જેડી વેન્સે ઈરાન યુદ્ધને ગણાવ્યું પરાજયનું મુખ્ય કારણ

અમેરિકામાં યોજાયેલી મિડટર્મ ઈલેક્શનમાં રિપબ્લિકન પાર્ટીના પરાજય બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપ-રાષ્ટ્રપતિ જેડી વેન્સના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ જેડી વેન્સે ચૂંટણીમાં મિળેલી હાર માટે ઈરાન સાથેના યુદ્ધને સૌથી મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે 2024 ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પ અને તેમનું સમર્થન કરનારા મોટી સંખ્યામાં મતદારોએ આ વખતે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો તરફ ઝુકાવ દાખવ્યો હતો. વેન્સના જણાવ્યા અનુસાર, ઈરાન યુદ્ધ, વધતી જતી મોંઘવારી, ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ પ્રત્યેની નારાજગી અને ઈઝરાયેલ સાથેના અમેરિકી સંબંધોએ મતદારોના નિર્ણય પર ઊંડી અસર છોડી છે.

અમેરિકામાં 3 નવેમ્બરે યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવીને સંસદના બંને ગૃહો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સીનેટ પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી લીધું છે. આ પરાજય બાદ રિપબ્લિકન પાર્ટીની અંદર પરિણામોને લઈને ગંભીર આત્મમંથન શરૂ થઈ ગયું છે. ઉપ-રાષ્ટ્રપતિ જેડી વેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિસ્તૃત નિવેદન જારી કરીને પોતાની પાર્ટીની હારના કારણોનું વિશ્લેષણ કર્યું છે. તેમણે જણાવ્યું કે પાર્ટીની નિષ્ફળતાનું મુખ્ય કારણ સમર્થકોનું મતદાન મથક સુધી ન પહોંચવું નહોતું, પરંતુ મોટી સંખ્યામાં જૂના પરંપરાગત સમર્થકોએ ડેમોક્રેટિક ઉમેદવારોના પક્ષમાં મતદાન કર્યું તે હતું.

પોતાના વક્તવ્યમાં સ્પષ્ટ શબ્દોમાં તેમણે ઉમેર્યું કે, ‘અમારી હારનું મુખ્ય કારણ યુદ્ધ જ છે.’ તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટીના આંકડાકીય વિશ્લેષકો એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે આ વખતે મતદાન કરનારા લોકોની રાજકીય પસંદગી 2024 ની રાષ્ટ્રપતિ ચૂંટણી જેવી જ છે કે કેમ. શરૂઆતી આંકડાઓ પરથી એવા સંકેતો મળી રહ્યા હતા કે રિપબ્લિકન સમર્થકો પૂરતી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. પરંતુ એક ડેટા વિશ્લેષકે તેમને ચેતવણી આપી હતી કે વધુ મતદાનનો અર્થ એ નથી કે આ મતદારો રિપબ્લિકન પાર્ટીને જ વોટ આપશે. વેન્સના જણાવ્યા મુજબ, વિશ્લેષકે તેમને અગાઉથી જાણ કરી હતી કે 2024 માં ટ્રમ્પ અને વેન્સની જોડીને મત આપનારા ઘણા લોકો અત્યારે નારાજ છે અને આ વખતે વિરોધી પક્ષ તરફ મતદાન કરવાની તૈયારી કરી રહ્યા છે.

જેડી વેન્સે ફ્લોરિડાનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં મતદાન કરનારાઓમાં રિપબ્લિકન મતદારોનું પ્રમાણ ડેમોક્રેટિક મતદારો કરતા 9 ટકા વધારે હતું. આ 2024 ની રાષ્ટ્રપતિ ચૂંટણીની સરખામણીમાં નજીવો તફાવત હતો. તેમના મતે, આ બાબત સાબિત કરે છે કે રિપબ્લિકન પાર્ટીની સમસ્યા માત્ર મતદાનની ટકાવારી નહોતી. વેન્સે ઉમેર્યું કે સૌથી મોટો પડકાર એ રહ્યો કે 2024 માં ટ્રમ્પ અને તેમને વિજયી બનાવનારા અનેક મતદારોએ 2026 માં ડેમોક્રેટિક પાર્ટીનું સમર્થન કર્યું. તેમણે એ પણ જાહેર કર્યું કે ચૂંટણી પહેલા એક અનુભવી સર્વેક્ષકે રિપબ્લિકન પાર્ટી રાષ્ટ્રીય સ્તરે સામાન્ય પક્ષીય પસંદગીના સર્વેક્ષણમાં 13 ટકા જેટલી પાછળ રહી જવાની આશંકા વ્યક્ત કરી હતી.