ટોરેન્ટ પાવર મધ્ય પ્રદેશમાં થર્મલ પાવર પ્રોજેક્ટ વિકસાવશે

અમદાવાદ: દેશમાં વીજઉત્પાદન,  ટ્રાંસમિશન અને વિતરણની સંકલિત હાજરી ધરાવતી ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની ટોરેન્ટ પાવર લિમિટેડને 1600 મેગાવોટ કોલસા આધારિત નવા થર્મલ પાવર પ્લાન્ટમાંથી લાંબા ગાળાની વીજળી પૂરી પાડવા માટે  MP પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ (MPPMCL) તરફથી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે. MPPMCL દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઇને કંપનીએ રૂ. 5.829/kWhના ટેરિફ પર આ LoA પ્રાપ્ત કર્યો છે.

કંપની મધ્ય પ્રદેશમાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓઉન અને ઓપરેટ (DBFOO) મોડેલ પર 2×800 મેગાવોટનો ગ્રીનફિલ્ડ અલ્ટ્રા-સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટ સ્થાપિત કરશે અને MPPMCLને સંપૂર્ણ ક્ષમતા પૂરી પાડશે. કોલસા મંત્રાલયની શક્તિ નીતિ હેઠળ MPPMCL દ્વારા પાવર પ્લાન્ટ માટે જરૂરી કોલસાની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ PPAના અમલીકરણની તારીખથી 72 મહિનાની અંદર કાર્યરત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં આશરે રૂ. 22,000 કરોડનું રોકાણ સામેલ છે અને તે પાવર ક્ષેત્રમાં ટોરેન્ટ ગ્રુપ દ્વારા કરાયેલું સૌથી મોટું મૂડીરોકાણ હશે.

આ પ્રોજેક્ટ અલ્ટ્રા-સુપરક્રિટિકલ ટેકનોલોજી પર સ્થાપિત કરવામાં આવશે, જે અત્યંત કાર્યક્ષમ છે અને પરંપરાગત પાવર પ્લાન્ટની તુલનામાં કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. કંપનીના વાઇસ ચેરમેન અને MD જિનલ મહેતાએ જણાવ્યું હતું કે ટોરેન્ટ પાવર દ્વારા કરવામાં આવી રહેલા આ મૂડીરોકાણથી વર્ષ 2032 સુધીમાં ભારત સરકારના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક – 80 ગીગાવોટ વધારાની કોલસા આધારિત ક્ષમતાને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ દ્વારા દેશના આર્થિક વિકાસને ટેકો આપશે અને ગ્રીડને સ્થિર કરવા માટે ખૂબ જ જરૂરી બેઝ લોડક્ષમતામાં વધારો કરશે.

આ પ્રોજેક્ટ સ્થાપિત કરવાની પ્રક્રિયા દરમિયાન લગભગ ૮૦૦૦થી ૧૦,૦૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે. તેમ જ પ્રોજેક્ટ અમલી બન્યા બાદ તેના સંચાલન તબક્કામાં ૧૫૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે તેવી અપેક્ષા છે. આ ક્ષમતાના ઉમેરા સાથે ટોરેન્ટ પાવર પાસે કુલ લોક-ઇનજનરેશન અને પંપ સ્ટોરેજ ક્ષમતા અનુક્રમે ~9.6 GWp અને 3 GW થશે; જેમાં સ્થાપિત જનરેશનક્ષમતા 4.9 GWp અને નવીનીકરણીય પ્રોજેક્ટ્સની ~3.1 GWp, થર્મલ ક્ષમતા 1.6 GW  અને પંપ્ડ સ્ટોરેજ ક્ષમતા 3 GWની અવિકસિત ક્ષમતાનો સમાવેશ થાય છે.