ટીવી એક્ટર અર્જુન બિજલાની સાયબર ક્રાઈમનો શિકાર, 40 હજારનું નુકસાન

મુંબઈ: ટીવી એક્ટર અર્જુન બિજલાની તાજેતરમાં સાયબર ફ્રોડનો શિકાર બન્યા હતા. ક્રેડિટ કાર્ડ દ્વારા તેમને 40 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. અભિનેતાએ 9 મેના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.હવે અભિનેતાએ આ ઘટના વિશે વિગતવાર વાત કરી છે અને જણાવ્યું છે કે તે કેટલી ડરામણી ઘટના છે.

અર્જુન વર્કઆઉટ કરી રહ્યો હતો

અર્જુને કહ્યું,’મારું ક્રેડિટ કાર્ડ માત્ર મારી પાસે છે અને હું જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. બ્રેક પડતા મેં મારો ફોન તપાસ્યો અને જોયું કે ત્યાં ઘણા બધા મેસેજ હતા કે મારું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવામાં આવ્યું છે અને ત્યાં સતત વ્યવહારો ચાલુ છે. મારી પત્ની પાસે પણ સપ્લીમેન્ટરી કાર્ડ છે, તેથી મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે તેની પાસે તેનું કાર્ડ છે. તેથી તે સ્પષ્ટ છે કે વિગતો લીક કરવામાં આવી છે અને આ કેવી રીતે થયું તે અંગે અમે અજાણ હતા.

આ પછી અર્જુને તરત જ તેનું કાર્ડ બ્લોક કરાવી દીધું. અર્જુને કહ્યું,’હું સૂતો હોત તો? ઘણા લોકો બેંકના તમામ મેસેજ ચેક કરતા નથી.પરંતુ મને સમજાયું કે તે કેટલું મહત્વનું છે. હું નસીબદાર હતો કે મેં આ સમયસર જોયું અને ત્યાં ઘણા વ્યવહારો નહોતા. દરેક ટ્રાન્ઝેક્શન રૂ. 4 થી 5 હજારનું હતું અને મારા કુલ ઉપાડ રૂ. 40 હજાર હતા. મારા કાર્ડની મર્યાદા 10 થી 12 લાખ રૂપિયા છે. તેથી જો મેં મારો ફોન ચેક ન કર્યો હોત તો આ સ્થિતિ વધુ ખરાબ બની શકે તેમ હતી. મને સમજાતું નથી કે કોઈપણ OTP વિના વ્યવહારો કેવી રીતે થયા. આ ખૂબ જ ડરામણી ઘટના છે. હવેથી હું દર 6 મહિને મારું ક્રેડિટ કાર્ડ બદલીશ.’ અર્જુને સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી છે.

આ શોમાં અર્જુન બિજલાની જોવા મળી રહ્યાં છે

અભિનેતાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટીવી શોમાં જોવા મળી રહ્યાં છે. એક્ટિંગની સાથે તે હોસ્ટિંગ પણ કરે છે. છેલ્લી વખત અભિનેતા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ 10 શોને હોસ્ટ કરતા જોવા મળ્યા હતા. આ દિવસોમાં તે શો ‘પ્યાર કા પહેલા અધ્યાયઃ શિવ શક્તિ’માં જોવા મળે છે.