ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટનું 10થી 12 જાન્યુઆરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગીદારોમાંની એક ભાગીદાર EU ચેમ્બર કાઉન્સિલે ભાગ લીધો હતો. આ શિખર સંમેલનમાં દેશ-વિદેશની કંપનીઓએ ભાગ લીધો હતો.
EU ચેમ્બરે યુરોપિયન કંપનીઓને સમિટમા ભાગ લેવા પ્રોત્સાહિત કરી હતી અને આ કંપનીઓને ગુજરાતના વિઝન અને સંભવિત તકો વિશેથી માહિતગાર કરી હતી. ચેમ્બરે આ સમિટના બીજા દિવસે એટલે કે 11 જાન્યુઆરીએ ‘અનલોકિંગ ગુજરાત એન્ડ યુરોપિયન યુનિયન’ શીર્ષક સાથે સેમિનારનું આયોજન કર્યું હતું.
આ સેમિનારમાં ડિરેક્ટર ડો. રેણુ શોમે મહેંમાનોનું સ્વાગત કર્યું હતું અને ઓર્ગેનાઇઝેનની કામગીરીની અને ભારત અને યુરોપની કંપનીઓને કનેક્ટ કરવામાં ચેમ્બરની ભૂમિકા વિશે માહિતી આપી હતી.
આ સેમિનારમાં ન્યુક્લિયોન રિસર્ચ પ્રા. લિ.ના ચેરમેન રોબિન બેનરજીએ પણ ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વના વિકાસમાં EUની અને ભારતના વિકાસમાં ગુજરાતની સમાંતર ભૂમિકા સમજાવી હતી. આ સાથે લિસેગા ઇન્ડિયા પ્રા. લિ.ના MD અમિતાભ આનંદે ગુજરાતની સિંગલ વિન્ડો સિસ્ટમને બિરદાવી હતી, કેમ કે એનાથી તેમની કંપનીએ નવ મહિનાની અંદર કામગીરીનો પ્રારંભ કર્યો હતો. આ સેમિનારના અંતે એક ઉપયોગી સવાલ-જવાબના સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા-વિચારણાને પ્રોત્સાહન મળે.