વેસ્ટ ઈન્ડિઝે ભારતને પાંચમી T20માં 8 વિકેટે હરાવી 3-2થી સિરીઝ પર કબ્જો કર્યો

વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ નિર્ણાયક મેચમાં ભારતને આઠ વિકેટે હરાવ્યું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે આ T20 શ્રેણી પણ 3-2થી કબજે કરી લીધી છે. ફ્લોરિડાના લોડરહિલમાં રમાયેલી પાંચમી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 18 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બે T20 જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ વાપસી કરી અને ત્રીજી અને ચોથી ટી20 જીતી લીધી. જો કે, પાંચમી T20 હારવાની સાથે ભારતીય ટીમે શ્રેણી પણ ગુમાવી દીધી હતી. નિકોલસ પૂરન અને બ્રાન્ડન કિંગે વેસ્ટ ઈન્ડિઝ માટે 107 રનની ભાગીદારી કરીને ભારતને મેચ અને શ્રેણી જીતવાથી દૂર રાખ્યું હતું. બ્રાન્ડોન કિંગ 55 બોલમાં 85 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ભારતે વન-ડે અને ટેસ્ટ શ્રેણી જીતી

ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પણ આ મેચ સાથે સમાપ્ત થયો. ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી લીધી હતી. પ્રથમ ટેસ્ટ ભારતે એક ઇનિંગ અને 141 રને જીતી હતી. બીજી ટેસ્ટ ડ્રો રહી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી. ભારતે પ્રથમ વનડે 5 વિકેટે જીતી હતી. બીજી વનડેમાં વિન્ડીઝે શાનદાર વાપસી કરી હતી અને 6 વિકેટથી જીત મેળવી હતી. ભારતે ત્રીજી વનડેમાં રેકોર્ડ 200 રનથી જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ ચાર રને અને બીજી T20 બે વિકેટથી જીતી લીધી હતી. ભારતે ત્રીજી T20 સાત વિકેટે અને ચોથી T20 નવ વિકેટે જીતી હતી. હવે ભારતીય ટીમ આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે. 18મી ઓગસ્ટથી શરૂ થશે.