મુંબઈઃ બોક્સ ઓફિસ પર તેલુગુ ફિલ્મ ‘આરઆરઆર’ની સફળતા અને તેના ‘નાટુ નાટુ’ ગીતે મેળવેલા ઓસ્કર એવોર્ડને પગલે તેનો હિરો જુનિયર એનટીઆર (નંદામુરી તારકા રામા રાવ જુનિયર)ની નવી ફિલ્મ આવી રહી છે ‘NTR 30’. કોરાતાલા શિવા દિગ્દર્શિત આ ફિલ્મ તેલુગુ, તામિલ સહિત તમામ દક્ષિણી ભાષાઓમાં 2024ની પાંચ એપ્રિલે રિલીઝ થવાની છે.
આ ફિલ્મ વિશેષતા એ છે કે તેમાં હિન્દી ફિલ્મોનાં બે કલાકાર પણ કામ કરવાના છે – સૈફ અલી ખાન અને જ્હાન્વી કપૂર. આ બંને કલાકાર આ પહેલી જ વાર તેલુગુ ફિલ્મમાં ચમકશે.
‘NTR 30’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે અને સેટ પર પહેલી જ વાર આવેલા સૈફનું જુનિયર એનટીઆરે સ્વાગત કર્યું હતું. એની તસવીરો સોશ્યલ મિડિયા પર વાઈરલ થઈ છે. સૈફ અલી ખાન આ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા કરી રહ્યો છે. જ્હાન્વી કપૂરે તો આ ફિલ્મ માટેનું શૂટિંગ ક્યારનું શરૂ કરી દીધું છે.
આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર ડબલ રોલમાં જોવા મળશે. ‘આરઆરઆર’ ફિલ્મ બાદ લગભગ બે વર્ષ પછી જુનિયર એનટીઆર નવી ફિલ્મમાં જોવા મળશે. એને જોવા માટે એના ચાહકો આતુર છે.