલબેનનું કહેવું છે કે, “આજે હું સોશિયલ મિડીયા પર ખૂબ જ વ્યસ્ત રહું છું, અનેક ઈવેન્ટ્સમાં હાજરી આપવા માટે જવાનું હોય છે. કેટલાંક કાર્યક્રમોન પણ અટેન્ડ કરવા માટે જવાનું હોય છે. ત્યારે મારા પતિનો તો મને ફૂલ સપોર્ટ મળે જ છે. પરંતુ મારા આખો પરિવાર મને સાથ આપે છે. ઘણીવાર મારી રીલનું શૂટિંગ ઘરમાં જ થતું હોય છે. ત્યારે પણ મારા સાસુ-સસરા બધાં જ મને સપોર્ટ કરતા હોય છે. મારા માટે થઈને આજે મારા સાસુ-સસરાએ 80-82 વર્ષની ઉંમરે ઈન્સ્ટાગ્રામ ફોનમાં ડાઉનલોડ કર્યુ છે. કારણ કે તેઓને મારું કામ જોવું ગમતું હોય છે. તેઓ મારા કામને લઈને ઉત્સુક હોય છે. પ્રોત્સાહન પણ એટલું જ આપે છે.”

 

રૂપલબેન ગરબા પણ ખૂબ જ સુંદર રમ છે. જેના કારણે તેઓ અનેક કાર્યક્રમોમાં જજ તરીકેની પણ સેવા આપે છે. આ સિવાય તેમની ફેશન સેન્સના કારણે તેમણે 500 કરતા પણ વધુ શૉ જજ કર્યા છે. તેમણે જ્વેલરી બ્રાન્ડ્સ માટે મોડેલિંગ પણ કર્યું છે. રૂપલબેનની ફેશન સેન્સ ગોડ ગિફ્ટેડ છે. તેઓ શાળા સમયથી પોતાની ફેશન સેન્સ માટે ચર્ચામાં રહેતા હતા. ઈન્સ્ટાગ્રામ પર યુથ પણ રૂપલબેનને મોટા પ્રમાણમાં ફોલો કરે છે. આથી તેઓ જે પણ પહેરે છે, તેનું સારી રીતે અનુકરણ તેમના ફોલોઅર્સ કરે એ રીતે ડિસન્સી જાળવીને પહેરે છે.

ખૂબ જ સહાયક પરિવારથી સંપન્ન, રૂપલબેન શાહની આ જર્નીમાં અનેક લોકો જોડાયા છે. તેઓ બધાંને સાથે રાખીને ચાલી રહ્યા છે. જીવન પ્રત્યેના ઉત્સાહ, ઉદારતા તેમજ માનવતા પ્રત્યેના પ્રેમથી તેઓ તેમની આસપાસના બધાં જ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના માટે તેઓ સોશિયલ મિડીયા જેવાં પાવરફૂલ ટૂલનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

(રાધિકા રાઓલ-અમદાવાદ)

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ

નવી દિલ્હીઃ બેલ્જિયમમાં પોલીસે પંજાબ નેશનલ બેન્ક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની ધરપકડ કરી છે. 65 વર્ષીય ચોક્સીની શનિવારે CBI ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે.

મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેન્કમાંથી 13,500 કરોડ રૂપિયાની લોનની છેતરપિંડી કરી હતી અને ધરપકડથી બચવા માટે તે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો.

મેહુલ ચોક્સીની ધરપકડ કરતી વખતે બેલ્જિયમ પોલીસે મુંબઈની એક કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ જાહેર કરાયેલા બે ધરપકડ વોરન્ટનો ઉલ્લેખ કર્યો હતો. આ વોરન્ટ 23 મે, 2018 અને 15 જૂન, 2021એ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સી ખરાબ સ્વાસ્થ્ય અને અન્ય કારણોને ટાંકીને જામીન અને તાત્કાલિક મુક્તિની માગ કરી શકે છે એમ અહેવાલ કહે છે.

પીએનબી કૌભાંડના 13,850 કરોડ રૂપિયાના આરોપસર મેહુલ ચોક્સી પર CBI અને ED દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કેસમાં આરોપી છે, જે લંડનમાં છુપાયેલો છે અને તેના પ્રત્યાર્પણની પણ રાહ જોવામાં આવી રહી છે.

