નવી દિલ્હીઃ અમેરિકાના ઉત્તર કેરોલિનાની એક યુનિવર્સિટીમાં થયેલી ગોળીબારની ઘટનાથી હડકંપ મચી ગયો હતો, જેમાં એક યુવાનનું મોત થયું હતું અને છ અન્ય લોકો ઘાયલ થયા હતા, જેને કારણે રવિવારે કોલેજ કેમ્પસ બંધ કરવો પડ્યું હતું એમ યુનિવર્સિટીએ આ માહિતી આપી હતી.
કોલેજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ગોળીબારની આ ઘટના ‘એલિઝાબેથ સિટી સ્ટેટ યુનિવર્સિટી’ના કેમ્પસમાં એક ઉત્સવ પછી થઈ હતી. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઘટનામાં 24 વર્ષીય યુવાનનું મોત થયું હતું, જે કોલેજનો વિદ્યાર્થી ન હતો અને તેની ઓળખ હજી જાહેર કરવામાં આવી નથી. આ ઉત્સવની ચહલપહલ દરમિયાન ગોળીબારની ઘટના બની હતી જેમાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત ચાર લોકો ઘાયલ થયા હતા, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ભાગદોડને કારણે ઈજા પામ્યા હતા.
આ યુનિવર્સિટીના આખા કેમ્પસમાં સુરક્ષા વધારવામાં આવી હતી. યુનિવર્સિટીએ એ નિવેદનમાં જણાવ્યું હતું કે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. શૈક્ષણિક સંસ્થાએ પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી આ ઘટનાથી ખૂબ દુઃખી છે. યુનિવર્સિટીએ સાવચેતીરૂપે આખા કેમ્પસમાં પેટ્રોલિંગ વધાર્યું છે. રવિવારે પછી કેમ્પસના મધ્યમાં વિદ્યાર્થીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
