આજે સુરતમાં AAPના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જોકે ધરપકડ બાદ તેનો છુટકારો થયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંગે વિવાદિત કોમેન્ટ બદલ ધરપકડ કરાઈ હતી. જામીનપાત્ર ગુનો હોવાથી ક્રાઈમ બ્રાંચમાંથી ગોપાલ ઈટાલિયાને જામીન મળ્યા છે. છુટકારા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની કયા ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી તે અંગે ગોપાલ ઇટાલિયાએ જાણકારી આપી છે. આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આક્ષેપ પણ કર્યા છે.
સુરત શહેરમાં વિધાનસભા ચૂંટણીનો મિજાજ ખૂબ જ જામી ગયો હતો. તે દરમિયાન પોતાના રાજકીય નિવેદનમાં હર્ષ સંઘવી ઉપર સતત શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હતા. રાજ્યમાં સતત ડ્રગ્સ પકડાતો હોવાને કારણે ગોપાલ ઇટાલિયા એ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી તરીકે સંબોધ્યા હતા. જે અંગે પ્રતાપ જીરાવાલા (ચોવટીયા)એ ઉમરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આજે ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી, જોકે બાદમાં જામીન પર તેમનો છુટકારો થયો છે.
