સાંજે પુર્ણિમાબહેને તેના પતિને નિખિલ વિશે વાત કરી અને કહ્યું કે એકવાર તેના ઘરે જઈને વાત કરે. સંગીતના પિતા મહેશભાઈ ગુસ્સાવાળા હતા એટલે તરત જ તેમને પોતાની કાર કાઢી અને પત્ની અને પુત્રીને બેસાડી નિખિલના ઘર તરફ ગયા. આસપાસ પૂછીને તેઓ એ યુવાનના ઘરે પહોંચ્યા અને તેને બહાર બોલાવી ખખડાવ્યો.
‘શું સમજે છે તું પોતાની જાતને? ખબરદાર જો આજ પછી ક્યારેય સંગીતનો પીછો કર્યો છે કે ઘરની બહાર દેખાયો છે તો તારા ટાંટિયા તોડી નાખીશ.’ મહેશભાઈએ નિખિલનો કોલર પકડતા કહ્યું.
‘અરે પણ થયું શું એ તો કહો.’ નિખિલના મમ્મી-પપ્પા બંને વચ્ચે પડ્યા અને નિખિલને છોડાવ્યો.
‘સમજાવી લેજો તમારા છોકરાને. બહુ હીરો બની રહ્યો છે ને, જો બીજીવાર મારી દીકરીને હેરાન કરી છે તો ઝીરો બનાવી નાખીશ.’ મહેશભાઈએ છેલ્લી ચેતવણી આપી અને તેઓ પોતાના ઘરે પાછા ફર્યા.
‘હવે તને ક્યારેય પરેશાન નહિ કરે. ચિંતા ન કર.’ તેમણે પોતાની પુત્રીને સાંત્વના આપી.
બીજા દિવસે સવારે મહેશભાઈએ ઓફિસ જવા ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી તો સામે નિખિલ એક સાદડી પાથરીને બેઠો હતો અને તેની બાજુમાં એક ટીફીનનો ડબ્બો, પાણીની બોટલ, એક ઓશીકું, એક ચાદર એવી બે-ચાર વસ્તુઓ પડી હતી.
મહેશભાઈનનો મગજ છટક્યો. તેઓ ગાડીમાંથી બહાર આવ્યા અને નિખિલ પાસે ધસી ગયા. ‘કાલે આટલો સમજાવ્યો તો પણ તારી અકલ ઠેકાણે ન આવી?’
‘હું સંગીતાને પ્રેમ કરું છું અને જો તે મારી સાથે લગ્ન નહિ કરે તો હું અહીં રોજ ધરણા કરીશ. આ મારો સત્યાગ્રહનો માર્ગ છે સંગીતાને પામવાનો. તમે ઈચ્છો તો મને મારી શકો છો અને મારા ટાંટિયા તોડી શકો છો. પણ હું અહીંથી સંગીતાને લઈને જ જઈશ.’ નિખિલ હાથ જોડી મહેશભાઈ સામે ઉભો રહ્યો અને બોલ્યો. તેની આંખોમાં મહેશભાઈને લુચ્ચાઈ દેખાઈ પણ આ સત્યાગ્રહ વાળો પેંતરો તે ન સમજ્યા.
પરેશાન થઈને મહેશભાઈ ઘરમાં પાછા આવ્યા અને પત્ની અને પુત્રી સાથે બધી વાત કરી. ત્રણેય જણા હવે ચિંતામાં હતા કે આ છોકરાને અહીંથી ખસેડવો કેવી રીતે.
મહેશભાઈએ પોલીસને ફોન કર્યો અને બધી વાત કરી. ‘જો તે છોકરો તમને કોઈ રીતે તકલીફ ન આપતો હોય અને તમારી સંપત્તિ પર ન બેઠો હોય તો અમે કઈ ન કરી શકીએ.’ પોલીસનો જવાબ સ્પષ્ટ હતો.
બપોર સુધી મહેશભાઈએ ત્રણ ચાર મિત્રોની સલાહ લઇ લીધી હતી. કોઈએ કહ્યું કે બેસવા દો, તમને શું ફરક પડે છે. આપમેળે કંટાળીને જતો રહેશે. કોઈએ કહ્યું કે આમાં તો બદનામી થાય તેવું છે, જલ્દી કૈંક ઉપાય કરો. આખરે બધાયે સલાહ આપી પણ સોલ્યુશન આ આપ્યું.