જાન્યુઆરી 2018માં મેહુલ ચોક્સીના ભત્રીજા નીરવ મોદી સાથે ભારતમાંથી ભાગી ગયો હતો. પંજાબ નેશનલ બેન્કમાં લોન છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ બંને દેશ છોડીને ભાગી ગયા હતા. આ ભારતનું બીજું સૌથી મોટું બેન્ક કૌભાંડ હતું. આ મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી. વર્ષ 2021માં જ્યારે તે ક્યુબા જઈ રહ્યો હતો ત્યારે તે ડોમિનિકામાં પકડાઈ ગયો હતો. આ પછી મેહુલે કહ્યું હતું કે રાજકીય ષડયંત્રને કારણે આ કેસ તેમની સામે ચાલી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ED એ ભારતમાં તેમની મિલકતો ગેરકાયદે રીતે જપ્ત કરી છે.

અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, સાત કલાકની જહેમતે આગ કાબૂમાં

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં 14 એપ્રિલની સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ, જ્યારે જલ એક્વા નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી, જે ઝડપથી બાજુમાં આવેલી બી.આર.એગ્રો કંપનીના વેરહાઉસ સુધી ફેલાઈ. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી દેખાતા હતા, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના 12થી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ છથી સાત કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, કારણ કે નાઈટ શિફ્ટમાં કર્મચારીઓ હાજર ન હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, આગ બંને કંપનીઓના સ્ટોરેજ એરિયામાં લાગી હતી, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઘટનાસ્થળે પોલીસ, સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમો પહોંચી, અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપની તરફ જતા તમામ માર્ગોને કોર્ડન કરી દેવાયા.

આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનનો આંકડો હજુ સ્પષ્ટ થવાનો બાકી છે, પરંતુ તપાસ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવી ઘટનાઓનો ઇતિહાસ રહ્યો છે, જેમ કે ગત 14 માર્ચે નેશનલ હાઇવે 48 નજીક નોબલ માર્કેટના સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલી આગ. આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા ધોરણોને લઈને ફરી ચર્ચા જગાવી છે. લોકોને આગળ જતાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

વક્ફ કાયદા અંગે કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદનું સ્ફોટક નિવેદન

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સહારનપુરથી કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદનો એક વિડિયો વાયરલ થયો હતો. આ વિડિયોમાં ઈમરાન મસૂદ વક્ફ બિલ અંગે કહી રહ્યા છે કે જો મસ્જિદો નહીં હશે તો નમાજ ક્યાં અદા કરવામાં આવશે? જો કબ્રસ્તાન નહીં હશે તો મૃતદેહોને ક્યાં દફનાવવામાં આવશે?  ઈદગાહની વાત તો બાજુ પર જ રાખો, જો અમે સત્તામાં આવીશું તો વક્ફ બિલને એક જ કલાકમાં ઉખાડી ફેંકીશું.

આ વિડિયો વાઇરલ થતાં જ રાજકીય વિવાદ ઊભો થયો છે. હવે આ નિવેદન અને વિવાદ પર ઈમરાન મસૂદે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે મેં કોઈને ચેતવણી નથી આપી. અમારો વિરોધ ભાજપ વિરુદ્ધ છે, કોઈ સમુદાય વિરુદ્ધ નથી. મારું આખું નિવેદન સાંભળો. મેં કહ્યું છે કે જો અમે સત્તામાં આવીશું, તો અમે આ કાયદાને નકારી કાઢીશું.

તેમણે આગળ કહ્યું હતું કે ‘મેં મારા નિવેદનમાં એમ પણ કહ્યું છે કે હિંસા માટે દેશમાં કોઈ સ્થાન નથી અને મુર્શિદાબાદની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. અમે લોકશાહી, કાયદા અને બંધારણમાં માનનારા લોકો છીએ. આ વાઇરલ વિડિયો હૈદરાબાદનો હોવાનું કહેવાય છે, જ્યાં મસૂદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ મિલી કાઉન્સિલના કાર્યક્રમમાં સામેલ થયા હતા.

