યુક્રેન શાંતિ કરાર પર ટ્રમ્પ, પુતિનની ઐતિહાસિક મુલાકાત અલાસ્કામાં

વોશિંગ્ટનઃ હાલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની ચર્ચા ચોરે ને ચૌટે ચાલી રહી છે. ટ્રમ્પ પ્રેસ બ્રિફ કરવા આવે છે અને રોજ કોઈ ને કોઈ દેશ પર ટેરિફ કે પછી પ્રતિબંધનું એલાન કરે છે. આ બધાની વચ્ચે તેમણે શુક્રવારે એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તેઓ 15 ઓગસ્ટે અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મળશે. આ બેઠકનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે એક શાંતિ કરાર પર ચર્ચા કરવાનો છે.

આ મુલાકાતની જાહેરાતે ઘણાં સપ્તાહથી ચાલી રહેલી અટકળોને અંત આવ્યો છે કે આ ઉચ્ચ સ્તરીય બેઠક ક્યાં થશે. અગાઉની અહેવાલોમાં પુતિન માટે સંયુક્ત અરબ અમીરાત પસંદીદા સ્થળ ગણાવાયું હતું, પરંતુ અમેરિકાએ સુરક્ષા અને કૂટનીતિક પ્રાથમિકતાઓનો હવાલો આપીને અલાસ્કાની પસંદગી કરી છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં સંકેત આપ્યો કે સંભવિત કરારમાં કેટલાક વિસ્તારોની આપલે’ સામેલ હોઈ શકે છે.  ક્રેમલિનના સહયોગી યુરી ઉશાકોવે પણ પુષ્ટિ કરી છે કે બંને નેતા ‘યુક્રેન સંકટ માટે લાંબા ગાળાનો શાંતિપૂર્ણ ઉકેલ મેળવવાના વિકલ્પો પર ચર્ચા’ કરશે. કેટલાક વિશ્લેષકો માને છે કે રશિયા તે વિસ્તારો છોડવા સંમત થઈ શકે છે, જેને તેણે સત્તાવાર રીતે પોતાનામાં જોડ્યા છે.

ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે પુતિન સાથે તેમની બેઠક યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથેની સંભવિત વાતચીત પહેલાં થશે. ટ્રમ્પ અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેઓ પુતિનને મળવા તૈયાર છે, ભલે રશિયન નેતા ઝેલેન્સ્કી સાથે વાતચીત કરવા સંમત હોય કે નહીં.