રણવીર અલ્હાબાદિયા યુટ્યુબની દુનિયામાં એક મોટું નામ છે. આને બીયર બાયસેપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. રણવીર તાજેતરમાં સમય રૈનાના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં પેનલિસ્ટ તરીકે જોડાયો. જોકે, આ શોમાં જોડાયા પછી તેને ઇન્ટરનેટ પર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. શો દરમિયાન યુટ્યુબરે શોના સિગ્નેચર ડાર્ક હ્યુમરને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ખરાબ રીતે નિષ્ફળ ગયો. હવે તેને ખુબ જ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં મહેમાન તરીકે ગયો હતો. આ એપિસોડમાં તેની સાથે જસપ્રીત સિંહ, આશિષ ચંચલાની અને અપૂર્વ માખીજા જેવા કન્ટેન્ટ ક્રિએટર્સ પણ હતાં. શો દરમિયાન રણવીરે એક વાંધાજનક પ્રશ્ન પૂછ્યો હતો. રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતા-પિતાના શારિરિક સંબંધને લઈ કેટલીક અશ્લીલ ટિપ્પણીઓ કરી સવાલ કર્યો હતો. રણવીરના આ સવાલને કારણે તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યો અને તેના સવાલ પર લોકોએ વાંધો ઉઠાવ્યો. લોકોની ટિપ્પણીઓ બાદ સમગ્ર વિવાદ શરૂ થયો.
રણવીરનો વીડિયો વાયરલ થયા પછી તેની ટીકા થવા લાગી અને વિવાદ ઉભો થયો. મામલો એટલો વધી ગયો કે તેની સામે ફરિયાદ અને FIR દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને માફી પણ માંગી, પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે શોમાં જવું એ ખોટો નિર્ણય હતો. આ સાથે રણવીર અલ્લાહબાદિયાએ વિનંતી કરી હતી કે આ એપિસોડમાંથી તેમની ટિપ્પણી દૂર કરવામાં આવે. ચાલી રહેલી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને અને રણવીર અલ્લાહબાદિયાની વિનંતી પર આ એપિસોડ હવે યુટ્યુબ પરથી કાઢી નાખવામાં આવ્યો છે.
રણવીરે માફી માગી
રણવીર અલ્લાહબાદિયાએ એક લાંબો વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં તેણે કહ્યું,’મારી ટિપ્પણી માત્ર અયોગ્ય જ નહોતી, પણ રમુજી પણ નહોતી. કોમેડી મારી ખાસિયત નથી, હું ફક્ત માફી માંગવા આવ્યો છું. તમારામાંથી ઘણાએ પૂછ્યું હશે કે શું હું મારા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ કરવા માંગુ છું, સ્વાભાવિક છે! હું તેનો આ રીતે ઉપયોગ કરવા માંગતો નથી. જે બન્યું તેની પાછળ હું કોઈ સંદર્ભ, વાજબીપણું કે તર્ક આપીશ નહીં, હું ફક્ત માફી માંગવા આવ્યો છું. મારી નિર્ણય લેવાની વ્યક્તિગત ક્ષમતાનો અભાવ હતો. મારા તરફથી આ યોગ્ય નહોતું. આ પોડકાસ્ટ બધી ઉંમરના લોકો જુએ છે, અને હું તે વ્યક્તિ હોવાની જવાબદારીને હળવાશથી લેવા માંગતો નથી. આ પ્લેટફોર્મનો વધુ સારી રીતે ઉપયોગ કરવાની જરૂર છે, આ સમગ્ર અનુભવમાંથી મને આ શીખવા મળ્યું છે. હું ફક્ત વધુ સારા બનવાનું વચન આપું છું. મેં વિડિઓના નિર્માતાઓને પણ અસંવેદનશીલ ભાગો દૂર કરવા કહ્યું છે અને અંતે હું ફક્ત એટલું જ કહી શકું છું કે મને માફ કરશો. મને આશા છે કે તમે મને એક માણસ તરીકે માફ કરશો.
સીએમ ફડણવીસે આપી પ્રતિક્રિયા
યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું,”મને તેના વિશે ખબર પડી છે. મેં હજી સુધી તે જોયું નથી. વસ્તુઓ ખોટી રીતે કહેવામાં આવી છે અને રજૂ કરવામાં આવી છે.” દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું, “દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્ય છે પરંતુ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થાય છે. આપણે આપણા સમાજમાં કેટલાક નિયમો બનાવ્યા છે, જો કોઈ તેનું ઉલ્લંઘન કરે છે તો તે એકદમ ખોટું છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.”
એપિસોડ હટાવવામાં આવ્યો
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટનો વિવાદાસ્પદ એપિસોડ હવે યુટ્યુબ પરથી દૂર કરવામાં આવ્યો છે. આ સામગ્રી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ મોબાઇલ એપ્લિકેશન પર પણ અલગથી અપલોડ કરવામાં આવે છે, પરંતુ વિડિઓ હવે એપ્લિકેશનમાં પણ ઍક્સેસ કરી શકાતો નથી. NHRC એ YouTube ને વિડીયો દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, શોમાં અપશબ્દોના ઉપયોગ અંગે મુંબઈ કમિશનર અને મહારાષ્ટ્ર મહિલા આયોગને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં ફક્ત રણવીર અલ્લાહબાડિયા જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ માખીજા અને કોમેડિયન સમય રૈનાનું પણ નામ હતું. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે અને માહિતી આપી છે કે ગુવાહાટી પોલીસે પણ આ મામલે એફઆઈઆર નોંધી છે.
સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી
એક યુઝરે લખ્યું હતું, “આજકાલ કોમેડી ફક્ત ગાળો, અશ્લીલતા અને બિનજરૂરી મજાક સુધી મર્યાદિત રહી ગઈ છે. આ વિડીયો જોયો ત્યાં સુધી મને ખરેખર આ જૂઠું લાગતું હતું.” બીજા એક યુઝરે લખ્યું. “આ ઘૃણાસ્પદ છે. કોઈએ આ બેદરકાર યુવા સામે FIR નોંધાવવી જોઈએ.”
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)