તેમણે સંબોધનમાં કહ્યું હતું કે આ લોકશાહી દેશ છે, રાજાશાહી નહીં. જે દિવસે અમે સત્તામાં આવીશું તે દિવસે વક્ફ બિલ કાયદાને એક કલાકમાં જ ઉખાડી ફેંકીશું. અમે એક જ કલાકમાં સારવાર કરવાનું જાણીએ છીએ.  મેં બંધારણના દાયરામાં રહીને વક્ફ કાયદાનો વિરોધ કરવાની હાકલ કરી હતી અને કહ્યું હતું કે  જ્યાં-જ્યાં આપણી સરકાર છે, જ્યાં-જ્યાં વિપક્ષ સત્તામાં છે ત્યાં આ કાયદો કોઈ પણ સંજોગોમાં લાગુ થવો ન જોઈએ.

 

ગુજરાતમાં વધશે ગરમીનું જોર, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીએ લોકોને હેરાન કર્યા છે. રવિવારે રાજકોટમાં તાપમાન 42.7 ડિગ્રીએ પહોંચતાં શહેર અગનભઠ્ઠી બની ગયું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં 42.3, અમદાવાદમાં 41.6, અમરેલીમાં 42.0 અને ભુજમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં ફેરફારને કારણે તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થયો હતો, જેનાથી રાજ્યના લોકોને થોડી રાહત મળી હતી.

હવામાન વિભાગે 15 એપ્રિલથી રાજ્યમાં ફરી હીટવેવની ચેતવણી જાહેર કરી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. આજે અમદાવાદ અને રાજકોટમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી, અમરેલી, ડીસા અને ભુજમાં 41 ડિગ્રી, વડોદરા અને ભાવનગરમાં 40 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી અને પોરબંદરમાં 34 ડિગ્રી રહેવાની આગાહી છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

આ ગરમીના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગે નાગરિકોને પૂરતું પાણી પીવા, હળવા કપડાં પહેરવા અને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચો જશે તેવી ચેતવણીને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠેથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ICG અને ATSની મોટી કાર્યવાહી

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સની હેરફેરનો મોટો કેસ ઝડપાયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની સંયુક્ત કાર્યવાહીમાં અરબી સમુદ્રમાં 1800 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી. આ ઓપરેશનમાં 300 કિલોગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ છે.

ગુપ્ત માહિતીના આધારે 13 એપ્રિલની મોડી રાત્રે શરૂ થયેલા આ ઓપરેશનમાં ICGએ જહાજો અને વિમાનો તૈનાત કર્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક શંકાસ્પદ બોટને ઘેરી લેવામાં આવી. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ ઝડપી કાર્યવાહી કરી બોટને કબજે કરી.

આ કાર્યવાહી દરમિયાન બોટમાં સંડોવાયેલા કેટલાક શખ્સોની પણ ધરપકડ કરાઈ હોવાનું સૂત્રો જણાવે છે. આ ઘટનાએ ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સની દાણચોરીના વધતા જોખમો ઉજાગર કર્યા છે. તપાસ એજન્સીઓ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.

સલમાન ખાનને ફરી એક વાર ધમકી મળી, વર્લી પોલીસે કેસ નોંધ્યો

બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વરલીમાં ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર ધમકી મોકલવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલી વાર નથી જ્યારે સલમાન ખાનને આવી ધમકીઓ મળી હોય. આ પહેલા પણ સલમાન ખાનને ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે. હાલમાં પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે અને અજાણ્યા વ્યક્તિ સામે કેસ પણ નોંધ્યો છે. ધમકી કોણ મોકલી રહ્યું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી.

Salman Khan.

સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
અભિનેતા સલમાન ખાનને તેમના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીમાં અભિનેતા સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની વાત છે. અજાણ્યા ફોન કરનાર વિરુદ્ધ વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે અને અજાણ્યા વ્યક્તિ વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, સલમાન ખાન કે તેના પરિવાર દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી.

ઘણા વર્ષોથી ધમકીઓ મળી રહી છે
છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવૂડ અભિનેતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે. ગયા વર્ષે સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પછી મામલો ગરમાયો. સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ દરમિયાન નેતા બાબા સિદ્દીકીની પણ હત્યા કરવામાં આવી હતી, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. બાબા સિદ્દીકી સલમાન ખાનના નજીકના હોવાનું કહેવાય છે. છેલ્લા ઘણા દિવસોથી આ મામલે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે ઘણા લોકોની ધરપકડ પણ કરી છે. 2024માં બે અજાણ્યા વ્યક્તિઓએ નકલી ઓળખનો ઉપયોગ કરીને સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ.