નવી દિલ્હીઃ ઉત્તરાખંડ મંત્રીમંડળે ઉત્તરાખંડ અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થા વિધેયક, 2025 રજૂ કરવાની મંજૂરી આપી છે. આ વિધેયક મદરેસા બોર્ડ અને રાજ્યમાં અલ્પસંખ્યકો દ્વારા સંચાલિત સંસ્થાઓને નિયંત્રિત કરનારા નિયમોને રદ કરશે. સત્તાવાર માહિતી મુજબ પ્રસ્તાવિત વિધેયકનો હેતુ અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાઓના લાભોને માત્ર મુસ્લિમોમાં નહીં, પરંતુ અન્ય અલ્પસંખ્યક સમુદાયો સુધી પહોંચાડવાનો છે.
આ બિલ સામે આવતાં મુસ્લિમ સમાજમાં આ ચિંતા ઊભી થઈ છે કે પ્રસ્તાવિત કાયદો બંધારણની કલમ 26 અને 30 હેઠળના તેમના હકોનું હનન કરી શકે છે, જે તેમને શૈક્ષણિક સંસ્થા ચલાવવાનો અને ધાર્મિક બાબતોના સંચાલનનો અધિકાર આપે છે. પ્રસ્તાવિત વિધેયક લાગુ થતાં 1 જુલાઈ, 2026થી માન્યતા પ્રાપ્ત અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુમુખી અને પાલીના અભ્યાસની પણ મંજૂરી મળશે. આ સાથે ઉત્તરાખંડ મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ, 2016 અને ઉત્તરાખંડ બિનસરકારી અરબી અને ફારસી મદરસા માન્યતા નિયમ, 2019 પણ રદ થશે.
મદરેસા બોર્ડને મળશે આ અધિકારો
આ નિયમો મુજબ મદરેસા બોર્ડને અભ્યાસક્રમ તૈયાર કરવાનો, પરીક્ષા યોજવાનો અને મદરેસાનું નિરીક્ષણ કરવાનો અધિકાર મળે છે જેથી તે યોગ્યતા માપદંડો પૂર્ણ કરે છે કે નહીં તે નક્કી કરી શકાય. હાલમાં બોર્ડ પાસે એક માન્યતા સમિતિ છે, જે મદરેસાઓને માન્યતા આપવાનું કામ કરે છે. બોર્ડના નિયમોમાં કહેવામાં આવ્યું છે કે સમિતિમાં 13 સભ્યોનાં બોર્ડ દ્વારા નિયુક્ત એક સભ્ય, એક શૈક્ષણિક દરજ્જાનો સભ્ય, ડેપ્યુટી-રજિસ્ટ્રાર અને હેડમાસ્ટર દરજ્જાનો એક સભ્ય રહેશે.
પ્રસ્તાવિત વિધેયકથી સંસ્થાની માન્યતા રદ થવાની શક્યતા છે, કારણ કે આ વિધેયક શીખો, જૈનો, ખ્રિસ્તીઓ, બૌદ્ધો અને પારસીઓને પણ અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થા ચલાવવાની મંજૂરી આપે છે, જ્યારે હાલના જોગવાઈ મુજબ આ માત્ર મુસ્લિમો માટે છે. હાલમાં રાજ્યભરમાં 452 માન્યતા પ્રાપ્ત મદરેસા સંચાલિત છે.
