અમેરિકાનાં 15 લાખ ઘરોમાં વીજપુરવઠો અટકાવી દઈશઃ ડગ ફોર્ડ  

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો હવે ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે, ટ્રમ્પને અમેરિકામાં પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પ દ્વારા અમેરિકી અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે લેવામાં આવેલા ટેરિફ પગલાની અસર હવે અમેરિકા પર જ પડી રહી છે. અમેરિકાએ ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યી છે. જોકે આ દેશો હજુ પણ એ જ અંદાજમાં જવાબ આપી રહ્યા છે.

ટ્રમ્પે ઊર્જા આયાતને છોડીને કેનેડાથી આવતા માલસામાન પર 25 ટકા ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે. જોકે કેનેડાએ પલટવાર કરતાં 30 અબજ ડોલરના મૂલ્યની અમેરિકી આયાત પર ટેરિફ લગાવી દીધી છે. કેનેડાએ પણ અમેરિકી ઉત્પાદનો પર 25 ટકા વધારાનો સરચાર્જ લગાવી દીધો છે.

કેનેડામાં બીજી બાજુ, ઓન્ટારિયો પ્રાંતના પ્રીમિયર ડગ ફોર્ડે  અમેરિકા પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે અમેરિકાને બત્તી ગૂલ કરવાની ધમકી આપી છે. હાલ ઓન્ટારિયો પ્રાંતમાંથી અમેરિકાનાં ત્રણ રાજ્યોને વીજળી પૂરી પાડવામાં આવે છે. અમેરિકામાં મિનિયાસોટા, મિશિગન અને ન્યુ યોર્કમાં લગભગ 1.5 મિલિયન ઘરોને ઓન્ટારિયોથી વીજળી પૂરી પાડવામાં આવે છે. તેનો અર્થ એ કે કેનેડા અમેરિકાને વીજળીની નિકાસ કરે છે. ઓન્ટારિયો પ્રાંત અમેરિકાની સરહદે છે. આ સિવાય કેનેડાએ પણ નિકલનો સપ્લાય બંધ કરવાની ધમકી આપી છે.

ડગ ફોર્ડે ટેરિફ લાદતાં પહેલાં જ વીજપુરવઠો બંધ કરવાની ધમકી આપી હતી, પરંતુ તેની અમેરિકા પર કોઈ અસર થઈ ન હતી અને મંગળવારથી કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાની ધમકી આપ્યા બાદ પ્રીમિયર ડગ ફોર્ડે કહ્યું હતું કે આપણે અમેરિકાનો ઊર્જા પુરવઠો કાપી શકીએ છીએ.  તેમણે ઉમેર્યું હતું કે કેનેડા આર્થિક નુકસાન અટકાવવા માટે તમામ વિકલ્પો પર વિચાર કરશે.