કોઈ ઉપાય ન મળતા મહેશભાઈએ બપોર પછી નિખિલ સાથે વાત કરવા બહાર નીકળ્યા તો જોયું કે ત્યાં તો નિખિલના મમ્મી-પપ્પા પણ આવી ગયા હતા. ‘આ તો આખું કુટુંબ જ ગાંડુ લાગે છે. એમની સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી.
મહેશભાઈએ વિચાર્યું કે હવે કેટલાક લોકોને બોલાવીને આને સમજાવવા પડશે. તેમના એકલાના કહેવાથી આ લોકો નહિ માને. તેમણે મહોલ્લાના બધા લોકોને બોલાવ્યા અને સૌ મળીને નિખિલ અને તેના માતા-પિતા પાસે ગયા. તેઓએ સૌએ મળીને સમજાવવાની કોશિશ કરી કે એમ કોઈની દીકરીને જબરદસ્તી લગ્ન કરવા માટે મજબુર ન કરી શકાય.
પરંતુ નિખિલની દલીલ હતી કે ‘હું તો કોઈ પ્રકારનો દબાવ કરતો જ નથી. કોઈ જબરદસ્તી જ નથી. માત્ર એક વિનંતી છે જો સંગીતાને સ્વીકારવી હોય તો સ્વીકારે નહિ તો ન સ્વીકારે. સત્યાગ્રહ કરવો મારો અધિકાર છે.’
આખરે સૌએ હથિયાર હેઠા મુક્યા નિરાશ થઇ પાછા ફર્યા. મહેશભાઈ અને સંગીતાને માટે આ મોટી સમસ્યા બની રહી કે તેનો નિકાલ કેવી રીતે કરે.
સાંજે પુર્ણિમાબહેનના મમ્મી ઘરે આવ્યા એટલે મહેશભાઈએ તેમણે પુરી વાત કરી. વૃદ્ધાએ થોડીવાર વિચાર કર્યો અને કહ્યું ચાલો આપણે વાત કરી લાવીએ. ‘કોઈ ફાયદો નથી, અમે બધા વાત કરી આવ્યા છીએ.’ સંગીતાએ કહ્યું.
‘કઈ વાંધો નહિ. ચાલો આપણે જઈએ. આસપાસના લોકોને પણ બોલાવી લો.’ નાનીએ કહ્યું.
મહેશભાઈએ ફરીથી મહોલ્લાનાં લોકોને એકઠા કર્યા. દિવસ આથમવા આવ્યો હતો.
‘શું? આંટી તમારી ઉંમર તો જુઓ.’ નિખિલે હસીને વૃદ્ધાની મજાક ઉડાવતા કહ્યું.
‘ના નિખિલ. પ્રેમને ઉમર સાથે કોઈ લેવા દેવા નથી હોતું. મને કોઈ ફરક નથી પડતો લોકો આપણા વિશે શું કહેશે. હું બધાની સામે જાહેર કરું છું કે હું તને પામીને જ રહીશ. અને જો સવાર સુધીમાં તું મને હા નહિ પડે તો કાલથી હું અહીં જ તારી સામે ભૂખ્યા-તરસ્યા ઉપવાસ કરીશ અને મારો જીવ આપી દઈશ. નિર્ણય તારા હાથમાં છે. સવાર સુધી વિચારી લે.’ વૃદ્ધા આટલું કહી પછી ઘર તરફ ચાલતી થઇ. સંગીતા અને તેના મમ્મી પપ્પા પણ પાછળ પાછળ ચાલ્યા. લોકો અંદર અંદર વાતો કરતા પોતપોતાના ઘરે પહોંચ્યા.
બીજા દિવસે સવારે સંગીતાએ આખી બારી ખોલી ચા પીતા-પીતા સવારના ઉગતા સૂરજની કિરણોના રંગો માણ્યા. નિખિલ કે તેના ઘરનું કોઈ સત્યાગ્રહ કરવા આવ્યું નહિ.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)